: ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી

બાર બીજના ધણીને સમરું

નકળંક નેજાધારી… ભજનના..

દોહા તથા ભજન એ આપણા સદીઓથી લોકપ્રિય એવા લોકભાગ્ય માધ્યમો છે. બંનેના માધ્યમથી જીવનના ઉમદા તત્વો તથા સંતોની વાણીનો નિર્મળ પ્રવાહ લોકસમૂહ સુધી અવિરત પ્રકારે વહેતા રહે છે. જીવનની રોજરોજની ઘટમાળમાં પણ અનેક લોકોને ભજનવાણી એક અનોખી શાંતિ પુરી પાડે છે. ભજન એ આપણાં અસંખ્ય ભાંડુઓ માટે દૂરની કે અપરિચિત વાત નથી. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક વિશેષ તથા ઉજળી આભામંડળનું સર્જન કરે છે. આમ ગણો તો લોકસાહીત્ય એ તો એક વિશાળ વટ વૃક્ષ સમાન છે. આ વૃક્ષ તેની ડાળે ડાળે બેઠેલા ભિન્ન ભિન્ન પક્ષીઓથી શોભી ઉઠે છે. આજ રીતે લોકસાહિતયનું વિશાળ વૃક્ષ પણ ગીતો, છંદો, દોહા, સોરઠાઓ, કથાઓ જેવા તેના વિવિધ સ્વરૂપોથી અનેરી શોભા ધારણ કરીને ઉભું છે. પરંતુ સમર્થ સંશોધક અને લોકકવિ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે તેમ લોકવાણીનો અંતિમ પરિપાક એ  ભજનવાણી છે. એટલું જ નહીં ભજનવાણીએ શાસ્ત્રોની અનેકજ્ઞાનસમૃધ્ધ વાતોનો અમૂલ્ય ખજાનો   સીધી – સોંસરવી અને સરળ ભાષામાં લોકના દરબારમાં રજૂ કર્યોછે. આથી મેઘાણીભાઇએ કરેલું એક ઐતિહાસિક અવલોકન ફરી ફરી સ્મૃતિમાં આવ્યા કરે છે. મેઘાણીએ લખ્યું : .. જો વેદો, ઉપનિષેદો તેમજ ભાગવત ઇત્યાદિતમાંથી દોહન કરીને આ લોકવાણી જો જનસમાન્યને સ્પર્શે તેવા તાલ સંગીતના કટોરામાં ન ઉતારત તો એક પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત.’’ વિશાળ જનસમુદાયે આ ભજનવાણીને ખોબે અને ધોબે માણી છે. અંતરના ઉમળકાથી આ વાણી અને તેના વાહકોને વધાવ્યા છે. ખુદ ઝવેરચંદ મેઘાણી પણ જીવનના છેલ્લા પડાવે સંતવાણી તરફ વિશેષ ઢળે છે. સંતસાહિત્ય એ તેમના માટે આ સમયે સૌથી અગત્યનો વિષય હતો. તેઓએ ‘સોરઠી સંતવાણી’ની પ્રસ્તાવના પણ લખી. પરંતુ દુર્ભાગ્યે સંતસાહિત્યનું આ પ્રથમ સોપાન પ્રગટ થાય તે પહેલા મેઘાણી સંતોની અમર જમાત સમક્ષ હાજર થવા આ દુનિયામાંથી મહાપ્રયાણ કર્યું. ભજનવાણીને લોકો સુધી પહોંચાડવામાં આપણા ભજનિક સંતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ કે મુગટલાલ જોશી જેવા અનેક મીઠા અને મર્મીલા ભજનવાણીના વાહકોને લોકોએ આકંઠ માણ્યાં છે. આ પરંપરાગત તથા સત્વશીલ સાહિત્ય તેની આંતરશકિતથી જમસામાન્યના હૈયાદ્વારે કાયમી સ્થાન મેળવવામાં સફળ થયેલું છે. આપણી સંતવાણી કાળજયી છે. રાત્રીના પ્રહાર પ્રમાણે ભજનો ગવાતા જાય છે. અંધારી રાત્રિઓ પણ ભજનો થકી ઉજળી થાય છે. ભજનોના સ્વર સૂરનું એક જૂદુંજ ખેંચાણ છે. 

જમીં આસમાન બાવે

મૂળ વિણ રોપ્યાં જી…

થંભ વિણ આભ ઠેરાણાં હોજી

   અખંડ ઘણીને હવે ઓળખો હોજી

ભારતના દરેક ખુણાના બહોળા લોક સમૂહને આ વાણીએ ભીંજવી છે. ગોરખનાથ – રામાનુજ – કબીર – ભાણસાહેબ – જ્ઞાનેશ્વર –   તુકોબા – નરસિંહ – દાસી જીવણ – મીરાં – ગંગાસતી જેવા તેજસ્વી નામોનું વિરાટઅને વ્યાપક યોગદાન ભજનવાણીના વિષયમાં છે. છેલ્લા પાંચ કે છ સૈકાઓથી ભજનવાણીનો એક અલગ સામાજિક પ્રભાવ જોઇ શકાય છે. ભકિતમાર્ગના ઉપાસકોને ભજનવાણીનો મોટો આધાર તેમના સાધના પથના માર્ગમાં હાથવગો રહેલો છે. મેઘાણીભાઇ ભકિતરસના આ પ્રવાહને ચૌદમી સદીના વિરાટ અને ભારતવ્યાપી ચમત્કાર તરીકે ‘સોરઠી સંતવાણી’માં ઓળખાવે છે. જ્ઞાનની અમૃતધારા આ મધ્યયુગના સંતોએ સરળ ભાષામાં મઠો અને મંદિેરોની બહાર લોકદરબારમાં લાવીને મૂકી હતી. આ એક અસાધારણ ઘટના હતી. પ્રેમલક્ષણા  ભકિતના રંગે લોકહૈયા રંગાયા હતા.

સખી ! સાંભળ કરું એક

વાતડી, સાંભળતા લાગે મીઠી રે,

સખી ! સતગુરુએ શબ્દ સુણાવિયા

આજ તો અચરજ મેં દીઠો રે.

ભકિતમાર્ગના આ સ્નેહપંથ પર કથની નહિ પરંતુ કરણી પર વિશેષ ભાર છે. પોતાના જીવન વ્યવહારથી સંતોએ અનેક લોકોને દોરવણી આપી છે. પ્રોત્સાહિત કર્યા છે. સહનશીલતા જેવા ગુણોનુ તેમાંમહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે. જયારે સહનશીલતાના ગુણની વાત કરવામાં આવે ત્યારે ધરતીમાતાથી બીજુ મોટું ઉદાહરણ હોઇ શકે નહિ.

જી રે લાખા !

ખુંદી તો ખમે માતા

પ્રથમીને વાઢી તો ખમે

વનરાઇ, કઠણ વચન

મારાં સાધુડાં ખમે,

નીર તો સાયરમાં રે સમાય,

લાખા ! અબળા લોયણ

તમને એમ ભણે હોજી

લોકકવિ અને લોકસાહિત્યના ધૂળધોયા શ્રી મેઘાણીએ સંત સાહિત્યનું સંશોધન સંપાદનનું કાર્ય કર્યું. સંતસાહિત્યનું ભાતીગળ સ્વરૂપ   જોતાં પ્રતિતિ થાય છે કે ભકિત પ્રવાહનું આપણું આ સાહિત્ય ઘણાં વ્યાપક તથા વિસ્તૃત સ્વરૂપે ફેલાયેલું છે. શાસ્ત્રોના વચનો તથા અનેક વિચારકોના તત્વચિંતનને સુપાચ્ય તથા સરળ બનાવીને ભકતકવિઓ ઉંડાણના ગ્રામ્ય જીવન સુધી નિષ્ઠાપૂર્વક લઇ ગયા. દુર્ગમ રુઢિની દિવાલો છિન્ન ભિન્ન કરીને આ સંતોએ નવા ચીલા પાડયા છે. જાત તરફની જાત્રાનું મહત્વ આ સંતોએ ગાયું અને સમજાવ્યું છે. ઉદાહરણ તરીકે ભાણસાહેબના પુત્ર ખીમ સાહેબના આ પદમાંભીતરની દ્રષ્ટિને ઉજાગર કરવાની વાત કરી છે. આ માટે બહાર ફરવાનીકયાં જરૂર છે ? 

આ કાયામાંપરગટ ગંગા,

શીદ ફરો પંથપાળા,

એ રે ગંગામાં અખંડ નાઇલ્યો,

મત ન્હાવ નદીયું નાળા,

સંતો ફેરો નામની માળા.

ભકિત આંદોલન રાષ્ટ્રવ્યાપી થવાના અનેક કારણો અભ્યાસુઓએ જણાવ્યાં છે. પરંતુ બધા કારણોમાં ભકિતમાર્ગની આ ધારા લોકકેન્દ્રી બનીને રહી અને ચાલી તે ખૂબ મહત્વનું છે. ભજન કરવું અને ભોજન કરાવવું એ જ આપણાં સંતોનો સાર્વત્રિક સંદેશ હતો. કોઈ ક્રિયાકાંડ કે બાહ્ય આચારનું આ વાણીમાં મહત્વ નથી. સંતસાહિત્ય સાંપ્રદાયિક વાડાઓમાં પણ બંધાયું નથી.

સંસ્કુત ભાષાની ભભક તેમજ પ્રચુરતા સામે લોકવાણીની સરળતા લોક ખેંચાણનું મહત્વનું કારણ બની રહી. ઉપરાંત ભકિત આંદોલનમાં નારી શકિતના મહત્વનો પૂર્ણ સ્વીકાર થયો.આ માર્ગમાં જાતિ-પાતિના આવા કોઇ કૃત્રિમ નિષેધ ન હતા. ‘‘ પાટ પરંપરા’’ માં તો નારીશકિતનો વિશેષ સ્વીકાર થયો. ઉપરાંત આ બધા સંતો-ભકત કવિઓ સંસાર વચ્ચે રહ્યાં અને ઉજળા જીવનના આદ

ર્શોની સ્થાપ્ના કરતાં ગયા. સંત દેવીદાસ જેવા સંતોએ દીન-દુખિયા તથા રોગગ્રસ્ત ભાંડુઓની સેવાને જ પ્રભુભકિતના આદર્શ તરીકે સ્વીકારી રકતપિતીયાઓની સેવા કરી. કબીર સાહેબ સંત સાહિત્યનાં મેરુશિખર સમાન છે. આજે પણ તેમની કાળજયી રચનાઓ સમાન આદર ભાવથી અનેક લાકેો સાંભળે છે. આજ રીતે રણુંજાના રામા રામદેવ બીજ માર્ગની ઉપાસનામાં મહત્વનું સ્થાન પામેલા છે. સંતકવિઓએ બાહ્ય આચાર વિચાર કરતા ભીતરના પરીવર્તને વિશેષ મહત્વના ગણ્યાં છે. નરભેરામ લખે છે :

નથી રામ ભભૂતિ ચોળ્યે

નથી ઉંધે શીર ઝોળ્યે

નથી નારી તજી વન જાતાં

જયાં લગી આપ ન ખોળે.

સંતવાણી કે ભજનવાણી એ આપણાં સાહિત્યનો એક મહત્વનો તથા સત્વ ધરાવનારો પ્રવાહ છે. આથી આ સાહિત્યનું તેના શૂધ્ધ સ્વરૂપે જતન થાય તે જોવાની આપણી ફરજ છે. આ ભવ્ય વારસાની અનેક વાતો સાંપ્રત કાળમાંપણ એટલીજ પ્રસ્તુત છે. આથી તમામ બાબતો કાળબાહ્ય થઇ હોય તેમ ગણી શકાય નહી. કવિ મેઘાણી જેવા અભ્યાસુ સંશોધકને પણ આવા અનેક કારણોસર સાહિત્યના આ સ્વરૂપમાં ઉંડો રસ પડ્યો. સંતસાહિત્યના સંપાદન કાર્યમાં તેઓ જીવનના સંધ્યાકાળે એકાકાર થયા તે આ સાહિત્યનું અદકેરું મૂલ્ય સ્પષ્ટ કરે છે. ગાંધીજીએ પણ આશ્રમમાં ગવાતા ભજનનોનું મહત્વ અનેક પ્રવચનો – લેખોમાં સ્પષ્ટ કરેલું છે. સાધક દિલીપકુમાર રોય સાથેની ગાંધીજીની મુલાકાત દરમિયાન ભજન પોતાને પ્રિય હોવાનું મહાત્માએ જણાવ્યું હતું. બાપુએ ભજનની સરખામણી ગંગોત્રીના નિર્મળ પ્રવાહ સાથે કરી હતી. આજે પણ સાહિત્યના આ સ્વરૂપના વાહકોને સાંભળવા વિશાળ માનવ મેદની એકત્ર થાય છે તે આ ધારાના સાંપ્રત પ્રભાવને સ્પષ્ટ કરે છે. જિંદગીના પ્રવાસમાંકપરો સમય આવે અને અજંપો કે નિરાશાનો ભાવ થાય તો ભજનવાણીના શબ્દોમાં આવા કપરા સમયે વિસામો આપવાની શકિત છે. આથી આ સાહિત્યનો સંગ યથાશકિત કરવા જેવોછે. ભજન એ સંતોની કવિતા છે. પરમાત્મા સાથેનો અદ્વૈત ભાવ ભજનમાંથી પ્રગટ થાય છે. ઈશ્વરનો સદાકાળ સંગાથ એ જ ભક્તની દ્રઢ શ્રદ્ધાનો વિષય છે. આ સંદર્ભમાં સાંઈ મકરંદના શબ્દો યાદ આવે છે:

પગલું હું માડું આકાશમાં

જોઉં નીચે હરિવરનો હાથ

અજંપાની સદા સૂની શેરીએ

ગાતો આવે અદીઠો સંગાથ

જાગીને જોઉં તો કોઇ નથી એકલું.

વી.એસ.ગઢવી 

ગાંધીનગર. 

તા. ૧૭ નવેમ્બર ૨૦૨૩.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑