સંસ્કૃતિ:વીરતાઅનેખાનદાનીનીવાતોનેશતાબ્દીનીસલામ:

   “જમાદાર સાહેબ, ચાલો સાથે બેસીને જમી લઈએ.” બીજી વ્યક્તિ જવાબ આપે છે. “મારે જમવું નથી” આ સંવાદ પગે ચાલીને જતાં બે મુસાફરો વચ્ચે થાય છે. સંવાદ ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એક કથાનો છે. કથાનું નામ ‘વલીમામદ આરબ’ છે. એક આરબ તથા એક સુખી સંપન્ન વેપારી વચ્ચેની આ વાત છે. વલીમામદની અનિચ્છા છતાં વેપારીના આગ્રહથી થોડું પેટમાં નાખે છે. શેઠનો આભાર માને છે. પગપાળા મુસાફરીનો આ જમાનો હતો. તેથી આવા પ્રવાસ સ્વાભાવિક હતા. તેમાં કોઈ એક દિશામાં જ સાથે જનાર મુસાફર યોગાનુયોગ મળી જાય તો બંને સાથે પ્રવાસ કરે છે.  કેટલાક રસ્તાઓ પર ચોરી કે લૂંટફાટનો ભય હોય છે. આથી બે વ્યક્તિ સાથે હોય તો વિશેષ સલામતીનો અનુભવ થાય છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ખોપાળા ગામના રસ્તે જતાં આ બંને મુસાફરોનો સમાન માર્ગ છે. બંને વચ્ચે ચાલતા ચાલતા વાતનો પ્રવાહ પણ ચાલુ હતો. જમાદાર કે જેનું નામ વલીમામદ છે તે શેઠને પૂછે છે: “પ્રવાસના માર્ગે ચાલતા મુસાફર પાસે સોનાના દાગીના કે રોકડા નાણાં હોય તો કેટલીકવાર લુંટાવાનો ભય રહે છે. શેઠની પાસે એક નાનો ડબ્બો હતો જેમાં સોનાના ઘરેણાં હતા. આ કિંમતી વસ્તુ હોવા છતાં સાથી પ્રવાસી આરબ છે તેમજ હથિયારધારી પણ છે. તેથી વેપારી મનમાં સલામતી અનુભવે છે. છતાં મનમાં રહેલી એક શંકા તેમજ ભયના કારણે  સાવચેતી રાખીને કહે છે કે તેની પાસે કોઈ જોખમ નથી. છતાં પણ તે શેઠને ચેતવણી આપે છે કે મૂલ્યવાન સાધન હોય તો તે સહપ્રવાસીને સાચવવા માટે આવી દેવું કે જેથી જોખમ ન રહે. હથિયારધારી જમાદાર માટે આવું જોખમ નહિવત છે કારણે કે લૂંટ કરનારા પણ તેનાથી ગભરાય છે. શેઠે ના કહી તેથી જમાદાર નિશ્ચિત થયા. લાંબા માર્ગે ચાલતા સાંજ પડે છે. સાંજે જેનો ભય હતો તેજ ઘટના બની. ગીગા નામનો એક કુખ્યાત લૂંટારો તેના સાથીઓ સાથે આ માર્ગે જ બંને મુસાફરો હતા તે દિશામાં આવ્યો. આ લૂંટારાને જોઈને શેઠના હોંશકોશ ઉડી ગયા. તેણે જમાદારને ભય સાથે દબાતા અવાજે કહ્યું કે તેની પાસે થોડા સોનાના દાગીના છે. હવે શું થશે તેની ચિંતા તેણે સાથી પ્રવાસી પાસે વ્યક્ત કરી. હથિયારધારી સાથીએ કહ્યું કે આ જોખમ જલ્દીથી મને આપી દે અને લૂંટારા તદ્દન નજીક આવે તે પહેલા નાસી જવા કહ્યું. જો શેઠ ઘરેણાંનો ડબ્બો ન આપે તો લૂંટારાઓ ઘરેણાં લૂંટી લેવા ઉપરાંત શેઠને ઈજાઓ પહોંચાડે તેવો પૂરો સંભવ હતો. સાથી મુસાફરનું આ જોખમ હથિયારધારી સહપ્રવાસી સ્વેચ્છાએ લેવા તૈયાર થાય છે. થોડે દૂરથી લૂંટારાઓની ટોળી જુએ છે કે પ્રવાસીમાંથી વેપારી જેવી એક વ્યક્તિ જમાદારને કોઈ વસ્તુ આપીને નાસી જાય છે. નજીક આવીને લૂંટારાઓની ટોળી જમાદારને પડકારે છે. પ્રથમ તેને કહે છે કે વેપારીની મિલકત માટે જમાદારે શા માટે ઝગડો વહોરવો જોઈએ? જમાદાર એકલા હોવાથી અને લૂંટફાટ કરનારાઓની ટોળી હોવાથી ધમકીના સુર પણ ઉચ્ચારે છે. કિંમતી જણસ સોંપી દેવા જણાવે છે. જમાદારની હિલચાલ પર આ ટોળીના શબ્દોની કોઈ અસર થતી નથી. જમાદાર માત્ર એક જ વાત કરે છે: “મૈને ઉસકા અનાજ ખાયા હે” લૂંટારાઓની ટોળી આરબ જમાદારની નજીક આવતા ડરે છે. કારણ કે તેમને ખબર છે કે આરબ જમાદારો નિશાનના એકદમ પાકા હોય છે. તેઓ કદી નિશાન ચુકતા નથી. આથી દૂરથી જ લૂંટારુ ટોળીના માણસો તીર છોડીને જમાદારને ઘાયલ કરવાનો પ્રયાસ કરે છે. જમાદાર ઘાયલ થવા છતાં વેગથી આગળ વધે છે. ભરેલી બંદૂકમાં માત્ર એક વખત ભડાકો થાય તેટલોજ દારૂગોળો છે. આથી બંદૂકથી ટોળીને ડરાવે છે. પરંતુ વાર કરતો નથી. આંકડિયા નામનું ગામ નજીક છે. આથી લૂંટારાઓની ટોળીએ થાકીને જમાદારની નજીક જઈ હુમલો કર્યો. ઘર્ષણ દરમિયાન જમાદારે ગોળી છોડી . તેનું નિશાન અચૂક હતું. ટોળીના નાયકનો સગો ભાણેજ જમાદારની બંદૂકની ગોળીનો ભોગ બન્યો. ઘર્ષણમાં આરબ જમાદાર પણ લોહિયાળ થયો. આંકડિયા ગામમાં દાખલ થતાં જ ગામના પ્રતિષ્ઠિત કવિ વીકાભાઇ ચારણે આરબને પોતાના ઘેર લઇ જઈ સારવાર કરી. એક અજાણ્યો મુસાફર છે પરંતુ ઘાયલ થયેલો છે. આથી માનવતાના ધોરણે આવું કામ કવિરાજ સ્વેચ્છાએ તથા સ્નેહથી કરે છે. લૂંટારાઓની ટોળી જમાદારનો પીછો કરતી ગામમાં આવે છે. હવે તેમનો ઈરાદો આરબ જમાદાર સામે વેરનો બદલો લેવાનો પણ છે. લૂંટારાઓની ટોળીએ આરબને સોંપી દેવા વીકાભાઇને ધમકી આપી. વીકાભાઇ ટસના મસ ન થયા.તેમણે એક જ વાતનું રટણ કર્યું કે જમાદાર ખરાબ રીતે ઘાયલ થયેલા છે. ઉપરાંત તેમના શરણે આવેલા છે. આખું ગામ વીકાભાઈના ટેકામાં હતું એટલે લૂંટારાઓની ટોળી ન છૂટકે પાછી ગઈ.તબિયતમાં થોડો સુધારો થયો એટલે જમાદારે વીકાભાઈના સહારે ખોપાળાના વેપારીને શોધી કાઢ્યો અને તેના ઘરેણાંનો ડબ્બો પાછો આપ્યો. વેપારીએ મોટી ઉદારતા દાખવતો હોય તેમ રૂપિયાના પાંચ સિક્કા આરબને ઇનામ તરીકે આપ્યા. આરબે સિક્કા માથે ચડાવી શેઠને પાછા આપ્યા. આ વ્યવહાર જોઈ વીકાભાઇ ઉકાળી ઉઠ્યા. શેઠને કહે : “કમજાત, હજારો રૂપિયાના દાગીના જીવન જોખમે બચાવનારને પાંચ રૂપિયા આપતા શરમ થતી નથી?”

                     વીરતા, ખાનદાની તથા ઉદારતાની આવી અનેક વાતો “સૌરાષ્ટ્રની રસધાર”ના પાંચ ભાગમાં સંગ્રહાઈને પડેલા છે. રસધારનો પહેલો ભાગ ૧૯૨૩માં બહાર પડ્યો હતો. આથી ૨૦૨૩માં આ જીવનના ઉચ્ચ મૂલ્યોને ઉજાગર કરતી આ કથાઓનું અભિવાદન કરીએ તે ઉચિત છે. સો વર્ષે પણ આ વાતોમાં ગુંથાયેલા જીવનમૂલ્યો આજે પણ તરોતાજા લાગે છે. 

વસંત ગઢવી

તા. ૨૬ જૂન ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑