:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:

    અનુવાદિત રચનાઓની બાબતમાં ઝવેરચંદ મેઘાણીએ કરેલું એક અવલોકન તેમના અનુવાદ અંગેના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે. આ બાબત તેમણે પોતાની પુસ્તિકા ‘સિંધૂડો’ની શરૂઆતમાં લખી છે. તેઓ કહે છે:

                  “સિંધૂડોની કેટલીક રચનાઓ યુરોપી કવિતાનો આધાર લઈને રચાયા છે. બાકીના સ્વંય-સ્ફુરિત છે. સ્વંય સ્ફુરણાનો જેમ ગર્વ નથી તેમ આધાર લઈને રચાયેલાંની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું સ્વંય-કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.”

                જે સહજ છે, જે સ્વાભાવિક છે. તે સાચું છે. મેઘાણીની આ સ્પષ્ટ તથા સરળ સમજ છે. આ વાતમાં અનુવાદની પરંપરા તથા તેની કળાનું હાર્દ આવી જાય છે. આથી જે અનેક લેખકો-કવિઓએ અનુવાદના મહત્વના તથા ચિરંજીવી કાર્યો કર્યા તેમાં ઝવેરચંદ મેઘાણીના અનુવાદ અંગેના અવલોકનનો પડઘો પડતો જોઈ શકાય છે. કેટલાક મેઘાણી દ્વારા અનુદિત કે રૂપાંતરિત કાવ્યો મૂળ કૃતિઓનું ગૌરવ વધારે તેવા સુપ્રસિદ્ધ થયા છે. ‘શબદ’ના જાણતલ અને માણીગર મેઘાણી અનુવાદની બાબતમાં પણ મુઠી ઉંચેરા છે. તેમના અનુવાદો તથા સ્વંય તેઓ અન્યથી જુદા પડે છે.

તારી રે જણશુ વીરા ! જુદીઉ,

એજી એના જુદા જાણણહાર

જુઠા રે નામ એના પાડીશ નહિ,

ભલે ન મળે કોઈ લેનાર….

જી…જી…જી…જી… શબદનો વેપાર.

                    મેઘાણીએ કવિગુરુ ટાગોરના કાવ્યો પણ આપણી માતૃભાષામાં ખુબ જ કુશળતા સાથે ઉતાર્યા છે. “મન મોર બની થનગાટ કરે” જેવા અનુસર્જનો આજે પણ ડાયરાઓમાં મંચ પરથી રજુ થાય છે. પ્રેક્ષકો ઉત્કટતાથી આ કાવ્યો ઝીલે છે. આ પ્રકારની કૃતિઓને અનુવાદ કહી શકાશે નહિ. અનુવાદમાં સામાન્ય રીતે મૂળ કૃતિના શબ્દોને કેન્દ્રમાં રાખી તેને અનુરૂપ રચના કરવામાં આવે છે. પ્રોફેસર ફિરોઝ દાવર આ પ્રકારના અનુવાદો માટે ટ્રાન્સફયુઝન (રૂપાંતર) શબ્દનો પ્રયોગ કરે છે. આવી કૃતિમાં મૂળ કૃતિનો શબ્દશઃ અનુવાદ હોતો નથી. ‘સંચયિતા’ નામનો કવિગુરુનો કાવ્યસંગ્રહ એક સ્નેહીજન તરફથી મેઘાણીને મળે છે તેવો ઉલ્લેખ છે. મેઘાણી આ પુસ્તક મળ્યું તેને  ‘વિધિનિર્મિત મંગળભાગ્ય’ તરીકે ગણાવે છે. મેઘાણી ‘રવીન્દ્રવીણા’માં કહે છે કે કાવ્યોના અનુસર્જનમાં વસ્તુસામગ્રી ટાગોરની છે તેમજ રાખી છે. પરંતુ તેની પંક્તિઓ પરથી જે ભાવ કે કલ્પનાનો ફણગો ફૂટ્યો હોય તો તે મારો છે. તેમ તેઓ લખે છે. કેટલાક લોકપ્રિય થયેલા કાવ્યોમાં મૂળ રચનાઓ કરતા પણ તેના અનુસર્જનો વિશેષ લોકાદર પામ્યા છે. અનુસર્જનની બાબતમાં ટાગોર કે અન્ય કવિઓની કૃતિએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની તળની બાબતોના આભૂષણો સાથે જોડીને તેને શબ્દદેહ આપવાનો મેઘાણીનો પ્રયાસ સાર્વત્રિક આદર પામ્યો છે. અનુદિત રચનાઓ કાળના પ્રવાહમાં ઝાંખી પડી નથી. આજે પણ એટલી જ લોકપ્રિય છે.

                      અન્ય ભાષામાંથી રચનાને આત્મસાત કરીને પોતાની ભાષામાં ઉતારવાનું કાર્ય એક કુશળ કસબીની જેમ મેઘાણીએ કર્યું છે. કેટલાક કિસ્સાઓમાં આવી રચનાઓ ખુબ જ લોકપ્રિય થયેલી છે. મેઘાણીની અમાપ સર્જનશક્તિનો અહીંથી ખ્યાલ આવે છે. ‘કોઈનો લાડકવાયો’ કે ‘સૂના સમંદરની પાળે’ જેવી રૂપાંતરિત રચનાઓ આજે પણ ગવાતી તથા ઝીલાતી રહે છે. કવિગુરુ ટાગોર રચિત ‘રવીન્દ્રવીણા’નો કાવ્યસંગ્રહ મેઘાણીએ કર્યો.  ‘કથાઓ કહીની’નું રૂપાંતર ‘કુરબાનીની કથાઓ’ તરીકે ૧૯૨૨માં થયું. આ રૂપાંતર ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પ્રથમ ભાગ પ્રકાશિત થયો તે પહેલાનું છે. ટાગોર જેવા મહાકવિની વાણીનો મેઘાણી પર કેટલો પ્રભાવ પડ્યો હશે તેની વાત આલેખતા ભોળાભાઈ પટેલ એક મહત્વનું અવલોકન કરે છે. (શબ્દનો સોદાગર:પ્રકાશન: માહિતી વિભાગ, ગુજરાત સરકાર) ભોળાભાઈ લખે છે: “મને તો એટલે સુધી લાગે છે કે ટાગોર જેવા કવિની વાણીએ એમને કલકત્તાની ભારે નોકરી છોડી કલામના ખોળે માથું મુકવા પ્રેરણા આપી હશે” કવિતાના અનુવાદનું કામ ઘણું સંકુલ છે. એ રીતે પણ મેઘાણીએ આ મુશ્કેલ કાર્ય ખૂબીપૂર્વક અંકે કરેલું છે. દૂરના સુરને પકડીને તથા તેના શબ્દો હૈયામાં ઉતારીને મેઘાણીએ આપણી ભાષામાં મુક્યા છે. તેઓ લખે છે:

Voice of the desert,

Voice of the sea,

Voice of the mountain….

        “એ સૂરો હું સાંભળ્યા કરું છું. ત્રણે સુર સોરઠી કંઠસ્થ સાહિત્યના પ્રાણમાં ફૂંકાય છે.”

                  કેટલાક અનુવાદિત ગીતો જે મેઘાણીએ આપણી ભાષામાં ઉતાર્યા છે તે અનુવાદની સુંદરતાને કારણે ખુબ જ લોકપ્રિય થયા છે. ૧૯૩૬માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય ‘વિદાય’ પરથી એક ચિરંજીવી રચના કરી. આ રચનાને તેમાં વ્યક્ત થયેલા ભાવને કારણે વ્યાપક પ્રસિદ્ધિ મળી.

આવજો ! આવજો ! વાલી બા !

એકવાર બોલ: ભલે ભાઈ, તું જા !

પાછલી તે રાતને પહેલે પરોડીયે,

ઝબકીને તું જયારે જાગે

રે મા ઝબકીને તું જયારે જાગે,

ઓશીકે પાંગતે ફેરવતા હાથ તું ને

પડખું ખાલી લાગે, હો મા !

માડી મને પાડજે હળવા સાદ

પડઘો થઇ હું દેશ જવાબ…આવજો !

             બાળકના મનના ખુબ નાજુક ભાવ આ સુંદર અનુસર્જનમાં મેઘાણીએ ઉતાર્યા છે. કવિગુરુએ જે નાજુક વિષયને કેન્દ્રમાં રાખીને રચના કરી છે તેની સુંદરતામાં આ અનુદિત કૃતિએ વધારો કર્યો છે. 

             આપણાં સૌનો એ સામાન્ય અનુભવ રહ્યો છે જેને સુંદર શબ્દદેહે કવિગુરુ ટાગોરે આપ્યો છે. આપણી ભાષામાં મેઘાણીએ આ ઋજુતા અનુવાદિત કરીને મૂકી છે. માતાની રાતમાં ઊંઘ ઉડી જાય કે તરત જ બાળક યાદ આવે છે. બાળકને ઠંડી તો નહિ લગતી હોય? મનમાં ચિંતાનો ભાર છે. બાળકને ઓશીકે તથા પાંગતે શોધવા છતાં મળે નહિ તો માને ધ્રાસકો પડે છે. માની આ લાગણી સમજીને બાળક તેને દિલાસો આપે છે. પોતાને સાદ કરવા સમજાવે છે. મા સાદ કરશે તો પડઘા સ્વરૂપે જવાબ આપવાનો કોલ આપે છે. કાવ્ય અનુદિત હોવા છતાં તેમાંથી પ્રગટ થતાં ભાવને કારણે એક સ્વયંસ્ફૂરિત કાવ્યની કક્ષામાં સહેલાઈથી મૂકી શકાય તેવું છે. મેઘાણીએ ઉમેરેલા રંગો કાવ્યને વિશેષ શોભાયમાન બનાવે છે. મ્ર્ત્યુ અનિવાર્ય છે. નજરે પડે તેટલું નજીક છે. આ સ્થિતિમાં મા સાથેના સથવારાનો આશાવાદી સુર બાળકના હૈયામાંથી પ્રગટે છે.

                  મેઘાણી એ વાતનો સ્પષ્ટ પુનરોચ્ચાર કરે છે કે તેમણે કાવ્યની વસ્તુસામગ્રી કવિગુરુ ટાગોરની જ અપનાવી છે. આ ભાવમાં મેઘાણીના મનમાં ફૂટેલા ફણગા એક અલગ ભાતીગળ દર્શન કરાવે છે. રવીન્દ્રનાથની સર્વતોમુખીતાનું આ મેઘાણી દર્શન છે.

               આવું જ બીજું એક અનુદિત કાવ્ય ‘કોડિયું’ વ્યાપક પ્રસિદ્ધિને વર્યું છે. મામૂલી લાગતા કોડિયાનો આત્મવિશ્વાસ અનેક લોકો માટે શાશ્વત પ્રેરણાનો સુર છે.:

અસ્ત જાતાં રવિ પુછતા અવનીને:

સારશો કોણ કર્તવ્ય મારાં?

સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સહુ,

મોં પડ્યા સર્વના સાવ કાળા.

તે સમે કોડિયું એક માટી તણું

ભીડને કોક ખૂણેથી બોલ્યું:

મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ !

એટલું સોંપજો તો કરીશ હું.

                રવીન્દ્રનાથના ‘કર્તવ્યગ્રહણ’ પરથી આ રચના આપણી ભાષામાં ઉતારી છે. મૂળ કાવ્યની શોભા જાળવીને અહીં સુરેખ શબ્દોમાં કાવ્યનો મર્મ પ્રગટ થયો છે. એક નાનું કોડિયું પણ કેવા ગર્વથી પોતાના કર્તવ્યનું પાલન કરવાનો કોલ આપે છે. તેવો ભાવ વાંચનારને સ્પર્શ કરી જાય તેવા સરળ તથા સચોટ શબ્દોથી મેઘાણીએ આ સુંદર અનુસર્જન કર્યું છે. કોડિયાની આત્મશ્રદ્ધામાં સહેજ પણ અહંકારનો ભાવ નથી. પોતાની મર્યાદાનો વિવેક જાળવીને એક ભાતીગળ મહત્વાકાંક્ષા તે પ્રગટ કરે છે. કવિ રમેશ પારેખના કાવ્યની બે નાની પંક્તિ આ કોડિયાની આત્મશ્રદ્ધાના સંદર્ભમાં યાદ આવે છે.

એક દીવો જો છાતી કાઢીને

છડેચોક ઝળહળે, તો એ

અંધારાના સઘળા અહંકારને હરે.

                        કોઈ પણ ભાષામાં રૂપાંતરિત થયેલી કૃતિને સર્જનાત્મક કહેવાય કે કેમ તેની ચર્ચાઓ થતી રહે છે. આ બાબતમાં ઝવેરચંદ મેઘાણીના સાથી અને સાહિત્યના મર્મજ્ઞ જયમલ્લ પરમારે કહેલી વાત ધ્યાન આકર્ષક છે. જયમલ્લભાઇ કહે છે: “બધાં કવિ કે લેખકો સ્વાનુભવનાં સંવેદનની જ કૃતિઓ નિપજાવતા નથી હોતા પરંતુ તેઓ પરાનુભાવોને પણ પોતાના ઉર્મિતંત્રની વીણા ઉપર બજાવવા મથે છે.” (જયમલ્લ પરમાર: ઊર્મિ નવરચના: ઓગસ્ટ-૧૯૬૮). આ રીતે જોઈએ તો સંત સાહિત્ય કે બાઉલોના સાહિત્યની પણ મોટી અસર જાણીતા સર્જકો પર પડેલી છે. કવિગુરુ ટાગોરની કૃતિઓ પર પણ બાઉલગાનની રેખાઓ પડેલી છે. કવિ નાનાલાલના કેટલાક ગીતોનું પ્રેરણાસ્થાન લોકગીતોમાં જોવા મળે છે. મેઘાણીએ પણ અન્ય ભાષાની કોઈ પણ કૃતિને આત્મસાત કરીને ત્યારબાદ તેને રૂપાંતરિત કરી છે. આવી કૃતિઓને લોકસમૂહે સતત વધાવી છે. ભાવને પોતાની ભાષાના કે તેની સંસ્કૃતિના સંદર્ભ સાથે જોડ્યા સિવાય અનુવાદ કરવામાં આવે તો તે પ્રાણવાન બની શકતા નથી. ૧૯૩૦માં તેમણે જેલનિવાસ દરમિયાન ‘બિન્જન ઓન ધ રહાઈન’ કવિતા વાંચી. આ વાત મેઘાણીના રુપાંતરમાં રેવાનું નામ પામી સ્થાનિક ભાવને તેમાં ખૂબીથી જોડ્યા છે. ‘સૂના સમંદરની પાળે’ નામની આ રચના તેના બળકટ રૂપાંતરને કારણે વ્યાપક લોકસ્વીકારને વરી છે. “સમબડીઝ ડાર્લિંગ” પરથી રૂપાંતરિત થયેલી ચિરંજીવી રચના ‘કોઈનો લાડકવાયો’ એ પણ સર્જકની બળકટતાનું મહત્વનું ઉદાહરણ છે. મહાગુજરાતની માંગણી સાથે શરુ થયેલા આંદોલનમાં આ રચનાઓ અમદાવાદ તથા ગુજરાતની શેરીઓમાં ગાજી રહી હતી. ઝવેરચંદ મેઘાણીએ કવિગુરુ ટાગોર સહિતના અનેક દિગ્ગજ સર્જકોની કૃતિઓને માણી છે. આવી કૃતિઓના તલસ્પર્શી અભ્યાસ પછી જે અનુસર્જનો મેઘાણીએ કર્યા છે તે આપણી ભાષાની સમૃદ્ધિ વધારે તેવા બન્યા છે. અનુસર્જનની આ મહત્વના કાર્ય માટે સુગ્રથિત માળખાકીય વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે. છુટા-છવાયા પ્રયાસો થાય છે તેનું સ્વાગત છે. પરંતુ કોઈ સંસ્થાગત વ્યવસ્થા વિકસાવીને આ કાર્યમાં અનેકગણી વૃદ્ધિ કરી શકાશે.

વસંત ગઢવી

તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૩  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑