શતાબ્દી પહેલાનો એક પ્રસંગ છે. આવા પ્રસંગોની સૌરભને expiry date હોતી નથી. આથી આજે પણ ૧૯૨૪માં બનેલા પ્રસંગની સૌરભ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. બાપુ(મહાત્મા ગાંધી) આ વર્ષમાં એકવાર મુંબઈ ગયા તે વખતે બનેલી આ ઘટના છે. બાપુને મળવા માટે કચ્છના માંડવીમાં જન્મેલા ગંગાબા નામના મહિલા જાય છે. ગંગાબા બાપુને પૂછે છે: “ચકલીને પણ પોતાનો માળો હોય છે. મારુ ઠેકાણું શું?” સર્વસમાવેશક જીવન જીવનાર મહાત્મા કહે છે: “આપણો સાબરમતી આશ્રમ એ જ તારો માળો(ઘર).” ગંગાબા બાપુના આશ્રમમાં રહેવા જાય છે. ગંગાબા વિધવા થયા હતા. ૧૦૦ વર્ષ પહેલા વૈધવ્ય ભોગાવનારની કથની દયાજનક હતી. ગંગાબા કદાચ ભાગ્યને દોષ આપીને એક ખૂણામાં બેસીને આંસુ સારી શક્યા હોત. આયખું પણ આમ જ પૂરું થયું હોત. પરંતુ ભાટિયા પરિવારમાં જન્મેલા ગંગાબાને આ સ્થિતિ મંજુર ન હતી. તેમના પિતાએ બાપુ વિષે ઘણી વાતો તરુણ ગંગાબાને કરી હતી. ગાંધીની મોહિની ગંગાબા પર છવાયેલી હતી. આથી થોડો વિશેષ પરિચય થયા બાદ તેમનું ગાંધીજી પાસે જવું તે સાહજિક હતું. સાગરને મળ્યા પછી નદી પોતાનું અસ્તિત્વ સ્વેચ્છાએ વીસરે છે તથા સાગરની અસીમ વિશાળતાનો ભાગ બને છે. ગંગાબા સાથે આજ થયું. બાપુની વિચારધારા અપનાવીને આ મહિલાએ દાંડીકૂચનાં ઐતિહાસિક પ્રસંગે શરાબના વેચાણ-કેન્દ્રો પર પિકેટિંગ કર્યું. શરાબના આ પીઠાંઓના માલિકો જોરજુલમ કરે. મહિલાઓ હોવા છતાં તેમના પર લાઠીચાર્જ કરે. પરંતુ બાપુની સલાહ મનમાં ધરી આવું કૃત્ય કરનાર સામે સહેજ પણ કડવાશ ન લાવે તેવું વર્તન કરનાર ગંગાબા જેવા અનેક નારી-રત્નો એ જોગમાયાના જીવંત સ્વરૂપ સમાન જ છે. ગાંધીની શીખ પણ કેવી? સંઘર્ષ કરવો પણ કડવાશનો ભાવ સહેજ પણ મનમાં ઉગવા દેવો નહિ. આવું વેર ખેડનાર લોકો દુનિયાએ ઓછા જોયા છે. કવિ દુલા ભાયા કાગે મહાત્મા ગાંધી પ્રેરિત આ વેરવૃતિરહિત સત્યાગ્રહ માટે લખ્યું છે:
ઘાવ ઝીલે ઘમાસાણનાં રે
(પણ) એની આંખમાં નાવે ઝેર,
દુનિયા આખી ડોલવા લાગી
વાણિયો ખેડે વેર…
માતાજીની નોબતું વાગે
સુતા સૌ માનવી જાગે
લીલુડાં માથડાં માંગે.
ગંગાબાની આ કથા અને બીજી આવી અનેક કથાઓ ‘પુણ્યશ્લોકા’ પુસ્તિકામાં જોવા મળી. પુસ્તિકા લખનાર ડો. પૂર્વી ગોસ્વામી કચ્છના છે. વિશેષ આનંદ તથા ગૌરવ એ વાતનું છે કે તેઓ અમારી સાથે કામ કરે છે. આજના સમયની સૌથી મોટી સમસ્યા એ રોજગારી પ્રાપ્ત કરવાની છે. રોજગારી મેળવવા માટે ‘સ્કિલ’ જોઈએ. બહેન પૂર્વી અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક કામ કરે છે. અનેક નવા વિચારો સાથે તાલીમના નવા નવા ઉપક્રમોનું આયોજન કરતા રહે છે. શબ્દ સાથે ઈશ્વર કૃપાથી તેમનો નાતો છે. આ નાતાને તેમણે કાળજીથી વિકસાવ્યો છે. ‘કચ્છમિત્ર’માં મહિલા જગતને ઉજાગર કરતી સુંદર કથાઓ લખે છે. ‘કચ્છમિત્ર’ હંમેશા કચ્છ જિલ્લા અંગે સારી બાબતો લખાય તો તેને પ્રકાશિત કરવાની કાળજી રાખે છે. આથી બહેન પૂર્વી જેવા ઉત્સાહી તથા કામ સાથે જોડાયેલા લોકોને લખવાની પ્રેરણા જાગે છે.
કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ત્રણેક વર્ષ સુધી કામ કરવાનું થયું ત્યારે કેટલાક મહિલા રત્નોના પરિચયમાં આવવાનું થયું. આ બધા ઘર-દીવડાઓ પોતાની શક્તિ મુજબ આંગણાંઓને અજવાળી રહ્યા છે. કચ્છ છોડયા બાદ પણ ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન’ આયોજિત કાર્યક્રમોમાં જઈને કચ્છની પાણીદાર ભૂમિના મહિલા પ્રતિનિધિઓને સન્માનવાની એકથી વધારે તક મળી છે. ‘બહુરત્ના વસુંધરા’ જેવી કચ્છની ધરતીનું આ ભાતીગળ સ્વરૂપ છે.
મહિલાઓના અંતરમાં ઉમળકાઓનો મહાસાગર ઉછળતો રહે છે. તેનું પ્રાગટ્ય અનેક સ્વરૂપે થયા કરતુ હોય છે. ‘આવળ-બાવળ-કેર બોરડી’ની આ ધરતીમાં બન્નીના લીલા અને પોષણયુક્ત ઘાસ લહેરાતા રહે છે. આ સમગ્ર સૃષ્ટિનું સૌંદર્ય કચ્છની મહિલાઓની આંગળીઓમાં ઉતર્યું છે નહીંતર કચ્છીક્રાફ્ટની બોલબાલા ક્યાંથી થઇ શકી હોત? સોયદોરાની ક્રાંતિના પ્રણેતા કાકી(ચંદાબહેન) તથા કાંતીકાકા(શ્રુજન)ના અથાક પ્રયાસોથી કચ્છી કલા તથા કલાધર બહેનોને સતત પ્રોત્સાહન અને જોઈતી તાલીમ પણ મળી. બહેનોની આંગળીઓની કમાલ આ ભરત-ગુથણના ભાતીગળ કામમાં ઉતરી છે. આ કામની સ્વીકૃતિ દેશ તેમજ વિદેશોમાં થઇ છે. વર્ષો પહેલા કચ્છના માંડવીથી જ છેક પોર્ટુગીઝ જઈને કચ્છની આ સમૃદ્ધિનું દર્શન કરાવ્યું હતું. જેઠીબાઈની કથા વંદનીય સર્જક દુલેરાય કારાણી પાસેથી જાણવા મળી હતી. બહેન પૂર્વીના પ્રસંગોમાં પણ તેનો સમાવેશ થયો છે કે ઉચિત છે.
જેમનો શરૂઆતમાં ઉલ્લેખ છે તેવા ગંગાબાના જીવનને જોતા એમ જણાય છે કે ગાંધીની ચિનગારીએ અનેક દીવડા પ્રગટાવ્યા છે. તે સમયમાં મહિલાઓને અને તે પણ વિશેષ કરીને વૈધવ્ય ભોગવનાર મહિલાઓને ધરતી બહાર નીકળવું મુશ્કેલ હતું. તે સમયે જાહેરમાં આવીને શરાબની દુકાનો બંધ કરાવવા દેખાવો કરવાનું કામ બહેનો નિર્ભયતાથી કરે તે સહેજ પણ ચમત્કારથી ઓછું નથી. ગંગાબાનું ચરિત્ર વાંચતા તેની પ્રતીતિ થાય છે. જે મહિલાઓને સમાજ ‘અબળા’ કહેતો હતો તેમણે પોતાના ઉજળા કાર્યની વિરાટ શક્તિ ઉભી કરીને જગતને પ્રેરણા આપી છે. નજીકના ભૂતકાળમાં ભૂકંપ બાદ કચ્છને ફરી ઉભો કરવામાં પણ અનેક મહિલાઓની સંસ્થાઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો. આપણી પ્રેરણાત્મક પ્રાદેશિક વાતો લખાય અને બહોળા સમુદાય સુધી તે પહોંચે તે આજના સમયની મોટી જરૂરિયાત છે. અંતે સંસ્કારસિંચન માટેનો આ એક હાથવગો ઉપાય છે. ડો. પૂર્વીના આવા એક પ્રયાસને વધાવીએ.
વસંત ગઢવી
તા. ૧૧ જુલાઈ ૨૦૨૩
Leave a comment