વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા ‘ઘાયલ’ સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની પણ સ્મૃતિ થાય છે. બંને સર્જકોનું પ્રાગટ્ય ઓગસ્ટ માસમાં જ થયું હતું. મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ લખીને એક ચિરંજીવી લોકસાહિત્ય કથાઓનું નિર્માણ કર્યું. રસધારના પહેલા ભાગને પ્રકાશિત થયાને સો વર્ષનો સમયગાળો થયો છે. આથી આ વર્ષ રસધારની શતાબ્દી વંદનાનું પણ છે. ઘાયલ સાહેબના જન્મને શતાબ્દી ઉપરાંત એક દસકા જેટલો સમય થયો. આજે પણ આ બંને સર્જકો લોકહૈયે જીવંત છે. મેઘાણી તથા ઘાયલની રચનાઓ આજે પણ ગવાતી તથા ઝીલાતી રહે કે. વર્ષો પછી પણ લોકહૈયે રહે તે સાહિત્ય ખરા અર્થમાં ચિરંજીવી સાહિત્ય છે.
આ બંને સર્જકોની શબ્દ ઉપાસનામાં પણ એક સામ્ય છે. આ બંને સર્જકોએ તળપદી બોલચાલની ભાષાને પ્રાધાન્ય આપીને પોતાની રચનાઓ કરી છે. સ્વામી આનંદની નોંધ પ્રમાણે ઘાયલ સાહેબે સ્વામીદાદાને એક મહત્વની વાત પોતાના ભાષાકર્મ વિષયમાં કરી. ઘાયલ કહે છે કે તેઓને ચોખલિયા સાક્ષરોની ભાષા ગમતી નથી. તેથી તેઓ આ ઘુંસરીનો ભાર ઉપાડતા નથી. હૈયે ઉગેલા શબ્દને જોતરીને જ ઘાયલ પોતાની રચનાઓનું સર્જન કરે છે. આ બાજુ મેઘાણી પણ લોકવાણીનું પ્રાધાન્ય સમજી-સ્વીકારીને પોતાની વાત રજુ કરે છે. આ બંને સર્જકો તેમના ભાષા કર્મ અંગે કોઈ ચોખલિયા વલણને મોહતાજ નથી. શબ્દને તેમણે દીપાવી જાણ્યો છે. લોકહૈયે આ શબ્દ ટકી રહ્યો છે.
સર્જક પોતાનો યુગધર્મ જાણીને સર્જનકાર્ય કરતો રહે છે. કવિ ક્રાન્ત-દ્રષ્ટા છે. આથી આવનારા સમયને પણ ઓળખીને પોતાના સર્જનોને દિશા આપે છે. ઘાયલ સાહેબના વ્યક્તિત્વના અનેક પાસા છે. આ દરેકનો અભ્યાસ કરતા એ વાત તરત જ નજરે ચડે છે કે આ શાયર સ્વમાનના ભોગે કોઈપણ કાર્ય કરતો નથી. સ્વમાન જાળવીને તેમજ અન્ય પ્રત્યે સદ્ભાવ જાળવીને આ શાયર જીવ્યા છે. જીવન એમણે પૂર્ણતાના ભાવથી માણ્યું છે. પોતાના મનની આ વાત લખતા તેઓ કહે છે:
ખુબ અંદરબહાર જીવ્યો છું.
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું.
હું ય વરસ્યો છું ખુબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર
પણ સર્વથા શાનદાર જીવ્યો છું.
ઘાયલની ખુમારીનું દર્શન તેમણે પોતાના એક પત્રમાં ટાંકેલા કેટલાક સ્વાનુભવો પરથી થાય છે. આવા દરેક પ્રસંગે શાયર ઘાયલ મૂંઠી ઊંચેરું વ્યક્તિત્વ ધરાવતા સર્જક લાગ્યા છે. તેઓ કહે છે એ વાત સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું તે સમયની છે. આપણે જાણીએ છીએ તેમ બૃહદ મુંબઈ તથા પછીથી ગુજરાત સાથે જોડાણ થયું તે પહેલા સૌરાષ્ટ્રનું પોતાનું એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ હતું. સૌરાષ્ટ્ર રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું. આ સમયે ઘાયલને મળવા માટે એક કવિ મિત્ર આવ્યા. આ કવિ પોતે પણ રાજ્ય સરકારમાં એક ઉચ્ચ હોદ્દા પર હતા. તેમણે ઘાયલને સહજ વાતચીતમાં કહ્યું કે તેમણે તથા ઘાયલે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યો સમક્ષ કાવ્યપઠન માટે જવાનું છે. હવે અહીં ઘાયલ એક સ્વમાની સર્જક હોવાથી તેમના ગળે આ વાત ઉતરતી નથી. કવિઓએ આવા કોઈ સરકારી કાર્યક્રમોમાં જવાનું હોય તો પ્રથમથી જ તેમને વિધિવત આમંત્રણ આપીને નિમંત્રિત સર્જકની સંમતિ લેવી જોઈએ. પોતાની સંમતિ મેળવવામાં ન આવી હોવાથી ઘાયલ સાહેબે પોતાના સ્વભાવ મુજબ-કાવ્યપઠન માટે જવાની સ્પષ્ટ ના પાડી. “તમે સરકારના નોકર છો તેનો વિચાર તો કરો.” આમંત્રણ આપનારા કવિએ વ્યવહારુ ડહાપણ આપ્યું. પરંતુ વ્યવહારના જગતમાં પોતાનું સ્વમાન કોરાણે મૂકીને જનારા શાયરોમાં તેઓ ન હતા. આ “ગેબના ગાયક”ને દુન્વયી ડહાપણ સાથે ઓછી નિસબત હતી.
અમે તો ગેબના ગાયક
જમાવીને બેઠાતા,
અહીં નહિ તો હવાને
જામતાં બહુ વાર લાગે છે.
શબ્દની આરપાર જીવ્યો છું.
હું બધું ધારદાર જીવ્યો છું.
સામા પુરે ધરાર જીવ્યો છું.
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું.
મુશાયરાનું નિમંત્રણ ન સ્વીકારવા પાછળનું કારણ સ્પષ્ટ કરીને તેમણે સાથી કવિને મુખ્યમંત્રીશ્રી માટે વ્યક્તિગત રીતે ઘણો આદર છે તે વાત પણ કરી. ઢેબરભાઈને આ વાત કહેવામાં આવી. ગાંધીના સાનિધ્યમાં ઉછરેલી નેતૃત્વની એક હરોળ તે સમયે પુરા દેશમાં હતી. ઢેબરભાઈ પણ તેમાંના એક હતા. તેમને ઘાયલના આ નિર્ણયમાં સહેજ પણ અજુગતું લાગ્યું નહિ. ઢેબરભાઈની ઉદારતાના પણ દર્શન થયા. ઘાયલના પ્રથમ ગઝલ સંગ્રહ ‘શૂળ અને શમણાં’નું વિમોચન કરવા માટે મુખ્યમંત્રી ઢેબરભાઈને પ્રકાશક તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું. મુખ્યમંત્રી તે દિવસે જામનગર એક સરકારી કાર્યક્રમમાં હતા, તે કાર્યક્રમ ઉતાવળે પૂરો કરી ઢેબરભાઈ રાજકોટ આવ્યા અને ઘાયલ સાહેબની ગઝલ સંગ્રહનું વિમોચન કર્યું. ઘાયલ લખે છે કે તે દિવસે પૂર્વના સરકારી કાર્યક્રમો તથા મુસાફરીના થાકથી ઢેબરભાઈ થાકેલા જણાતા હતા. આમ છતાં લાંબા સમય સુધી ઘાયલના પુસ્તક વિમોચનના પ્રસંગે બેઠાં અને દરેક કવિને રસથી સાંભળ્યા. વિમોચિત થયેલા પુસ્તકની એક પ્રતમાં પોતાના હસ્તાક્ષરથી કવિની સ્નેહપૂર્વક વધામણી કરી. આટલું જ નહિ પરંતુ ઘાયલ અગાઉ યોજાયેલા કાવ્યપઠનમાં હાજર ન રહેલા તેનો પણ ગૌરવભેર ઉલ્લેખ કર્યો. ઘાયલના કવિકર્મને હૈયાના ભાવથી બિરદાવ્યું. સ્વમાની શાયરની ઉચિત કદર કરવામાં આવી તેમ કહી શકાય. ઓગસ્ટ માસમાં ફરી એક વખત ઘાયલ સાહેબની સ્મૃતિ વંદના કરીએ.
વસંત ગઢવી
તા. ૧૮ જુલાઈ ૨૦૨૩
Leave a comment