સંસ્કૃતિ:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ

સાહિત્ય, સંગીત અને કળા એ ત્રણે તત્વો ચિરસ્થાયી આનંદ આપનારા છે. આથી જ અનેક લોકો યુગોથી સાહિત્ય-સંગીત તથા કળાની ઉપાસનામાં જોડાયેલા રહ્યા છે. આ ઉત્તમ કળાઓની આરાધના તથા ઉપાસના કરનારા તમામ કલાધરોમાં એક જુદો જ આત્મવિશ્વાસ કે આત્મગૌરવનો ભાવ હોય છે. ઘાયલ લખે છે:

સમજો છો શું અમોને

સ્વયં પ્રકાશ છીએ

દિપક નથી અમે કે

ઠાર્યા ઠરી જવાના.

                                             સાહિત્યના ઉપાસકોનો આવો આત્મવિશ્વાસ તેમજ સમગ્ર જગત પ્રત્યે સ્નેહની દ્રષ્ટિ એ જ તેમની ખરી મૂડી છે. તેમના માટેનું ચાલક બળ-driving force – છે. ગઝલ એ પ્રિય જનની સાથેની ગુફ્તેગુ છે. બાલાશંકર કંથારિયાથી મરીઝ સુધીના અને તે પછીના અનેક સર્જકોને લોકોએ મન ભરીને માણ્યા છે. પ્રણયના ભાતીગળ રંગો એ ગઝલનો શણગાર છે. આથી આદિલ તો પ્રણય અને ગઝલનો સાથે જ શુભારંભ થયો હશે તેમ માને છે અને લખે છે:

જયારે પ્રણયની જગમાં

શરૂઆત થઇ હશે.

ત્યારે પ્રથમ ગઝલની

રજૂઆત થઇ હશે.

               કડવાશ કે અભાવનું કોઈ સ્થાન આ પ્રણયરંગી કાવ્યો-ગઝલોમાં નથી. ઘાયલ સાહેબે આ વાત ખુબ સુંદર શબ્દોમાં મૂકી છે.

અણગમાને અતિક્રમી તે ગઝલ

ને પ્રણયમાં પરિણમી તે ગઝલ

લીટી એકાદ નીરખી ઘાયલ

હલબલી જાય આદમી તે ગઝલ.

સર્વના સ્વીકારનો અહીં મહિમા છે. કવિ રાજેન્દ્ર શુક્લ કહે છે:

નિષેધ કોઈનો નહિ.

વિદાય કોઈને નહિ

હું શુદ્ધ આવકાર છું

હું સર્વનો સમાસ છું.

                જગતના તમામ પદાર્થોમાં સુંદરતા નીરખવાનો અને તેનો અનુભવ કરાવવાનો આયામ એ ગઝલનું પ્રાણતત્વ હોય એમ હંમેશા લાગ્યા કરે છે. દિલમાં જો સુંદરતા હોય તો તે નજરમાં અચૂક પ્રતિબિંબિત થાય છે. 

              ગઝલ જ્યાંથી આવી હોય કે જે સ્વરૂપમાં આવી હોય તેનું સ્વાગત છે. ગઝલના પુસ્તકોમાં લખાયેલી ગઝલો જયારે મુશાયરાઓમાં રજુ થાય છે ત્યારે વિશેષ જીવંત તથા પ્રભાવી લાગે છે. ગઝલની રજૂઆતની કળા એ પણ તેનું એક આગવું તત્વ છે. જેમ લોકસાહિત્ય ડાયરાઓના માધ્યમથી વિશાળ લોક સમૂહ સુધી પહોંચ્યું છે તે જ રીતે ગઝલ અનેક સ્ટેજ પરના સુંદર કાર્યક્રમોથી જન જન સુધી પહોંચી છે. ઘાયલ સાહેબ જેવા કેટલાક શાયરોની હાજરી મુશાયરાઓમાં પ્રાણ પૂરનારી બની રહે છે. 

                  ઘાયલ સાહેબે શરૂઆતના વર્ષોમાં પાજોદ દરબાર રુસ્વા મઝલૂમી સાથે કામ કર્યું. રુસ્વા પોતે પણ એક ગણમાન્ય સર્જક હતા તે સુવિદિત છે. આથી તેમને ત્યાં આવતા શાયરોની એક ઊંડી અસર ઘાયલ પર પણ થવા પામી. ઉર્દુ ભાષાના જાણીતા સર્જકોની રચનાઓ અહીં સાંભળવા મળી. આથી ઘાયલના ગઝલ તરફના ખેંચાણમાં વૃદ્ધિ થવા પામી. એક રીતે જોઈએ તો અહીં ઘાયલનું ગઝલના ક્ષેત્રમાં ઘડતર પણ થવા પામ્યું હતું. દેશ આઝાદ થયો. રજવાડાઓની આવકો ઘણી મર્યાદિત થઇ. આવા સંજોગોમાં રુસ્વા સાહેબને પણ અનેક આર્થિક વીટમ્બણાઓનો સામનો કરવો પડ્યો. રુસ્વા મઝલુમીનો એક પ્રસિદ્ધ થયેલો શેર એક રાજવી શાયરની વ્યથાને બખૂબી વ્યક્ત કરે છે.

મહોતાઝ ન કશાનો હતો

કોણ માનશે? મારોય એક

જમાનો હતો,  કોણ માનશે?

          ઘાયલ દરબાર સાહેબથી સમયની માંગ પ્રમાણે છુટા થયા. જે આ સ્થિતિમાં સ્વાભાવિક હતું. પરંતુ ઘાયલના દિલમાં રુસ્વા તરફની લાગણીએ સ્થાયી સ્થાન લીધું હતું. ઘાયલે દરબાર સાહેબ સાથેનો સંબંધ આજીવન જાળવી રાખ્યો હતો. આથી રાજવીના નબળા સંજોગોમાં પણ ઘાયલ તેમનો મહિમા કરતા લખે છે:

આન અને બાન એટલે રુસ્વા,

ઠાઠ અને શાન એટલે રુસ્વા,

નથી જમીન કે જાગીર છતાં

સુલતાન એટલે રુસ્વા.

              ઘાયલ પોતાના એક અન્ય સમકાલીન શાયર ‘ગાફિલ’ બાબતમાં પણ આવું સુંદર આલેખન કરે છે. કવિ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ઉપનામથી ભજન અને ‘ગાફિલ’ ઉપનામથી ગઝલ લખતા હતા. ‘ગાફિલ’ને બિરદાવતા ઘાયલ લખે છે:

જતાં પહેલા જીવનભરનો હિસાબ

ચૂકતે કીધો, હતા ‘ગાફિલ’

છતાં કેવા હિસાબી યાદ આવે છે.

                  પોતાના સમવયસ્ક શાયરો સાથે ઘાયલનો ગરિમાપૂર્ણ વ્યવહાર હતો તે બાબત આવા કિસ્સાઓથી ફલિત થાય છે. આ રીતે જ જે ગઝલના ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યા હોય તેમના તરફ પણ ઘાયલની સ્નેહધારા હંમેશા વહેતી હતી. આવા નવોદિત શાયરોની પ્રગતિમાં ઘાયલની હૂંફ તથા આશીર્વાદ રહેતા હતા. મકરન્દભાઈ લખે છે કે ઘાયલ સાહેબ એ સંવાદના માણસ હતા. અનેક લોકો, સમકાલીન શાયરો તેમજ જેમની ગઝલ લેખનની પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે તે તમામ સાથે તેમનું એક જીવંત અનુસંધાન હતું. સરળતા તેમજ હળવા ફૂલ સ્વભાવથી તેઓ અનેકના દિલ જીતી લેતા હતા. ઘાયલ સાહેબ પધાર્યા છે તેવી મુશાયરામાં જાહેરાત થાય તો હળવાશથી કહે: “પધારે ઠાકોરજી, અમે તો ગુડાયા’ આ તળપદી ભાષા, લહેકો તથા શબ્દો તેમને વિશાળ જનસમૂહ સાથે જોડતા હતા. માનવી માત્ર તરફનો નિર્ભેળ સ્નેહ એ ઘાયલના વ્યક્તિત્વનો એક ભાગ ગણી શકાય તેમ છે. શાસ્ત્રોએ કહ્યું છે કે ‘ન માનુષાત શ્રેષ્ઠતરં હી કિંચિત’ આ વાક્યની વિભાવના ખરા અર્થમાં ઘાયલ સાહેબના જીવન અને કવનમાં વણાયેલી છે. તેઓ લખે છે:   

નાના હો કે મોટા ઘાયલ

માણસ માતર અમને વહાલા.

        ગઝલની સતત ઉપાસના કરતા આ સર્જકે ભાવથી લખ્યું છે જે તદ્દન ખરું છે. વાસ્તવિક છે.

શાયરીએ સલામ ઘાયલની

સાંભળ્યું છે કબૂલ કીધી છે.

              લોકો તેમને ‘શહીદે ગઝલ’ તરીકે ઓળખે તેવી ઈચ્છા પોતાના એક ઇન્ટરવ્યૂમાં ઘાયલ સાહેબે કહી હતી. આજે પણ ઘાયલ સાહેબની રચનાના શબ્દો સાંભળીને અનેક હૈયા ઝૂમી ઉઠે છે. ‘શહીદે ગઝલ’ને આ સાચી ભાવાંજલિ છે. 

વસંત ગઢવી

તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑