ક્ષણના ચણીબોર:આત્મગૌરવનોરણકો:ઘાયલનાજીવનમાંતથાકવનમાં

ગઝલ એ મૂળભૂત રીતે પ્રેમસંવાદ છે. ગઝલ પ્રેમમાં મહોરી ઉઠે છે. આદિલે ગાયું હતું:

જયારે પ્રણયની જગમાં

શરૂઆત થઇ હશે,

ત્યારે પ્રથમ ગઝલની

રજૂઆત થઇ હશે.

                                જગતની કડવાશ તેમની વાણી કે વ્યવહારમાં નથી. જગતનો દરેક પદાર્થ એક અલગ ભાવ કે નશાનો અનુભવ કરાવી શકે છે. તમામ ઉત્તમ પદાર્થમાં તેનો પોતાનો આગવો નશો છુપાયેલો છે. આવો ભાવ ઘાયલના શબ્દોમાં તથા જીવનમાં પ્રગટે છે. રસો વૈ સ:ની આ કવિને ઊંડી પ્રતીતિ થઇ હોય તેમ લાગે છે. તેથી ઘાયલ સાહેબ લખે છે:

તને પીતા નથી આવડતો

મૂર્ખ મન મારા, પદાર્થ એવો

કયો છે જે શરાબ નથી !

                        આથી કવિ આ મેઘધનુષના રંગો જેવા સંસારના તમામ પદાર્થોનો રસ આકંઠ પીવા કહે છે.

રંગ પી રોશની પી લાલી પી,

એક શું કામ? લાખ પ્યાલી પી.

                    ઘાયલ માને છે કે પોતાનો યુગધર્મ પારખીને પોતાપણાંને ઉજાગર કરવો જોઈએ. જગત એક સર્જક તરફ જુએ તો જગતની દ્રષ્ટિમાં એક માન-સન્માનનો જુદો ભાવ ઉઠવો જોઈએ. સરકારી નોકરીમાં આ શાયરના જીવનનો મહત્વનો તબક્કો પસાર થયો. આ સંદર્ભમાં પણ જરૂર પડી ત્યાં ઘાયલ સર્જકનો પોતે પાળેલો ધર્મ ચુક્યા નથી. પોતે મનથી નક્કી કરેલી મર્યાદાઓને પણ તેમણે અતિક્રમી નથી. મહાગુજરાત ગઝલ મંડળ, સુરત તરફથી ઘાયલ તથા રુસ્વા મઝલૂમીનું સન્માન થયું. શાયર રુસ્વાને ‘ગઝલ ગૌરવ’ તથા ઘાયલને ‘ગઝલરત્ન’ના ઇલ્કાબથી વધાવવાનો પ્રસંગ ગોઠવાયો. અહીં તેમના મનની કૂણી લાગણીઓને ઠેસ પહોંચે છે. તે સમયે શયદા અને મરીઝ હયાત હતા તેથી ઘાયલને આવો ઈલ્કાબ તેમની પહેલા સ્વીકારવો ગમતો ન હતો. પોતાના સમકાલીન કવિઓ તરફનો આ આદર તેમના વ્યક્તિત્વની અભિન્ન ગરવાઇ છે. 

              ઘાયલ સાહેબ પોતાની સ્મૃતિને આધારે એક કિસ્સો ટાંકે છે. એક કાવ્યપઠનના કાર્યક્રમમાં કવિઓ સાથે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ બેઠા હતા. કવિઓમાં હિન્દીના સુપ્રસિદ્ધ કવિ નિરાલાજી પણ હતા. મંચ પરના અન્ય કાર્યક્રમો પુરા થયા બાદ કાવ્યપઠનનો કાર્યક્રમ શરુ થવાની ક્ષણ આવી. આ સમયે નીરાલાજીએ જવાહ્રરલાલજીને સ્ટેજની સામે પ્રેક્ષકો સાથે બેસવા પુરા માન સાથે વિનંતી કરી. નિરાલાજીએ મંચ પર બેઠેલાં અન્ય જાણીતા કવિઓ તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે “પંડિતજી અબ યહાં કવિઓ કા દરબાર લગેગા. ઇસલિયે આપ હમારે સામને તશરીફ રખીએ”. પંડિતજી તરત જ સહજ રીતે સ્ટેજની સામે પ્રેક્ષકો સાથે ગોઠવાઈ ગયા. કાવ્ય દરબાર પૂરો થયો ત્યાં સુધી રસથી માણતા રહ્યા. કવિઓના સ્વમાનના વિષય બાબત ઘાયલ સાહેબના મનમાં આગવા ખ્યાલો હતા. તેમાં મિથ્યાભિમાન ન હતું પરંતુ આત્મગૌરવની અભિલાષા હતી. આ સ્થિતિ એ શાસક અને સર્જક વચ્ચેના સ્વસ્થ સંબંધની નિશાની છે. આ સ્થિતિમાં જો વિક્ષેપ થાય તો કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ લખ્યું છે તેમ “પદવી અને પહેરામણ” માટે સર્જકનું આત્મસન્માન હણાઈ શકે છે. આથી આ વિવેક જાળવવો ખુબ જરૂરી છે. શ્રીધરાણી લખે છે:

સર્વવ્યાપ્ત સરકાર બિરાજે

કવિને કરતી ભાટ, જંગલ

છોડી દિલ્હી કાંઠે યોગી

માંડે હાટ. પદવી છે પહેરામણ છે

છે બિલ્લા એક અનેક

મળશે ચંદ્રક એક અનેક

નહિ મળશે શુદ્ધ વિવેક.

                    સર્જકને શબ્દ મળ્યો છે. શબ્દનું સાખ્ય એ સર્જકનો ખરો આનંદ છે. મનોજ ખંડેરિયા કહે છે તેમ શબ્દો જ અહીં તો કંકુ અને ચોખા છે. શબ્દના સાખ્યના નિજાનંદથી બીજો કયો દુન્વયી ખિતાબ જોઈએ? જેમણે ગઝલો લખવાની શરૂઆત આપણી ભાષામાં કરી તેવા બાલાશંકર કંથારીયા અહીં સ્મૃતિમાં આવે છે. તેઓ લખે છે:

કવિરાજા થયો શી છે પછી

ચિંતા તને કાંઈ, નિજાનંદે

હંમેશા ‘બાલ’ મસ્તીમાં મજા લેજે.

               ગઝલની શરૂઆત અરબી-ફારસીમાંથી થઇ. ક્રમશઃ ઉર્દુની લઢણ તથા શબ્દોમાં તેનું સુંદર લાલન પાલન થયું. વિકાસ અને વિસ્તરણ પણ થયા. ઈશ્કિયા તથા સાકી અને સુરાલયના શબ્દો સાથે આ યાત્રા આગળ વધી. મરીઝ-ઘાયલ-શયદા અને ગની સાહેબે તેમાં ચીલા ચાતર્યા છે. ગઝલના ઉત્તમ ભાવોને આપણી ભાષામાં ઉતાર્યા છે. તેમાં તેમની દ્રઢ શ્રદ્ધા તથા વિશ્વાસ પણ છે.

ફાલી ફૂલી રહેશે ઘાયલ

ગઝલોના છે ઊંડા મૂળ.

           ઘાયલના કેટલાક શેરો અનોખી વૈચારિક ઊંચાઈ પામે છે. થોડામાં ઘણું કહી જાય છે.

અશ્રુ કેરો હું બહિષ્કાર

કરી દઉં કિન્તુ, ચાલતું

દિલને નથી દર્દની સોગાત વગર

અમને હતું કે છીછરાં

જીવનના જળ હશે. નહોતી

ખબર કે આટલાં તળિયે

વમળ હશે.

              ઘાયલના આવા અનેક શેર વાંચ્યા પછી મનમાંથી લાંબા ગાળા સુધી ખસતા નથી. વિચારોની એક આગવી ઊંચાઈને સર કરતો મરીઝનો શેર યાદ આવે છે. માનવતાવાદના ગહન વિચારને કેટલા સરળ શબ્દોમાં મરીઝે ઉતાર્યો છે. તે જોઈને અહોભાવ થાય છે.

એકત્વ એવું જોઈએ

માનવતાવાદમાં, કોઈ ગુનો કરે

અને લાગે શરમ મને.

                  બેફામ સાહેબ પણ જીવતરના માનવીય પ્રયાસોમાં ચડસા ચડસી કે ચઢતા ઉતરતાની હરીફાઈથી દૂર નીકળી પરિસ્થિતિને બદલવામાં સ્વતરફ આંગળી ચીંધે છે.

કોઈ અમને નડ્યા તો

ઉભા રહી ગયા પણ ઉભા

રહી અમે કોઈને ન નડ્યા.

ખુદ ન પહોંચી શક્યા અમે મંઝિલે.

કિન્તુ વાટ બીજાને બતાવી દીધી…

થાય સરખામણીતો ઉતરતા છીએ.

               ‘આઠો જામ ખુમારી'(પ્રવીણ પ્રકાશન) પુસ્તકમાં ઘાયલ સાહેબના પત્રો તેમજ ઈન્ટરવ્યું વગેરે છપાયા છે. અહીં લખેલા પ્રસંગો જોતાં એ સ્પષ્ટ થાય છે કે આ શાયર હંમેશા ઉન્નત શિરે તથા સ્વમાનને જાળવીને જીવ્યા છે. આત્મસન્માનના ભોગે તેમણે કોઈ સમાધાન કર્યા નથી. શાયર આ બાબતમાં ‘મુઠી ઉંચેરા’ રહ્યા છે. દરો પ્રસંગ જોતાં તેમાં મિથ્યાભિમાન નહિ પરંતુ આત્મસન્માનની ખેવના દેખાય છે. ઘાયલને રાજકોટ સાથે અને રાજકોટને ઘાયલ સાથ એક અનોખો સંબંધ છે. તેઓ લખે છે.

ઉન્નતિ હોય કે પતન ઘાયલ

બહુ સરસ રાજકોટ લાગે છે.

આથી દઉં બધાય દહાડા

બહિશ્તના, બદલામાં એક

જો મળે રાત રાજકોટની.

વસંત ગઢવી

તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑