વાટે…ઘાટે:મોહમ્મ્દમાંકડ: વિવિધતાતથાવ્યાપકતાથીહર્યુંભર્યુંવ્યક્તિત્વ:

         ઘણાં વર્ષો પહેલા એક દિવસ પ્રિન્સિપાલ બનેસિંહજી ગઢવીનો ફોન આવ્યો. બનેસિંહજી ગુજરાત જાહેર સેવા આયોગના પણ સભ્ય હતા તેમજ અમદાવાદ શહેરના તે સમયના કેળવણીકારોની યાદીમાં અગ્રસ્થાને હતા. ગઢવી સાહેબે જણાવ્યું કે મોહમ્મ્દ માંકડ સાહેબ મને મળવા માંગે છે. સ્વાભાવિક રીતે જ મેં વિવેક કર્યો કે તેઓ બંને આદરણીય વડીલો છે તેથી હું તેઓ સૂચવે તે સ્થળે તેમને મળવા માટે જઈ શકું છું. પરંતુ બંને મહાનુભાવોનો આગ્રહ હતો તેથી તેઓની સાથે એક ટૂંકી મુલાકાત થઇ. આ મુલાકાત સમયે જ મોહમ્મ્દ માંકડને પ્રથમ વખત જોયા. તેઓ મોટા ગજાના સર્જક છે તેથી કેવા હશે તેની મનમાં કેટલીક સાચી કે ખોટી કલ્પનાઓ હતી. તેમને જોયા પછી કોઈ અંદર તેમજ બહારથી સમાન સુંદરતા ધરાવતા સુગંધી વ્યક્તિત્વને જોયાનો આનંદ થયો. ‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’ એ કવિ મકરંદ દવેની જાણીતી ઉક્તીનું સ્મરણ થયું. સહેજ પણ આડંબર સિવાય સરળ રીતે વાત કરવાની તેમની છટા ઘણાં ઓછા લોકોમાં જોવા મળી છે. નવેમ્બર-૨૦૨૨માં જ તેઓ આપણી વચ્ચેથી ગયા. સાહિત્યના અનેક ભાવકોએ તેમના ખાલીપાનો અનુભવ જરૂર કર્યો હશે. ગુજરાત સાહિત્ય અકાદમીએ માંકડ સાહેબ પર સુંદર વિશેષાંક તૈયાર કર્યો. અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહા તેમજ જયેન્દ્રસિંહ જાદવ આ કાર્ય માટે આપણી પ્રશંસાના હકદાર બને છે. વિશેષાંકનો કેટલોક ભાગ વાંચતા પુનઃ માંકડસાહેબની મનમાં પડેલી છબી તાજી થઇ. તેમની મધુર સ્મૃતિ કદી ભૂલી શકાય તેવી નથી. એકાદ-બે મુલાકાતમાં જ કેટલાક લોકો આપણાં મન ઉપર અમીટ છાપ મૂકીને જાય છે. સદાકાળ સ્મરણમાં રહે તેવું મોહમ્મ્દ માંકડ નું નાનું પણ ભાવસભર કાવ્ય ભાઈ અનીસે ટાંક્યું છે. તે ફરી ફરી વાગોળવું ગમે તેવું છે. કાવ્યનું સુંદર શીર્ષક છે: ‘અક્ષયપાત્ર’

એક એવું પાત્ર-

હું ઈચ્છા કરું ને એમાંથી વસ્તુ મળે.

ઈચ્છા કરું ને વહાલ મળે.

ઈચ્છા કરું ને હિમ્મત મળે

ઈચ્છા કરું ને સાંત્વન મળે.

અને, ઈચ્છા ન કરું તોયે પ્રેમ મળે.

એક એવું પાત્ર-

જે એમાં ન હોય તો પણ આપી શકે !

એ મારી મા હતી.

          માંકડ સાહેબ આમ તો જન્મથી સૌરાષ્ટ્રના પરંતુ તેમનો વિકાસ તેમજ વિસ્તરણ સૌરાષ્ટ્ર-કચ્છની ભૌગૌલિક સરહદોથી ઘણે દૂર સુધી થયું. તેમના જન્મનું ગામ પાળીયાદ(બોટાદ જિલ્લો) ધાર્મિક દ્રષ્ટિએ પણ વિખ્યાત છે. 

              કેટલાક લેખકોને પોતાનું સર્જક તરીકેનું સ્થાન નિશ્ચિત કરવામાં વર્તમાન-પત્રની કોઈક કોલમ ઉપયોગી થઇ હોય તેવો આપણો અનુભવ છે. પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે તેમ કહેવામાં આવે છે. પત્રકાર ક્યાં પૂરો થાય છે અને સાહિત્યકાર ક્યાં શરુ થાય છે તે નક્કી કરવું મુશ્કેલ છે. માંકડ સાહેબ પણ તેમની સુવિખ્યાત કોલમ ‘કેલિડોસ્કોપ’થી એક વિશેષ ઓળખ ઉભી કરી શક્યા છે. ભગવતીકુમાર શર્મા કે હરીન્દ્ર દવે જેવા આપણી ભાષાના સર્જકોએ પણ વર્તમાનપત્રોના લેખક તથા સાહિત્ય લેખન વચ્ચેનું સપ્રમાણ અનુસંધાન કરી શક્યા છે, માંકડ સાહેબની અનુભૂતિ તેમજ અભિવ્યક્તિની એક વિશિષ્ટ છાપ તેમની કોલમના પ્રવાહમાંથી આપણાં સુધી પહોંચી છે. જગતને તેમણે જે રીતે જોયું છે તથા અનુભવ્યું છે તેવી બાબતોને એક કલાત્મક સ્વરૂપે તેમણે શબ્દોમાં ઉતારી છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બિનજરૂરી ચઢાવ ઉતાર પણ નથી. સાતત્યનું એક સુંદર સંગીત તેમાંથી પ્રગટ્યા કરે છે. સંસ્થાગત માળખાના માધ્યમથી પણ તેમણે સાહિત્યસેવા કરી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રારંભિક ગાળામાં જ તેઓએ તેના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી. સ્વાભાવિક રીતે જ અકાદમીના કેટલાક પાયાના કાર્યોમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું. તેઓ ખરા અર્થમાં કહી શકાય તેવા શિક્ષક તો હતા જ. સાથે સાથે ગુજરાત યુનિવર્સીટીના સેનેટ સભ્ય તરીકે તેઓ હાયર એજ્યુકેશનની ગતિવિધિઓ સાથે સક્રિય સ્વરૂપે જોડાયેલા રહ્યાં. ગુજરાત જાહેર સેવા આયોગના પણ તેઓ સભ્ય રહ્યાં. આ પ્રકારની સંસ્થઓમાં એક સર્જક વિશેષ મૂલ્યવર્ધન કરી શકે છે. આ બાબતમાં ગુજરાત નસીબદાર રહ્યું છે. ગુજરાતની યુનિવર્સીટીઓને ઉમાશંકર જોશી, ડો. પી.સી. વૈદ્ય કે ડોલરરાય માંકડ જેવા કુલપતિઓ મળ્યા છે. સંસ્થાઓનું ઘડતર આવા પુણ્યશ્લોક લોકોની ઉપસ્થિતિમાં બળવત્તર તથા અસરકારક થાય છે. માંકડ સાહેબ પણ આજ રીતે અનેક ક્ષેત્રોમાં પોતાની શક્તિથી યોગદાન આપતા રહ્યાં. ગાંધીનગરના એક તીર્થસ્થાન સમાન તેમનું નિવાસ્થાન બની રહ્યું. અનેક સાહિત્યકારો-ભાવકો માંકડસાહેબની માંદગી દરમિયાન તેમને મળતાં રહ્યાં અને કોઈક ભાથું મેળવતા રહ્યાં. માંકડ સાહેબનું યથોચિત સન્માન વખતોવખત થતું રહ્યું છે. ગુજરાતી સાહિત્ય માટે સુવિખ્યાત એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને પ્રદાન થયો. સાહિત્ય પરિષદના વિશિષ્ટ સન્માનો તેમને મળ્યાં. આ બાબતો આવકારદાયક છે પરંતુ અનેક સજ્જનોનો સ્નેહ તેઓ મેળવી શક્યા અને જીવનભર જાળવી શક્યા તે બાબત ખુબ મહત્વની છે. 

                 સાહિત્યસર્જનમાં જેઓ જગતમાં સ્વીકૃતિ પામ્યા તેમાંથી મોટા ભાગના સર્જકોએ મહદઅંશે પોતાની આસપાસ બનતી ઘટનાઓ કે પાત્રોમાંથી જ પ્રસંગોને લીધાં હોય છે. દર્શકદાદા કહેતા કે જેમણે જીવનને તથા જગતને ઊંડાણથી જોયું છે તથા અનુભવ્યું છે તેમની કલમની પ્રતીતિના શબ્દો જ જગતમાં સ્થાયી થયા છે. સર્જકો કોઈ ઉપદેશકોની ભૂમિકાએ નથી. હૈયામાં પડેલો સહજ ભાવ તેમાંથી કલાત્મક અભિવ્યક્તિ તરીકે પ્રગટે છે અને જગત તેને ઝીલે છે. ધૂમકેતુ અલીડોસાની વાત લખે ત્યારે તેમાંથી પ્રગટતું સહજ સૌંદર્ય આપણી અંતરચેતનાને ઝંકૃત કરી જાય છે. આવા અનેક સહજભાવોની સુંદર અભિવ્યક્તિ મોહમ્મ્દ માંકડે જીવનભર કરી છે. આપણી માતૃભાષાને પોતાની આગવી છટાથી શણગારી છે.

           મોહમ્મ્દ માંકડ હવે ગાંધીનગરમાં સદેહે નથી તેનો ખાલીપો અનેક લોકો અનુભવતા હશે. જો કે તેઓ તેમની સાહિત્ય કૃતિઓથી આપણી વચ્ચે હંમેશા જીવંત રહેશે .

વસંત ગઢવી 

તા. ૨૫ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑