:હેમંતચૌહાણનાવધામણાં:

 મધ્યયુગથી આપણાં સાહિત્યમાં તેમજ સમાજમાં ભજનવાણીનો અનોખો દબદબો રહ્યો છે. આજે પણ શ્રોતાઓનો એક મોટો સમૂહ ભજનનો અનેરો આનંદ માણતો રહે છે. ભજનની લોકપ્રિયતા આજે પણ બરકરાર રહી છે. કચ્છના તથા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભાંગતી રાતે વિશાળ શ્રોતાવર્ગને નારાયણસ્વામીના ભજનોમાં એકાકાર થતો જોવાનો લ્હાવો મળ્યો છે. ભજન એ સંતોની વાણી છે. સરળ શબ્દોમાં જીવનના ઊંડા મૂલ્યોને સમાવી લેવાની શક્તિ ભજનમાં છે. સતી લોયણની ભજનવાણીના આ શબ્દો આ હકીકતની શાખ પુરે છે:

જી રે લાખા ! ખૂંદી તો ખમે

માતા પૃથ્વી  વાઢી તો ખમે

વનરાઈ. કઠણ વચન મારા

સાધુડા ખમે. નીર તો સાગરમાં સમાય.

                 ઉપરના શબ્દોમાં જીવનના-પ્રકૃતિના મૂળભૂત તત્વો કેવી સહજતાથી સમજાવ્યા છે તે જોઈને વિસ્મય થાય છે. ભજનની વાણીનું જેમ મહત્વ છે તે જ રીતે તેની અભિવ્યક્તિ તથા પ્રસ્તુતિની શૈલીનું પણ આગવું મહત્વ છે. આ સંદર્ભમાં ભાઈ હેમંત ચૌહાણ એક આગવું સ્થાન ધરાવે છે. ભજનના સૂરો રેલાવતાં રેલાવતાં હેમંતભાઈને સુર-શબ્દોમાં લિન થતાં જોવા એ લ્હાવો છે. તેમાં સહજતા છે. કૃત્રિમતાની છાંટ પણ ક્યાંય જોવા ન મળે. સ્વ સાથે સંવાદ કરતા હોય તેવા અંદાજમાં ઉત્તમ પ્રકારની રચનાઓ હેમંતભાઈ પાસેથી દેશ વિદેશના અનેક ભજન ભાવિકોએ સાંભળી છે તથા આકંઠ માણી છે. ભારત સરકાર તેમનું સન્માન કરે તે તેમના વ્યક્તિગત માન ઉપરાંત સમગ્ર ભજન પરંપરાનું સન્માન છે. આથી એવું સન્માન પૂર્ણતઃ ઉચિત છે. હેમંતભાઇએ કરેલી સુર તથા શબ્દોની અખંડ ઉપાસના એ ગૌરવપ્રદ છે. શાલીનતા, સુચિતા તથા નમ્રતા એ તેમના લોહીમાં વણાયેલા ગુણો છે. આવા વ્યક્તિત્વથી વાણીનો પ્રવાહ વિશેષ નીરખ્યો છે. ભાઈ હેમંત ચૌહાણ પાસેથી આ વાણીનો પ્રવાહ આપણે ઝીલતા રહીએ તેવી સ્વાભાવિક મહેચ્છા છે. હેમંતભાઈની આ ઉપાસના સુદીર્ઘ કાળ સુધી ચાલતી રહે તેવી પ્રભુ પ્રાર્થના છે.

વસંત ગઢવી

તા. ૧૫ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑