ક્ષણના ચણીબોર:ગુજરાતીપત્રકારત્વનીબેશતાબ્દીઅનેમુંબઈસમાચાર:

  અખબારોની મજબૂત પક્કડ આજે પણ રહી છે. તેમ માનવા માટે પૂરતા કારણો છે. એ વાત ખરી છે કે સોસીયલ મીડિયા તથા ટેલિવિઝનને કારણે અખબારો તરફનું આકર્ષણ ઓછું થયું છે. આમ છતાં, વાચકોનો એક વિશાળ વર્ગ હજુ પણ અખબારો સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખે છે. કેટલાક અખબારો અમુક ઘરોમાં ફેમિલી પેપર જેવા થઇ ગયા હોય છે. ગાંધીનગરમાં કેટલાક વડીલોને મળવાનું થયું છે. તેઓના જીવનનો મોટો ભાગ સૌરાષ્ટ્રમાં ગયો છે. વર્ષોથી સૌરાષ્ટ્ર વ્યવસાયિક કામકાજ માટે છોડ્યું છે. પરંતુ હજુ પણ જેને લગભગ એક સદીનો સુદીર્ઘ ભૂતકાળ છે તેવા ‘ફૂલછાબ’ સાથેનો તેમનો સંબંધ કાયમ રહ્યો છે. પેપરની ડિજિટલ આવૃત્તિ હવે મળી શકે છે. આથી વિશેષ સવલત થઇ છે. આજ રીતે મુંબઈમાં રહેતા અનેક કચ્છના કુટુંબોએ કચ્છ સાથેનો નાતો મુખ્યત્વે ‘કચ્છમિત્ર’ના માધ્યમથી જાળવી રાખ્યો છે. આથી તમામ અખબારોની સામાજિક પહોંચ વધતા-ઓછા અંશે આજે પણ બરકરાર રહી છે. અખબારોની આવી ઉપયોગિતાને સમજીને મહાત્મા ગાંધીએ અમદાવાદમાં નવજીવન પ્રેસ શરુ કર્યું. ગાંધીજીના વિચારો તેમના સામયિકો થકી વિશાળ વર્ગ સુધી પહોંચી શક્યા. કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી જેમ્સ ફોર્બ્સે પણ દોઢસો વર્ષ પહેલા ગુજરાતી ભાષા તેમજ સાહિત્યની સેવા માટે સામાયિક શરુ કર્યું. આજે પણ ‘બુદ્ધિપ્રકાશ’ નામથી આ સામાયિક સુંદર રીતે ચાલી રહ્યું છે. જીવંત રહ્યું છે.

                      ગુજરાતી પત્રકારત્વનો ઉજળો ઇતિહાસ છે. જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરનાર સૌરાષ્ટ્રના સિંહ ગણાતા અમૃતલાલ શેઠે પદ-પ્રતિષ્ઠા સાથેની નોકરી છોડી રાણપુર(જિલ્લો બોટાદ)થી અખબાર શરુ કર્યું. મેઘાણી જેવા મોટા ગજાના સર્જકો તેમાં જોડાયા. ‘ભૂમિપુત્ર’ જેવું સામાયિક કેન્દ્ર સરકારે જાહેર કરેલી કટોકટીના કાળમાં પણ કાનૂની લડત આપીને લોકસેવા તથા લોકજાગૃતિનું કાર્ય નિષ્ઠાથી કરતું રહ્યું. ગુજરાતી પત્રકારત્વના વિકાસમાં અનેક લોકોનું મહત્વનું યોગદાન છે. ગુજરાતના અનેક અખબારો સમાનહિતના વિવિધ કાર્યોમાં સક્રિય રહ્યા છે.

                 ગુજરાતી પત્રકારત્વના ભાતીગળ ઇતિહાસમાં ‘મુંબઈ સમાચાર’નું પાયાના પથ્થર સમાન કામ છે. ૧૮૨૨માં શરુ થયેલું આ અખબાર આજે પણ જીવંત છે, કાર્યરત છે. ૧૯મી, ૨૦મી તથા ૨૧મી એમ ત્રણ ત્રણ સદીના સાક્ષી બની શકનાર આ અખબાર જે વારસો ધરાવે છે તે અદ્વિતીય છે. મુંબઈ સમાચારના સ્થાપક તંત્રી ફરદુનજી મર્ઝ્બાનજી એ ખરેખર તો ગુજરાતી પત્રકારત્વના જનક હતા. ફરદુનજીનો જન્મ સુરતમાં થયો હતો. ગુજરાતી પુસ્તકોના પ્રકાશનના પણ એ આદિપુરુષ હતા. ફરદુનજીએ ગુજરાતીમાં અખબાર કાઢવાનો જે વિચાર કર્યો તે તત્કાલીન સમયમાં તો કલ્પનામાં ન આવે તેવું સાહસ હતું. ઘણાં મિત્રોને ફરદુનજીનું આ પગલું એક દુઃસાહસ જેવું પણ લાગતું હતું. જો કે ફરદુનજી તેમની વાતમાં દ્રઢ હતા. નર્મદની ભૂમિમાં જન્મેલા આ પારસીબાવામાં નર્મદની દ્રઢતા હતી. ૧૮૨૨નું મુંબઈ આજે કોઈ પરીકથા લાગે તેવું હતું. ટેલિફોન, તાર, ટપાલની સુવિધાનો પ્રારંભ થયો ન હતો. ધૂળિયા રસ્તાઓ હતા. માત્ર ચાર નાની શાળાઓ હતી. ગુજરાતી ભાષામાં ભાગ્યેજ કોઈ પુસ્તકો પ્રકાશિત થતા હતા. મરાઠી ભાષાનું પણ કોઈ સમાચારપત્ર પ્રકાશિત થતું ન હતું. ફરદુનજીએ ૧૮૨૨ના જૂનમાં પોતાના વર્તમાનપત્રની જાહેરખબર નાના ચોપાનિયાંઓ વહેંચીને કરી. જાહેરાતના ચોપાનિયામાં ફરદુનજી લખે છે: “સરવે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની સેવામાં સેવક ફરદુનજી મજરબાનજીની આ અરજ છે. ગુજરાતી ભાષામાં એક પેપર છાપવા ઠરાવ્યું છે. આવતા જુલાઈ મહિનાની પહેલી તારીખથી આનું નામ મુંબઈ સમાચાર છે.” મૂળ ગુજરાતી લખાણના કેટલાક શબ્દો આજે ચલણમાં નથી. પોતાના છાપામાં શું છપાશે તેની વાત પણ તંત્રી અગાઉથી કરે છે. (પરિચય પુસ્તિકા-૧૧૪૫: દિપક મહેતા).

         મુંબઈ સમાચાર શરુ કરવાની દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર ફરદુનજીએ આ કાર્ય કરવા માટે પ્રથમ તો દોસ્તો તેમજ સાથીઓની સહાય માંગી. પરંતુ ત્યાંથી ન અટકતા તેઓ અંગ્રેજ સત્તાના મુંબઈના સર્વોચ્ચ પ્રતિનિધિ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિસ્ટન પાસે પણ ગયા. ગવર્નરને આ વાત ગમી અને મદદ કરવાની હૈયાધારણ પણ આપી. આથી ફરદુનજી પ્રોત્સાહિત થયા. અદ્યતન પ્રિન્ટિંગ પ્રેસ ઉભું કરવાનો તેમણે નિર્ણય કર્યો. મુંબઈ સમાચારનું માસિક લવાજમ બે રૂપિયા નક્કી કરવામાં આવ્યું. બે રૂપિયા એ બસ્સો વર્ષ પહેલા નાની રકમ ન ગણાય. આમ છતાં જાહેરખબર પ્રગટ થયા પછી થોડા દિવસોમાં જ ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા. તેમાના મોટા ભાગના પારસી હતા. થોડા અંગ્રેજો પણ હતા. શરૂઆતમાં પત્ર અઠવાડિક હતું. ૧૮૨૨ની જુલાઈની પહેલી તારીખે આ ઐતિહાસિક કાર્ય થયું. દર સોમવારે પાંચથી છ પાનનો અંક બહાર પડતો હતો. અગત્યના સમાચાર આવે તો બપોરે ખાસ વધારો બહાર પાડવામાં આવતો હતો. Breaking  Newsની આજે જોવા મળતી પ્રથા ૨૦૦ વર્ષ પહેલા પણ હતી તે બાબત નોંધપાત્ર છે. પેપરના શરૂઆતના અંકોમાં કવિતાઓ પણ છપાતી. આવી એક કવિતાની થોડી પંક્તિઓ માણવી ગમે તેવી છે. પરમેશ્વર પાસે તેમાં દયાની યાચનાનો ભાવ છે.

દઈઆ(દયા) કરો તમ હમ પર ઘણી

અવતાર અવતારા પણ વિપત ઘણી.

માથે ભાર શ્રી ઈઆનો(અહીંનો) તાપ

એ વગર વીદેઆ(વિદ્યા)નો સંતાપ.

        મુંબઈ સમાચારના પ્રથમ દસ વર્ષ સારા ગયા. ફરદુનજીની પણ જાહોજલાલીમાં વધારો થયો. તેમનો વેપાર ધમધોકાર ચાલતો થયો. કેટલીક મિલ્કતો પણ તેમણે ખરીદી. પારસીઓમાં સમાજ સુધારણાનો પણ તેમણે પ્રયાસ કર્યો. આમ છતાં ફરદુનજીની પ્રગતિને નજર લાગી હોય તેમ તેઓ તથા મુંબઈ સમાચાર પારસી સમાજના એક આંતરિક વિવાદમાં ફસાયા. વેપારમાં પણ અણધારી ખોટ આવી. ફરદુનજીને મુંબઈ છોડવું પડ્યું. ૧૮૩૨માં પોતાના એક સાથીને ‘મુંબઈ સમાચાર’ સોંપી તેમણે પેપર સાથેનો પોતાનો સંબંધ પૂરો કર્યો. ભાવવાહી શબ્દોમાં ‘અલવિદા’ લેખ લખ્યો. “વાંચનારા સાહેબોની” વિદાય માંગી. મુંબઈ સમાચાર તેમજ ફરદુનજી બાવાની આ હિમ્મત તથા આયોજન એ ગુજરાતી પત્રકારત્વના મૂળમાં છે. 

વસંત ગઢવી

તા. ૨૭ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑