ક્ષણના ચણીબોર:અલખનાઅનોખાઆરાધક: હેમંતચૌહાણ:

 ભાઈ હેમંત ચૌહાણને પદમશ્રી મળે અને સૌરાષ્ટ્રના કેંદ્રસમાન રાજકોટમાં તેમનું સન્માન થાય તે બંને ગૌરવપ્રદ ઘટનાઓ છે. ભારત સરકાર જયારે હેમંતભાઈ જેવા ભજનને સમર્પિત હોય તેવા ક્લાઉપાસકને વધાવ્યા છે ત્યારે તેમાં સમગ્ર લોકધારા કે પરંપરાનું સન્માન છે. આ ધારા મધ્યકાળથી શરુ થઈને નિજ સત્વને કારણે આજે પણ જ્વલંત તથા જીવંત છે. રાજકોટ રેડિયો સ્ટેશન પરથી વર્ષોના ક્રમ મુજબ વહેલી સવારે ભજનો રજુ થતા રહે છે. આજે પણ એક મોટો વર્ગ આ કાર્યક્રમને જ્યાં હોય ત્યાંથી પણ સતત માણ્યાં કરે છે. હેમંતભાઈનું સન્માન એ આવી જાગતી તથા શોભતી પ્રથાનું સન્માન છે. ઉચિત કલાધરોના આવા સ્નેહ સન્માન થાય તેમાં પૂજ્ય મોરારીબાપુની હૂંફ હોય છે તે કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે.

                 મધ્યયુગથી આપણાં સાહિત્યમાં તેમજ સમાજમાં ભજનવાણીનો અનોખો દબદબો રહ્યો છે. આજે પણ શ્રોતાઓનો એક મોટો સમૂહ ભજનનો અનેરો આનંદ માણતો રહે છે. ભજનની લોકપ્રિયતા આજે પણ બરકરાર રહી છે. કચ્છના તથા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભાંગતી રાતે વિશાળ શ્રોતાવર્ગને નારાયણસ્વામીના ભજનોમાં એકાકાર થતો જોવાનો લ્હાવો મળ્યો છે. ભજન એ સંતોની વાણી છે. સરળ શબ્દોમાં જીવનના ઊંડા મૂલ્યોને સમાવી લેવાની શક્તિ ભજનમાં છે. સતી લોયણની ભજનવાણીના આ શબ્દો આ વાતની શાખ પુરે છે:

જી રે લાખા ! ખૂંદી તો ખમે

માતા પૃથ્વી  વાઢી તો ખમે

વનરાઈ. કઠણ વચન મારા

સાધુડા ખમે. નીર તો સાગરમાં સમાય.

                 ઉપરના શબ્દોમાં જીવનના-પ્રકૃતિના મૂળભૂત તત્વો કેવી સહજતાથી સમજાવ્યા છે તે જોઈને વિસ્મય થાય છે. ભજનની વાણીનું જેમ મહત્વ છે તે જ રીતે તેની અભિવ્યક્તિ તથા પ્રસ્તુતિની શૈલીનું પણ આગવું મહત્વ છે. આ સંદર્ભમાં ભાઈ હેમંત ચૌહાણ એક આગવું સ્થાન ધરાવે છે. ભજનના સૂરો રેલાવતાં રેલાવતાં હેમંતભાઈને સુર-શબ્દોમાં લિન થતાં જોવા એ લ્હાવો છે. તેમાં સહજતા છે. કૃત્રિમતાની છાંટ પણ ક્યાંય જોવા ન મળે. સ્વ સાથે સંવાદ કરતા હોય તેવા અંદાજમાં ઉત્તમ પ્રકારની રચનાઓ હેમંતભાઈ પાસેથી દેશ વિદેશના અનેક ભજન ભાવિકોએ સાંભળી છે તથા આકંઠ માણી છે. ભારત સરકાર તેમનું સન્માન કરે તે તેમના વ્યક્તિગત માન ઉપરાંત સમગ્ર ભજન પરંપરા સાથે જોડાયેલા અનેક મર્મીઓનું સન્માન છે. આથી એવું સન્માન પૂર્ણતઃ ઉચિત છે. હેમંતભાઇએ કરેલી સુર તથા શબ્દોની અખંડ ઉપાસના એ ગૌરવપ્રદ છે. શાલીનતા, શુચિતા તથા નમ્રતા એ તેમના લોહીમાં વણાયેલા ગુણો છે. આવા વ્યક્તિત્વથી વાણીનો પ્રવાહ વિશેષ નીરખ્યો છે. ભાઈ હેમંત ચૌહાણ પાસેથી આ વાણીનો પ્રવાહ આપણે ઝીલતા રહીએ તેવી સ્વાભાવિક મહેચ્છા છે.

                   “સંતવાણીના સાધક આરાધક હેમંત ચૌહાણ” એ નામે એક સુંદર પુસ્તક તાજેતરમાં જ જોવા મળ્યું હતું. આ રસપ્રદ પુસ્તકનું સંપાદન કરવા માટે ભાઈ સી. ટી. ટુંડીયાના આપણે આભારી છીએ. સંત શ્રી સવૈયાનાથ સમાધિસ્થાન-ઝાંઝરકાની કૃપાથી આ પુસ્તક થયું છે. અમદાવાદ જિલ્લામાં રાજ્ય સરકારની ફરજ બજાવતો હતો ત્યારે વખતોવખત ઝાંઝરકા જવાનું થતું હતું. આથી સ્વાભાવિક રીતે જ સદગુરુ બળદેવનાથજી તેમજ સંત શ્રી શંભુનાથજીનું મીઠું સ્મરણ થયું. આ જગાનો મહિમા અપાર છે. તેની અનુભૂતિ મને વ્યક્તિગત રીતે પણ થઇ છે.

                         મોરારીબાપુએ ખુબ થોડા શબ્દોમાં પણ ખુબજ ઉચિત રીતે હેમંતભાઈને એક સોજા કલાકાર તરીકે ઓળખાવ્યા છે. રામસાગરનું મંથન કરીને આ કલાધરે અનેક ભજન રત્નોની સમાજને ભેટ આપી છે. હેમંતભાઇએ  સાંપ્રતકાળમાં ભજનની પ્રતિષ્ઠાને એક નવી ઊંચાઈ આપી છે. હેમંતભાઈની દીકરી ગીતા પણ પિતાના પગલે ખુબ સુંદર પ્રસ્તુતિ કરે છે. પિતાને ગુરુ માનીને બહેન ગીતા તેના સંગીત સ્વાધ્યાયમાં નિરંતર પ્રગતિ કરે છે. મોરના ઈંડાને ચીતરવા ન પડે તેની પ્રતિતિ ગીતાબહેનને જોઈને થાય છે. એક નથી પેઢી પણ ભજનવાણીના આ ઉજળા પ્રવાહ સાથે જોડાય તે આવકારદાયક છે. લોકસાહિત્યના ક્ષેત્રમાં પણ અનેક નૂતન પ્રતિભાઓ આપણને મળી છે તે સ્વાગતપાત્ર બાબત છે.

                ભજન સાહિત્ય એ ખરા અર્થમાં આપણી ઓળખ છે. આપણી મોંઘેરી વિરાસત છે. સૌરાષ્ટ્રના અનેક નાનામોટા તીર્થક્ષેત્રોમાં ‘ભજન કરવું’ તથા ‘ભોજન કરાવવું’ એવા બે જ સૂત્રો સાથે સંસ્કારના પ્રસાદ પીરસાયા કરે છે. સ્વરની સાથે જ શબ્દ તે આપણી ઉજળી લોકપરંપરાનો ભાગ છે. ભજનના ભરોસે જીવીને અનેક સંતો જીવનમાં સ્વસ્થતા તથા નિર્ભયતા મેળવી શકાય છે. જો કે થોડા ઘણાં વ્યવસાયીકરણને કારણે કેટલીક બિનજરૂરી ભેળસેળ ભજનોની પ્રસ્તુતિમાં કોઈ કોઈ જગાએ જોવા મળે છે. પરંતુ હેમંતભાઈ જેવા સમર્થ ભજનના કલાકારથી આપણી ભજન તરફની શ્રદ્ધા તથા આસ્થા બળવત્તર બને છે. ભજનના મૂળ સ્વરૂપ તેમજ સત્વને જાળવી રાખવાનો હેમંતભાઈનો નિરંતર પ્રયાસ છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના કોઈ ગામની વાત કે ઓળખમાં ભજનના ઉપક્રમનો હંમેશા ઉલ્લેખ કર્યો છે. સંસ્કાર સાથે શુદ્ધ મનોરંજન થાય તેવો આ ઉપક્રમ છે. સમાજને જોડનારી આ પરંપરા છે. રવિભાણ સંપ્રદાયના ઠરેલ સંતોએ આ પરંપરાને એક નવી ઊંચાઈ તથા ઓળખ આપેલા છે. કબીર સાહેબ તુકારામ કે મીરાં જેવા ઉપાસકોએ ભજન-અભંગ કે ગીતો જેવા માધ્યમથી પ્રજાના એક મોટા સમૂહમાં સંસ્કારની જ્યોત પ્રગટાવી છે તથા તેને જાગતી રાખી છે. ભજન એ ખરા અર્થમાં લોક સંપત્તિ છે. ભજનમાં કોઈ કૃત્રિમ રીતે ઉભા કરાયેલા ભેદભાવોનું સહેજ પણ સમર્થન નથી. ભજનનું વાચક(નિમંત્રણ) એ સૌને માટે હોય છે. અહીં કોઈ નાના કે મોટાનો ભેદ નથી. નાતી કે જાતિના બંધનો કદી પણ ભજન પરંપરાને દુષિત કરી શક્યા નથી.  ‘ભજનના વાગે ભડાકા ભારી’ એ શબ્દોને પુનઃ યાદ કરી આપણી આ નિર્ભેળ ભજનધારાનું સન્માન દિલના ઊંડાણમાં ધરીએ તથા હેમંતભાઈના અંતરના ઉમળકાથી વધામણાં કરીએ. આવનારા અનેક વર્ષો સુધી હેમંતભાઈની સરળ ભજનવાણી આપણાં સુધી અખંડ વહેતી રહે તેવી પ્રાર્થના કરવાના મનમાં ભાવ થયા કરે છે. 

વસંત ગઢવી

તા. ૨૨ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑