ક્ષણના ચણીબોર::કેરાલાનાવાઇકોમસત્યાગ્રહનેશતાબ્દીવંદના:

મહાત્મા ગાંધીએ લખ્યું છે તથા ‘નવજીવન’ના તા. ૨૬-૦૨-૧૯૨૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલું એક નાનું વાક્ય આજે પણ સંદર્ભયુક્ત લાગે છે. બાપુ લખે છે:

                        “ક્રોધરહિત, દ્વેષરહિત કષ્ટસહનના ઉગતા સૂર્ય સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ. જડમાં જડ અજ્ઞાન પણ દૂર થવું જોઈએ.”

                      મહાત્મા ગાંધીએ આ વાત લખી અને તે પ્રમાણે જ તેઓ જીવન જીવીને ગયા. મહાત્માના માર્ગદર્શનમાં લડાયેલો દ્વેષરહિત સંઘર્ષ જગતના ઇતિહાસમાં અજોડ છે. મહાત્માએ જે અનેક લડતો ચલાવી તેમાં વાઇકોમ સત્યાગ્રહનું એક વિશેષ મૂલ્ય છે. (માર્ચ-૧૯૨૪થી નવેમ્બર-૧૯૨૫) આ સત્યાગ્રહના શતાબ્દી વર્ષમાં ‘નવજીવનનો અક્ષરદેહ’ સત્યાગ્રહની અનેક વિગતો પર પ્રકાશ પાડે છે. નારાયણ દેસાઈએ પણ વાઇકોમ સત્યાગ્રહ અંગે વિગતવાર લખાણ કરેલું છે. (મારું જીવન એ જ મારી વાણી) સમાજનો અભિન્ન ભાગ હોય તેવા એક સમૂહને જન્મના ધોરણે ઉતરતા ગણવાનો એક વ્યાપક ખ્યાલ હતો. વાઇકોમ સત્યાગ્રહ સમાજની આ અતાર્કિક તેમજ અન્યાયકારી પ્રથા સામેનો ઝળહળતો સંઘર્ષ છે. ૧૦૦ વર્ષ પહેલા આવો સંઘર્ષ લડાયો હતો અને તેમાં સત્યનો વિજય થયો હતો. આ વાત કરતાની સાથે જ એ વાતનું સ્મરણ થવું જોઈએ કે એક સમૂહના લોકો બીજા સમૂહના લોકોને ઉતરતા ગણે તેવી જડ થયેલી માન્યતા જરૂર ઓછી થઇ છે પરંતુ નિર્મૂળ થઇ નથી. વિશ્વના અનેક ભાગોમાં એક અથવા બીજા સ્વરૂપે અસ્તિત્વમાં છે. આવો ભેદભાવ એ સ્વસ્થ સમાજરચના સામેનો મોટો પડકાર છે. માનવમનમાં ઘર કરી ગયેલી બાબતોમાં બદલાવ આવતા કેટલો લાંબો સમય જતો હશે? માનવીના કટાયેલા મનની દુરસ્તી માટે પણ વાઇકોમ સત્યાગ્રહને યાદ કરવો જરૂરી છે. માનવીના મનના આ કાટને ભાઈ રામજીભાઈ વાણિયાએ અસરકારક શબ્દોમાં મૂકી આપી છે. રામજીભાઈ લખે છે:

માનવના મનડા કટાણાં

સરાણિયા ! માનના મનડાં કટાણાં

એ પારસ અડયે પણ

નો પલટાંણાં… સરાણિયા….

                                માનવના આ મન પરિવર્તનના પ્રયાસોમાં ગાંધીજી તથા બાબાસાહેબ પહેલા આપણાં મધ્યયુગના સંતોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આર્થિક રીતે સામાન્ય વર્ગમાંથી આવતા આ સંતોની નૈતિક તાકાત અસામાન્ય હતી. દેશ આઝાદ થયો તે પછી સરકાર તથા સમાજે સંયુક્ત રીતે આ દુષણ સામે લડવાનો પ્રયાસ કર્યો છે. આમ છતાં આ બાબતમાં વિરામ લઇ શકાય તેવી સ્થિતિ હજુ પણ નથી. 

                   વાઇકોમ સત્યાગ્રહ થયો તે પહેલા ઉત્તર, મધ્ય તથા પશ્ચિમ ભારતમાં સત્યાગ્રહો થયા હતા. વાઇકોમ સત્યાગ્રહ દક્ષિણ ભારતમાં થયેલો ઐતિહાસિક સત્યાગ્રહ છે. સત્યાગ્રહ લાંબો ચાલ્યો હતો. ત્રાવણકોર રાજ્ય જે હાલ કેરળનો ભાગ છે તે વિસ્તારમાં વાઇકોમ સત્યાગ્રહ થયો હતો. મહાત્મા ગાંધી જાતે પણ આ સત્યાગ્રહના છેવટના દિવસોમાં જોડાયા હતા. વાઇકોમ એ ત્રાવણકોર રાજ્યનું તે સમયે ચારેક હજારની વસ્તી ધરાવતું ગામ હતું. 

                    મહાત્મા ગાંધીને આ દેશમાં ઘર કરી ગયેલી જ્ઞાતિપ્રથા અંગે ૧૯૧૫માં કોચરબ આશ્રમની સ્થાપના  બાદ વિશેષ પરિચય થયો હતો.સદીઓથી રૂઢ થયેલી આ અતાર્કિક તેમજ અન્યાયી પ્રથાઓ જાણે કે સમાજને કોઠે પડી ગઈ હતી. માનવ માનવ વચ્ચેનો આ કૃત્રિમ ભેદભાવ હતો. સદીઓથી રૂઢ થયેલી આ પ્રથાને કારણે એક વર્ગને મંદિર પ્રવેશનો કે પૂજાપાઠ કરવાનો અધિકાર મળતો નથી. વાઇકોમના મહાદેવના મંદિર માટે પણ આવી જ કુપ્રથા હતી. છેક ૧૯૧૭માં એક સિનિયર નિવૃત્ત ન્યાયધીશ રામન પિલ્લાઈએ મંદિર તમામ જાતિના લોકો માટે ખુલ્લા મુકવા જોઈએ તેવી માંગણી કરી હતી. ટી.કે. માધવન નામના બીજા એક સામાજિક આગેવાને તેનું સમર્થન કર્યું. મંદિર પ્રવેશમાં થતાં આ ભેદભાવનો પ્રશ્ન આ બધા આગેવાનો તત્કાલીન સરકાર સમક્ષ લઇ ગયા. ત્રાવણકોર રાજ્યે જવાબ આપ્યો કે ધર્મની બાબતમાં અમે કોઈ દખલ કરી શકીએ નહિ. સરકાર તરફથી ન્યાય મળવાની જયારે આશા ન રહી ત્યારે એઝવા જ્ઞાતિના એક મજબૂત સંગઠને આ પ્રશ્ન હાથ પર લીધો. આ સંગઠનના નેતા નારાયણ ગુરુની આગેવાનીમાં મંદિરપ્રવેશ કરવાનો ઠરાવ થયો. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં સત્યાગ્રહીને છાજે તેવી રીતે આ વિરોધ શરુ થયો. ધરપકડોનો દોર પણ શરુ થયો. કેટલાક કિસ્સામાં પોલીસના મારથી અનેક સત્યાગ્રહીઓ ઘાયલ થયા. મહત્વની વાત એ હતી કે એક સદી પહેલા વ્યાપક રીતે મહિલાઓએ આ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. એક સદી પહેલા મહિલાઓની સામાજિક અન્યાયના પ્રતિકાર માટેની જાગૃતિ એ ગૌરવનો વિષય ગણાય. ૧૯૨૫માં મહાત્મા વાઇકોમ આવ્યા. લડતને બળ આપવામાં ગાંધીજીની મુલાકાત પણ ઉપયોગી બની રહી. ૩૦ નવેમ્બર ૧૯૨૫ના રોજ જે સમાધાન થયું તે પ્રમાણે તમામ વર્ગોનો મંદિર પ્રવેશ સુગમ બન્યો. એક સદી પહેલા માનવીય હક્ક મેળવવા માટેનો આ સંઘર્ષ એ આપણી મુક્તિ માટેની લડતનો ઉજ્વળ ભાગ છે. મહાદેવભાઈએ આ સમગ્ર લડત અંગે ‘The Epic of Travankor ‘ લખ્યું જેનાથી એક મહત્વનું દસ્તાવેજીકરણ થયું. 

           આજે પણ કેરાલા દેશમાં સાક્ષરોની સંખ્યામાં અગ્રસ્થાને છે. ત્રાવણકોરમાં સત્યાગ્રહના સમયે પણ મહિલા કેળવણીની સ્થિતિ સારી હતી. ત્રાવણકોરના રાજવી કુટુંબના મહારાણી વિશે ગાંધીજીનું અવલોકન રસપ્રદ છે. સામાન્ય રીતે રાજરાણીઓ કિંમતી આભૂષણોથી લથપથ હોય છે. પરંતુ મહાત્માને આશ્ચર્ય થયું જયારે તેઓ મહારાણીને મળવા ગયા ત્યારે મહારાણીના શરીર પર કોઈ કિંમતી આભૂષણ કે ભપકાદાર વસ્ત્રો ન હતા. મહેલ પણ સાદો જણાયો. ગાંધીજી સાથે મંદિર પ્રવેશના અધિકાર માટે લડતની આ પ્રક્રિયામાં રાજાજી, મહાદેવ દેસાઈ, રામદાસ ગાંધી તથા કૃષ્ણસ્વામી ઐયર સાથે રહ્યા હતા. જન્મને કારણે કોઈને અન્યાય કરવાની પ્રથા સામે આ સત્યાગ્રહ એક મહત્વનો વિજય મેળવ્યો. રિવાજથી બંધાઈને તેને અનુસરવાની જગાએ બુદ્ધિ તથા ન્યાયથી વિચાર કરીને પ્રથાઓ ધરમૂળથી બદલવી જોઈએ તે વાઇકોમ સત્યાગ્રહનો શાસ્વત સંદેશ છે.

વસંત ગઢવી

તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑