ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું. તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત નહેરુજી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એક સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ હોવા ઉપરાંત વિજ્ઞાન તેમજ સાહિત્યની બાબતોમાં પણ રસ ધરાવતા હતા તે જાણીતી વાત છે. આથી પંડિતજી પાસે કાવ્યપઠન કરવા માટે કેટલાક સુપ્રસિદ્ધ કવિઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીનાં સમયની અનુકૂળતા જોઈને તેમજ કવિઓની પૂર્વસંમતિ લઈને કાવ્યપઠનનો કાર્યક્રમ ગોઠવાયો હતો. આયોજકોનો આશય નહેરુજીને ઉર્દુ કાવ્યો સંભળાવવાનો હતો. ઘાયલ પણ ત્યાં હતા. કાવ્યપઠન માટે તેમનો ક્રમ આવ્યો ત્યારે તેમણે પંડિતજીને કહ્યું: “હજુર, હમ તો અપની માદરી જબાન ગુજરાતીમેં કલામ કહતે હૈ. શાયદ હજુર સમજ ન પાયે તો ખતા માફ કીજિયેંગા.” નહેરુજીએ તુરંત વળતો જવાબ આપ્યો: “અરે, હમ તો બાપુ કે સાથ બરસો તક રહે હૈ. યે બાપુકી જબાન હૈ. ઉનકી જબાન સિર્ફ સમજતા નહિ હું, બોલ ભી સકતા હું. આપ શોખ સે અપની જબાન મેં કવિતા સુનાઇએ.” આ પ્રસંગે ઘાયલે સંભળાવેલાં મુક્તકો ખુબ જાણીતા થયેલા છે.
‘જૂનું પાનું મકાન તો આપો,
ધૂળ જેવું ય ધાન તો આપો.
સાવ જૂઠું શું કામ બોલો છો?
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો
ખોટો સાચો જવાબ તો આપો.
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો’
સુખના બે ચાર શ્વાસ તો આપો
જિન્દગાનીનો ભાસ તો આપો.
મુક્ત વાતાવરણના સ્વામીઓ
કૈં હવા કૈં ઉજાસ તો આપો.
આ પંક્તિઓ સંભળાવી તે પછી નહેરુજી શું બોલ્યા તે વાત પણ શેખાદમ ઘાયલ સાહેબને પૂછે છે. ઘાયલ કહે કે નહેરુજી બોલ્યા કે ઐસા કયું કહતે હો? ઘાયલ પણ વિવેક સાથે છતાં સ્પષ્ટ શબ્દોમાં પંડિત નહેરુને કહે છે: “કવિ જનતા કે મુખ હૈ. ઉસે જનતા કે દુઃખ કો બયાન કરના ચાહીએ.” કવિના આ જવાબમાં માત્ર નિખાલસતા જ નથી એક આત્મગૌરવનો રણકાર પણ તેમાંથી સંભળાય છે. પ્રધાનમંત્રી સમક્ષ કાવ્યપઠન કરવા માટે નિમંત્રણ મળે અને કવિ મનમાં ઘૂંટાતી હોય તે જ વાત રજુ કરે તે સામાન્ય વાત નથી. સર્જકોએ ભૂતકાળમાં પણ સત્તાના સિંહાસન પર બેઠા હોય તેમની શેહ-શરમમાં આવ્યા સિવાય સાચી વાત નિર્ભયતાથી રજુ કરી છે. કવિ ઉમાશંકર જોશીએ કટોકટી લાદવાના ભારત સરકારના નિર્ણય સામે પોતાની અસંમતિનો સુર સંસદગૃહમાં અભિવ્યક્ત કર્યો હતો. ૧૯૭૭માં દેશમાં આંતરિક કટોકટી જાહેર થઇ. કવિ ઉમાશંકર જોશી રાજ્યસભામાં સરકાર નિયુક્ત સભ્ય હતા. કટોકટીને લગભગ સંસદના બંને સદનોમાં સમર્થન મળ્યું હતું. વિરોધ વ્યક્ત કરનારાઓ પોતાનો સ્વતંત્ર મત વ્યક્ત કરીને જેલમાં ગયા હતા. રાજ્યસભામાં કટોકટીના કાયદા અંગે વાત કરતા સર્જક ઉમાશંકરે તેનો આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો. ફરી એક વખત કવિનું સારસ્વતપણું ઝળહળી રહ્યું. ઘાયલ સાહેબનો નહેરુજી સાથેનો આ પ્રસંગ યાદ કરીએ ત્યારે કવિ ઉમાશંકર જોશીનું રાજ્યસભાનું યાદગાર પ્રવચન સ્મૃતિમાં આવે છે.
કવિઓ-સર્જકો પોતાનું ગૌરવ જાળવીને સમાજ કે શાસન સાથે વ્યવહાર કરે તેની વાતો ચિરંજીવી તથા પ્રેરણાદાયી રહે છે. ઘાયલ આવા જ એક શાયર હતા. આ મિઝાઝથી જ તેઓ જીવ્યા અને સાહિત્યની દુનિયામાં મહોરી ઉઠ્યા. ભુજના ૧૯૭૩માં થયેલા એક સાહિત્યિક કાર્યક્રમનો ઉલ્લેખ મળે છે. રાજકીય આગેવાનો સાહિત્યિક સમારંભમાં આગળ બેસે તથા સાહિત્યિક સર્જકો પાછલી હરોળમાં બેસે તેવી આયોજકોની વ્યવસ્થા જોઈને ઘાયલ સાહેબે સ્પષ્ટ રીતે પોતાની નાસંમતિનો મત વ્યક્ત કર્યો હતો. આપણી ભાષાનો આવો સમર્થ તથા ખૂંખાર વ્યક્તિત્વ ધરાવતો સર્જક થયો તેનું ગૌરવ થાય તે સ્વાભાવિક છે. રમેશ પારેખે ઘાયલ સાહેબ માટે ઉચિત લખ્યું છે:
ઘણાં છે કષ્ટ તો એ
શખ્સ પણ કસાયેલ છે.
છે હોઠ હાકલા કરનાર
પણ સિવાયેલ છે.
જીવનના દરેક પડાવે ઘાયલ સાહેબ ઉન્નત શિરે જીવ્યા છે. એક પ્રસંગે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા ભુજ આવ્યા ત્યારે કાવ્યો સાંભળવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. કવિઓ બધા ‘ઉમેદભુવન’ સરકીટ હાઉસમાં આવે તેવો સંદેશ મળ્યો. ઘાયલ આ પ્રસંગ પોતાના એક પત્રમાં લખે છે. સર્કિટ હાઉસ આવના સંદેશના સંદર્ભમાં ઘાયલ કહે છે: ઘનશ્યામભાઈ મુખ્યમંત્રી ખરા પરંતુ અમારા પૂર્વજ કવિ દલપતરામના દોહિત્ર. કવિઓને સાંભળવા હોય તો અમારી ‘રંગ’ સંસ્થામાં જરૂર પધારે. ઘનશ્યામભાઈ તેમની વિનમ્રતા માટે જાણીતા છે. ખુશી સાથે તેઓ કવિઓને સાંભળવા ‘રંગ’ સંસ્થામાં ગયા. કવિનું ગૌરવ અને મુખ્યમંત્રીના સૌજન્ય તથા વિવેકના અહીં દર્શન થાય છે. જીવનના છેલ્લા થોડા વર્ષો ઘાયલ ગાયત્રીના પરમ ઉપાસક બન્યા હતા. ઘાયલ સાહેબ પોતાના જીવનની ગતિ વિશે વાત કરતા લખે છે:
મંદ ક્યારેય થઇ ન
મારી ગતિ, આમ બસ
મારમાર જીવ્યો છું.
જીવનના આ પાછલા પડાવના વર્ષોમાં જ સાંઈ મકરંદ એક યાદગાર પત્રમાં ઘાયલને લખે છે: “તમારી ગઝલ જાનદાર છે. પ્રાર્થના છે કે તમારી જબાન તથા જિંદગીનું તેજ વધતું રહે.” મકરંદભાઈ કહે છે કે જીવનના આથમતા પડાવે ઘાયલનો સૂર્ય ઉગમણા પડાવને પણ ઝાંખા પાડે તેવો ઝળહળી રહો. મકરંદભાઈના આ શબ્દો ઘાયલના જીવનમાં સાર્થક થતા જોઈ શકાય છે. ઘાયલના શબ્દના ટેકે ગુજરાતી ગઝલની ભાષા ઉભી છે તેવું અનિલ જોશીનું અવલોકન યથાર્થ છે.
વસંત ગઢવી
તા. ૩૧ જુલાઈ ૨૦૨૩
Leave a comment