ક્ષણના ચણીબોર:વેડછીનાવટવૃક્ષનીકથા: જુગતરામદવે:

જુગતરામ લખે છે:

                        “મારી ઉંમરની મને ચોક્કસ જાણ નથી. એક બ્રાહ્મણ માટે આ શરમભરેલું છે એ હું કબૂલ કરું છું…માત્ર તિથિ પ્રમાણે તે ભાદરવા સુદ-૧૩ હતી તેમ યાદ છે. આથી કેટલીક ગણતરી કરીને મારી જન્મતારીખ ૧-૯-૧૮૯૨ મેં કરાવી છે.”

                        વેડછીના વડલા સમાન જુગતરામ દવેની કથા વાંચીએ તો એક સમર્થ ગાંધીજન બાપુના પગલે ચાલીને કેવું ઉમદા જીવન જીવી ગયા તેનો ખ્યાલ આવે છે. જુગતરામભાઈના જીવન વિશે વાત કરીએ ત્યારે તરત જ પુણ્યશ્લોક રવિશંકર મહારાજની સ્મૃતિ થાય છે. બંનેના વ્યક્તિત્વ તથા કાર્યો સદાકાળ ઉજળા રહે તેવા છે. સમર્પણ અને કાર્યનિષ્ઠાના આવા ઉદાહરણો આજે પણ પ્રેરણાસ્થાન બની શકે તેવા છે. (મારી જીવનકથા: જુગતરામ દવે. નવજીવન પ્રકાશન મંદિર) સુરત જિલ્લામાં ૧૯૯૫-૧૯૯૬ના ગાળામાં સરકારી સેવામાં ફરજ બજાવતો ત્યારે વેડછી ખાસ ઈચ્છા સાથે જવાનું ગોઠવ્યું હતું. જુગતરામ દવેની ચેતના આજે પણ ત્યાં તેમના કાર્યો થકી મહોરી રહી છે. સપ્ટેમ્બરમાં જુગતરામભાઈની જન્મજયંતિ આવે છે. ગુજરાતે આવા પાયાના કાર્યકરને ભૂલવા જેવા નથી. લોકોની વચ્ચે જ ધૂણી ધખાવીને બેસવાનો આવો નીર્ધાર એ ગાંધીવિચારનું સીધું પરિણામ હતું.

                             બારડોલી સત્યાગ્રહ એ બ્રિટિશ રાજ્ય સામેનો સુપ્રસિદ્ધ સંઘર્ષ ગણાય છે. આ સત્યાગ્રહની વાતો જુગતરામની નજરે જોવા તથા સમજવા જેવી છે. જુગતરામભાઈએ પણ બારડોલી સત્યાગ્રહ બાબતમાં પોતે નજરે જોયેલી તથા અનુભવેલી વાતો ટાંકી છે. સુરત જિલ્લાના બારડોલી સહિતના કેટલાક તાલુકાઓમાં મહેસૂલનો દર ૧૮૯૬ના વર્ષમાં નક્કી થયો હતો. સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત તે સમયે જમીન મહેસૂલનો હતો. આથી સરકારના સ્થાનિક અધિકારીઓને લાગ્યું કે અહીં મહેસૂલના દર ઘણાં જુના છે. છેલ્લા ત્રીસેક વર્ષથી તેમાં કોઈ ફેરફાર થયા નથી. સરકારી અધિકારીઓનું માનવું હતું કે આ મહેસૂલના દરમાં ફેરફાર કરવા જોઈએ. આ વિસ્તારનો વિકાસ થયો છે તેવી સરકારની માન્યતાના કેટલાક કારણ હતા. આ કારણો જોઈએ તો આજે તો આશ્ચર્ય થાય તેવા છે. એક તો બારડોલી તાલુકાને રેલવે સેવાનો લાભ મળતો થયો છે તેવું એક કારણ હતું. ઉપરાંત સરકારને કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ચોમાસા સિવાયના દિવસોમાં કારમાં મુસાફરી કરતા પેટનું પાણી પણ હલતું ન હતું. આમ સડક તથા રેલવે થઇ એટલે લોકોની સ્થિતિ સુધરી જ હોય તેવા તારણ પર સરકાર આવી હતી. બધી બાબતોની પોતાની દ્રષ્ટિએ ગણતરી કરીને સરકારે જમીન મહેસૂલમાં ૩૦% જેટલો મોટો વધારો કરવાનું નક્કી કર્યું. ખેડા જિલ્લામાં આવા જ કારણસર આંદોલન થયું હતું તે તરફ સરકારે ધ્યાન આપ્યું નહિ. સ્થાનિક અધિકારીઓએ પણ સરકારના ગળે ઉતરી જાય તેવી સલાહ આપી. મહેસૂલનો કાયદો કડક છે અને તેથી તેને માની લેવામાં સલામતી છે. આવી સલાહ અમુક આગેવાનોની હતી. સત્તા સામે બાથ ભીડવાના મતના તેઓ ન હતા. આ સલાહ લોકોના ગળે ન ઉતરતી હતી આથી લોકોના થોડા અગ્રણીઓ મહાત્મા ગાંધીના સાથી બેરિસ્ટર વલ્લભભાઈને મળવા અમદાવાદ ગયા. વલ્લભભાઈએ ખેડૂતોને નિર્ભય થવા તેમજ અન્યાયી વેરા સામે સંઘર્ષ કરવા જણાવ્યું. પોતે તેનું નેતૃત્વ પણ સ્વીકાર્યું. વલ્લભભાઈના નેતૃત્વમાં જે લડત થઇ તે ઐતિહાસિક છે. જુગતરામભાઈએ પોતાની દ્રષ્ટિએ આ બધી વાતો લખી છે. જે આજે પણ રોમાંચકારી લાગે છે. આ સમગ્ર સ્થિતિનો વિચાર કરીને જુગતરામભાઇ છેવાડાના માનવીઓ સાથે સક્રિય થઈને સેવાનું કાર્ય નક્કી કરે છે. તેમના મુખ્ય ઉદ્દેશોમાં આદિવાસી ભાઈઓને સ્વનિર્ભર કરવાની સૌ પ્રથમ નેમ હતી. આજે પણ વિકાસનાં પૂર્ણ ફળો જ્યાં પહોંચ્યા નથી તેવા વિસ્તારમાં લગભગ ૯૦ થી ૧૦૦ વર્ષ પહેલા આવું કામ ઉપાડવું એ પડકારરૂપ હતું. જે લોકો જમીનદારો કે વેપારીઓ હતા તેમનું સમાજમાં પ્રભુત્વ હતું. આદિવાસીઓનું શોષણ થાય તે લગભગ સર્વત્ર નજરે પડે તેવી વાત હતી. સરકારી અધિકારીઓનો પણ આવો જ દબદબો હતો. સાહેબો ચોમાસામાં મુલાકાત માટે આવે ત્યારે ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણી ભરાયેલા રહેતા હતા. સાહેબોને બુટ ન કાઢવા પડે એટલે આદિવાસીઓના ખભા ઉપર બેસી નદી પાર કરતા હતા. વેઠ કરવાની આવી દારુણ સ્થિતિ હતી. આ સ્થિતિને બદલવા માટેનો જુગતરામભાઈનો નિર્ણય એ સહેલો ન હતો પરંતુ ગાંધીના વિચારોથી ઘડાયેલા આ મહારથીએ આવુ પડકારરૂપ કાર્ય હાથમાં લીધું. વેડછી આશ્રમ આજે પણ જુગતરામભાઈના કાર્યોની સ્મૃતિ કરાવે છે. મનુષ્ય માત્રનું ગૌરવ એ તેમનો જીવનમંત્ર રહ્યો. જુગતરામભાઈના ગ્રામસેવાના આ નિર્ધારને મહાદેવભાઈ દેસાઈએ વધાવીને તેને બિરદાવ્યો જેનાથી પણ એક નવી પ્રેરણાનો સંચાર જુગતરામે અનુભવ્યો. ગાંધીજી તથા સરદાર સાહેબ ઉપરાંત સ્વામી આનંદ, કાકાસાહેબ તથા ગિજુભાઈ બધેકા જેવા લોકોને જુગતરામ પોતાના પ્રેરણામૂર્તીઓ સમાન ગણાવે છે. જુગતરામભાઈએ જંગલોની સ્થિતિ તરફ ધ્યાન આપ્યું. જંગલોના વહીવટમાં ખાનગી કોન્ટ્રાક્ટરોનું વર્ચસ્વ ન હોવું જોઈએ તેવી તેમની સ્પષ્ટ સમજ હતી. જંગલની સાથે પેઢી દર પેઢીથી જોડાયેલા આદિવાસી ભાઈઓ જ જંગલના સંરક્ષણ માટે અગ્રસ્થાને રહે તે વાત તેમના મનમાં સ્પષ્ટ હતી. સામુહિક નેતૃત્વના વિકાસ માટે જંગલ સહકારી મંડળીઓની રચના કરવાના તેમના પ્રયાસો સફળ થયા. જુગતરામભાઈના કાર્યકરોએ આ કાર્ય માટે આદિવાસીઓને તૈયાર કર્યા. જાગૃતિની એક નવી લહેરનું દર્શન થયું. જે સંગઠનો ટકી શકે તેવા સંગઠન કે વ્યવસ્થા ઉભી કરવાની તેમની દ્રષ્ટિ હતી. જુગતરામભાઈની જીવનકથા જોતા એક સમગ્ર વિસ્તારના ઘડતરની ભાતીગળ કથા જેવું લાગે છે. સુરત જિલ્લાના પછાત તાલુકાઓના આદિવાસી ભાઈઓના ઉત્કર્ષમાં વેડછીની સંસ્થાનું મહત્વનું પ્રદાન રહ્યું છે.

વસંત ગઢવી

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑