“મારે તને આવી નોકરી કરવા દેવી નથી. નોકરી બદલીપાત્ર છે. ત્રાસદાયક છે. અહીં આપણી ત્રણ દુકાનો ધમધોકાર ચાલે છે. સારી આવક છે. તારો ભાઈ નોકરીમાં લાગ્યો તો છ મહિને એકવાર ઘરે આવે છે.” પિતા પોતાના પુત્રને ગુસ્સાથી આ મતલબની વાત કરે છે. દીકરો નોકરી કરવાના નિર્ણયમાં ફેરફાર કરવા રાજી નથી. પિતાની એ વિમાસણ છે કે સારી એવી દુકાનોની આવક છોડીને દીકરાઓ શા માટે નોકરીની ગુલામી સ્વીકારવા આટલા ઉત્સુક છે?
ઉપરનો સંવાદ કુણાલ ગઢવીએ લખેલી વાર્તાનો છે. ભાઈ કુણાલ પોતે પણ નોકરી કરે છે. રાજ્ય સરકારના સચિવાલયમાં તેઓ સેક્શન ઓફિસર છે. મહત્વનું સ્થાન છે. કુણાલ લખે છે કે “વાર્તા લખવાનો મારો હેતુ ખાલી થઇ જવાનો છે. અંદર કશુંક ભરાયું છે તે વિમુક્ત કરવું છે. વહેંચવું છે.” પુસ્તકનું સુંદર શીર્ષક છે. “કિંકર્તવ્યમૂઢ”: અસ્તિત્વથી મુક્તિ સુધી.” (પ્રકાશન: નવભારત સાહિત્ય મંદિર) કુણાલ નિયમિત રીતે ફેસબુકમાં લખાણ કરે છે. લખાણની અસરકારકતાથી તે ઘણાં લોકપ્રિય થયા છે. બહોળો સમુદાય તેને ફોલો કરે છે. કુણાલની આ કથા વાંચતા તેમાં ભાગ્યે જ કોઈ જગાએ રસક્ષતિ થાય તેવું છે. ગદ્યનો આવો સહેજ ‘હટકે’ ઉપયોગ આવકારદાયક છે. નોકરી મેળવવાની તીવ્ર આકાંક્ષા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અસંખ્ય વિદ્યાર્થીઓ છે. દરેકનું ફેમિલી બેક-ગ્રાઉન્ડ અલગ છે. દરેકની ક્ષમતા પણ સ્વાભાવિક રીતે જ ભિન્ન છે. છતાં પણ ગમે તે ઉપાયે નોકરી મેળવવાનો એક સામાન્ય તંતુ આ બધા છુટાછવાયા કિસ્સાઓને સુપેરે જોડે છે. “ગમે તે ઉપાયે” એ શબ્દો અહીં મહત્વના છે. તે લાગણીમાંથી જ અનેક પ્રકારના પરીક્ષાને લગતા દુષણો પ્રકાશમાં આવ્યા છે. આવતા રહે છે. નક્કી થયેલી પરીક્ષા રદ થવાના પ્રસંગો અવારનવાર મીડિયામાં ચમકતા રહે છે. લોટરી લાગે તેમ થોડા નસીબદાર લોકોની પસંદગી થાય છે. છતાં અસંખ્ય ઉમેદવારો આ લોટરી માટે કતારમાં છે. પહેલા મા-બાપને બાળકોના શિક્ષણનો બોજ ફક્ત તે સ્નાતક કે અનુસ્નાતક થાય ત્યાં સુધીનો જ હતો. હવે ડિગ્રી મળ્યા પછી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ખાસ ક્લાસીસ માટે મા-બાપને ખર્ચ કરવો પડે છે. પરીક્ષાઓના આયોજન તથા પરિણામની રાહ જોતાં ઘણીવાર વિદ્યાર્થીઓ-વાલીઓ થાકી જાય છે. આ કથામાં જ એક પાત્ર કહે છે: “પણ જીપીએસસીની પરીક્ષા તો પાંચ વર્ષે પુરી થાય છે ને?” જો કે આ જીપીએસસી(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષાઓના સમગ્ર આયોજનમાં હવે ધરમૂળથી સુધારો થયો છે. આ બાબત પરીક્ષાર્થીઓ માટે મોટી રાહત ગણી શકાય.
ભાઈ મહેન્દ્રસિંહ પરમારે આ પુસ્તકની સુંદર પ્રસ્તાવના લખી છે. આ કથાનું આંતર-પ્રાંતીયતાનું સ્વરૂપ છે તે તરફ તેમણે ધ્યાન દોર્યું છે. આથી કથા વિશેષ રોચક બની છે. આવા સાંપ્રત વિષયને લઈને ઓછી કથાઓ લખાય છે.
આ કથાના વિચારમાંથી એક વિશાળ તથા મહદઅંશે ડરામણી સમસ્યા તરફ ધ્યાન જાય છે. માત્ર આપણાં દેશમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક ભાગોમાં રોજગારીની તંગી ઉભી થતી જાય છે. દિવસે દિવસે આ સમસ્યા વધતી જાય છે. શાળા-મહાશાળાના રક્ષણાત્મક આવરણમાંથી નીકળી યુવાન કે યુવતી સીધા જ વાસ્તવિક જગતના તોફાની સાગરમાં પ્રવેશ કરે છે. મોટા ભાગના યુવકોને આ સ્થિતિ અકળાવનારી લાગે છે. માતા-પિતાની અપેક્ષાઓને કારણે પણ એક બોઝ યુવકના મનમાં ઉભો થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં PEER PRESURE પણ જાણતાં કે અજાણતા ઉભું થાય છે. કથાના અનેક પ્રસંગોમાંથી જોયું તેમ મોટાભાગના યુવકોને વિશ્વાસપાત્ર રોજગારીની શોધ હોય છે. એક સમયે એમ કહેવાતું કે ‘ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી’ ગણાય. આ માન્યતા પાયામાંથી જ હલબલી ગઈ છે. મારા ગામના જ કેટલાક વર્ષોથી પરિચિત એવા ખેડૂતો સાથે વાત કરવાના પ્રસંગો બને છે. દરેક વખતે તેમાના મોટા ભાગના ખેડૂતો કહે છે કે તેમના યુવાન છોકરાઓ ખેતીના વ્યવસાયમાં જોડાવા માટે રાજી નથી. યુવાનોને આ પસંદગીનો અધિકાર છે તેમ માનીએ તો પણ તેમની પાસે વધારે સારો વિકલ્પ છે ખરો? વર્ષો પહેલા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી સુરત હીરા ઘસવા માટે જતાં યુવાનોને જોયા હતા. તેમાના કેટલાક સુરતમાં જે રીતે રહેતા હતા તે જોઈને ઘણીવાર ખેદ થતો હતો. જો કે આ ઇન્ડસ્ટ્રીના કેટલાક વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતા માલિકોએ પોતાના કામદારોની સુવિધાઓ માટે ઘણાં પ્રયાસો કર્યા છે. પરંતુ ભાંગતું જતુ ગ્રામ્ય જીવન અને ઉભરાતા શહેરો એ આપણાં માટે પડકારનો પ્રશ્ન રહેલો છે. મોટી સંખ્યામાં સ્થળાંતર થતાં કામદારોની સ્થિતિનો થોડો ઘણો વાસ્તવિક ચિતાર કોરોના કાળમાં નજર સામે આવ્યો. દરેકની શક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવાની નથી. દરેક વ્યક્તિ પોતાનો રોજગાર જાતે ઉભો કરી શકે તેવી પણ નથી. ‘સ્ટાર્ટ અપ્સ’ની સંખ્યા પ્રમાણમાં ઓછી અને ‘સફળ સ્ટાર્ટ-અપ્સ’ તેમાં પણ આંગળીને વેઢે ગણી શકાય તેવા મર્યાદિત છે. આ અકળાવનારી સમસ્યા તરફ પણ કુણાલની આ કથા વાંચતા ધ્યાન જાય છે. સમાજનો મોટો સમૂહ જો બેરોજગાર હોય તો તેવા સમાજની સ્વસ્થતા જાળવવી મુશ્કેલ છે. છાશવારે ઉભી થતી સામાજિક સમસ્યાઓ કે નાના મોટા સંઘર્ષોનાં પાયામાં આ જટિલ સમસ્યાનું દર્શન કરી શકાય છે. તેની અસર દેખીતી રીતે જ સામાજિક તણાવમાં પરિણમતી જોવા મળે છે. સરકાર થોડા હજાર લોકોને રોજગારી આપે તે સારી વાત છે. પરંતુ તેમાં સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી. યુવાનોને મૂંઝવતા આવા જટિલ પ્રશ્નને કથાના વિવિધ તાણાવાણામાં ગૂંથી લેતી ‘કિંકર્તવ્યમૂઢ’ની કથાનું સ્વાગત છે. આપણી વિચાર કરવાની પ્રક્રિયા માટે આવી કથા catalyst નું કામ કરી શકે છે.
વસંત ગઢવી
તા. ૧૮ એપ્રિલ ૨૦૨૩
Leave a comment