સંસ્કૃતિ:મજૂરોનીશોષણનીસાતત્યપૂર્ણવ્યથાનીકથા:

થોડા મહિનાઓ પહેલા દિલ્હીની એક ફેક્ટરીમાં લાગેલી આગની જ્વાળાઓમાં ૨૦થી વધારે મજૂરો ભરખાઈ ગયા. સમાચારો પ્રસિદ્ધ થયા. આગ લાગે તે સામેની વ્યવસ્થાની ખામી સામે આવી. કાનૂની કાર્યવાહી થશે. વાત પણ વિસરાઈ જશે. પરંતુ આ વીસથી વધારે કુટુંબોની સ્મૃતિમાંથી આ ઘટનાનું ઝખમ આજીવન રૂઝાશે નહિ. કામદારોની સલામતી માટેના કાયદાઓ છે પરંતુ અસંખ્ય કામદારો જે ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરે છે તેઓ આવા કાયદાનું કવચ ધરાવતા નથી. સરકાર આવા કેસોમાં તાત્કાલિક રાહતના નાણાકીય પેકેજ જાહેર કરે છે. તેનાથી ત્વરિત રાહત પણ મળે છે. જો કે આવી સમસ્યાઓના મૂળમાં જઈને તેનો કાયમી ઉકેલ મોટા ભાગે શોધવાનો પ્રયાસ થતો નથી. આથી અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત આપીને આ બાબત થોડા સમય બાદ વિસ્મૃત થાય છે. શહેરો કે નગરજનોની સુવિધા માટે ડ્રેનેજ સિસ્ટમ કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવે છે. સિસ્ટમમાં કોઈ જગાએ કચરો ભરાઈ જાય તો તેને સત્વરે સાફ કરવી પડે છે. નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની આવી સફાઈ કરાવવાની ફરજ છે. આથી નગરપાલિકાના સફાઈ કામદારો આ માટે ભૂગર્ભમાં ઊંડા ઉતરી સફાઈ કરતા મજૂરોનું ગૂંગળામણને કારણે મૃત્યુ થાય છે. કામદારોમાં સ્વાભાવિક રીતે જ રોષ ઉભો થાય છે. નેતાઓ-અધિકારીઓ થોડી સમજાવટથી અને કહેવાતા તગડા વળતરથી આ રોષને શાંત પાડે છે. ફરી બધું રાબેતા મુજબ ચાલતું રહે છે. બીજા અકસ્માતની કોઈને પ્રતીક્ષા હોતી નથી પરંતુ વ્યવસ્થા બદલવાના મૂળગામી ફેરફાર ધીમી ગતિએ થતાં રહે છે. ચાર દાયકા પહેલા થયેલી ભોપાલની ગેસ દુર્ઘટનાના ભોગ બનેલાઓનો કારણ સહિતનો દાવો છે કે દુર્ઘટનામાં ભોગ બનેલાં વ્યક્તિઓ કે તેમના કુટુંબોને ન્યાયપૂર્ણ વળતર મળ્યું નથી. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાયિક કાર્યવાહી ચાલતી રહે છે. આ સ્થિતિ અનેકવાર અકળાવનારી લાગે છે. ઝવેરચંદ મેઘાણીના શબ્દો યાદ આવે છે. આ શબ્દો બીડીઓ વાળવાની કાળી મજૂરી કરતી બહેનોના સંદર્ભમાં લખાયા છે.

આજ દુનિયાને હાટડે દેખો

મોંઘા ગાંજો ભાંગને સૂકો

સોંઘો સ્ત્રીના દેહનો ભૂકો

પીડિત જાનના શોણિત સોંઘા

બીડીઓ વાળો રે !

નિરાધાર બીડીઓ વાળો રે !

           દુનિયાની પ્રગતિ થઇ રહી છે. આ વાતનો ઇન્કાર ન થઇ શકે. પરંતુ આ પ્રગતિમાં માનવીય હિતના તત્વોનો સમાવેશ થાય છે ખરો? મોટા તેમજ ખર્ચાળ તથા ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવાની એક વણકહી હરીફાઈ ચાલી રહી છે. સૌને વિશ્વને આંજી નાખે તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર બને તેટલી ઝડપે ઉભું કરવું છે. ઝડપ લાવવા માટે નાના કે મોટા સમાધાન કરવા પડતા હોય તો તેમ કરવામાં કોઈ છોછ નથી. મજૂરોના મૂળભૂત હક્કોની અવગણના એ આવા સમાધાનોનો એક મહત્વનો ભાગ છે. આવું સમાધાન કાયદાના પાલનની પાયાની જોગવાઇઓના પાલન સંબંધી મુખ્યત્વે હોય છે. આવા કામ સાથે જોડાયેલો મજૂરોનો એક મોટો વર્ગ હોય છે. મોટા બાંધકામો સાથે કામદારોની સલામતી માટે કાનૂની જોગવાઈઓ હોય છે. આવા કામોમાં રાત-દિવસ મજૂરી કરતા કામદારોના વળતર, આરોગ્ય તથા તેમની સુખાકારી માટે ચોક્કસ કાયદાની જોગવાઈઓ હોય છે. પરંતુ ઘણાં કિસ્સાઓમાં આવા કાયદાઓના પાલન માટેની અસરકારક વ્યવસ્થા હોતી નથી. સત્તામાં રહેલાં લોકોનું વલણ પણ સમયસર પ્રોજેક્ટ કાર્યાન્વીત કરવા તરફ વિશેષ હોવાથી કાયદાપાલન માટેની બાબતમાં ઢીલું વલણ દાખવે છે. પરિણામ સ્વરૂપે પ્રોજેકટ તો પૂરો થાય છે પરંતુ એ પરિણામ અનેક નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલું હોય છે. પરંતુ આવી નબળી હકીકતનો ઉલ્લેખ કે ચિંતા ઘણી ઓછી થાય છે. મોટા કાર્યના નિર્માણમાં જેમણે કાનૂની જોગવાઇઓના પાલનની જવાબદારી નિભાવવાની હોય છે તેઓ પણ આવી અનુચિત વ્યવસ્થાનો ભાગ્યે જ ઉલ્લેખ કરે છે. ઢાંક પીછોડો થયા કરે છે. ક્રમશઃ આવી ઘટનાઓ વિસરાતી જાય છે. ફૂટબોલની વૈશ્વિક સ્પર્ધાનું ભવ્ય ઇન્ફ્રાસ્ટકચર ઉભું કરવાની બાબત એ આ બાબતનું તાજું ઉદાહરણ છે.

                      દોહા-કતારમાં ફૂટબોલની વૈશ્વિક સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૨માં યોજવામાં આવી. તાજેતરની જ આ ઘટનાના સમાચારો સમગ્ર વિશ્વમાં પ્રસરતા રહ્યા. ફૂટબોલની આ વૈશ્વિક સ્પર્ધાની અનેક વાતો માધ્યમોમાં થઇ. આ વાતો વિસરાઈ પણ જશે. પરંતુ ફિફા વર્લ્ડ કપમાં ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે સ્થળાંતરિત થયેલા કામદારોની અકથ્ય વ્યથા કોણ કરશે અને કોણ સાંભળશે? કતારમાં વિશાળ સ્ટેડિયમ, રહેઠાણોની મોટી વ્યવસ્થા માટેની જોગવાઈ, હોટેલો, વિશાળ રસ્તાઓ તથા વાહનવ્યવહારની વિસ્તૃત વ્યવસ્થા ઉભી કરવાની હતી. મોટી સંખ્યામાં મજૂરો જોઈએ. દુનિયાના અમુક દેશોમાંથી આવા મજૂરોનો સમૂહ ઉપલબ્ધ થાય છે. બાંધકામના મસમોટા કોન્ટ્રાક્ટોને પુરા કરવા માટે કામદારો સાથે થયેલા અમાનવીય વ્યવહારની વાતો કેટલાક માધ્યમોમાં પહોંચી. મજૂરો માટે પગાર તથા કામની શરતો અનુચિત તેમજ અમાનવીય હતી તેવા સમાચારો બહાર આવ્યા. કામ કરવાના સ્થળે અનેક લોકો વીજ કરંટ લાગવાથી, બાંધકામ દરમિયાન થયેલી નાની-મોટી ઇજાઓથી તથા કોઈ કોઈ કિસ્સામાં મૂંઝવણ અનુભવતા મજુરની આત્મહત્યાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. મૃત્યુના આવા કિસ્સાઓની સંખ્યા બાંધકામ માટે જવાબદાર એજન્સીએ જે આપી તે વિવિધ દેશોના દૂતાવાસોએ એકઠી કરેલી મૃત્યુની વિગતોથી ઘણી ઓછી હતી. માનવ અધિકારો માટેના વિશ્વના સંગઠનોએ આ ઘટના તરફ સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો. સ્થાનિક દેશની કાનૂની જોગવાઈઓ જોતાં આ બાબતમાં શ્રમિકોને કોઈ નોંધપાત્ર લાભ થવાની આશા નથી. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટિયાના પ્રશ્ને વિરોધનો વંટોળ ઉભો કરનાર ગાંધી પણ હવે ક્યાં છે.? આ સ્થિતિ આજના સંદર્ભમાં પણ કેવી ભયાવહ છે તેનો ખ્યાલ આવા અનેક પ્રસંગો પરથી આવી શકે છે.

વસંત ગઢવી 

તા. ૨૨ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑