ક્ષણના ચણીબોર:આપણાંચિરકાળપથદર્શકો: ગાંધીજીઅનેકબીરસાહેબ

 આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે. પંડિતજી ઇતિહાસના માત્ર જાણકાર નહિ પરંતુ એક જાગૃત અભ્યાસુ હતા. ઇતિહાસને જોવાની તથા મુલવવાની તેમની આગવી દ્રષ્ટિ છે. આથી બાબા(વિનોબાજી) એક સંવાદમાં પંડિત નહેરુને કહે છે: પંડિતજી, તમે ઇતિહાસનું આલેખન કર્યું છે. તેમાં એમ લખ્યું છે કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ નામના મહાન સંત થઇ ગયા. “સ્વાભાવિક છે કે પંડિતજીએ એ વાતનો તરત જ સ્વીકાર કર્યો. તેમણે જે લખ્યું હતું તે જ વાત બાબા કરતા હતા. હવે વિનોબાજી વાતનો દોર આગળ લંબાવતા કહે છે: પંડિતજી, મને લાગે છે કે તમારે એમ લખવું જોઈએ કે મહાન સંત તુલસીદાસના સમયમાં સમ્રાટ અકબર થઇ ગયા.”  પંડિત નહેરુજી આ સંદર્ભમાં કહે છે કે રાજવીઓના શાસન કાળને કેન્દ્રમાં રાખી ઇતિહાસમાં આ રીતે લખવાની પ્રથા છે. હવે બાબા એક રસપ્રદ વાત પોતાના અનુભવના આધારે કહે છે. બાબા કહે છે કે તેઓ ઉત્તર ભારતના એક નાના ગામડામાં પદયાત્રા દરમિયાન ગયા ત્યારે ગામલોકો એક ધાર્મિક સ્થળે એકત્રિત થયા હતા. ધાર્મિક વિધિ પુરી થયા બાદ બાબાએ પૂછ્યું કે અહીં એકઠા થયેલા લોકોમાંથી અકબરનું  નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? ભીડમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા લોકોએ જ શહેનશાહ અકબરનું નામ સાંભળ્યું હતું. ત્યારબાદ બાબા આ ગામ લોકોને બીજો પ્રશ્ન કરે છે. બાબા કહે છે કે તમારામાંથી તુલસીદાસનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? અનેક લોકોએ પોતાના હાથ ઊંચા કરી પ્રસન્ન થઈને જણાવ્યું કે અમે તુલસીદાસ તથા કબીરને કેમ ન ઓળખીએ? હવે બાબા થોડી ક્ષણો રોકાઈને કહે છે કે માત્ર શાસકોને  કેન્દ્રમાં રાખી ઇતિહાસ લખાય તે પ્રથા પૂર્ણ નથી. વિશાળ જનમાનસ પર તુલસી-કબીર કે મીરાની વિશેષ અસર હોય છે. આવા સાધકોની વાણી લોકોને દોરે છે. પ્રેરણા આપે છે. જીવન જીવવાનો માર્ગ બતાવે છે. કબીર અને મહાત્મા ગાંધી આવા બે ઐતિહાસિક અને અમૂલ્ય પાત્રો છે કે જેમની અસરમાં માત્ર હિન્દુસ્તાન જ નહિ પરંતુ વિશ્વનો ઘણો ભૂ-ભાગ છે. 

                                     કબીર અને ગાંધીને કોઈ સંપ્રદાય કે રૂઢિગત માન્યતા સાથે જોડી શકાતા નથી. તેઓ તો ગંગોત્રીની ધારાની જેમ નિત્ય વહેતા અને વિકસતા રહ્યા છે. જીવન જીવવા માટેના શાશ્વત મૂલ્યોની આ બંને એ સાધના કરી છે. તેમણે કોઈ નવો સંપ્રદાય, વિચારધારા કે વાડા ઉભા કર્યા નથી. તેમણે તો પ્રાચીન કાળથી માનવજીવનને પોષણક્ષમ બનાવનાર તત્વો સાથે જ અનુસંધાન કર્યું છે. સત્ય, પ્રેમ તથા કરુણા એ જ આ બંને મહાનુભાવોના ચરિત્રમાંથી પ્રગટે છે. તુલસીદાસજીએ લખ્યું હતું:

ધરમ ન દુસર

સત્ય સમાના,

અગમ નિગમ પુરાન બખાના.

                                         સ્વસ્થ સમાજનું એક મહત્વનું પ્રમાણ એ છે કે ત્યાં ચર્ચા અને સંવાદને સમાજવ્યવસ્થાના એક ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. સોક્રેટીસના સમયની અનેક ચર્ચાઓમાં એ વાત સ્પષ્ટ થાય છે કે તેણે પોતાના સાથીઓ તથા સમાજ સાથે એક સંવાદનો સેતુ ઉભો કર્યો હતો. મતભેદને અહીં સ્થાન છે.  પરંતુ મતભેદના કારણે કોઈ કડવાશ ઉભી ન થાય તેની ખરાઈ સમાજે કરવી જોઈએ. મૂળ વિચાર તો એક જ છે. તેની અભિવ્યક્તિની પધ્ધતિ જુદી હોઈ શકે છે. ઘણાં બધા અંશે તે મૂળ વિચાર શાશ્વત છે. 

કબીર કુવા એક હૈ, પનિહારી અનેક,

દર્શન સબ ન્યારે ભયે,

પાની સબ મેં એક.

               સત્ય એક છે જે સ્થાયી છે. તેનું અવલંબન લઈને જ સૌ પોતપોતાના માર્ગ નક્કી કરે છે. ‘એકમ સત વિપ્રા બહુધા વહન્તિ’ એ બાબત પણ આ વાતની જ સાક્ષી પુરાવે છે. ગાંધી અને કબીર પણ આમ જ કહે છે. મૂળતત્વને ઓળખવાની અને પામવાની આ વાત છે. જીવનના મૂળભૂત મૂલ્યોથી જે અલગ છે તે સમાજ જીવનમાં સ્વાસ્થ્યપ્રદ નથી. જીવનમાં જો શાંતિ એ મૂળતત્વ હોય તો કોઈ પણ કારણસર યુદ્ધ કે અશાંતિ અહીં સ્વીકૃત નથી. ગાંધીજી પણ આ જ વાતનું સમર્થન કરે છે. જો સત્ય અને અહિંસાના મૂલ્યો શાશ્વત હોય તો તેમાંથી વિચલિત થઈને મહાત્માને મુક્તિ માટેનો સંગ્રામ પણ ચલાવવો નથી. આથી મહાત્માની લડાઈ એ વ્યક્તિગત નથી, સૈદ્ધાંતિક છે. મૂલ્ય આધારિત છે. વ્યક્તિ એ તો વ્યવસ્થાનો એક ભાગ છે. આથી જો વ્યવસ્થા બદલાય તો જ સ્થિતિમાં સુધારો લાવી શકાય તે વાતમાં મહાત્મા ચોક્કસ છે. આ વ્યવસ્થા બદલવાનું જે કામ છે તે હંમેશા પડકારરૂપ રહ્યું છે. સામાજિક-રાજકીય કે ધાર્મિક વ્યવસ્થાઓ પોતાનો એક પ્રભાવ ઉભો કરે છે. આથી તેનો બદલાવ એ પણ લાંબા ગાળાનો સંઘર્ષ માંગે છે. મહાત્મા ગાંધીની વિદાય પછી તેમના વૈચારિક વારસદાર કહી શકાય તેવા વિનોબાજીએ સંપત્તિની વહેંચણીમાં રહેલી વિષમતાને ઓછી કરવા ભૂદાનયજ્ઞ શરુ કર્યો. જયારે એક વિશાળ સમૂહ પોતાની જરૂરિયાત પૂરતું પણ મેળવી ન શકે તે સ્થિતિ લાંબાગાળે અકળાવનારી બને છે. કારણ કે એક નાના વર્ગ પાસે સંપતિનું કેન્દ્રીકરણ થાય છે. ભૂદાનયજ્ઞ એ આ સામાજિક સમરસતા ઉભી કરવાનો ઠોસ પ્રયાસ હતો.’ગાંધીને ભૂલ્યા તે થાપ ખાધી’ એવું સ્વીડિશ નોબેલ પ્રાઈઝ વિનર અર્થશાસ્ત્રી ગુન્નાર પ્રિડોલ કહેતા હતા. આપણે તે ભૂલવા જેવું નથી.   

વસંત ગઢવી

તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑