ક્ષણના ચણીબોર:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:

શીદને કરું હું એકાદશી,

શીદ ત્રિજે ટંક ખાઉં?

નાથ મારાંના નેણલાં નીરખી,

પ્રિતનું ભોજન પાઉં.

દાસી જીવણ સંત ભીમના ચરણે

હું તો હેતે હરિ ગુણ ગાઉં.

                       મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી છે. વિધિ વિધાનોના આટાપાટાને કારણે સમાજનો એક મોટો વર્ગ હંમેશા દબાણમાં રહે છે. તેનો લાભ તથા મોટેભાગે ગેરલાભ લેનારો પણ એક વર્ગ ઉભો થતો જાય છે. ક્યારેક સામાન્ય લોકોને ભય બતાવીને પણ કોઈક વ્યવહારો કરવાનું જણાવવામાં આવે છે. આપણાં દાસી જીવણ, નરસિંહ તથા તુકારામ જેવા સંતો-ભક્તોએ લોકોને સાચી તથા નિર્ભેળ ભક્તિ તરફ વાળવા પ્રયાસ કર્યો છે.             

      આજના સંદર્ભમાં જોઈએ તો આ વિધિ વિધાનો કે રૂઢિઓ શિક્ષણનો પ્રસાર થતાં ઘટવા જોઈએ તેમ માની શકાય. પરંતુ ખરેખર તેમ થયું નથી. બલ્કે કેટલીકવાર એમ લાગે છે કે તેમાં વધારો થયો છે. શાસ્ત્રોએ કે સંતોએ કદી આવા બાહ્ય વિધિ વિધાનોનું સમર્થન કર્યું નથી. આમ છતાં કેટલાક કહેવાતા ગુરુઓ આજે પણ ભાવથી આવતા ભક્તોને એક અથવા બીજા પ્રકારના વિધિ વિધાનોનું પાલન કરવા છડે ચોક સૂચવે છે. કેટલીક ટેલિવિઝન ચેનલો પરથી પણ આવા ગુરુ મહારાજોના સંભાષણો થતાં રહે છે. સાચા છે કે ભ્રમિત કરવાવાળા છે તેનો ખ્યાલ આવવો મુશ્કેલ બનતો જાય છે. જેમણે તકલીફોનું નિરાકરણ સૂચવવા પોતે કંઈક પ્રાપ્ત કરીને ઉપાય સૂચવ્યો છે તે મહાનુભાવ પોતે તકલીફોથી મુક્ત છે ખરાં તે જાણવા-સમજવા જેવું છે. 

           વિધિ વિધાનોના કે નબળી પ્રણાલીઓના આડંબરથી આપણું સંતસાહિત્ય દૂર રહ્યું છે. આ બાબત સમજાવવા જે બોલી કે શબ્દોનો ઉપયોગ થયો છે તે સરળ છે તથા સુપાચ્ય છે. આ બાબતોનું કારણ સ્પષ્ટ છે. આ સંતોએ કોઈ પદ-પ્રતિષ્ઠા માટે ગાયું નથી માત્ર હૈયાના ઉમંગ કે આગવું દર્શન પોતાના શબ્દો થકી વહેતુ કર્યું છે. તેમનું લક્ષ સામાન્ય જન સુધી પહોંચવાનું રહ્યું છે. 

                    ભક્તકવિઓની આ સુશોભિત માળામાં અનેક વિસ્તારના તથા ભાષાના કવિઓ-સંતો જોડાયેલાં છે. તેમની કહેવાની શૈલી કે ભાષા અલગ હોય તો પણ સંદેશો તો એક જ હોય છે. ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તી’ જેવી આ વાત છે. 

            આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તરફ દ્રષ્ટિપાત કરીએ તો સંતોની એક સમર્થ જમાતના દર્શન થાય છે. મહારાષ્ટ્રના મહત્વના તથા વિશેષ જાણીતા સંત-કવિઓના નામ યાદ કરીએ તો સત્વરે કેટલાક નામો સ્મૃતિમાં આવે છે. આ સંતોમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ, એકનાથ તથા સમર્થ સ્વામી રામદાસના નામો વિશેષ જાણીતા થયા છે. આ બધા ઉત્તમ સંતોમાં ભક્ત કવિ તુકારામનું એક વિશેષ સ્થાન છે. તુકારામ તેમના અભંગો માટે જાણીતા છે. ભક્તિ સંપ્રદાયમાં જે ભક્ત કવિઓ થયાં તેમા તુકારામ એક ભવ્ય શિખર સમાન ભાસે છે. સામાન્ય કુટુંબમાં જન્મેલા તથા શિક્ષણના કોઈ પાયા સિવાય આ સંત કવિએ અસામાન્ય લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમના જન્મ કે મૃત્યુ બાબતમાં વિદ્વાનો એકમત નથી. પરંતુ તેમનું મૃત્યુ ફાગણ માસની વેદ બીજ હતી(૧૬૫૦) તેવું મંતવ્ય વિશેષ સ્વીકૃત બન્યું છે. પુના પાસેના દેહુ ગામે ગરીબ કુટુંબમાં જન્મેલા આ કવિ આપણી સંતસાહિત્ય માળાના અમીર સર્જક છે. તેમની ગામના આસપાસના વિસ્તારોમાં તથા છેક પુના સુધી તેઓ પોતાના કીર્તનોથી જાણીતા થયાં. જેમ જેમ તેમના પ્રશંસકો વધવા લાગ્યા તેમ તેમ તેમના ટીકાકારોની સંખ્યા પણ વધતી હતી. અમુક કુળમાં જન્મેલો માણસ જ કીર્તન કરી શકે. તુકોબા તો એ કુળના ન હતા. આથી આવો અધિકાર તેમને કેવી રીતે મળે ! જન્મ આધારિત ગણતરીથી પણ માનવીનું મૂલ્યાંકન કરવાની આ પ્રથાએ જગતને પારાવાર નુકશાન કર્યું છે. આવી મનોવૃતિ ઓછી થઇ હશે પરંતુ નિર્મૂળ થઇ હોય તેવો દાવો આજે પણ કરી શકાય તેમ નથી. માનવીના મનમાં પડેલો આ મેલ એ આપણો આભિશાપ છે. 

                 તુકારામ કે નરસિંહ જેવા સંત કવિઓ આવા ખાડા ખાબોચિયામાં રહેતા દેકડાઓના ઉપદ્રવથી કદી પાછા પગલાં ભરતાં નથી. લગભગ છેલ્લા ચારસોથી પણ વધારે વર્ષોથી મહારાષ્ટ્રની ગરીબ તથા નિરક્ષર હોય તેવા વિશાળ લોક સમૂહ પર તુંકારામનું પ્રભુત્વ રહ્યું છે. ડો. આર. ડી. રાનડે ‘Path way to god  in marathi literature’ (ભારતીય વિદ્યા ભવનનું પ્રકાશન)માં લખે છે.

          “નામદેવ સિવાય માનવીય સંવેદનાની અભિવ્યક્તિમાં તુકારામની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે. જ્ઞાનદેવ એ તેજસ્વી પ્રકાશ જેવા છે. આપણી આંખને આંજી નાખે તેવા છે. પરંતુ તુકારામનું તેજ મંદ તથા સ્થિર છે. આપણી દ્રષ્ટિને ઠંડક આપે છે.” તુલસીદાસ કે સંત શિરોમણી કબીર જેવી સાર્વજનિકતા તુકારામના અમૂલ્ય સાહિત્યની છે. વિનોબાજીએ અનેક જગાએ તુકારામ તથા તેમના પદોને યાદ કર્યા છે. વિનોબાજી કહેતા કે તુલસી અને તુકારામ એ ઘરઘરમાં પહોંચેલા સંત કવિઓ છે. તુકારામનો વિવેક અસામાન્ય છે. પોતાને વિદ્વાનોની વચ્ચે તેઓ અભણ તરીકે ઓળખાવે છે. તુકારામ સરળ છે પરંતુ ગહન છે. તેમની કવિતાઓ પારદર્શક રહી છે. ‘મરણ માઝે મરણ ગેલે’ કાવ્યમાં લખે છે.

મૃત્યુ મારુ મરી ગયું

મને બનાવ્યો અમર.

દેહચેતના ઓસરી,

પૂર ઉમટ્યાં અને

ઓસર્યા. જિંદગી શાંત

રહી. તુકા કરજ ચુકવાયું

એ જ ખરો ઓચ્છવ.

વસંત ગઢવી

તા. ૧૨ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑