વાટે…ઘાટે:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું.

તારી રે જણશું વીરા !

જુદિયું, એ…જી… એના જુદા

જાણણહાર, જૂઠા રે નામ એના

પાડીશ નહિ, ભલે નવ મળે

એનો લેનાર, જી…જી…જી…જી…

શબદનો વેપાર

          સાતત્યપૂર્ણ પ્રવાસના પરિશ્રમ સાથે ભાષાકર્મના આ ઉજળા ઉજમથી મેઘાણીના સર્જનો રચાયા અને અમરત્વને પામ્યા છે. જયંત કોઠારીએ લખ્યું છે તેમ નરી સાકરના ગાંગડા કરતાંયે કુચાવાળી શેરડીનો રસ અધિક પ્રિય લાગે છે. લોક-સાહિત્યની આ અમૂલ્ય કથાઓમાંથી જીવનને અનુરૂપ તત્વો ખેંચી શકાય છે. અનંતકાળ માટેનું આ સાહિત્યભાથુ એ જીવનનું શાશ્વત રસાયણ છે. લોકમાંથી આ સાહિત્યનું નિર્માણ થયું છે. લોક થકી જ તેનું સંવર્ધન થયું છે તેમજ સચવાયું છે. લોકશાશ્વત છે. આથી જીવાતા જીવનને આલેખતું સાહિત્ય પણ સાશ્વત છે.

                 જીવનના કારમા આઘાતો વચ્ચે પણ મેઘાણીની સાહિત્યયાત્રા નિરંતર ચાલતી રહી. બગવદરના ઢેલીબહેન જેવા કેટલાયે મીઠા અને મર્મીલાં માનવીઓ પાસેથી તેમની સાથે બેસીને તેમણે અમૂલ્ય સાહિત્ય એકત્રિત કર્યું. અનેક નવા ગીતો ગુજરાતને મળ્યાં. સૌરાષ્ટ્ર-ફૂલછાબ તથા જન્મભૂમિ(મુંબઈ) તેનાથી લાભાન્વિત થતા રહ્યા. તંત્રી અમૃતલાલ શેઠે ‘જન્મભૂમિ’ પત્રનો મુંબઈમાં પાયો નાખ્યો. આગ્રહથી તેમણે મેઘાણીને મુંબઈ બોલાવ્યા અને ‘જન્મભૂમિ’ સાથે જોડ્યા. “કલમ અને કિતાબ” નામથી લોકપ્રિય થયેલી કોલમના માધ્યમથી ફરી મેઘાણી મુંબઈમાં ઝળકી ઉઠ્યા. કેટલીક રસધારની વાતો તથા ગીતોની રેકર્ડ પણ અહીં થઇ જે એક અમૂલ્ય દસ્તાવેજીકરણનું કામ થયું.

                          લોકસાહિત્ય એ મેઘાણીનો પ્રબળ અનુરાગ છે. એ કથાઓ તથા ગીતો એમના હૈયામાં વસેલા છે. મુંબઈ યુનિવર્સીટી આયોજિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં તેમણે લોકસાહિત્ય પર આપેલા પ્રવચનો (૧૯૪૧-૪૨) સાંભળવા હકડેઠઠ માનવમેદની જામતી હતી. કૃષ્ણલાલ મોં. ઝવેરી લખે છે કે લોકસાહિત્યની વાતો મેઘાણી પાસેથી સાંભળવા યુનિવર્સીટીના હોલની ક્ષમતાથી પણ ઘણાં વધારે લોકો આવતા હતા. એક વ્યાખ્યાનમાં શ્રીમતી હંસાબહેન મહેતા પ્રમુખસ્થાને હતા. પરંતુ ભીડના કારણે તેમને પ્રમુખની બેઠક પર આગલી હરોળમાં પહોંચાડવા તે મુશ્કેલ કામ હતું. કાઠિયાવાડી સર્જકે મુંબઈને લોકવાણીની મધુરતાનું ઘેલું લગાડ્યું હતું. પરંતુ આ સર્જક આવી બાહ્ય સફળતાની ગાથાઓથી અંતરમાં સંતુષ્ટ થતાં નથી. પુત્ર મહેન્દ્રભાઇને આ વ્યાખ્યાનમાળાના સંદર્ભે પત્રમાં લખે છે: “મને વિરાટ મેદની વચ્ચે જોવાનો તારો મનોરથ સ્વાભાવિક છે. પરંતુ હું એમાં આત્માનો સ્વાદ અનુભવતો નથી. મારું મન હંમેશા એવી કીર્તિથી દૂર ભાગે છે.” ટોળા વચ્ચે એકલતા અનુભવતો આ સર્જક મા શારદાનો સાચો ઉપાસક છે. આ ઉપાસના સ્પૃહારહિત છે. છતાં આ લોકવાણી તરફનો તેમનો સ્નેહ ઉત્ક્ટ છે. આથી મેઘાણી કહે છે કે ગ્રંથસ્થ સાહિત્યને ગજરાજની ઉપમા આપીએ તો કંઠસ્થ લોકવાણીને ગાય અથવા બકરીનું બિરુદ આપી શકાય. લોકવાણી એ સ્થળ અને કાળના સીમાડાને ઓળંગીને ઠેકઠેકાણે જઈ, વિકટમાં વિકટ જગાઓ પર પહોંચીને ચરતી રહી છે. એનું દૂધ એટલે જ આપણને સુપ્થ્ય બન્યું છે. બકરી કે ગાય રાજસવારીમાં ભલે ગજરાજ જોડે શોભાયમાન થતી નથી. પરંતુ ઘરઆંગણા શોભાવી પ્રજાના બાલહૈયાને પુષ્ટ કરે છે. આથી લોકવાણીનું અદકેરું મૂલ્ય છે. સૌરાષ્ટ્રની રસધાર એ આ વાણીનો જ ઉજળો તથા ધસમસતો પ્રવાહ છે. આજે પણ આ પ્રવાહ તેના સત્યને કારણે જીવંત રહ્યો છે. કથાઓ-ગીતો-ભજનો એકઠા કરવા આ સર્જકે તથા સંશોધકે પગપાળા તેમજ ઘોડા, બળદગાડા તથા ઊંટ પર પરિભ્રમણ કર્યું. ગામડાં, ડુંગરા, નદી-નાળાઓ ખૂંદીને આ અમૂલ્ય સાહિત્ય એકઠું કર્યું. ધૂળ-ધોયાનું આ ભગીરથ કાર્ય હતું. છિન્નભિન્ન પડેલી લોકસાહિત્યની મહામૂલી મૂડીને એકઠી કરી તેમજ સુવ્યવસ્થિત ઢાંચામાં ગોઠવીને લોકના જ ચરણે અર્પણ કરી. આ પ્રયત્નની સાર્થકતા સર્જકને પ્રાંતિક મિથ્યાભિમાનના સ્વરૂપે હરગીઝ ખપતી નથી. ભૂતકાળની આ મગરુબી પ્રતાપી ભવિષ્યના બીજારોપણ તરીકે સર્જકે નિહાળે છે. વિશ્વભરના લોકજીવનના મહાત્મ્યનું આ દર્શન છે. “સૌરાષ્ટ્ર” અખબારની ભેટ તરીકે અસંખ્ય ભાવકો સુધી આ કથાઓ પહોંચાડવાનો અમૃતલાલ શેઠનો નિર્ણય દીર્ઘદ્રષ્ટિ સંપન્ન હતો. ૧૯૪૧માં શાંતિનિકેતન કવિગુરુ ટાગોરના નિમંત્રણથી ગયા. વિદ્યાર્થીઓ તથા વ્યાખ્યાતાઓએ તેમની વાણીના રસને માણ્યો અને આ કથાઓથી પ્રભાવિત થયા. ગાંધીજીએ મેઘાણીની સાહિત્ય ઉપાસના અને સર્જનને કૃષ્ણની બંસરીની સેવા તરીકે વધાવી છે. ધરતીના સામાન્ય માણસો વચ્ચે રહીને તેઓ અસામાન્ય મધુરતા પાથરતા ગયા. મેઘાણીના મિત્ર કવિ દુલા ભાયા કાગ લખે છે કે મેઘાણીના જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ એક અવધૂત મસ્તયોગી જેવા લાગતા હતા. 

                લોકકથાઓનાં સંપાદન-સંશોધનનો ઇતિહાસ તપાસીએ તો મેઘાણી જેમ એકલા હાથે આટલી સાહિત્ય સામગ્રી એકઠી કરી હોય તેવા દાખલા જોવા મળતા નથી. પ્રજાની આવતી પેઢીઓ નિર્બળ ન થાય તે માટે પ્રેરણાના પિયુષ પાવાનો આ મહાન સર્જકનો ભગીરથ પ્રયાસ નિષ્ફળ જાય તેવો નથી. 

                સંપાદકો-સંશોધકોને સામાન્યતઃ તેઓ જે કાર્ય કરે તેને મોટા પરિણામોમાં મુકવા લલચાય છે. આ બાબત સામાન્યતઃ જોવા મળે છે. મેઘાણીની તટસ્થતા એ બાબતમાં સુખદ અપવાદ છે. આ ‘ઇમાની’ ભાઈએ જાત પરનો આ સારસ્વત અંકુશ પ્રભાવકારી લાગે તેમ જાળવ્યો છે. કથાઓનું મૂલ્યાંકન કરવામાં પણ નીર-ક્ષીરનો વિવેક છે. સૌરાષ્ટ્રની રસધારની શતાબ્દીએ તેની વંદના કરવાનો આ ઉચિત સમય છે. કવિ ઉમાશંકર જોશીની મેઘાણી સ્મૃતિ વંદનાની પંક્તિઓ યાદ આવે છે:

ધૂપસળી સળગ્યાં કરે

ગંધ પહોંચે ઠામે ઠામ,

અમૃતાળા માઢું કોક જ મળે

જે હોય વાતોનો વિશરામ.

કાળને કાળજડે ત્રબકે ત્રોફાવ્યું

મોંઘુ મેઘાણીનું નામ.

વસંત ગઢવી 

તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑