સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

 આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા ‘સૌરાષ્ટ્રની રસધાર’ એ બંને નામ અભિન્ન રીતે જોડાયેલા છે. રસધારના સર્જક તથા સર્જન બંનેએ ગુજરાતી ભાવકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. રસધારને મળ્યો છે તેવો આદર-સત્કાર ઓછા સર્જનોને મળ્યો હશે. આજે સો વર્ષ બાદ પણ રસધારની વાતો ડાયરાઓના સ્ટેજ પરથી સતત વહેતી રહે છે. રસધારની અનેક કથાઓ પરથી અનેક જાણીતી ફિલ્મો બની છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસમાં પણ રસધારની કથાઓનું અગ્રસ્થાન છે. રસધારના વધામણાં કરવા માટેના અનેક કારણો છે. આમ છતાં તેના મૂળમાં જોઈએ તો રસધારની કથાઓ નિરાળી છે. કોઈ રાજા-રજવાડાઓ કે શ્રેષ્ઠીઓની કથા લખાઈ હોત તો આવો સુદીર્ઘ આદર પામી શકી ન હોત. પરંતુ આ વાતો એ મુખ્યત્વે સામાન્ય જનની-લોકની શૂરવીરતા, ઉદારતા તેમજ ખાનદાનીની છે અને તેથી વિશેષ સ્વીકૃતિ પામી છે. કંઈક એવા બે માથાના માનવીઓ કે જેઓની ગણતરી સામાન્ય લોકમાં થતી હોય છે. તેમની પ્રસંગ આવ્યે પ્રગટ થતી વીરતાની આ વાતો છે. તેમાં ઉંચનીચના કોઈ ભેદભાવ નથી. સંપ્રદાયના કોઈ વાડા નથી. પ્રસિદ્ધિ કે સંપત્તિના મોહમાં થયેલા કોઈ કાર્યોની વાત નથી. નેક-ટેક ખાતર જાનફેસાની કરનારા મરજીવાઓની આ અદભુત કથાઓ છે. સૌરાષ્ટ્રની રસધારના કુલ પાંચ ભાગ પ્રગટ થયા. રસધારનો પહેલો ભાગ ૧૯૨૩માં બહાર પડ્યો હતો. આથી રસધારનો પ્રથમ ભાગ બહાર પડ્યો તેને ૧૦૦ વર્ષના વહાણાં વાઈ ગયા છે. આથી આ કથાઓ ૧૦૦ વર્ષ પછી પણ જીવંત રહી છે તે બાબત જ  આ વાતોની સમૃદ્ધિની સાક્ષી પુરાવે છે. શતાબ્દીની સફર શાનદાર રીતે પુરી કરનાર રસધારની શતાબ્દી વંદના કરવાનો આ અમૂલ્ય અવસર છે. મેઘાણીએ લખ્યું કે મારા નાના ભાંડુઓના અભ્યાસક્રમમાં હું આ પ્રતાપી ભૂતકાળની વાતોનું સ્થાન માંગુ છું. આવી માંગણી એ મારો હક્ક છે. તેવું કહેવામાં મેઘાણીના અંતરના જોમના ઉછાળાના ભાતીગળ દર્શન થાય છે. જાતે ભ્રમણ કરીને મેળવેલી અને પછી તેને રજુ કરતી વખતે આ કથાઓના મૂલ્ય વિશે સંશોધક મેઘાણીની આ ઊંડી તથા ઉજળી દ્રષ્ટિ છે. આ વાતોનું ગૌરવ એ મેઘાણીના કર્મયોગનું ચાલકબળ છે.

          રસધાર લખાઈ તેની પૂર્વભુમિકા પણ રસપ્રદ છે. મેઘાણી અભ્યાસ અધૂરો છોડીને ભાવનગરથી કોલકાત્તા જાય છે તે વાત જાણીતી છે. કોલકાત્તામાં બહારની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાયી પણ થાય છે. આર્થિક દ્રષ્ટિએ કોલકત્તાનુ રોકાણ લાભકારક છે. કોલકત્તાના રોકાણ દરમિયાન બંગાળી સાહિત્યનું આચમન પણ મેઘાણી હોંશથી પામે છે. પરંતુ અંતરમાં ઊંડે ઊંડે એક અજંપાની અનુભૂતિ તેમને થયા કરે છે. કાઠિયાવાડ જાણે કે એમને સાદ પાડીને બોલાવતું હતું. ગોધુલીના સમયે સૌરાષ્ટ્રના ગામડાઓની ભાગોળમાં સંભળાતા ગાયોના ગળે બાંધેલી નાની નાની ઘંટડીઓના અવાજ તેમને સંભળાતા હતા. ગામડાના ઠાકર મંદિરની સાંજની આરતીના નરવા અવાજ તેમને અકળાવી મુકતા હતા. પોતાની જાતને કાઠિયાવાડની આ ભૂમિમાં જતી રોકવી તે તેમને માટે અશક્ય હતું. “મારો ગોવાળ મને સાદ પાડે છે. હું ભૂલો નહિ પડું”. એવો ઉછળતો ભાવ યુવાન મેઘાણીમાં છે. કોલકત્તાના સાથીઓ ચેતવણીના સુરે પૂછતાં પણ હતા: “ગુજરાતમાં કલમ પર જીવવાના ક્યા સંજોગો છે કે તું અહીંનો રોટલો છોડીને જાય છે?” પરંતુ અંતે તરુણ ઝવેરચંદ અંતરના અવાજને અનુસરીને નિશ્ચિત જીવનના વળગણને ઉતારીને અનિશ્ચિતતાના મુલકમાં પ્રવેશ કરે છે. અંતરમાં ઉછળતી લાગણીઓ એ જ એમની મૂડી તથા જીવતરનું ચાલકબળ છે. કાઠિયાવાડમાં આવ્યા પછી તેમના અંતરમાં પ્રગટેલા દીવામાં કાળજી તથા વાત્સલ્યનું દિવેલ મોકળા મને પુરનારા અનેક લોકો મળે છે. આ લોકોના જતનથી કલ્પનાઓનો આ કુમળો છોડ વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે. આવા પરગજુ તથા સ્નેહાળ સ્વજનોની ઓળખ કરાવતા મેઘાણી સૌ પ્રથમ હડાળાના દરબાર વાજસુરવાળા અને ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠની ઓળખ કરાવે છે. વાજસુરવાળા વિદ્વાન તથા વિશાળ સંબંધો ધરાવનારા હતા. તત્કાલીન સામાજિક વ્યવસ્થામાં તેઓ છોગાનું સ્થાન ધરાવતા હતા. મેઘાણીને બાથમાં લઈને હૂંફ પુરી પાડનારા આ રાજવી તે સમયના શાસકોમાં જુદી પ્રતિભા ધરાવતા હતા. સાહિત્યની ઊંડી સમજ આ રાજવીને હતી. તેમની મહેમાનનવાઝી જાણીતી હતી. મેઘાણી પર દરબાર સાહેબનો અનન્ય વાત્સલ્યભાવ  હતો. મેઘાણી હોય ત્યારે વાજસુરવાળા ખાસ કાળજી લઈને વાર્તાકારો તથા કવિઓને હડાળા બોલાવતા હતા. મેઘાણીને આ અમૂલ્ય વાતોનો ખજાનો મળવો ત્યાંથી શરુ થયો હતો. “આ હતી મારી લોકસાહિત્યની દીક્ષા” એવું મેઘાણી વિધાન આ વાતનું જ સમર્થન કરે છે. આવું જ બીજું નામ એટલે અમૃતલાલ શેઠ. શેઠ સાહેબે શરુ કરેલા અઠવાડિક સૌરાષ્ટ્ર(‘ફૂલછાબ’નું પુરોગામી)માં મેઘાણીએ બે લેખ મોકલ્યા. લેખો જોતાં જ તંત્રીની ચકોર આંખોએ મેઘાણીની શક્તિનો અંદાજ કરી લીધો. ભાવપૂર્વક તથા ભારપૂર્વક મેઘાણીને તંત્રીમંડળમાં જોડાવા માટે કહેણ મોકલ્યું.સૌરાષ્ટ્ર પત્રના માધ્યમથી જ સાહિત્યકાર તેમજ પત્રકાર મેઘાણીની ભાતીગળ યાત્રા શરુ થઇ. સોમથી ગુરુવાર સુધી રાણપુરમાં રહીને પત્રકારત્વની નૂતન જ્યોત પ્રગટાવી. અઠવાડિયાના બાકીના ત્રણ દિવસ સોરઠી કથાઓ-લોકગીતો શોધવા માટે નિરંતર પરિભ્રમણ કરવાનો એક અઘરો પણ ઉજળો જીવનક્રમ શરુ થયો. પત્રકારત્વ તેમજ સાહિત્યના ક્ષેત્રોમાં એક વિશેષ ભાત પડી. જગતે તેને જોઈ અને હૈયાના ઉમળકેથી વધાવી લીધી. ધરતીપટને ઢંઢોળવાના આ જીવનક્રમમાં મેઘાણીને અનેક મીઠાં તથા મર્મી માનવીઓનો સંપર્ક થયો. જીવનયાત્રામાં ભાથું ઉમેરાતું ગયું,

                    રસધાર એ મહાન સર્જક ઝવેરચંદ મેઘાણીની કાળના ધસમસતા પ્રવાહમાં ઝાંખી-પાંખી ન થાય તેવી સોગાત છે. રસધાર લખવા પાછળના અનેક કારણો હશે. આમાંનું એક મહત્વનું કારણ રસધારતા સર્જક પ્રારંભે જ લખે છે. મેઘાણી કહે છે: “મુંબઈના એક સાક્ષરે નિઃશ્વાસ નાખેલો કે કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું નથી.” મેઘાણી કહે છે કે આપણી ભૂમિની પિછાન કરાવીને આ મહેણું ભાંગવાની રસધારની અભિલાષા છે. જો કે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન રંગોને દર્શાવતા રસભાવો અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. લોકોએ તેમને માણ્યાં અને વધાવ્યાં પણ છે. પરંતુ તે પર્યાપ્ત નથી. રસધારનો પ્રયાસ આ ઇતિહાસને સમગ્રતાથી ગાવાનો છે. જગતના ચોકમાં ઇતિહાસની મહામૂડી સમાન આ વાતો મુકવાનો છે. માત્ર કલ્પનાઓ ગાવાનો આ પ્રયાસ નથી. મેઘાણીના નિરંતર તથા નિયમિત ભ્રમણની આ ટાંચણો તથા સ્મરણ નોંધો છે. તેથી તેમાં ઘટનાઓ કે પ્રસંગોની ચોક્કસતા લાવવાનો પ્રામાણિક પ્રયાસ છે. સર્જકના આ પ્રયાસમાં અમૂલ્ય યોગદાન આપનારાઓમાં વલ્લભીપુરના રાજકવિ ઠારણભાઈનો મહત્વનો ફાળો છે. મેઘાણી કહે છે કે ઠારણભાઈએ કાવ્યોનો મોટો ખજાનો મેઘાણી સમક્ષ ધરી દીધો હતો. લીંબડીના રાજકવિ શંકરદાનજીનું પણ મહત્વનું યોગદાન રહ્યું. સૌરાષ્ટ્રના રાજપૂતોના વીરત્વની કથાઓ પોપટલાલ છગનલાલ(દેવાણી) તરફથી પણ મળી. આ બધામાં સર્જક કહે છે કે ભાવનગર રાજ્યના વિદ્વાન રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાને રસધાર કદી વિસરી શકે તેમ નથી. પોતાનો અમૂલ્ય સમય, સ્નેહ તથા ધીરજ આપીને તેમણે રસધારના ખરબચડા વહેણને સરખો કરી આપ્યો. અનેક સ્પષ્ટતાઓ તેમણે કંટાળ્યા સિવાય પત્ર વ્યવહારથી પણ મેઘાણીને પુરી પડી. કવિ પિંગળશીભાઈના ગીતો ગામડે ગામડે ગવાય છે અને આવા કવિ સૌરાષ્ટ્રમાં એક જ છે તેનો આદર-અહોભાવ સર્જક મેઘાણી ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઈ માટે વ્યક્ત કરે છે. આ રીતે ભ્રમણ તથા અનેક સમર્થ સાહિત્યમર્મીઓના મહત્વના યોગદાનથી સૌરાષ્ટ્રની રસધારની ઇમારત ભવ્ય તથા ભાતીગળ લાગે છે. 

                 ઝવેરચંદ મેઘાણીએ અનેક અમૂલ્ય વાતોનો ખજાનો ઉપર જણાવ્યું છે તેમ કેટલાક મર્મી તથા જાણતલ માનવીઓ પાસેથી મેળવેલો છે. દરેક વખતે માહિતીના આ સ્ત્રોતને બિરદાવવાનું તેઓ ચુક્યા નથી. કાઠીઓના એક મહત્વના સંસ્થાન એવા વડિયા વિસ્તારના સનાળી ગામના ગગુભાઈ લીલાનો  પણ એક ઉલ્લેખ મેઘાણીએ કર્યો છે. શુદ્ધ સ્નેહભાવ તથા અંતરના ઊંડા ઉમળકાથી ગગુભાઈએ અનેક વાતોનો ખજાનો મેઘાણી આગળ ઠાલવ્યો છે. ગગુભાઈની અનમોલ વાતોનું અમૃત મેઘાણીએ આકંઠ પીધું છે.

                રસધારના સર્જક ઝવેરચંદ મેઘાણીની ભાષા શૈલીએ પણ ગુજરાતી ગદ્યમાં એક આગવી છાપ ઉભી કરી છે. ભાષાની આ બળકટતા એ રસધારની સાર્વત્રિક લોકપ્રિયતાનું એક મહત્વનું અંગ છે. સર્જકના પોતાના કથન મુજબ શરૂઆતના તબક્કે ભાષાની કોઈ ચોક્કસ શૈલી સ્વીકારી ન હતી પરંતુ રસધારના બીજા ત્રીજા ભાગથી સોરઠી પરિભાષાનો વ્યાપક ઉપયોગ સર્જકે કર્યો છે. “જેની જીવનકથાઓ આલેખાય છે તેઓની જ ભાષા યોજાવી જોઈએ નહિ તો ભાવ માર્યા જાય છે. અસલી જીવનની જોરદાર છાપ ઉઠતી નથી.” એ વાત મેઘાણીએ લખી છે તે રસધારની ભાષાશૈલી સંબંધમાં સ્પષ્ટતા આપનારી છે. શબ્દના આ સલુણાં સોદાગરે શબ્દને રળિયાત કર્યો છે. જે શબ્દ અંતરમાં ઉતર્યો છે તથા ઉગ્યો છે તેને જ જગત સામે ધર્યો છે. શબ્દને સતી લોયણે મૂળવચન કહીને ગાયો છે. તેનું એક આગવું મહત્વ લોક સાહિત્યના સંદર્ભમાં છે.

જી રે લાખા !

વચન થકી બ્રહ્માએ

સૃષ્ટિ રચાવી જી,

વચને પૃથ્વી ઠેરાણી હાં ! “

           શબ્દ એ જ મેઘાણીના મતે પ્રભુના અસીમ આત્માનંદના પ્રાગટ્યની પ્રક્રિયા છે. આ શબ્દની શક્તિનું અમૃત આ સર્જકે જગતને પાયું છે. એ હાટડુ માંડીને બેસનાર સર્જક નથી. દરેક કથામાં માનવજીવનના અટપટા તાણાંવાણાનું દર્શન થાય છે. પરંતુ આ ઉજળા જીવનની ખરી કસોટી કહેણીમાં નહિ પરંતુ રહેણીમાં થાય છે. કદાચ કોઈ માનવની પ્રતિષ્ઠા તથા સંપત્તિ બાહ્ય સ્વરૂપે અઢળક હોય પરંતુ આવા લોકો જીવનના વાસ્તવિક વ્યવહારમાં ઉણા ઉતરે, કરણીમાં ટાળો કરે તો એ માનવ જગતને શા ખપના છે? રેણી(રહેણી)નો આ મહિમા ગંગાસતીએ પણ ભાવથી ગાયો છે:

ભાઈ રે ! રેણીતો સરવથી મોટી

પાનબાઇ ! રેણીથી મરજીવા

બની જોને જાય,

ગંગાસતી એમ બોલિયાં રે

રેણી પામ્યેથી આનંદ વરતાય.

                         મેઘાણીના આ સમગ્ર સાહિત્યમાં-કથાઓ તથા ગીતોમાં-મેઘાણીના હૈયાના ભાવ પ્રગટ થયા છે. સાંઈ મકરન્દ લખે છે તેમ “આપણી ભાષા માટે મેઘાણીએ શેડકઢા દૂધના બોઘરણાં અને ગોરસના દોણાં ભરી દીધા છે.” સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મિતાનું દર્શન આ સર્જક ટૂંકા આયખામાં કરાવીને ગયા તે તાજુબ તથા અહોભાવ ઉપજાવે તેવી ઘટના છે. ઉમાશંકર જોશીએ યથાર્થ કહ્યું છે.

           “મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર. પચાસ પચાસ વરસ સૌરાષ્ટ્રની ધરતી મેઘાણીના દેહરૂપે સૌની વચ્ચે વિહરીને પોતાના કેવા હૈયા ધબકાર રેલાવી ગઈ ! એ ભૂમિનું બધું મેઘાણીની વાણીના સ્પર્શથી સજીવન થઈને ગુજરાતી ભાષામાં અમરપદને પામ્યું.”

                    ભાષાકર્મના આ ઉજળા ઉજમથી મેઘાણીના સર્જનો રચાયા અને અમરત્વને પામ્યા છે. જયંત કોઠારીએ લખ્યું છે તેમ નરી સાકરના ગાંગડા કરતાંયે કુચાવાળી શેરડીનો રસ અધિક પ્રિય લાગે છે. લોક-સાહિત્યની આ અમૂલ્ય કથાઓમાંથી જીવનને અનુરૂપ તત્વો ખેંચી શકાય છે. અનંતકાળ માટેનું આ સાહિત્યભાથુ એ જીવનનું શાશ્વત રસાયણ છે.

                 જીવનના કારમા આઘાતો વચ્ચે પણ મેઘાણીની સાહિત્યયાત્રા નિરંતર ચાલતી રહી. સૌરાષ્ટ્ર-ફૂલછાબ તથા જન્મભૂમિ(મુંબઈ) તેનાથી લાભાન્વિત થતા રહ્યા. તંત્રી અમૃતલાલ શેઠે ‘જન્મભૂમિ’ પત્રનો મુંબઈમાં પાયો નાખ્યો. આગ્રહથી તેમણે મેઘાણીને મુંબઈ બોલાવ્યા અને ‘જન્મભૂમિ’ સાથે જોડ્યા. “કલમ અને કિતાબ” નામથી લોકપ્રિય થયેલી કોલમના માધ્યમથી ફરી મેઘાણી મુંબઈમાં ઝળકી ઉઠ્યા. કેટલીક રસધારની વાતો તથા ગીતોની રેકર્ડ પણ અહીં થઇ જે એક અમૂલ્ય દસ્તાવેજીકરણનું કામ થયું.

                          લોકસાહિત્ય એ મેઘાણીનો પ્રબળ અનુરાગ છે. એ કથાઓ તથા ગીતો એમના હૈયામાં વસેલા છે. મુંબઈ યુનિવર્સીટી આયોજિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં તેમણે લોકસાહિત્ય પર આપેલા પ્રવચનો (૧૯૪૧-૪૨) સાંભળવા હકડેઠઠ માનવમેદની જામતી હતી. કૃષ્ણલાલ મોં. ઝવેરી લખે છે કે લોકસાહિત્યની વાતો મેઘાણી પાસેથી સાંભળવા યુનિવર્સીટીના હોલની ક્ષમતાથી પણ ઘણાં વધારે લોકો આવતા હતા. એક વ્યાખ્યાનમાં શ્રીમતી હંસાબહેન મહેતા પ્રમુખસ્થાને હતા. પરંતુ ભીડના કારણે તેમને પ્રમુખની બેઠક પર આગલી હરોળમાં પહોંચાડવા તે મુશ્કેલ કામ હતું. કાઠિયાવાડી સર્જકે મુંબઈને લોકવાણીની મધુરતાનું ઘેલું લગાડ્યું હતું. પરંતુ આ સર્જક આવી બાહ્ય સફળતાની ગાથાઓથી અંતરમાં સંતુષ્ટ થતાં નથી. પુત્ર મહેન્દ્રભાઇને આ વ્યાખ્યાનમાળાના સંદર્ભે પત્રમાં લખે છે: “મને વિરાટ મેદની વચ્ચે જોવાનો તારો મનોરથ સ્વાભાવિક છે. પરંતુ હું એમાં આત્માનો સ્વાદ અનુભવતો નથી. મારું મન હંમેશા એવી કીર્તિથી દૂર ભાગે છે.” ટોળા વચ્ચે એકલતા અનુભવતો આ સર્જક મા શારદાનો સાચો ઉપાસક છે. આ ઉપાસના સ્પૃહારહિત છે. છતાં આ લોકવાણી તરફનો તેમનો સ્નેહ ઉત્ક્ટ છે. આથી મેઘાણી કહે છે કે ગ્રંથસ્થ સાહિત્યને ગજરાજની ઉપમા આપીએ તો કંઠસ્થ લોકવાણીને ગાય અથવા બકરીનું બિરુદ આપી શકાય. લોકવાણી એ સ્થળ અને કાળના સીમાડાને ઓળંગીને ઠેકઠેકાણે જઈ, વિકટમાં વિકટ જગાઓ પર પહોંચીને ચરતી રહી છે. એનું દૂધ એટલે જ આપણને સુપ્થ્ય બન્યું છે. બકરી કે ગાય રાજસવારીમાં ભલે ગજરાજ જોડે શોભાયમાન થતી નથી. પરંતુ ઘરઆંગણા શોભાવી પ્રજાના બાલહૈયાને પુષ્ટ કરે છે. આથી લોકવાણીનું અદકેરું મૂલ્ય છે. સૌરાષ્ટ્રની રસધાર એ આ વાણીનો જ ઉજળો તથા ધસમસતો પ્રવાહ છે. આજે પણ આ પ્રવાહ તેના સત્યને કારણે જીવંત રહ્યો છે. કથાઓ-ગીતો-ભજનો એકઠા કરવા આ સર્જકે તથા સંશોધકે પગપાળા તેમજ ઘોડા, બળદગાડા તથા ઊંટ પર પરિભ્રમણ કર્યું. ગામડાં, ડુંગરા, નદી-નાળાઓ ખૂંદીને આ અમૂલ્ય સાહિત્ય એકઠું કર્યું. ધૂળ-ધોયાનું આ ભગીરથ કાર્ય હતું. છિન્નભિન્ન પડેલી લોકસાહિત્યની મહામૂલી મૂડીને એકઠી કરી તેમજ સુવ્યવસ્થિત ઢાંચામાં ગોઠવીને લોકના જ ચરણે અર્પણ કરી. આ પ્રયત્નની સાર્થકતા સર્જકને પ્રાંતિક મિથ્યાભિમાનના સ્વરૂપે હરગીઝ ખપતી નથી. ભૂતકાળની આ મગરુબી પ્રતાપી ભવિષ્યના બીજારોપણ તરીકે સર્જકે નિહાળે છે. વિશ્વભરના લોકજીવનના મહાત્મ્યનું આ દર્શન છે. “સૌરાષ્ટ્ર” અખબારની ભેટ તરીકે અસંખ્ય ભાવકો સુધી આ કથાઓ પહોંચાડવાનો અમૃતલાલ શેઠનો નિર્ણય દીર્ઘદ્રષ્ટિ સંપન્ન હતો. ૧૯૪૧માં શાંતિનિકેતન કવિગુરુ ટાગોરના નિમંત્રણથી ગયા. વિદ્યાર્થીઓ તથા વ્યાખ્યાતાઓએ તેમની વાણીના રસને માણ્યો અને આ કથાઓથી પ્રભાવિત થયા. ગાંધીજીએ મેઘાણીની સાહિત્ય ઉપાસના અને સર્જનને કૃષ્ણની બંસરીની સેવા તરીકે વધાવી છે. ધરતીના સામાન્ય માણસો વચ્ચે રહીને તેઓ અસામાન્ય મધુરતા પાથરતા ગયા. મેઘાણીના મિત્ર કવિ દુલા ભાયા કાગ લખે છે કે મેઘાણીના જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ એક અવધૂત મસ્તયોગી જેવા લાગતા હતા. નિરંજન વર્મા(નાનભા) અને જયમલ્લ પરમાર લખે છે કે તેઓ ઘણીવાર કહેતાં કે માણસોનો કીર્તિકાળ તપતો હોય ત્યારે જ મરણ આવે તો કેવું સારું? પ્રભુએ જાણે કે એમની વાંછના પુરી કરી.

                લોકકથાઓનાં સંપાદન-સંશોધનનો ઇતિહાસ તપાસીએ તો એકલા હાથે આટલી સાહિત્ય સામગ્રી એકઠી કરી હોય તેવા દાખલા જોવા મળતા નથી. પ્રજાની આવતી પેઢીઓ નિર્બળ ન થાય તે માટે પ્રેરણાના પિયુષ પાવાનો આ મહાન સર્જકનો ભગીરથ પ્રયાસ નિષ્ફળ જાય તેવો નથી. 

                સંપાદકો-સંશોધકોને સામાન્યતઃ તેઓ જે કાર્ય કરે તેને મોટા પરિણામોમાં મુકવા લલચાય છે. આ બાબત સામાન્યતઃ જોવા મળે છે. મેઘાણીની તટસ્થતા એ બાબતમાં સુખદ અપવાદ છે. આ ‘ઇમાની’ ભાઈએ જાત પરનો આ સારસ્વત અંકુશ પ્રભાવકારી લાગે તેમ જાળવ્યો છે. કથાઓનું મૂલ્યાંકન કરવામાં પણ નીર-ક્ષીરનો વિવેક છે. સૌરાષ્ટ્રની રસધારની શતાબ્દીએ તેની વંદના કરવાનો આ ઉચિત સમય છે. કવિ ઉમાશંકર જોશીની મેઘાણી સ્મૃતિ વંદનાની પંક્તિઓ યાદ આવે છે:

ધૂપસળી સળગ્યાં કરે

ગંધ પહોંચે ઠામે ઠામ,

અમૃતાળા માઢું કોક જ મળે

જે હોય વાતોનો વિશરામ.

કાળને કાળજડે ત્રબકે ત્રોફાવ્યું

મોંઘુ મેઘાણીનું નામ.

                     અમૃતલાલ શેઠ જેવા અખબારના જાગૃત તંત્રીને પણ અભિનંદન છે. રસધારની આ કથાઓ લોક સુધી પહોંચે તે માટે ચોક્કસ વ્યવસ્થા તેમણે ગોઠવી તથા તેની કાળજીથી અમલવારી કરી આ બધું કરવા છતાં શેઠ સાહેબ સમજતા હતા કે મેઘાણી જેવા નિષ્ઠાવાન સંશોધક સિવાય આ કથાઓ કોઈ મેળવીને તેને શબ્દદેહે ઉતારી શકે નહિ. રસધારના પહેલા ભાગને જ વ્યાપક આવકાર મળ્યો. અમૃતલાલ શેઠ રસધારનો બીજો ભાગ પ્રકાશિત થયો ત્યારે લખે છે: “રસધારની લોકપ્રીતિનો યશ મારો નથી. અનેક સ્થળેથી મળેલી વાતોમાંથી યથોચિત દોહન કરીને પોતાની અનુપમ વાણીમાં તેને ઉતારવાનું કાર્ય મારા ભાઈ ઝવેરચંદ મેઘાણીનું છે. રસધાર માટે મને અપાયેલો યશ આજે જાહેર રીતે મારા ભાઈ મેઘાણીના શિરે હું ચડાવું છું.” ગામડાનું એક એક ઐતિહાસિક પાત્ર રસધારમાં ઉભું છે તથા આ પાત્રો થકી રસધારનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મેઘાણી લખે છે: “ધૂળમાંથી ખોદી યથામતિ સાફ કરેલી આ ધાતુ શાણા વાચકોના વિવેકની ભઠ્ઠીમાં તવાઈને શુદ્ધ કંચન બને તેવો કોડ છે…અહંભાવથી બચવા હું સતત પ્રયત્નશીલ છું.” 

                  “સૌરાષ્ટ્રની રસધાર”ની કથાઓનો મર્મ પામવા માટે મેઘાણીની દ્રષ્ટિ સમજવી જરૂરી છે. મેઘાણી કહે છે તેમ આ તો જીવાયેલા જીવનની કથાઓ છે. જીવનના અનેક સારા-નરસા કે ક્યારેક પરસ્પરવિરોધી જણાતા ભાવોનું પણ અહીં દર્શન થાય છે. તેને સમજવામાં ઉણા ઉતરીએ તો આ વાતોના મર્મને પારખી નહિ શકાય. માનવ-જીવનના આ અનોખા આત્મમંથનને ન્યાય આપવા સર્જક વિનંતી કરે છે. અહીંની કથાઓ એ શાસ્ત્રની આજ્ઞાઓનો કુળધર્મ ન હતો. પરંતુ માનવધર્મની નિગૂઢ સમસ્યાઓ લઈને ઉભેલી કથાઓ છે. “મરશિયાની મોજ” જેવી કથાઓને સમજવા સજ્જતા કેળવવી પડશે. “અણનમ માથાં”ના પ્રસંગમાં મિથ્યાભિમાન નથી. પરંતુ અહીં તો માનવ માનવ વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતાનું મહિમા ગાન છે. આ સમાનતા અને સ્વાભિમાનને ટકાવી રાખવા બાર-બાર વીરોએ આપેલું ઉજળું બલિદાન છે. સમાનતા તથા વીરતાના આ સંદેશને ઉકેલી વિશ્વપ્રેમ સુધી ઉડાન ભરવાના મનોરથની આ ગાથાઓ છે. ૧૯૪૨માં મેઘાણી લખે છે કે રસધારના પાંચ ભાગોએ એક ચોક્કસ પ્રકારનું બળવાન સોરઠી સાહિત્ય સજીવન કરવાની જે પ્રતિષ્ઠા બાંધી છે તે અણઝંખવાયેલી રહી છે તે સદ્ભાગ્યની વાત છે. સર્જક અને સંપાદક મેઘાણીની આ વાતો શતાબ્દી પછી આજે પણ ઝંખવાઈ નથી તેની ગૌરવપૂર્વક નોંધ લેવી જોઈએ. મેઘાણી જેવી કલમ એક જુદી જ ઉંચાઈ અને ગરવાઇ ધરાવતી હતી તે વાણી સાક્ષી કવિ દુલા ભાયા કાગની નીચેની પંક્તિઓમાં પડઘાય છે.

લેખક સઘળા લોકની

ટાંકું તોલાણી

વધી તોલે વાણીયા

તારી લેખણ મેઘાણી.

વસંત ગઢવી

તા. ૧૭ જુલાઈ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑