ઝવેરચંદ મેઘાણીની વિદાય પ્રમાણમાં અણધારી અને વહેલી થઇ. જીવનના પાંચ દાયકાઓ પણ આ સર્જક જોઈ શક્યા નથી. સમગ્ર દેશ આઝાદીની નવલ ઉષાનું સ્વાગત કરવા થનગની રહ્યો હતો ત્યારે જ આ મર્મી માનવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ ઉમાશંકર જોશીએ ખુબ યાદગાર શબ્દોમાં મેઘાણીને શ્રધ્ધાંજલી આપી. કવિશ્રી એ કહ્યું: “સમાજ અનેક લોકોને માન-સન્માન કે કીર્તિ આપે છે. પરંતુ બહુ ઓછા લોકોને સ્નેહ આપે છે. ગુજરાતે મેઘાણીને સ્નેહ તથા કીર્તિ એમ બંને ભરપૂર આપેલા છે.” ઉમાશંકર જોશીએ સમગ્ર સાહિત્યપ્રેમી વર્ગ વતી આ વાત કરી તે મેઘાણીના પ્રભાવનું વાસ્તવિક મૂલ્યાંકન છે. આયખાના મહત્વના અઢી દાયકામાં તેઓ એક યુગકાર્ય કરીને ગયા. અનેક લોકોની દ્રષ્ટિમાં જે બાબતો નહોતી આવી તેવા વિશાળ લોક સમૂહની તેઓ ઉપાસના કરીને ગયા. ધરતીના બાળ જેવા લોક સમૂહની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપીને ગયા.જેઓ સમાજથી ઉપેક્ષિત હતા તેવા અનેક લોકોના જન્મજાત ગુણોનું દર્શન મેઘાણીએ કરાવ્યું. રવિશંકર મહારાજે જેમની સેવા કરી હતી તેવા સમૂહની ખાનદાનીની વાતો તેમણે દુનિયા સમક્ષ રજુ કરી. કવિ દાદે બહુ જ ઉચિત શબ્દોમાં મેઘાણીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું:
કાળી અંધારી રાતમાં તે તો
તેજની જોઈ લકીર, જુલ્મી
નરમાં માનવતાના હૈયે દીઠા
હીર અંતરના લોઢ ઉછાળ્યા,
સમંદરમાં વીરડા ગાળ્યા.
લોકસાહિત્ય એ લોકના જીવનમાંથી ઉદ્ભવેલું સાહિત્ય છે. લોકજીવન જેટલું ભાતીગળ છે તેટલું જ ભાતીગળ લોકસાહિત્ય છે. ઇતિહાસો લખાય છે તેમાં સામાન્ય રીતે સમ્રાટો કે બાદશાહો જેવા શાસકવર્ગને કેન્દ્રમાં રાખીને લખાય છે. જયારે લોકસાહિત્ય લોકને કેન્દ્રમાં રાખીને મોટાભાગે આપમેળે સર્જાતું રહે છે. જેમના જીવન ઉજળા છે તેમનો અહીં મહિમા છે.
તન ચોખા મન ઉજળા
ભીતર દુજો ન ભાવ
કિનકા બુરા ન ચિંતવે
તાકુ રંગ ચડાવ
ધનકુ ઊંડા નવ ધરે
રણમેં ખેલે દાવ,
ભાગી ફોજા ભેડવે
તાકુ રંગ ચડાવ.
લોકસાહિત્યના ક્ષેત્રમાં જીવનભર કાર્યરત રહેનાર સર્જક મેઘાણીના મનમાં ભજન તથા સંતસાહિત્ય પરત્વેનું મમત્વ આજીવન રહ્યું હતું. મહેન્દ્રભાઈએ ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના પ્રારંભે લખ્યું છે તેમ જીવનના છેલ્લા મહિનાઓમાં મેઘાણીનું ચિત્ત સંતોની ભજનવાણી તરફ વિશેષ ઢળતું ગયું હતું. આ સમયગાળા દરમિયાન નવા કાવ્યો તેઓ ભાગ્યે જ લખતા કારણકે ભજનવાણીમાં તેમને પોતાના અંતરની લાગણીઓના પડઘા સંભળાતા હતા. જીવનભર ભજન માટેનો અજંપો તેઓ અનુભવી રહ્યા હતા. ત્રણ ચાર પુસ્તકો થાય તેટલી સામગ્રી તેમણે એકઠી કરી હતી. પરંતુ તેમાંનો પ્રથમ ભાગ પણ પ્રસિદ્ધ થાય તે પહેલા તેઓ સંતોની અમર જમાતનું સાનિધ્ય મેળવવા આ જગત છોડી ગયા. પ્રથમ ભાગ જે તેમની હયાતીમાં તૈયાર થયો તેની પ્રસ્તાવના લખીને આ સર્જક ગયા. એક સમર્થ પિતાનું સુયોગ્ય તર્પણ કરતા હોય તેમ મહેન્દ્ર મેઘાણીએ ૯ એપ્રિલ ૧૯૪૭ના દિવસે ‘સોરઠી સંતવાણી’ જગતના ચોકમાં રજુ કરી. ૯ એપ્રિલ ૧૯૪૭ એ મેઘાણીની પ્રથમ માસિક પુણ્યતિથિ હતી.
સંત સાહિત્યને એકઠું કરવાનું કાર્ય મેઘાણીએ આજીવન કર્યું. આ પરિશ્રમના પરિણામ સ્વરૂપે સોરઠી સંતવાણી તેમજ સોરઠી સંતો જેવા મહત્વના પુસ્તકો થયા. ભજનના મૂળ મેઘાણીને ગામડે ગામડે જોવા મળ્યા. દરેક મહિનાની અજવાળી બીજની રાત્રીએ તમે કાઠિયાવાડના કોઈ ગામડામાં હો તો આ મીઠાં અને મર્મીલા ભજનની વાણી તમારા કાને પડે છે.
વાગે ભડાકા ભારી ભજનના
વાગે ભડાકા ભારી
બાર બીજના ધણીને સમરુ
નકળંક નેજાધારી…ભજનના…
ભજન કરવાની આ પ્રથા ગામડાના લોકોને એકઠા થવાની અને નાના મોટાના ભેદભાવ સિવાય મળવાની એક સુંદર તક પુરી પાડતી હતી. આમ જુઓ તો એક સામુહિક ઉત્સવની આ સુંદર પ્રથા હતી. મીઠા સૂરો સાથે ગવાતા ભજન રાત્રીના આભૂષણ સમાન બની રહેતા હતા. જે શાસ્ત્રોની વાણી ગ્રંથોમાં બિડાયેલી હતી તેને જન જન સમજી શકે તેવી વાણીમાં જાહેરમાં મુકવાની આ ભજનપ્રથા કે સંતવાણીની અમૂલ્ય ભેટ છે. અહીં શાસ્ત્રોમાં જે કહ્યું છે તેનો જ પડઘો પડે છે. પરમ તત્વની આરાધના છે. જે અનાદિ તથા અનંત છે. જયારે કંઈ પણ ન હતું ત્યારે પણ આ તત્વ તો હતું જ. દેવાયત કહે છે:
નોતા રે મેરુ ને નોતી
મેદની, નોતા જેદી ધરણી ને
આકાશ રે. ચાંદો અને સુરજ
જયારે દોય નોતા, ધણી મારો
તે દી આપોઆપ રે,
અખંડ ધણીને તમે ઓળખો.
સમગ્ર સંતવાણીમાં કબીર સાહેબની ઊંડી અસર રહી. તેમના અનેક અનુયાયીઓએ સંતવાણીની જ્યોતને જીવંત તથા જ્વલંત રાખી. કબીર પછી લગભગ બસ્સો વર્ષ બાદ ભાણસાહેબ થયા. સતત વિચરણ કરનારા આ સાધુઓ હતા. ભાણફોજ તરીકે ઓળખાતી આ મંડળીએ સમાજમાં સંસ્કારના ઊંડા પાયા નાખવાનું કામ કર્યું છે.
ભાણ સાહેબના બે સમર્થ શિષ્યો રવિ સાહેબ તથા ખીમ સાહેબ પોતાની ભજનવાણીથી ખુબ જાણીતા બન્યા છે. “પિંડે તે બ્રહ્માંડે” વાળું આપણું સૂત્ર છે તેને સમાન વિચાર હોય તે રીતે ખીમ સાહેબ સુંદર શબ્દોમાં કહે છે.
આ કાયામાં પરગટ ગંગા
શીદ ફરો પંથપાળા, ઈ રે ગંગામાં
નાહીલો અખંડા, મત નાવ નદીયું નાળા
સંતો ફેરો નામની માળા.
રવિ સાહેબ ઉપરાંત મોરાર સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવણ તથા ત્રિકમ સાહેબનું પણ આ સંતવાણીમાં મહત્વનું પ્રદાન છે. પદરચનાઓ સરળ છે તેની લોકભોગ્ય છે. ત્રિકમ સાહેબ કહે છે:
બસ્તીમેં રેહના સંતો,
માંગીને ખાના હોજી,,,,,,ઘરોઘર
અલખ જગાના મેરે લાલ…
લાલ મેરા દિલમા સંતો
લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો…જી.
સંતવાણી તથા ભજનગંગા એ આપણાં અવિરત જીવંત રહેલા સ્ત્રોત છે. સમાજ જીવનને પોષક એવા તત્વો આ ધારામાં છે. સમાજને જોડનારા આ સંતો તથા તેમની વાણી આપણી અમૂલ્ય ધરોહર છે.
વસંત ગઢવી
તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૩
Leave a comment