ફરી એક વખત શારદીય નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે. નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક ભાતીગળ ઓળખ છે. ગુજરાતના ગરબાનું સમગ્ર દેશમાં પણ મહત્વ રહેલું છે. હવે તો ગરબાનું સ્વરૂપ વિસ્તરતું ગયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગરબો આજે ગુજરાતની તથા ભારતની ઓળખ બનીને ઝળહળે છે. ગરબાના પ્રાચીન સ્વરૂપ તથા તેની અર્વાચીનતામાં ઘણાં બધા ફેરફાર જોવા મળે છે. આમ છતાં કેટલીક જગાઓએ હજુ પણ traditional ગરબા કે ગરબીનું મહત્વ અકબંધ રહેલું છે.
નારાયણસ્વામી એ મૂળભૂત રીતે ભજનની પ્રસ્તુતિની બાબતમાં ‘એક અને અનોખા” ગણાય છે. વર્ષો પહેલા કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્ય કરવાનું થયું ત્યારે અનેક વખતે નારાયણસ્વામીને નાના-મોટા ગામડાઓ-નગરોમાં સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. રાત્રે થોડા મોડા સમયે શરુ થતાં આ ભજનોનો અખંડ દોર સમગ્ર રાત્રીના સમય દરમિયાન નિરંતર ચાલતો રહેતો હતો. જુદા જુદા પ્રહર પ્રમાણે ભજનની શાસ્ત્રીય ઢબે નારાયણસ્વામીની રજૂઆત ચાલતી હતી. ભજન સાંભળનારને સતત જકડી રાખે તેવી મજબૂત તથા અસરકારક આ પ્રસ્તુતિ રહેતી હતી. નારાયણ એક જ બેઠકે સમગ્ર દોરને સંભાળી જાણે કે હવાને બાંધી લેતા હતા. અનેક વખતે અછતના સમયમાં પશુઓના ઘાસચારા માટે નાણાકીય ભંડોળ ઉભું કરવાના હેતુથી નારાયણ સ્વેચ્છાએ નિજાનંદ સાથે ભજન કરતા હતા. આ પરોપજીવી હેતુની પણ અલગ સૌરભ પ્રસરતી હતી.
નારાયણસ્વામી જે અનેક પદો રજુ કરતા હતા તેમાં માતાજીની-જગદંબાની ઉપાસનાનું એક વિશેષ મહત્વ હતું. આથી નોરતાના આ પવિત્ર માહોલમાં નારાયણના કંઠથી રજુ થયેલી એક અમર રચના વારંવાર સ્મરણમાં આવ્યા કરે છે. નારાયણસ્વામીને આ રચના ભાવથી રજુ કરતા અનેક પ્રસંગે જોયા છે. ‘ગતિસત્વં ગતિસત્વં તમેકા ભવાની’ એ આપણુ અમૂલ્ય સ્ત્રોત છે. તેમાં આદિ શંકરાચાર્યજી મહારાજે કરેલી ભવાની વંદના કાળના પ્રવાહોમાં ઝાંખી પડી નથી. દરેક સમયે ભવાની અષ્ટક સાંભળીએ ત્યારે મનમાં ઊંડે સુધી ભક્તિ તથા પ્રસન્નતાનો ભાવ થાય છે. આ રીતે જ નારાયણસ્વામીએ ગાયેલી અને ખુબ પ્રસિદ્ધ થયેલી રચના “હે જગજનની ! હે જગદંબા !” પણ અનેક લોકોના મનમાં તથા દિલમાં સતત પડઘા પાડતી રહી છે. પ્રાર્થના સમાન આ રચનાના શબ્દો ઉત્તમ છે. નારાયણના કંઠે ચડીને આ શબ્દો ચારે દિશાઓમાં ગુંજતા થાય છે. ભજનોની સાર્વત્રિક સ્વીકૃતિ તેની આ અસરકારકતાની તાકાતમાં રહેલી છે. ‘હે જગજનની’વાળા આ ભજનની પંક્તિઓ જીવતરને હર્યું ભર્યું કરે તેવી છે. જેમ કે એક પંક્તિમાં જગદંબા પાસે કરેલી માંગણી અંતરમાં કોઈ અનોખા ભાવ ઉપજાવે તેવી છે.
હોય ભલે દુઃખ મેરુ સરીખું, માં !
રંજ એનો નવ થવા દે જે,
રજ સરીખુ દુઃખ જોઈ બીજાનું
મને, રોવાને બે આંસુ દે જે…
હે જગજનની ! હે જગદંબા !
માત ભવાની શરણે લેજે.
જગદંબા પાસે માંગણીતો છે. બાળક માતાની આરાધના કરે અને મા પાસે કંઈક માંગણી કરે તો તે સ્વાભાવિક પણ છે. પણ અહીં મા પાસેની માંગણીમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’નો વ્યાપક ખ્યાલ છે. માતાજી પાસે પ્રાર્થના કરીને અન્ય કોઈનું રજ જેટલું પણ દુઃખ હોય તો પણ તે માટે મન વ્યથિત થાય તેવી માંગણી આ પદમાં થઇ છે તે મહત્વની છે. નારાયણસ્વામીને હૈયાના ભાવથી આ ભજન પ્રસ્તુત કરતા જોવા તથા સાંભળવા એ પણ એક લ્હાવો હતો. નારાયણસ્વામીનું જગદંબા સાથેનું અનુસંધાન તેમના આઈ શ્રી સોનલમાં સાથેના ભક્તિયુક્ત વલણમાં પણ જોવા મળે છે. આ વર્ષ સોનલમાંની જન્મશતાબ્દીનું વર્ષ છે. કચ્છ-સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઘણાં ભાગોમાં આઈમાની જન્મ-શતાબ્દીનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. મા તરફની ભક્તિનો તેમાં પડઘો પડે છે. પરંતુ આ સમગ્ર માહોલમાં સમાજના અન્ય ભાંડુની રજમાત્ર તકલીફ હોય તો તે અંગે ભરપૂર સહાનુભૂતિ ધરાવવાની આ વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પથદર્શક ઘનશ્યામ મહારાજે પણ પોતાના ભક્તોના નાનામાં નાના દુઃખને પોતાના શિરે લેવાનો સંકલ્પ કર્યો હતો તે જાણીતી કથા છે. માતાજીની ભક્તિ હોય ત્યાં માતાજીના સર્વ સંતાનો તરફની સહાનુભૂતિ રહે ત્યારે જ જગદંબાની ખરા અર્થમાં ભક્તિ સાર્થક થાય છે. નવરાત્રી એ ઉપાસનાનું પર્વ છે. આ કારણે જ અનેક લોકો અનુષ્ઠાન પણ કરે છે. સમય પ્રમાણે આવી ઉજવણીઓમાં બાહ્ય દેખાવ કે ભપકો વધે તે સ્વાભાવિક છે. લોકોના સામુહિક આનંદ-ઉલ્લાસને પણ તેનાથી અભિવ્યક્તિની યોગ્ય તક મળે છે. આ બધી ઝાકઝમાળ વચ્ચે આપણાં અંતરમાં સમાજના જરૂરિયાતમંદ લોકો તરફની સહાનુભૂતિનો ભાવ અખંડ રહે તે સ્વસ્થ સમાજ માટે આવશ્યક છે. નારાયણસ્વામીના સ્વમુખે ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ(ભગતબાપુ)ના ભજનો સાંભળવા એ પણ એક અનોખો લ્હાવો હતો. કવિ કાગ પણ આપણાં યુગના એક દિગ્ગજ કવિ હતા. તેમના શબ્દોને નારાયણસ્વામીનો કંઠ મળે તે સોનામાં સુગંધ સમાન હતું. ભગતબાપુએ પણ જગદંબાની ઉપાસના કરતાં પુરા વિવેક અને સભાનતા સાથે સમગ્ર સમાજના ભાંડુઓના ગુના પોતાના શિરે સ્વેચ્છાએ લેવા માટે ભજનના શબ્દોમાં માતાજીને પ્રાર્થના કરી છે.
હોય ગુના કોઈ નાતના માડી,
ચારણો કેરે ભાગ,
તો એ સૌને છોડી મૂકજે અંબા,
હું એકલો ભોગવું ‘કાગ’
માતાજી હું એટલું માંગુ
પાયે તોય વીપળી લાગુ.
આપણાં કવિઓ તથા નારાયણ જેવા સાધુચરિત લોકોએ માતાની ઉપાસના સાથે જ સમાજના કલ્યાણની પાવક વૃત્તિ ચિત્તમાં ધરી છે. તહેવારોમાં થતી ઉપાસનામાં આવી પરગજુ વૃતીનું પણ એક મહત્વનું સ્થાન છે તે બાબત ભૂલવા જેવી નથી. આવા ઉમદા હેતુને હૈયે ધારી થતી ઉજવણીઓ સમાજને પોષણકર્તા બની રહે છે. ગુજરાતના ગરબા અને ગુજરાતની નવ દિવસીય ઉપાસના એ આપણો ભાતીગળ સાંસ્કૃતિક વારસો છે. સમાજમાં સૌ માટેનો આપણો વ્યક્તિગત ભાવ એ જ માતાજીનો ખરો સંદેશ છે. હૈયામાં ધારણ કરવા સમાન આ ભાવ છે.
વસંત ગઢવી
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૩
Leave a comment