ક્ષણના ચણીબોર: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

 કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે ‘સૌરાષ્ટ્રની રસધાર’નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. ‘રસધાર’ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ લોકની તૈયારી છે. તેમાના કેટલાક સમાજના છેવાડે બેઠેલા માનવીઓ છે. સમાજ તેમના તરફ એક ઉપેક્ષા ભાવથી સામાન્ય રીતે જુએ છે. આમ છતાં પ્રસંગ આવ્યે આવા મરજીવાઓ પડકારને ઝીલી લેવા માટે સૌથી આગળ આવીને ઉભા રહે છે. મેઘાણીએ રસધારમાં લખેલી ફકીરા કરપડાની કથા એ પણ આવી અસામાન્ય વીરતાનું દર્શન કરાવે છે. મુળુ ખાચરની સમગ્ર ફોજને પડકાર કરીને એક સામાન્ય માનવી ફકીરો કરપડો ઉભો છે. પોતાની ધરતીનું તેને રક્ષણ કરવું છે. સેનામાંથી કોઈએ એકલા ઉભેલા બે માથાના ફકીર પર અણચિંતવ્યો જ ગોળીબાર કર્યો. જાન આપ્યો પણ માલિકની ધરતીનું રખેવાળું કરવા પ્રયાસ કર્યો. લોકકવીએ તેને બિરદાવતા લખ્યું:

“લીધી પણ દીધી નહિ,

ધણિયુંવાળી ધરા,

કીધી કરપડા, ફતેહ

આંગત ફકીરીયા.”

              દુશ્મનની પણ આંખો આ ઉજળું બલિદાન જોઈને ભીની થઇ.

                             રસધાર એ મહાન સર્જક ઝવેરચંદ મેઘાણીની કાળના ધસમસતા પ્રવાહમાં ઝાંખી-પાંખી ન થાય તેવી સોગાત છે. રસધાર લખવા પાછળના અનેક કારણો હશે. આમાંનું એક મહત્વનું કારણ રસધારતા સર્જક પ્રારંભે જ લખે છે. મેઘાણી કહે છે: “મુંબઈના એક સાક્ષરે નિઃશ્વાસ નાખેલો કે કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું નથી.” મેઘાણી કહે છે કે આપણી ભૂમિની પિછાન કરાવીને આ મહેણું ભાંગવાની રસધારની અભિલાષા છે. જો કે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન રંગોને દર્શાવતા રસભાવો અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. લોકોએ તેમને માણ્યાં અને વધાવ્યાં પણ છે. પરંતુ તે પર્યાપ્ત નથી. રસધારનો પ્રયાસ આ ઇતિહાસને સમગ્રતાથી ગાવાનો છે. જગતના ચોકમાં ઇતિહાસની મહામૂડી સમાન આ વાતો મુકવાનો છે. માત્ર કલ્પનાઓ ગાવાનો આ પ્રયાસ નથી. મેઘાણીના નિરંતર તથા નિયમિત ભ્રમણની આ ટાંચણો તથા સ્મરણ નોંધો છે. તેથી તેમાં ઘટનાઓ કે પ્રસંગોની ચોક્કસતા લાવવાનો પ્રામાણિક પ્રયાસ છે. સર્જકના આ પ્રયાસમાં અમૂલ્ય યોગદાન આપનારાઓમાં વલ્લભીપુરના રાજકવિ ઠારણભાઈનો મહત્વનો ફાળો છે. મેઘાણી કહે છે કે ઠારણભાઈએ કાવ્યોનો મોટો ખજાનો મેઘાણી સમક્ષ ધરી દીધો હતો. લીંબડીના રાજકવિ શંકરદાનજીનું પણ મહત્વનું યોગદાન રહ્યું. સૌરાષ્ટ્રના રાજપૂતોના વીરત્વની કથાઓ પોપટલાલ છગનલાલ(દેવાણી) તરફથી પણ મળી. આ બધામાં સર્જક કહે છે કે ભાવનગર રાજ્યના વિદ્વાન રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાને રસધાર કદી વિસરી શકે તેમ નથી. પોતાનો અમૂલ્ય સમય, સ્નેહ તથા ધીરજ આપીને તેમણે રસધારના ખરબચડા વહેણને સરખો કરી આપ્યો. અનેક સ્પષ્ટતાઓ તેમણે કંટાળ્યા સિવાય પત્ર વ્યવહારથી પણ મેઘાણીને પુરી પડી. કવિ પિંગળશીભાઈના ગીતો ગામડે ગામડે ગવાય છે અને આવા કવિ સૌરાષ્ટ્રમાં એક જ છે તેનો આદર-અહોભાવ સર્જક મેઘાણી ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઈ માટે વ્યક્ત કરે છે. આ રીતે ભ્રમણ તથા અનેક સમર્થ સાહિત્યમર્મીઓના મહત્વના યોગદાનથી સૌરાષ્ટ્રની રસધારની ઇમારત ભવ્ય તથા ભાતીગળ લાગે છે. સનાળીના ગગુભાઈ લીલાનું મહત્વનું યોગદાન મેઘાણી માનપૂર્વક યાદ કરે છે.

                      રસધારના સર્જક ઝવેરચંદ મેઘાણીની ભાષા શૈલીએ પણ ગુજરાતી ગદ્યમાં એક આગવી છાપ ઉભી કરી છે. ભાષાની આ બળકટતા એ રસધારની સાર્વત્રિક લોકપ્રિયતાનું એક મહત્વનું અંગ છે. સર્જકના પોતાના કથન મુજબ શરૂઆતના તબક્કે ભાષાની કોઈ ચોક્કસ શૈલી સ્વીકારી ન હતી પરંતુ રસધારના બીજા ત્રીજા ભાગથી સોરઠી પરિભાષાનો વ્યાપક ઉપયોગ સર્જકે કર્યો છે. “જેની જીવનકથાઓ આલેખાય છે તેઓની જ ભાષા યોજાવી જોઈએ નહિ તો ભાવ માર્યા જાય છે. અસલી જીવનની જોરદાર છાપ ઉઠતી નથી.” એ વાત મેઘાણીએ લખી છે તે રસધારની ભાષાશૈલી સંબંધમાં સ્પષ્ટતા આપનારી છે. શબ્દના આ સલુણાં સોદાગરે શબ્દને રળિયાત કર્યો છે. જે શબ્દ અંતરમાં ઉતર્યો છે તથા ઉગ્યો છે તેને જ જગત સામે ધર્યો છે. શબ્દને સતી લોયણે મૂળવચન કહીને ગાયો છે. તેનું એક આગવું મહત્વ લોક સાહિત્યના સંદર્ભમાં છે.

જી રે લાખા !

વચન થકી બ્રહ્માએ

સૃષ્ટિ રચાવી જી,

વચને પૃથ્વી ઠેરાણી હાં ! “

           શબ્દ એ જ મેઘાણીના મતે પ્રભુના અસીમ આત્માનંદના પ્રાગટ્યની પ્રક્રિયા છે. આ શબ્દની શક્તિનું અમૃત આ સર્જકે જગતને પાયું છે. એ હાટડુ માંડીને બેસનાર સર્જક નથી. દરેક કથામાં માનવજીવનના અટપટા તાણાંવાણાનું દર્શન થાય છે. પરંતુ આ ઉજળા જીવનની ખરી કસોટી કહેણીમાં નહિ પરંતુ રહેણીમાં થાય છે. કદાચ કોઈ માનવની પ્રતિષ્ઠા તથા સંપત્તિ બાહ્ય સ્વરૂપે અઢળક હોય પરંતુ આવા લોકો જીવનના વાસ્તવિક વ્યવહારમાં ઉણા ઉતરે, કરણીમાં ટાળો કરે તો એ માનવ જગતને શા ખપના છે? રેણી(રહેણી)નો આ મહિમા ગંગાસતીએ પણ ભાવથી ગાયો છે:

ભાઈ રે ! રેણીતો સરવથી મોટી

પાનબાઇ ! રેણીથી મરજીવા

બની જોને જાય,

ગંગાસતી એમ બોલિયાં રે

રેણી પામ્યેથી આનંદ વરતાય.

                         મેઘાણીના આ સમગ્ર સાહિત્યમાં-કથાઓ તથા ગીતોમાં-મેઘાણીના હૈયાના ભાવ પ્રગટ થયા છે. સાંઈ મકરન્દ લખે છે તેમ “આપણી ભાષા માટે મેઘાણીએ શેડકઢા દૂધના બોઘરણાં અને ગોરસના દોણાં ભરી દીધા છે.” સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મિતાનું દર્શન આ સર્જક ટૂંકા આયખામાં કરાવીને ગયા તે તાજુબ તથા અહોભાવ ઉપજાવે તેવી ઘટના છે. ઉમાશંકર જોશીએ યથાર્થ કહ્યું છે.

           “મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર. પચાસ પચાસ વરસ સૌરાષ્ટ્રની ધરતી મેઘાણીના દેહરૂપે સૌની વચ્ચે વિહરીને પોતાના કેવા હૈયા ધબકાર રેલાવી ગઈ ! એ ભૂમિનું બધું મેઘાણીની વાણીના સ્પર્શથી સજીવન થઈને ગુજરાતી ભાષામાં અમરપદને પામ્યું.”

વસંત ગઢવી 

 તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑