ભાવનગર રાજ્યના રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતિ તા. ૨૫-૧૦-૨૦૨૩ના રોજ ભાવનગરથી નજીક શેઢાવદર ગામમાં ઉજવવામાં આવી. પિંગળશીબાપુના અનેક ચાહકો સ્નેહ તથા આદરથી આ કાર્યક્રમમાં જોડાયા. સમસ્ત ગામ શેઢાવદર માટે આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. કવિશ્રીનો શેઢાવદર સાથેનો નાતો મજબૂત હતો અને આજે પણ છે. આથી આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ એ એક પરિવાર કે સમાજનો ન રહેતા સમગ્ર શેઢાવદર ગામ આ ઉજવણીના યજમાનપદે હતું. આઠ દાયકાથી પણ વધારે સમય પહેલા આ મહાકવિએ મહાપ્રયાણ કર્યું પરંતુ તેમની રહેણી-કરણી તથા કાવ્યસર્જનને કારણે આજે પણ તેમની સ્મૃતિ લોકહૈયામાં અડીખમ ઉભી છે. ભર્તુહરિ મહારાજે કહ્યું છે તેમ કવિઓની સ્મૃતિ ચિરંજીવી રહે છે. તેઓ સ્વર્ગસ્થ નહિ પરંતુ હૃદયસ્થ થાય છે. ભર્તુહરિ મહારાજ લખે છે:
જયંતિ તે સુકૃતિનો
રસસિદ્ધા: કવિશ્વરા, નાસ્તિ
યેષાં યશ: કાયે જરામરણાંજ ભયમ ||
રાજકવિઓની એક ઉજળી પરંપરા રહી છે. રાજકવિઓની સમગ્ર પરંપરાને ઉજાળે તેવું પિંગળશીબાપુનું વ્યક્તિત્વ હતું. આ કવિઓએ જે તે સમયના શાસકોને તેમના સારા કર્યો માટે બિરદાવ્યા છે. આ કવિઓ રાજ્ય સાથે મજબૂત તથા પેઢી દર પેઢીનો સંબંધ ધરાવે છે. આથી શાસકો સાથેના તેમના તંદુરસ્ત સંબંધો છે. ઉપરાંત લોકસમૂહ તથા રાજવીઓ વચ્ચે તેઓ મજબૂત કડી બનીને ઉભા રહે છે. પિંગળશીભાઈ નરેલાએ ભાવનગરના રાજવીઓની ત્રણ પેઢીઓ સાથે નિકટતાથી કાર્ય કર્યું. આ બાબત પણ કવિના દીર્ઘ યોગદાનનું પ્રતીક છે. જે તે સમયે આ કવિઓ જે સર્જન કરે તે સમગ્ર ઇતિહાસનો પણ એક મહત્વનો ભાગ બને છે. ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ પણ અહીંથી મળી રહે છે.
રાજકવિ પિંગળશીબાપુના વ્યક્તિત્વ બાબત દિગ્ગજ સાહિત્યકારોએ લખ્યું છે. રાજ્યકવિનાં વ્યક્તિત્વનો એક અલગ જ પ્રભાવ હતો. કવિની કોઠાસૂઝ અને રાજનીતિની સમજ ઊંડી હતી. ભાવનગરના રાજવી વીરભદ્રસિંહજીએ લખ્યું છે કે પિંગળશીબાપુને મારા પિતા રાજવી કૃષ્ણકુમારસિંહજી માત્ર રાજકવિ તરીકે જ નહિ પરંતુ સલાહકાર તરીકે પણ માનતા હતા (પિંગળવાણી). નૂતન પ્રવાહને સમજનારા આ કવિવર્ય હંમેશા પોતાના વિચારો સ્પષ્ટ તથા નીડરતાથી રજુ કરતા હતા. પિંગળશીભાઈ જેવી કહેણી સાંભળવા મળે તેમ લાગતું નથી તેવું વીરભદ્રસિંહજીનું વિધાન કવિના જાજ્વલ્યમાન વ્યક્તિત્વની એક ઓળખ સમાન છે.
જાણીતા સર્જક ચન્દ્રવદન મહેતાએ પિંગળશીબાપુના વ્યક્તિત્વ અંગે વિગતે વાત કરી છે(પિંગળવાણી, પ્રકાશક: બળદેવભાઈ નરેલા) આ બાબત જોતા પણ કવિના પ્રભાવી વ્યક્તિત્વની એક ભાતીગળ ઝલક જોવા મળે છે. ચંદ્રવદન મહેતા લખે છે કે તેઓ ભાવનગરમાં યોજવામાં આવેલી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ગયા હતા. ચંદ્રવદન મહેતા પાનવાડીમાં પિંગળશીભાઈને મળ્યા ત્યારે કવિ ખબરદાર તથા બળવંતરાય ઠાકોર સાથે તેઓ હતા. ચંદ્રવદન લખે છે: “પિંગળશીભાઈને જોયા પછી તેમના પ્રભાવી વ્યક્તિત્વને કારણે વાત કરવાની હિમ્મત કરી શક્યો ન હતો… સભાજનોને મંત્રમુગ્ધ કરનાર સમય સંજોગ આવે તો તરત શીઘ્ર કવિતા કરી લલકારનાર કવિમહાશયો તે આ !” મન-પ્રફુલ્લિત કરે તેવો આ પ્રસંગ ચંદ્રવદન મહેતાના સ્મરણમાં જીવનભર રહ્યો હતો. પિંગળશીબાપુના કાવ્યો નરસિંહ-દયારામ કે મીરાંની અડોઅડ બેસી શકે તેવા છે. આથી જ આ કાવ્યો આજે પણ લોકજીભે રમે છે.
સૌરાષ્ટ્રની રસધારનો પહેલો ભાગ પ્રગટ થયો તેને આ વર્ષે એટલે કે ૨૦૨૩માં સો વર્ષના વહાણાં વાઈ ગયા છે. મેઘાણીને સૌરાષ્ટ્રની રસધારની વાતોની વિગતો મેળવવામાં દરબાર વાજસૂર વાળાનું મહત્વનું પ્રદાન રહ્યું. દરબાર વાજસુરવાળા ઉપરાંત જેમની પાસેથી મહત્વની વાતો પ્રાપ્ત થઇ તે બાબતમાં મેઘાણી લખે છે: ભાવનગરના વિદ્વાન રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાને ‘રસધાર’ ક્દી વિસરી શકે તેમ નથી. પોતાનો અમૂલ્ય સમય, સ્નેહ તેમજ ધીરજ આપીને પિંગળશીભાઈએ રસધારના ખરબચડા વહેણને સરખો કરી આપ્યો.” અનેક સ્પષ્ટતાઓ પીંગળશીબાપુએ કંટાળ્યા સિવાય પત્ર વ્યવહારથી પણ મેઘાણીને પુરી પાડી. પિંગળશીભાઈના ગીતો ગામડે ગામડે ગવાય છે. આવા કવિ સૌરાષ્ટ્રમાં એક જ છે.” પીંગળશીબાપુ જેવા સમર્થ લોકોના યોગદાનથી સૌરાષ્ટ્રની રસધાર ભાતીગળ બની છે. આ તળની વાતો છે. ભૂમિનું આ મોંઘેરું આભૂષણ એ આપણી સાંસ્કૃતિક મૂડી છે.
કવિરાજ પિંગળશીભાઈની કાવ્ય રચનાઓમાં વિવિધતા ભરી પડી છે. અનેક વિષયોને લઈને તેમણે કાવ્યસર્જન કર્યું છે. છંદના તથા રાગના વિવિધ સ્વરૂપો તેમની રચનાઓમાં ઝળહળે છે. મિત્ર કેવો હોય તેનું એક સુંદર છપય માણવું ગમે તેવું છે.
મિત્ર કીજીએ મરદ,
મરદ મન દરદ મિટાવે,
મિત્ર કીજીએ મરદ,
કામ વિપત્તિમેં આવે,
મિત્ર કીજીએ મરદ,
સત્ય કહકર સમજાવે
મિત્ર કીજીએ મરદ
ખુશામત કર નહિ ખાવે.
મિત્ર તાહિકો નામ હૈ
લોભ કબુ મન ના લગે
કવિ સત્ય બાત પિંગલ કહે
દેહ જાય નેહ ન ડગે.
પિંગળશીબાપુનું બીજું એક કાવ્ય “સુકાણાં મોત સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું?” પણ તેના શબ્દો તેમજ ભાવને કારણે ખુબ જ લોકચાહના મેળવી શક્યું છે. ઉત્તમ કવિકર્મ ઉપરાંત એક પ્રભાવશાળી તથા ઉદારતાના અનેક ગુણ પિંગળશીબાપુના વ્યક્તિત્વનો અભિન્ન ભાગ છે. તેમના કાવ્યો પાઠ્ય પુસ્તકોમાં સ્થાન પામ્યા છે. પિંગળશીબાપુના અવસાન બાદ મેઘાણીએ લખ્યું (જન્મભૂમિ, મુંબઈ તા. ૦૮-૦૩-૧૯૩૯) હતું: “તૂટ્યું ગરવોનું ટુક.” આપણી ગઈકાલની ઉજળી ધરોહરના વિચરતા સ્થંભ સમાન પિંગળશીબાપુના પહાડી વ્યક્તિત્વનો આ ઉપમાથી ખ્યાલ આવે છે. પિંગળશીબાપુના પિતા પાતાભાઈ પણ સમર્થ રાજકવિ હતા. “જસો વિલાસ” નામના જાણીતા ગ્રંથના તેઓ કર્તા હતા. મધ્યયુગના સંતોના માર્ગે ચાલનારા પિંગળશીબાપુ એક સમર્પિત પ્રભુભક્ત હતા. ઉદાર ચરિત આત્મા એ કોઈ સંતની તુલનામાં આવે તેવા હતા. સમગ્ર પિંગળ સાહિત્ય એ આપણો ઉજળો વારસો છે. તેમની સ્મૃતિમાં જે કાર્યક્રમો યોજવામાં આવે છે તેવા કાર્યક્રમો થકી સમાજની ગુણગ્રાહિતા પ્રગટ થાય છે.
વસંત ગઢવી
તા. ૧૭ નવેમ્બર ૨૦૨૩
Leave a comment