સંસ્કૃતિ:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

   ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. ‘સવ્યસાચી’ ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ ખરેખર તો શહેરની શોભામાં વૃદ્ધિ કરે તેવી છે. સમાજ જીવનના પોષણ માટે આ પ્રકારની વ્યાખ્યાન શ્રેણી ઉપકારક બની રહે છે. જ્ઞાનવર્ધનના આવા ઉપક્રમ માટે મેદાણી પરિવાર તેમજ વિશ્વકોશ આપણાં અભિનંદનને પાત્ર છે.

                    માનવમૂલ્યો તથા જીવન ઘડતરની વાત એ મહત્વની તથા સર્વકાળે સાંપ્રત છે. આમ છતાં એવી લાગણી થયા કરે છે કે વર્તમાન સંદર્ભમાં એ વિષય એક વિશેષ મૂલ્ય ધરાવે છે. જીવન ઘડતરના દરેક તબક્કે જો માનવમૂલ્યોના સંવર્ધનની કોઈ વિધિસરની કે અવિધિસરની પણ વ્યવસ્થા હોય તો તે વ્યવસ્થા જીવનને સમૃદ્ધ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ‘ન માનુષાત શ્રેષ્ઠતરં હી કિંચિત’ તેમ કહેવામાં આવ્યું છે. જો મનુષ્ય જીવન એ સર્વ યોનિમાં શ્રેષ્ઠ હોય તો એવું શા માટે? કદાચ એક મહત્વનું કારણ એ છે કે મનુષ્યનું આ શ્રેષ્ઠપણું જીવનના ઉમદા ગુણો કે મૂલ્યો થકી જ દર્શાવી શકાય છે. મનુષ્યત્વ થકી મુમુક્ષત્વ સુધીની યાત્રા હંમેશા ઉન્નતિ માટે આવકાર્ય છે. રાજકુમાર સિદ્ધાર્થની બુદ્ધત્વ તરફથી યાત્રા એ પણ જીવન ઉત્કર્ષનો એક ઉજળો ઉપક્રમ છે. દરેકને વિકસવાની તક છે. આવી મહત્વની બાબત તરફ દરેક વ્યક્તિનું ધ્યાન રહે કે તેને દિશા નિર્દેશ સાંપડે એ સ્વસ્થ સમાજ માટે આવકાર્ય છે. સમાજના થોડા લોકો પણ જયારે જીવનના મૂળભૂત તત્વ જેવા સંસ્કારની વાતો કરે અને સાંભળે તો ભાવિ પેઢીઓની અશાંતિ તથા અંજપના પ્રશ્નો આજે જોવા મળે છે તેને નિયંત્રણમાં લાવી શકાય. માત્ર કાયદો કરવાથી આ બાબત થઇ શકશે નહિ. સામાજિક ખેવના અને સંવેદના સાથેનો સમાજ એ જ તેનો ઉકેલ છે. આથી આ વ્યાખ્યાનશ્રેણીના હેતુનું આગવું મહત્વ છે.

          આપણાં સામાજિક તેમજ કૌટુંબિક જીવનની વ્યવસ્થાઓ તરફ ધ્યાનથી જોઈએ તો કેટલાક મૂલ્યોથી જીવન ઘડતરનો માર્ગ મળતો હતો. મહાત્મા ગાંધીના જીવન ઘડતરમાં બાળક મોહનનું ધ્યાન રાખનાર તેમજ ઘરનું કામ કરનાર રંભાનું એક નાનું પણ સ્થાયી પ્રદાન છે. મોહનને અંધારાનો ભય લાગે છે. અનેક બાળકોને આ પ્રકારે ભય રહેતો હોય છે. રંભા મોહનને સમજાવે છે કે અંધારામાં જયારે ભય લાગે ત્યારે રામનામનું સ્મરણ કરવું. જે તે સમયે મોહનને રંભાની વાતમાં વિશ્વાસ હોવાના કારણે ભયને દૂર કરવા માટે તે રામનામનું સ્મરણ કરે છે. આવા એક નાના ઉપાયથી મોહનના ઘડતરમાં રામનામ એક મજબૂત આધારસ્થંભ બને છે. આ નાની પણ મહત્વની વાત ગાંધીજીના સમગ્ર જીવનક્રમ પર અસર કરે છે. આથી જીવનમૂલ્યોની પ્રાથમિક શાળા એ માતાપિતા તથા કૌટુંબિક વ્યવસ્થા સ્વરૂપે સામે આવે છે. વિનોબાજી નાના હતા ત્યારની વાત કરે છે. તેમના આંગણામાં માતાએ ફણસનું ઝાડ ઉછેર્યું હતું. ફળ આપવાની ઋતુમાં ફળ આવે ત્યારે વિનોબાના માતા તેમાંથી થોડા ફળ પાડોશીને તેમજ ગામના અન્ય કુટુંબોને આપી આવવાનું કહેતા હતા. નાના એવા સમગ્ર ગામ તરફની એક લાગણી અને તે રીતે સ્વસ્થ સામાજિક જીવનની આ એક મહત્વની શીખ હતી. માતા વિનોબાને કહેતા કે જે દે છે(આપે છે) તે જ દેવ છે. સીધી સરળ વાતના ઊંડા સંસ્કાર વિનોબાજીના જીવનમાં સહેજે રોપાય તે સ્વાભાવિક છે. આપણાં સુપ્રસિદ્ધ લેખક મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર)ને પણ નાનપણમાં મોટીબા પાસેથી કુટુંબના શીલ તથા સઁસ્કારની વાતો સાંભળવા મળે છે. આ સામાન્ય લાગતી વાતોમાં અસામાન્ય પ્રસંગો ધરબાઈને પડેલા હતા. મુકુંદભાઈ આ વાતો ધ્યાનથી સાંભળે છે. બાળકના ઘડતરની આ પણ એક મજબૂત વ્યવસ્થા હતી. જે વ્યવસ્થા હવે લગભગ નામશેષ થઇ છે જે આપણી ચિંતાનો વિષય છે.

             માતાપિતા તથા કુટુંબવ્યવસ્થા પછી જીવનમૂલ્યોનું ઘડતર કરતી સંસ્થા એ શાળા છે. મનુભાઈ પંચોલી-દર્શક-આ બાબતમાં સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે વિશ્વયુધ્ધો નિવારીને દુનિયામાં શાંતિનો મજબૂત પાયો નાખવો હોય તો બાળકોની કેળવણી તેનું ઉત્તમ માધ્યમ છે. દર્શક, નાનાભાઈ ભટ્ટ તથા ગિજુભાઈ બધેકા જેવા સમર્થ શિક્ષકોએ મૂળભૂત રીતે સારી બાબતોનું સંવર્ધન વિદ્યાર્થીઓમાં કર્યું હતું. આ મૂલ્યો સાથે ઘડાયેલા વિદ્યાર્થીઓનું જીવનઘડતર જુદી ભાત પાડનારું હતું. દર્શકે તેમના શિક્ષકો સાથેના એક સંવાદમાં કહ્યું કે બાળકોના મનમાં જ એક વિધેયક ભાવ પ્રગટાવવા કોશિષ કરો કે જેથી બાળક સ્વસ્થ વિચારસરણી સાથેનો નાગરિક બની શકે. કોઈએ દર્શક દાદાને કહ્યું કે કોઈ વિકસિત થયેલા દેશમાં ઝેરી ડંખ ન મારે તેવી મધમાખીની શોધ થઇ છે. દાદા કહે આપણે શિક્ષકોએ તો ડંખ ન મારે તેવી પેઢીઓ આપણાં વિદ્યાર્થીઓમાંથી તૈયાર કરવાની છે. બાળકોના મનને નાનપણથી જ જો વેરભાવના, દ્રેષવૃતિ અને આંધળી હરીફાઈથી દૂર રાખવામાં આવે તો એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે છે. શિક્ષણની આ સમગ્ર વ્યવસ્થાનું ઘડતર આઝાદ થયેલા આપણા દેશ માટે થાય તે હેતુથી નાનાભાઈએ ‘દક્ષિણામૂર્તિ’ની સ્થાપના કરી. બાળકોને કેળવણી સાથે જ આ સંસ્થાઓમાં નિર્ભયતાના પાઠ શીખવવામાં આવતા હતા. ‘દક્ષિણામૂર્તિ’માં જેમનું ઘડતર થયું હતું તેવા અનેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં દેશ નિર્માણના કાર્યમાં જોડાયા છે. આજે શિક્ષણનો પ્રસાર વધ્યો છે. શાળાઓની સંખ્યા પણ વધી છે. જીવનમૂલ્યોના મેળવણથી જીવતર સુધારવાની આપણી સામુહિક જવાબદારી છે. છતાં પણ શાળાઓ સ્વસ્થ અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવામાં સફળ થઇ શકી નથી. આથી જે ખાલી જગા રહે છે તેને યથાશક્તિ પૂર્વનો પ્રયાસ આ પ્રકારની વ્યાખ્યાનમાળાઓ કરી શકે છે. આથી આ પ્રયાસનું સ્વાગત છે.

વસંત ગઢવી

તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑