:કર્મશીલતાનીઝળહળતીજ્યોત: કુમારપાળદેસાઈ:

    ડો. કુમારપાળ દેસાઈના અભિવાદન માટે એક ગ્રંથ તૈયાર કરવાનું કામ આવકારદાયક છે. ઘણીવાર એવું બને છે કે આપણે આપણી આસપાસમાં રહીને જ સમાજ માટે ઘણું ઉપયોગી કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થા વિશે જાણીને તેની પ્રશંસા કરવામાં પણ ઉણા ઉતરીએ છીએ. આપણી આ સામાન્ય પ્રથા સામે અભિવાદન ગ્રંથનો આવો સુંદર પ્રયાસ વધાવી લેવાને પાત્ર છે. આ પ્રકારના જે કોઈ ગ્રંથો અગાઉ પણ પ્રકાશિત થયા હશે તેમાં આ ગ્રંથ વિશેષ મૂલ્યવર્ધન કરશે. ગુર્જર પ્રકાશનની આ પહેલ અનેક સાહિત્ય પ્રેમીઓ વધાવી લેશે તે નિ:સંદેહ છે. 

                    સંસ્થાઓની સ્થાપના કરવી એ સામાન્ય બાબત નથી. અનેક પડકારોને ઝીલી શકે તેવા ધન્યનામ લોકો જ સંસ્થાઓ ઉભી કરી શકે છે. આ રીતે જુઓ તો વિશ્વકોશ જેવી સંસ્થા ધીરુભાઈ ઠાકર ઉભી કરી શક્યા તે ગુજરાતના બૌદ્ધિક ઇતિહાસની એક મહત્વની ઘટના છે. અમદાવાદ શહેરની પ્રતિષ્ઠા સમાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કે ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓની હરોળમાં ગૌરવથી ઉભી રહે તેવી ઘટના એ વિશ્વકોશની સ્થાપના છે. સંસ્થાની સ્થાપના થયા બાદ તેના લાંબાગાળાના તથા હેતપૂર્ણ સંચાલનની વ્યવસ્થા ગોઠવવી તે પણ એક પડકારરૂપ પ્રશ્ન છે. સંસ્થાની સ્થાપના થયા પછી તેના સ્થાપકની વિદાય પછી ઘણી સંસ્થાઓ નબળી પડી જતી હોય તેવો પણ આપણો સામાન્ય અનુભવ છે. આ સમસ્યા વિશ્વકોશને ન થઇ તે અગત્યની બાબત છે. કારણો સ્પષ્ટ છે. ધીરુભાઈ કે જેઓ એક ઇન્સ્ટિટ્યૂશન બિલ્ડર હતા તેમણે દીર્ઘદ્રષ્ટિ સાથે કુમારપાળ કે કવિ ચંદ્રકાન્ત શેઠ જેવા લોકોનું કાળજી તથા સ્નેહથી સંવર્ધન કર્યું અને તેમને જ પુરી શ્રદ્ધા સાથે વિશ્વકોશનું કાર્ય આગળ ધપાવવા માટે મોકળું મેદાન આપ્યું. ઠાકર સાહેબની આ દીર્ઘદ્રષ્ટિવાળા આયોજનનું પરિમાણ આજે આપણી નજર સામે છે. વિશ્વકોશનું કાર્ય અનેક દિશામાં વિકસ્યું છે. શહેરનું આ સંસ્કૃતિકેન્દ્ર આપણા રાજ્યના ગૌરવ સમાન છે. ૨૬૦૦૦ જેટલા પૃષ્ઠો ધરાવતો વિશ્વકોશ આજે જગતના કોઈ પણ ખૂણે બેઠેલો જ્ઞાનપિપાસુ ઓનલાઇન જોઈ શકે છે. વિશ્વકોશના ‘વિશ્વવિહાર’ નામના સામયિકની ગણના આજે એક મહત્વના તથા અગ્રહરોળના સામાયિક તરીકે થાય છે. શહેરના અનેક લોકોની ભૂખ જ્ઞાનવૃદ્ધિ માટેની હોય છે. સાંપ્રત કોલાહલમાં આવી વ્યવસ્થા કેવી રીતે મળે? કોણ આ કરે? આ કાર્ય પણ વિશ્વકોશે કુમારપાળભાઈના નેતૃત્વમાં કર્યું. દસ જેટલી વ્યાખ્યાન શ્રેણી વિશ્વકોશમાં નિરંતર ધબકતી રહે છે. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય એવોર્ડ્ઝ કુમારભાઈને મળ્યા છે. તેઓ તેના સાચા હક્કદાર છે. પરંતુ રાજ્યભરના અનેક લોકો માટે પણ કુમારભાઈ એ શ્રદ્ધાનું તેમજ સ્નેહનું કેન્દ્ર છે. કુમારભાઈનું આ સ્થાન તથા સન્માન વિશેષ મહત્વ ધરાવે છે. 

                       આપણાં સમાજમાં અનેક લોકોની શુભ ભાવના સારા કાર્યોમાં સહભાગી થવાની હોય છે. આવા કાર્યોમાં યોગદાન આપવા પણ લોકો આતુર હોય છે. પરંતુ યોજક દુર્લભ હોય છે એ કથનમાં ઘણું વાસ્તવિક તથ્ય છે. કુમારપાળભાઇ આવી એક દુર્લભ હસ્તી છે. ખુબ સારા યોજક છે. સૌ સાથે સ્નેહનો તાંતણો બાંધીને કાર્ય કરતા તેમને બરાબર ફાવે છે. જેઓ યોગદાન આપે છે તેમનો જીવ પણ કાર્યની વાસ્તવિક ગતિ જોઈને ઊંડા સંતોષનો ભાવ અનુભવે છે. આ બાબત વિશ્વકોશના અનેક ક્ષેત્રોમાં પદાર્પણમાં જોઈ શકાય છે. ધીરુબહેન પટેલ જેવા આપણાં સમયના સમર્થ સર્જક પણ જૈફ ઉંમરે વિશ્વકોશ સાથે જોડાયા તે નાની વાત નથી. લોકસાહિત્યમાં કહેવાય છે કે વાત કરવાના ઠેકાણા ઓછા થતા જાય છે. આ રીતે જ જેની સાથે નિશ્ચિંત મને જોડાવાનું મન થાય તેવી સંસ્થાઓ પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. વિશ્વકોશ એ એવો એક દુર્લભ વીરડો છે. સ્વાભાવિક છે કે કુમારપાળભાઈનો તેમાં સિંહફાળો છે. તેઓ એક સારા ટીમ બિલ્ડર પુરવાર થયા છે. સંસ્થાઓ આવા મજબૂત ટીમવર્કથી જ આગળ વધી શકે છે. શબ્દની ઉપાસના એ કુમારભાઈના વ્યક્તિત્વનો મહત્વનો હિસ્સો છે. તેમાં તેમનું મહત્વનું યોગદાન પણ છે. પરંતુ એક એવી વાત કહેવાય છે કે સાહિત્યકારો મોટાભાગે વહીવટની બાબતમાં ઓછું ધ્યાન આપે છે. સાહિત્યકારો એ સારા વહીવટકર્તાઓ નથી હોતા એવું પણ કહેવાય છે. અહીં કુમારભાઈના કિસ્સામાં આ વિધાન પણ ટકી શકતું નથી. તેઓ ઉત્તમ સાહિત્યકાર સાથે જ કાર્યદક્ષ વહીવટકર્તા પણ છે. અનેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ એક સાથે આયોજનબદ્ધ રીતે ચલાવવી તે સુચારુ વહીવટનો એક આદર્શ નમૂનો છે. તેનું દર્શન વિશ્વકોશમાં થાય છે. જ્ઞાન વિતરણના કાર્યમાં નિત્ય સંવર્ધન એ વિશ્વકોશમાં સહજ થયું છે. અનેક લોકો જોડાતા ગયા છે અને કાર્ય આગળ ચાલતું રહ્યું છે.

                                જીવતરની વાટે અક્ષરનો દીવો પેટાવનારા આપણાં સમર્થ સર્જક તથા ઉમદા માનવી જયભિખ્ખુનો ઉજળો વારસો કુમારભાઈને મળ્યો છે. જયભિખ્ખુ માટે એમ કહી શકાય કે સાહિત્ય સર્જનની તેમની અવિરત યાત્રામાં તેઓ કદી કોઈ જૂથ સાથે જોડાયા હોય કે કોઈ એક જૂથના મંતવ્યોથી દોરાયા હોય તેમ બન્યું નથી. પોતાના જ વિચારો, માન્યતાઓ તથા મૂલ્યોને જાળવીને જયભિખ્ખુએ સાહિત્યની આજીવન સેવા કરી. ભીડ વચ્ચે પણ એકાંત મેળવીને તેને માણવાની શક્તિ એ માનવ સ્વભાવની મજબૂત શક્તિ છે. ઓછા લોકો આ માર્ગે ચાલે પરંતુ એ માર્ગે જનારાઓનો એક વિશેષ દબદબો હોય છે. જયભિખ્ખુના વ્યક્તિત્વની આ શક્તિ કુમારપાળભાઈમાં ઉતારી છે. કુમારભાઈને સ્વ-પ્રયત્નથી તેમજ ઈશ્વરકૃપાથી આવા એકલવીર જેમ જીવવાની શક્તિ મળી છે. આમ છતાં બીજી બાજુએ જોઈએ તો પોતાના મૂલ્યો કાયમ રાખી તેઓ સમગ્ર સમાજ સાથે ઓતપ્રોત થઈને રહ્યા છે. સાથી-મિત્રોની અંગત કાળજી રાખવી તે તેમના વ્યક્તિત્વનો એક અભિન્ન હિસ્સો છે. પિતા માટેના અગાધ સ્નેહાદરથી તેમની જીવનધારા લખી પરંતુ સાહિત્ય જગત માટે આ બાબત એક અમૂલ્ય દસ્તાવેજ જેવી થઈને રહી. સુગંધ પ્રસરાવતા જયભિખ્ખુના જીવનની સુવાસ કુમારભાઈ થકી વિસ્તરી છે. આવું ઉચિત પિતૃ-તર્પણ કરવાનું નસીબ ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય છે. મધુર આતિથ્ય તેમજ ઉત્તમ સંસ્કારની જયભિખ્ખુના પરિવારે એક આગવી ઓળખ ઉભી કરી છે. જે આજે પણ અંકબંધ રહી છે. એક કુશળ વક્તા હોવાના કારણે તેમણે શીલ તથા સંસ્કારની વાતો વિશ્વના સીમાડે જઈને કરી છે. વૈશ્વિક સંવેદના પ્રગટાવવાના તેમના આ પ્રયાસનું ઉચિત સન્માન પણ થયું છે. ‘ઝગમગ’થી શરુ થયેલી તેમની સાહિત્યયાત્રા હંમેશા ઝગમગતી રહી છે. જયભિખ્ખુના કવિ કાગ સાથેના નિકટના સંબંધો હતા એ જાણીતી વાત છે. કવિ કાગનું અમદાવાદનું ઘર એ જયભિખ્ખુનું નિવાસ્થાન હતું. કૌટુંબિક સંબંધોથી કાગ પરિવાર જયભિખ્ખુના પરિવાર સાથે જોડાયેલો રહ્યો છે. આથી કવિ કાગની જ કેટલીક માર્મિક પંક્તિઓ કુમારભાઈના જીવનક્રમ માટે કહેવાનું મન થાય છે. ભગતબાપુ તરીકે જાણીતા કવિએ લખ્યું છે કે જે કર્મવાદી હોય તે સૌ સહજ રીતે જ જીવનકર્મો કરતા રહે છે. તેમના કર્મોને કોઈ વિશ્રામ નથી કારણ કે તે જ તેમનું જાત સાથેનું ઊંડું કમિટમેન્ટ છે. કુમારભાઈના કર્મશીલ વ્યક્તિત્વને કવિ કાગના આ શબ્દો અર્પણ કરવાનું યોગ્ય માનું છું.

આભના થાંભલા રોજ ઉભા રહે,

વાયુનો વીંઝણો રોજ હાલે,

ઉદયને અસ્તના દોરડા ઉપરે,

નટ બની રોજ રવિરાજ મહાલે,

ભાગતી ભાગતી પડી જતી પડી જતી,

રાત નવ સૂર્યને હાથ આવે,

કર્મવાદી બધા કર્મ કરતા રહે

એમને ઊંઘવું કેમ ફાવે?

                   કુમારભાઈનું અંતરના ઉમળકાથી અભિવાદન છે. ગુજરાતને આવનારા અનેક વર્ષો સુધી કુમારભાઈની સાહિત્ય સેવાનો લાભ મળતો રહે તેવી શુભેચ્છા છે. ગુર્જર પ્રકાશનની આ પહેલનું સ્વાગત છે.

વસંત ગઢવી

તા. ૧૩ જૂન ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑