આપણી માતૃભાષામાં સર્જાયેલું સાહિત્ય વિપુલ માત્રામાં છે. આમછતાં એ પણ હકીકત છે કે જેમની સ્મૃતિ ચિરકાળ સુધી લોકહૈયે રહે તેવી કૃતિઓ ગણીગાંઠી હોય છે. જો આવી અમર કૃતિઓની યાદી તૈયાર કરીએ તો ‘સૌરાષ્ટ્રની રસધાર’ તરત જ મનમાં આવે છે. આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા ‘સૌરાષ્ટ્રની રસધાર’ એ બંને નામ અભિન્ન રીતે જોડાયેલા છે. રસધારના સર્જક તથા સર્જન બંનેએ ગુજરાતી ભાવકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. રસધારને મળ્યો છે તેવો આદર-સત્કાર ઓછા સર્જનોને મળ્યો હશે. આજે સો વર્ષ બાદ પણ રસધારની વાતો ડાયરાઓના સ્ટેજ પરથી સતત વહેતી રહે છે. રસધારની અનેક કથાઓ પરથી જાણીતી ફિલ્મો બની છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસમાં પણ રસધારની કથાઓનું અગ્રસ્થાન છે. રસધારના વધામણાં કરવા માટેના અનેક કારણો છે. આમ છતાં તેના મૂળમાં જોઈએ તો રસધારની કથાઓ નિરાળી છે. કોઈ રાજા-રજવાડાઓ કે શ્રેષ્ઠીઓની કથા લખાઈ હોત તો આવો સુદીર્ઘ આદર પામી શકી ન હોત. પરંતુ આ વાતો એ મુખ્યત્વે સામાન્ય જનની-લોકની શૂરવીરતા, ઉદારતા તેમજ ખાનદાનીની છે અને તેથી વિશેષ સ્વીકૃતિ પામી છે. કંઈક એવા બે માથાના માનવીઓ કે જેઓની ગણતરી સામાન્ય લોકમાં થતી હોય છે. તેમ છતાં પ્રસંગ આવ્યે પ્રગટ થતી તે લોકોની વીરતાની આ વાતો છે. તેમાં ઉંચનીચના કોઈ ભેદભાવ નથી. સંપ્રદાયના કોઈ વાડા નથી. પ્રસિદ્ધિ કે સંપત્તિના મોહમાં થયેલા કોઈ કાર્યોની વાત નથી. નેક-ટેક ખાતર જાનફેસાની કરનારા મરજીવાઓની આ અદભુત કથાઓ છે. સૌરાષ્ટ્રની રસધારના કુલ પાંચ ભાગ પ્રગટ થયા. રસધારનો પહેલો ભાગ ૧૯૨૩માં બહાર પડ્યો હતો. આથી રસધારનો પ્રથમ ભાગ બહાર પડ્યો તેને ૧૦૦ વર્ષના વહાણાં વાઈ ગયા છે. આથી આ કથાઓ ૧૦૦ વર્ષ પછી પણ જીવંત રહી છે તે બાબત જ આ વાતોની સમૃદ્ધિની સાક્ષી પુરાવે છે. શતાબ્દીની સફર શાનદાર રીતે પુરી કરનાર રસધારની શતાબ્દી વંદના કરવાનો આ અમૂલ્ય અવસર છે. મેઘાણીએ લખ્યું કે મારા નાના ભાંડુઓના અભ્યાસક્રમમાં હું આ પ્રતાપી ભૂતકાળની વાતોનું સ્થાન માંગુ છું. આવી માંગણી એ મારો હક્ક છે. તેવું કહેવામાં મેઘાણીના અંતરના જોમના ઉછાળાના ભાતીગળ દર્શન થાય છે. જાતે ભ્રમણ કરીને મેળવેલી અને પછી તેને રજુ કરતી વખતે આ કથાઓના મૂલ્ય વિશે સંશોધક મેઘાણીની આ ઊંડી તથા ઉજળી દ્રષ્ટિ છે. આ વાતોનું ગૌરવ એ મેઘાણીના કર્મયોગનું ચાલકબળ છે.
રસધાર લખાઈ તેની પૂર્વભુમિકા પણ રસપ્રદ છે. મેઘાણી અભ્યાસ અધૂરો છોડીને ભાવનગરથી કોલકાત્તા જાય છે તે વાત જાણીતી છે. કોલકત્તામાં બહારની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાયી પણ થાય છે. આર્થિક દ્રષ્ટિએ કોલકત્તાનુ રોકાણ લાભકારક છે. કોલકત્તાના રોકાણ દરમિયાન બંગાળી સાહિત્યનું આચમન પણ મેઘાણી હોંશથી પામે છે. પરંતુ અંતરમાં ઊંડે ઊંડે એક અજંપાની અનુભૂતિ તેમને થયા કરે છે. કાઠિયાવાડ જાણે કે એમને સાદ પાડીને બોલાવતું હતું. ગોધુલીના સમયે સૌરાષ્ટ્રના ગામડાઓની ભાગોળમાં સંભળાતા ગાયોના ગળે બાંધેલી નાની નાની ઘંટડીઓના અવાજ તેમને વતનથી દૂર હોવા છતાં સંભળાતા હતા. ગામડાના ઠાકર મંદિરની સાંજની આરતીના નરવા અવાજ તેમને અકળાવી મુકતા હતા. પોતાની જાતને કાઠિયાવાડની આ ભૂમિમાં જતી રોકવી તે તેમને માટે અશક્ય હતું. “મારો ગોવાળ મને સાદ પાડે છે. હું ભૂલો નહિ પડું”. એવો ઉછળતો ભાવ યુવાન મેઘાણીમાં છે. કોલકત્તાના સાથીઓ ચેતવણીના સુરે પૂછતાં પણ હતા: “ગુજરાતમાં કલમ પર જીવવાના ક્યા સંજોગો છે કે તું અહીંનો રોટલો છોડીને જાય છે?” પરંતુ અંતે તરુણ ઝવેરચંદ અંતરના અવાજને અનુસરીને નિશ્ચિત જીવનના વળગણને ઉતારીને અનિશ્ચિતતાના મુલકમાં પ્રવેશ કરે છે. અહીં આવ્યા પછી પણ કોઈ સ્થિર આવકની બાંહેધરી મળી રહે તેવી વ્યવસ્થામાં જોડાવું તેમને ગમતું ન હતું. તેમના અંતરમાં કોઈ જુદી જ લાગણીઓ મહોરી ઉઠી છે. અંતરમાં ઉછળતી લાગણીઓ એ જ એમની મૂડી તથા જીવતરનું ચાલકબળ છે. કાઠિયાવાડમાં આવ્યા પછી તેમના અંતરમાં પ્રગટેલા દીવામાં કાળજી તથા વાત્સલ્યનું દિવેલ મોકળા મને પુરનારા અનેક લોકો મળે છે. આ લોકોના જતનથી કલ્પનાઓનો આ કુમળો છોડ વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે. આવા પરગજુ તથા સ્નેહાળ સ્વજનોની ઓળખ કરાવતા મેઘાણી સૌ પ્રથમ હડાળાના દરબાર વાજસુરવાળા અને ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠની ઓળખ કરાવે છે. વાજસુરવાળા વિદ્વાન તથા વિશાળ સંબંધો ધરાવનારા હતા. તત્કાલીન સામાજિક વ્યવસ્થામાં તેઓ છોગાનું સ્થાન ધરાવતા હતા. મેઘાણીને બાથમાં લઈને હૂંફ પુરી પાડનારા આ રાજવી તે સમયના શાસકોમાં જુદી પ્રતિભા ધરાવતા હતા. સાહિત્યની ઊંડી સમજ આ રાજવીને હતી. તેમની મહેમાનનવાઝી જાણીતી હતી. મેઘાણી પર દરબાર સાહેબનો અનન્ય વાત્સલ્યભાવ હતો. મેઘાણી હોય ત્યારે વાજસુરવાળા ખાસ કાળજી લઈને વાર્તાકારો તથા કવિઓને હડાળા બોલાવતા હતા. મેઘાણીને આ અમૂલ્ય વાતોનો ખજાનો મળવો ત્યાંથી શરુ થયો હતો. “આ હતી મારી લોકસાહિત્યની દીક્ષા” એવું મેઘાણી વિધાન આ વાતનું જ સમર્થન કરે છે. આવું જ બીજું નામ એટલે અમૃતલાલ શેઠ. શેઠ સાહેબે શરુ કરેલા અઠવાડિક સૌરાષ્ટ્ર(‘ફૂલછાબ’નું પુરોગામી)માં મેઘાણીએ બે લેખ મોકલ્યા. લેખો જોતાં જ તંત્રીની ચકોર આંખોએ મેઘાણીની શક્તિનો અંદાજ કરી લીધો. ભાવપૂર્વક તથા ભારપૂર્વક મેઘાણીને તંત્રીમંડળમાં જોડાવા માટે કહેણ મોકલ્યું. પત્રકારત્વ તેમજ સાહિત્યના ક્ષેત્રોમાં એક વિશેષ ભાત પડી. જગતે તેને જોઈ અને હૈયાના ઉમળકેથી વધાવી લીધી. ધરતીપટને ઢંઢોળવાના આ જીવનક્રમમાં મેઘાણીને અનેક મીઠાં તથા મર્મી માનવીઓનો સંપર્ક થયો. જીવનયાત્રામાં ભાથું ઉમેરાતું ગયું, આપણી ભાષાની શોભા સમાન ‘સૌરાષ્ટ્રની રસધાર’ એ આપણાં સાહિત્યના અનોખા આભૂષણ સમાન છે. કાળના વહેતા પ્રવાહમાં આ બધી વાતો ઝાંખી પાંખી થાય તેવી નથી.
વસંત ગઢવી
તા. ૭ ઓક્ટોબર ૨૦૨૩
Leave a comment