સંતોનીમરમીજ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનોપાવનકારીપ્રવાહ:

પણ જ્ઞાન તો છે આતમ સૂઝ,

અખા અનુભવ હોય તો બૂઝ.

         અખાએ જેનો નિર્દેશ કર્યો છે તે આતમસૂઝમાંથી જે જ્ઞાનગંગોત્રી વહી છે તે આપણી ભજનવાણી છે. અહીં વાદ-વિવાદ નથી. ભેદભાવને તો સ્થાન જ નથી. પંથ કે પોથી નથી. આ સંતો સંસાર અસાર છે તેમ કહી સંસાર છોડી ગયા નથી. ગૃહસંસારની જવાબદારી નિભાવતા આ લોકો ત્રિલોકના નાથની ઉપાસના ઉપરાંત લોકસેવામાં પણ રત છે. આ જીવનમાં જ તેમને પ્રભુનો અણસાર મળે છે. અનેક ભજનિક સંતોએ પણ ભ્રમણ કરીને જગતને સદભાવનાના નિર્મળ નીર પાયા છે. અહીં વાડીના સાધુઓ છે. રૈદાસ, ત્રિકમ સાહેબ અને દાસી જીવણ અહીં જ ઝળહળે છે. દાસી જીવણમાં આપણે મેવાડની મીરાંનું કવન જોઈ શકીએ છીએ. કોઈ પંથ-દેવતા કે બાહ્ય આચાર અહીં નથી. આ સંતસાહિત્યમાં શરણાગતિ અને જીવનની મસ્તીનો અલૌકિક અનુભવ છે. આ વાણી, અનુભવ, નિરીક્ષણ અને વહેવારના જગતમાંથી આપમેળે ઉગી હતી. સ્વબળે મહોરી અને ટકી હતી. આ વાણીના અનેક સાધક-ઉપાસકની વાત કરીએ ત્યારે ડો. નાથાલાલ ગોહિલનું નામ ઉડીને આંખે વળગે તેવું છે. સોરઠના આ શીલવાન સર્જક માયલા ભજનના રંગે રંગાયા છે. તેમાંથી જ તેમણે ભજનની ભૂમિમાં, સંતો તથા સંતવાણીની ભૂમિમાં ઊંડું ખેડાણ કર્યું છે. સોરઠ(જિ. જૂનાગઢ)ના આ નાથાલાલ પોતાની નિષ્ઠા તથા સાધનાના બળે નોખા તરી આવે છે. “સંતોની મરમી જ્ઞાનગોષ્ઠિ” એ નાથાભાઈની સાધનાનું એક મહત્વનું કદમ છે. સંત-સાહિત્યના અનેક ભાવકોને એ ગમશે તે નિઃશંક છે. સાંઈ મકરંદ તથા ભક્ત કવિ દુલા ભાયા કાગ પછી ભજનની દુનિયામાં સાંપ્રત સમયમાં નાથાભાઈનું યોગદાન અનોખું છે. આવી જ્ઞાનગોષ્ઠિ જગતની ભ્રમણાઓને છોડી તેમજ હું-તુંના ભેદભાવને દૂર રાખી થઇ છે. તેના કેન્દ્રસ્થાને સર્જક કહે છે તેમ માત્ર ભગવદ્ તત્વ છે. આવી જ્ઞાનગોષ્ઠિ જે સંતોએ કરી છે તે ઉતાવળે કરેલી નથી. અહીં આ ગોષ્ઠી આત્મદર્શન થયા પછીની છે. જ્ઞાનના કોઈ હું પદને અહીં સહેજ પણ સ્થાન નથી. અભિમાન લેશમાત્ર નથી. હઠાગ્રહ પણ નથી. તેમાં વાણી અને વર્તનનો ભેદ નથી. સંતોના જ્ઞાનને “જ્ઞાન-ગરીબી” કહે છે તેમાં પણ અનોખો વિવેક નજરે પડે છે. બાઉલોએ આ ગાન જ મુક્તકંઠે ગાયું હતું. અનેક ભજનિકો-ફકીરોની પણ આજ વાણી છે. કાળના નિરંતર ધસમસતા પ્રવાહમાં આ સંતોની જ્ઞાનગોષ્ઠિ ઝાંખી પડી નથી.

              જ્ઞાનગોષ્ઠિ વિવિધ વાનગીઓનો સાત્વિક રસથાળ છે. પીઝા અને પાસ્તાના આ યુગમાં લાપસીનાં મીઠાં તથા પોષણક્ષમ કોળિયા ભરવાનો આ ઉધ્યમ છે. આવા કાર્યને બિરદાવવાનો પણ એક અનેરો આનંદ મનમાં રહ્યા કરે છે. આ પુસ્તકમાં રજુ થયેલી રવિ સાહેબ તથા ખીમ સાહેબ વચ્ચેના સંવાદની વાત મનમાં ઉગે તેવા અનેક ભ્રમનું ભંજન કરનારી છે. ખીમસાહેબની વ્યથા કે દિલના મુંઝારાને શીતળ કરવાનું કામ કરવા રવિ સાહેબથી ઉત્તમ કોણ હોય શકે? ખીમ સાહેબના પિતા મહાજ્ઞાની ભાણ સાહેબ પોતાના પુત્ર ખીમસાહેબને રવિસાહેબ પાસે એક શિષ્યને છાજે તેવા ભાવ સાથે જવાનું કહે છે. ભાણસાહેબનું રવિસાહેબ માટેનું આ અદભુત મૂલ્યાંકન એક સંતને છાજે તેવી નિર્ભેળ સ્વસ્થતાનું દર્શન કરાવે છે. ખીમ સાહેબમાં પણ હું પદ નથી. સદગુરુના આશીર્વાદના આથી જ તેઓ અધિકારી બન્યા છે. આ બંને સંતો-રવિસાહેબ તથા ખીમસાહેબ વચ્ચે જે જ્ઞાનગોષ્ઠિ થઇ તે નાથાભાઈ આપણી સમક્ષ લાવ્યા છે. ભજનવાણીમાં કહે છે તેમ આ સાચા સાગરના મોતી છે. જે ઝીણી નજરથી ગોતીને મળ્યા છે.

જોતાં રે જોતાં અમને જડીયા રે

સાચા સાગરના મોતી.

                         જ્ઞાનસંવાદમાં કહેવાયેલા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ ઉકેલવાનો આ સાત્વિક પ્રયાસ છે. અહીં જ્ઞાનનું પ્રદર્શન નથી. જ્ઞાનનું-સાચી સમજનું સ્નેહથી થયેલું આ વિતરણ છે. ખીમસાહેબની જ્ઞાન પિપાસા સાથે આપણે પણ થોડા ડગલા ભરવાની સજ્જતા કેળવવા જેવું છે. આ જ્ઞાન સૌને ઉપલબ્ધ છે. 

જી રે સંતો ભેદ અગમરા બુજો

ખીમ સાહેબ પૂછે છે:

કેસે સંતગુરુ સમરીએ

કયું કર લીજૈ નામા,

કહાં ઉનકું દેખીએ

તો કહાં હૈ આતમરામા

        રવિસાહેબનો જવાબ સાંભળવા જેવો તેમજ સમજવા જેવો છે. સમજી શકાય તેવો સરળ છે. આથી તે ભાવ જીવનમાં ઉતારવા જેવો છે. રવિસાહેબ કહે છે:

સાસ ઉસાસમેં સમરીએં

અહોનિશ લીજૈ નામા

નુરત સુરત સે નીરખીએ

તો ઘટોઘર હૈ, આતમરામા.

                     માણસ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે તેનો કોઈ પ્રતિતિકર ઉત્તર મળતો નથી. અહીં ખીમ સાહેબના મનમાં પણ આજ પ્રશ્ન રમ્યા કરે છે. આથી ભાણસાહેબનું માર્ગદર્શન પ્રાર્થે છે:

કહાંસે આયા કિધર જાયેગા

કૌન તુમ્હારા ધામા,

આ કાયા પલમેં પડી જાવે

ફેર બતાવો ઠામાં.

                      રવિસાહેબે આ મૂંઝવણના સંદર્ભમાં કરેલી સ્પષ્ટતા મનમાં ઊંડી પ્રસન્નતાનો ભાવ પ્રગટાવી શકે તેવો અર્થસભર છે.

હમ હી આયા નૂરસે

અમરાપુર મેરા ધામા

સુરતા ચડી અસમને ઠેરાણી

બ્રહ્મ હમેરા ઠામાં.

                      એક રીતે જોઈએ તો આ શ્રીમદ ભગવત ગીતાના સંવાદ જેવું છે. જવાબ મેળવવાની ઉત્કંઠા અર્જુનને છે પરંતુ યોગેશ્વરે આ સંદર્ભમાં કહેલી વાતો આજે પણ સમગ્ર માનવજાત માટે ઉપયોગી છે. અનેક સાધકોના મનમાં ઉઠે તેવા પ્રશ્નોનું અહીં સ્વસ્થ સમાધાન મળે છે.

                         રવિ સાહેબ તેમજ ખીમસાહેબની જેમ જ જેરામદાસ તથા જુઠીબાઈના માર્મિક સંવાદો કે જ્ઞાનગોષ્ઠિનો પરિચય નાથાભાઈએ કરાવ્યો છે. જેરામદાસ કે જુઠીબાઈના જીવન વિષયક કોઈ માહિતી મળતી નથી. બંને વચ્ચે ગુરુ-શિષ્યનો ભાવ લાગે છે. પરંતુ ખરો મર્મ કે આનંદ આ સંવાદમાંથી જે ભાવ પ્રગટ થયા છે તેનો છે. એક સંવાદમાં જુઠીબાઈ કહે છે:

હદ બે હદ કોને કહીએ રે

તે તો મુને બતાવી દીઓ,

તેવી રમત લાવો રે

શિખામણ તમે મને દિયો.

                               જેરામદાસની અનુભવી સૂઝમાંથી જવાબ મળે છે. આપણે સૌએ તે જાણી અને માણી શકીએ છીએ.

હદ એ તો દેહ છે રે

આત્માને બેહદ કહીએ

વીરલ કોક જાણે રે

જેને ગુરુ ગમ છે હૈયે.

                તિલકદાસજી તેમજ લાડુબાઈની અહીં જ્ઞાનગોષ્ઠિ છે. તિલકદાસજીનો જન્મ કચ્છના નખત્રાણા તાલુકામાં વિરાણી ગમે ૧૮૫૯માં થયો હતો. ભક્તિ અને સાધના પ્રત્યે તિલકદાસજીનું વલણ નાનપણથી જ હતું. રવિ -ભાણ સંપ્રદાયના અનેક સ્થળે ઠેકાણા છે. જે આપણી શોભા છે. કચ્છના જ ચિત્રોડની ત્રિકમસાહેબની પરંપરાના બાલકદાસ પાસે તેજો જાય છે. તેજો એ તિલકદાસજીનું સંસારી નામ છે. બાલકદાસજી ઉદાર મનથી તેજાને જ્ઞાનદીક્ષા આપે છે. તેજામાંથી તિલકદાસ બનેલા સાધુની ખ્યાતિ સતત વિસ્તરતી રહે છે. જ્ઞાનને કોઈ જાતિ-પાતી સાથે નિસ્બત નથી. ત્રિકમસાહેબ તેનું જ્વલંત ઉદાહરણ છે. તિલકદાસજી આ પરંપરાના જ વાહક છે. વિરાણી ગામના જ એક લાડુબાઈ નામના જ્ઞાન પિપાસુ મહિલા આધ્યાત્મિક જગતમાં મુંઝવતા પ્રશ્નો તિલકદાસને પૂછે છે.

કહે લાડુબાઈ તિલકદાસકુ

સતગુરુ કહાં સિધાયે

સાર સંદેશો મુજસે બોલો

પડું તમારે પાય.

                          સતગુરુની આ શોધ જેવી લાડુબાની છે. તેવી જ આપણામાંથી અનેકની હોઈ શકે છે. સતગુરુ મળે છે તે જ સુગરા છે. બાકી બધા નુગરા છે. ભજનવાણી તો નુગરા નર સાથે નેડો(સ્નેહ) કરવાની ના કહે છે. સાંપ્રત સમયમાં  સતગુરુની ખોજમાં ફરતા આપણે નીરક્ષીરનો વિવેક દાખવવો જરૂરી બન્યો છે. માર્કેટિંગના આ યુગમાં સાચા ગુરુની શોધ એ અઘરો વિષય બનતો જાય છે. અખો કહે છે તેમ “સાંપને ઘેર પરોણો સાંપ” જેવી સ્થિતિ ન થાય તેની કાળજી હૈયે રાખવા જેવી છે. પરંતુ અહીં તો તિલકદાસજી ઉજળી પરંપરાના વાહક છે. લાડુબા “અથાતો બ્રહ્મ જિજ્ઞાસા” ધરાવતા સાધક છે. આથી આ જ્ઞાન-ગોષ્ઠીમાં આપણે પણ આચમન લઇ પવન થવા જેવું છે. તિલકદસજી કહે છે:

કહે તિલકદાસ સુનો લાડુબાઈ

તુમ સે કહું સમજાય

સતગુરુ અપના લોક સિધાયે

અમર લોક કે માંહ્ય.

                  હેલી પ્રકારના ભજનોની વાત પણ નાથાભાઈ સમજાવે છે. અંતરના આનંદની હેલી આ ભજનોમાં અનરાધાર વરસતી રહે છે. સુરતાની વાણીની આ અનુભૂતિ છે. સૌને સહજ ઉપલબ્ધ છે. ભવાનીદાસના-શબ્દો છે:

અંબર વરસે ને અગાધ ગાજે

દાદુર કરે રે કિલોલ

કંઠ વિનાની એક કોયલ બોલે

મધરા બોલે ઝીણાં મોર

સૂડલા સતબોલ, નહીંતર મત બોલ.

          હેલીમાં પણ ગોષ્ઠી છે. પ્રશ્ન તથા તેનો ઉત્તર એક જ ભજનમાં અપાયો હોય તેવી રચનાઓ છે.

કોણ જગાડે નામને

કોણ જગાડે પ્રેમ

કોણ જગાડે પુરુષને

કોણ જગાડે બ્રહ્મ.

                    ભજનની બીજી પંક્તિમાં તેનું સમાધાન છે. હંસદાસની આ રચના છે. હંસ સાહેબનો મૂળ ગ્રંથ “શ્રી શબ્દ સાગર” સિંધીમાં લખાયેલો છે. તેનો હિન્દી અનુવાદ થયો છે. ભજનની પછીની પંક્તિમાં ઉત્સુક સાધકોને જવાબ મળે છે.

        મારી હેલી સુરતા જગાડે નામને

નામ જગાડે પ્રેમ,

પ્રેમ જગાડે પુરુષને

પુરુષ જગાડે બ્રહ્મ.

                ભીમસાહેબ તથા દાસી જીવણ વચ્ચેની ગોષ્ઠી એક અનોખી આધ્યાત્મિક ઉંચાઈને આંબી જાય છે. ચિરંજીવી વાણી છે. અમૃતમયી અને પાવન કરનારી છે. ભીમસાહેબના શબ્દો સ્મૃતિમાંથી ખસે તેવા નથી.

જીવણ, જીવને જિયાં રાખીએ

વાગે અનહદ તૂરા રે

ઝિલમિલ જયોતું ઝળહળે

વરસે નિરમળ નૂરાં  રે.

                   દુન્વયી જીવનમાં પણ એક સાત્વિક તથા ઉપાસનામય જીવન જીવવાની માર્મિક વાતો ગંગાસતીએ કરી છે. પાનબાઈને જ્ઞાન આપવા માટે ગંગાસતીએ પોતાના અંતરના દ્વાર ખોલ્યા છે. સંસારમાં સ્વસ્થ જીવન માટે કુપાત્રથી દૂર રહેવાની વાત આજના સંદર્ભમાં પણ એટલી જ પ્રસ્તુત છે.

કુપાત્ર આગળ વસ્તુ ન

વાવીએ, સમજીને રહીએ ચૂપ રે,

મરને આવીને દ્રવ્યનો ઢગલો કરે

ભલે હોય મોટો ભૂપ રે.

સતી લોયણ પણ આ વાત જ કરે છે.

કાલર ભૂમિમાં બી

મત વાવીએ,

પાતર જોઈને તમે પેખો

મારા વીરા રે.

           સંતોની વાણીમાં અગમવાણીનું પણ એક આગવું મહત્વ છે. અગમવાણીના અનેક પદો છે. કેટલીકવાર એ વાંચતા લાગે છે કે પ્રવર્તમાન સ્થિતિનું ઠીક ઠીક આકલન આ અગમવાણીમાં ઠાંસીને ભરેલું છે. પીઠ ભગતની સુંદર પંક્તિઓ છે.

રાજા દંડે, ચોર લૂંટે

વારે ન ચડે કોઈ વહારે રે

પ્રજાનો કોઈ ધણી ન મળે

ને લૂંટાણો સંસાર રે.

                   સમગ્ર ભજનવાણીના સારરૂપ એ નામસ્મરણ છે. નામસ્મરણનો મોટો મહિમા તુલસીદાસજીએ કર્યો છે. કબીરસાહેબ એ જ માર્ગે આગળ ચાલ્યા છે.

આદિ નામ નિજ મૂળ હૈ

ઔર મંત્ર સબ ડાર,

કહ કબીર બીજ નામ બિનુ

બુડી મૂઆ સંસાર

                રાજસ્થાન અને ગુજરાત એ બંને રાજ્યના લોકો જેને પોતાના ગણે છે તેવા ભક્ત કવિ ઇસરદાસજી પણ નામસ્મરણનો અનોખો મહિમા કરે છે.

નામ સમોવડ કો  નહિ.

જપતપ તીરથ જોગ,

નામે પાતક છુટસે

નામે નાસે રોગ,

ક્ષુધા ન ભાંગે પાણીએ

તૃષા ન છીપે અન્ન,

મુક્તિ નહિ હરિનામ વિણ

માનવ સાચે મન્ન.

                    ‘સંતોની મરમી જ્ઞાનગોષ્ઠી’માંથી પસાર થતાં સંતવાણીના અનેક ભાતીગળ રંગોનું ભવ્ય દર્શન થાય છે. “તરણા ઓથે ડુંગર” જેવી આ વાણી તુચ્છ, નિર્બળ અને નાશવંત પદાર્થોની આરપાર જઈને જવાથી જોઈ શકાય છે. પામી શકાય છે. આકંઠ માણી શકાય છે.

               જયમલ પરમારે લખ્યું છે કે ભજનો એ કવિતા રચવા માટે કે ખ્યાતિપ્રાપ્ત કરવા માટે સર્જાયેલા નથી એ તો આતમ અનુભવની વાણી છે. સંતોની વાણીને ઝીણવટથી માણીએ તો આ પ્રેમની વાણી જણાય છે. માનવમાત્ર માટે અઢળક પ્રેમ એ જ આ વાણીનો મૂળ સ્ત્રોત છે. સાહિત્યના અનેક સ્વરૂપોમાં વિહાર કર્યા પછી મેઘાણી પણ જીવનના સંધ્યાકાળે આ ભજનવાણીમાં જ વિરામ પામ્યા છે. નાથાભાઈના અભ્યાસને વધામણાં કરીને આ બૃહદ સંતવાણીના પ્રદેશમાં ઊંડા ઉતરવા જેવું છે. “રામ રતન ધન પાયો’ જેવો ભાવ આ ઉત્તમ સાહિત્યને માણનાર દરેક ભાગ્યશાળી ભાવકના મનમાં થશે તે ચોક્કસ છે. 

વસંત ગઢવી

તા. ૧૭ જુલાઈ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑