ક્ષણના ચણીબોર:ભાવનગરની બાર્ટન લાયબ્રેરી:ઉજળાઇતિહાસનીઝળહળતીઘટના:

 ગુજરાતી સાહિત્યના દિગ્ગજોના નામ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો જવાબની ધારણા કરવી સહેલી છે. સૌથી પ્રથમ જે નામો કહીએ તેમાં કવિશ્વર દલપતરામ તથા કવિ નર્મદના નામોનું સહેજે સ્મરણ થાય. બંને મહાકવિઓ સમકાલીન હતા. આમ છતાં એકબીજાને કદી મળ્યા ન હતા. આ સ્થિતિમાં મુંબઈમાં એક ઘટના બની. કવિ નર્મદે તેની નોંધ કરી છે. આ ઘટના ૨૯ મે ૧૮૫૯ના દિવસે બને છે. મુંબઈની એક જાણીતી પુસ્તકોની દુકાન એ ઘટના સ્થળ હતું. કવિ નર્મદ કહે છે તેઓ આ પુસ્તકોની દુકાન બહાર બેઠા હતા. એટલામાં અચાનક દલપતરામ આવ્યા. તેમણે ઓળખ્યા સિવાય નર્મદને આ પુસ્તકોની દુકાન અંગે જ પૂછપરછ કરી. નર્મદે કહ્યું એ દુકાન અહીં જ છે. કવિશ્વર દુકાનમાં પ્રવેશે છે. દુકાનના માલિક (વાસુદેવ બાબાજી) કહે છે કે કવિ નર્મદાશંકર અહીં જ છે. બંને હવે એકબીજાને મળે છે. સ્નેહ તથા આદર વ્યક્ત કરે છે. આ પછી સહેજે વાતચીત કરતા દલપતરામ કહે છે કે તેઓ ભાવનગર ગયા હતા. ત્યાંના રાજવી સમક્ષ કવિશ્વરે એક સાહિત્યીક પ્રવચન કર્યું ત્યારે રાજવી ખુશ થયા. તેમણે દલપતરામને સારો એવો શિરવાપ આપવા ઈચ્છા વ્યક્ત કરી. કવિશ્વરે વાત આગળ ચલાવતા કહ્યું કે મેં રાજવીને સૂચન કર્યું કે તમે સારી એવી નાણાંકીય મદદ પુસ્તકાલય બનાવવા માટે કરો. રાજવીએ આ વાત સ્વીકારી તેનો હર્ષ કવિશ્વર પોતાના સાથી નર્મદ સમક્ષ કરે છે. સાહિત્યની આ બે મહાન પ્રતિભાઓ વચ્ચે જે પુસ્તકાલયની વાત થઇ તે જ ભાવનગરની આજની બાર્ટન લાયબ્રેરી છે. સૌરાષ્ટ્રની આ સર્વપ્રથમ લાયબ્રેરી હતી. લગભગ ૧૬૪ વર્ષ પહેલાની આ ઘટના આજે પણ ફરી યાદ કરવી તે રોમાંચકારી છે. આ સંવાદ પછીના એક વર્ષમાં જ બાર્ટન લાયબ્રેરીનો જન્મ થયો. ૧૯મી સદીની આ એક મહત્વની તેમજ ઇતિહાસમાં વિરલ એવી ઘટના ગણાવી જોઈએ. આ લાયબ્રેરીને ૧૯મી સદીની બૌદ્ધિક ઘટના તરીકે ઓળખવામાં આવે તે સર્વથા ઉચિત છે. દર્શક ઇતિહાસનિધિએ બાર્ટન લાયબ્રેરી પરનું સુંદર પુસ્તક (લેખક:ઉષાકાન્ત મહેતા) પ્રકાશિત કરીને આપણી મોટી સેવા કરી છે. સૌરાષ્ટ્રની આ ઐતિહાસિક લાયબ્રેરીની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદમાં ૧૮૪૯માં, સુરતમાં ૧૮૫૨માં અને ભરૂચમાં ૧૮૫૮માં આધુનિક ઢબના પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી. આ સારસ્વત ગતિવિધિને બળ આપવામાં દલપત-ફાર્બસની જોડીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એક અંગ્રેજ અધિકારી જેમ્સ ફોર્બ્સ (ફાર્બસ સાહેબ)ના આ યોગદાનને વિસરી શકાય તેવું નથી. કવિશ્વર દલપતરામની વિશાળ દ્રષ્ટિનો પણ તેમાંથી ખ્યાલ આવે છે. ભાવનગરની આ ઐતિહાસિક લાયબ્રેરી છગનપ્રસાદ દેસાઈએ સ્થાપી હતી તેથી તેનું પૂર્વનામ છગનપ્રસાદ લાયબ્રેરી હતું. તેનું જ પુનઃ નામકરણ ૧૮૮૨માં બાર્ટન લાયબ્રેરી તરીકે થયું. કવિવર દલપતરામની એક પંક્તિ આ પુસ્તકાલયોની સ્થાપનાના સંદર્ભમાં મનમાં આવે છે.

“સંગ્રહ કરતા ગ્રંથનો,

ઉપજ્યો એક વિચાર,

સાર્વજનિક શુભ સ્થાપીએ

પુસ્તકનો ભંડાર”

                           કર્નલ બાર્ટન એ બ્રિટિશ તાજના પ્રતિનિધિ હતા. ભાવનગરના રાજવી તખ્તસિંહજી તેમજ દીવાન શામળદાસના કાર્યની તેઓ પ્રશંસા કરતા રહેતા હતા. સૌરાષ્ટ્રની રાજકીય-સામાજિક ચેતનાને કર્નલ બાર્ટન સમજી શકતા હતા. આથી તેમનું નામ લાયબ્રેરી સાથે જોડવાનો ભાવનગર રાજ્યનો આ નિર્ણય હતો. 

                      ૧૯મી સદીમાં સૌરાષ્ટ્રના શિક્ષણની સમગ્ર વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાયેલી ન હતી. શિક્ષણ ધૂળિયા નિશાળોમાં અપાતું હતું. તે કાળના રાજકોટ ખાતે નિમાયેલા કર્નલ માલેટનું એક વિધાન મળે છે. તેઓ લખે છે: “શિક્ષણના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રનું સ્થાન ઘણું નીચું છે. બહુ ઓછા રાજવીઓ લખી-વાંચી શકે તેવા છે. મને કહેતા દુઃખ થાય છે કે અહીંના શાસકો તથા બીજા આગેવાનોએ શિક્ષણ પરત્વે અત્યંત ઉદાસીનતા દાખવી છે.” જો કે ગગા ઓઝા કે પ્રભાશંકર પટ્ટણી જેવા કાબેલ વહીવટદારોએ આ સ્થિતિ બદલવા માટેના અનેક સફળ પ્રયાસો કર્યા. ભાવનગર તથા ગોંડલ ઉપરાંત વડોદરા જેવા રાજ્યોના કેળવણીના પ્રયાસો પણ અહોભાવ ઉપજાવે તેવા દીર્ઘદ્રષ્ટિવાળા હતા. આ સ્થિતિમાં બાર્ટન લાયરબ્રેરીનો શુભારંભ એ સમયની માંગ હતી. લાયબ્રેરી મુખ્યત્વે છગનપ્રસાદ દેસાઈએ આપેલા ૫૦૦૦ પુસ્તકોથી શરુ કરવામાં આવી. તેનું નામાભિધાન છગનપ્રસાદ દેસાઈ લાયબ્રેરી તરીકે થયું. રાજવીઓ માટેની રાજકુમાર કોલેજ ૧૮૭૦માં સ્થાપવામાં આવી. આધુનિક કેળવણીની દિશા તરફનું આ પ્રયાણ હતું. 

               દોઢસો વર્ષ પહેલાની આ સ્થિતિનો વિચાર કરીએ તો કેળવણીના ક્ષેત્રે જયારે સ્થિતિ સારી ન હતી ત્યારે પણ આ દિશામાં જવા માટેના પ્રયાસોમાં સૌનો સહયોગ રહ્યો હતો. શિક્ષણના એક અભિન્ન ભાગ સમાન લાયબ્રેરી ગણાય છે. બાર્ટન લાયબ્રેરી જેવી મહત્વની સંસ્થાઓ શરુ કરવામાં નાગરિકોની સક્રિયતા ઉડીને આંખે વળગે તેવી છે. દલપતરામ જેવા સર્જકોએ તેને બળ આપ્યું. રાજવીઓ તથા કેટલાક અંગ્રેજ અમલદારો પણ આવા પ્રયાસોમાં જોડાયા. ગાયકવાડ સરકારે તો ગામ ત્યાં લાયબ્રેરી જેવો મહત્વનો નિર્ણય કર્યો. તેની ચોક્સાઈથી અમલવારી કરી. મોતીભાઈ અમીન જેવા સમર્થ લોકોને જોડીને એક સંસ્થાકીય વ્યવસ્થા વિકસાવી. જે વ્યવસ્થા આજે ૧૦૦ વર્ષ પછી પણ ચાલે છે અને સક્રિય છે. ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓએ પોતાની સમૃદ્ધ લાયબ્રેરીઓ વિકસાવી. ‘વાંચશો તો તરશો’  જેવું એક મરાઠી ભાષામાં વિધાન છે. આપણે પણ બાર્ટન લાયબ્રેરીને યાદ કરીને આપણી યુવાપેઢીમાં વાંચનનો શોખ કેળવાય તેવા પ્રયાસ કરવા પડશે. બાર્ટન લાયબ્રેરી તેમજ મ્યુઝિયમ એ આપણાં માટે તીર્થસ્થાન સમાન છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના પ્રભુત્વને કારણે કિશોરો તેમજ યુવાનોમાં પુસ્તકો વાંચવાની વૃત્તિ ઓછી થઇ છે. શાળા કોલેજોમાં ઈતર વાંચનની બાબતને પણ ખાસ પ્રોત્સાહન મળતું નથી. ઘણી સરકારની લાયબ્રેરીઓમાં જરૂરી સ્ટાફની તંગી છે. આ સ્થિતિ બદલવી પડશે. એક વિચારશીલ પેઢી તૈયાર કરવા તેમજ આ પ્રક્રિયાને સતત આગળ વધારવા વાંચનની રુચિ યુવાનોમાં રહે તે વ્યવસ્થા અનિવાર્ય છે.

વસંત ગઢવી

તા. ૭ જૂન ૨૦૨૩     

Leave a comment

Blog at WordPress.com.

Up ↑