ક્ષણના ચણીબોર:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:

મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ “પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ” જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી ગુજરાતના ગામડાઓમાં સૂકો રોટલો ખાઈને પગપાળા ફરી પ્રજાની સેવા કરે છે. હક્કથી મળેલી અઢળક મિલ્કતને પણ સ્વરાજ્ય ધર્મ માટે ખોવા તૈયાર થયેલા આ દરબાર સાહેબ ક્ષાત્રત્વના ખરા પ્રતિનિધિ છે. સરદાર સાહેબે કહ્યું કે ગોપાળદાસ દરબારનો ત્યાગ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે, દેશની મુક્તિ માટેની કેવી ઝંખના આ લોકોમાં હશે તેની કલ્પના જ કરવી રહી. માતૃભૂમિની મુક્તિ એ જ આ મરજીવાઓની પહેલી તથા છેલ્લી અભિલાષા હતી. 

                             ગોપાળદાસ સૌરાષ્ટ્રના ઢસાના જાણીતા રાજવી હતા. રાજવી અને રાજ્યની પ્રજા વચ્ચે પિતા-પુત્ર જેવો મીઠો સંબંધ હતો. મહાત્મા ગાંધીએ દરબાર સાહેબના ત્યાગની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. દરબાર સાહેબનો દાખલો અન્ય રાજવીઓએ લેવો જોઈએ તેવી વાત પણ ગાંધીજીએ નવજીવનમાં લખી. આ રાજવીની ઓળખ આપણાં સાંપ્રત સમાજને હોવી જોઈએ. અંગ્રેજીમાં તેમના પર પુસ્તક લખાયું છે. તેનો અનુવાદ નવજીવને પ્રકાશિત કર્યો છે. (એક અનોખો રાજવી). દરબાર સાહેબ પરના ઈંગ્લીશ પુસ્તકની પ્રસ્તાવના રાજમોહન ગાંધીએ લખી છે. રાજમોહન ગાંધીએ તેમાં એક વસવસો વ્યક્ત કર્યો છે. રાજમોહન ગાંધી કહે છે કે આવા રાજવી વિશે તેઓ ખાસ કશું જાણતા ન હતા. ખરેખર રાજમોહન ગાંધીનો આ વસવસો જેઓ દરબાર સાહેબ વિશે ખાસ કશું જાણતા ન હોય તેમને પણ થાય તેવું છે. આપણે આપણાં જ બહુમૂલ્ય રત્નોને ઓળખીએ નહિ તો એ નુકશાની આપણી જ છે. આપણી ભાવિ પેઢીઓની છે. ઝવેરચંદ મેઘાણીએ પણ દરબાર સાહેબની કથા લખી છે. દરબાર સાહેબને જયારે સંપત્તિ તથા સ્વમાન વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે તેમણે સ્વમાનને વહાલું ગણ્યું. સૌરાષ્ટ્રનું પોતાનું રાજ્ય નેક તથા ટેકને કારણે ગુમાવ્યું. ગુમાવ્યાનો કોઈ વસવસો નહિ. જીવ્યા ત્યાં સુધી ભરપૂર જીવ્યા અને અનેક સંસ્થાઓના ઘડતરમાં પોતાનું યોગદાન આપ્યું. આમ તો ગોપાળદાસ દેસાઈ(દરબાર) મધ્યગુજરાતના વસો ગામના હતા પરંતુ તેમનું જીવન મોટા ભાગે સૌરાષ્ટ્રમાં ગયું. પોતાના રાજ્યમાં સંપૂર્ણપણે માનવતાવાદી વલણ એ તેમની મહત્તા હતી. ગુજરાત સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલાં ઢેબરભાઈ, બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા તેમજ બાબુભાઇ જશભાઈ પટેલ દરબાર સાહેબ પાસેથી ઘણું પામ્યા હોવાનું કહેતા હતા. રજવાડાઓના દેશ સાથેના જોડાણમાં સ્વેચ્છાએ રાજ્ય ત્યાગ કરનારાઓની હરોળમાં ભાવનગરના પુણ્યશ્લોક રાજવી કૃષ્ણકુમારસિંહજી તથા દરબાર ગોપાળદાસ અગ્રસ્થાને હતા.

                  દરબાર ગોપાળદાસ સ્વાતંત્ર્ય પછીના ગુજરાત-સૌરાષ્ટ્રના નેતાઓમાં વિશેષ સ્થાને હતા. જો કે કોઈ પદ કે પ્રતિષ્ઠાની સહેજ પણ આકાંક્ષા દરબાર સાહેબમાં ન હતી તે વાત સર્વ સ્વીકૃત છે. દરબાર સાહેબ તેમના જમાનાથી વિચારો અને વર્તનમાં ઘણાં આગળ હતા. સમાજના છેવાડાના કે લઘુમતી વર્ગના પ્રશ્નો માટે તેઓ વિશેષ સજાગ હતા. એમના પત્ની અને આપણાં મોટા ગજાના સામાજિક કાર્યકર ભક્તિબા જો પુત્રીને જન્મ આપે તો જ્ઞાતિના બંધનોની તેમજ તેની સાથે જોડાયેલી તમામ રૂઢિગત માન્યતાઓની અવગણના કરીને તેઓ દીકરીનો વિવાહ કરશે તેવો તેમનો સંકલ્પ હતો. રાજમોહન ગાંધી જેવા મોટા ગજાના લેખક-સંશોધકે દરબાર સાહેબ પર લખવાનું નક્કી કર્યું તે પણ એક સૂચક બાબત છે. જો કે લેખક પોતે જ તેની સ્પષ્ટતા કરે છે. લેખક માને છે કે દેશના સર્વાંગી વિકાસ માટે નેતાઓમાં કેટલાક ગુણો હોવા અનિવાર્ય છે. આ ગુણોમાં સાદાઈ, નિખાલસતા તેમજ દ્રઢતા જેવી બાબતોનો સમાવેશ થાય છે. દરબાર સાહેબની પ્રકૃતિમાં જ આ ગુણો વણાયેલાં હતા. દરબાર સાહેબની પ્રામાણિક જીવન પદ્ધતિ આજના સંદર્ભમાં પ્રેરણાદાયક છે. રાજવી પોતાની પ્રજાના યુવાન વર્ગ સાથે તાલ મિલાવીને દાંડિયા-રાસ રમે તે બાબત તે સમયમાં કલ્પનાતીત હતી. ૧૯૨૦માં મહાત્મા ગાંધી તિલક સ્વરાજ્ય ફંડ એકઠું કરવા વઢવાણ આવ્યા. દરબાર સાહેબે ગાંધીજીની ટહેલના પ્રત્યુત્તરમાં વજનદાર સોનાનો દાગીનો ઝોળીમાં નાખ્યો. પોતાની ઓળખ છાની રાખવા પ્રયાસ કર્યો. ગાંધીજીએ આગ્રહ કર્યો ત્યારે સભાના એક ખૂણામાં બેઠેલા દરબાર સાહેબે પોતાની ઓળખ આપી. બાપુનો દરબાર સાહેબ તરફનો સ્નેહભાવ સ્થાયી હતો. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિને મજબૂત કરવામાં તેમનો સિંહફાળો રહ્યો. રાજકોટમાં વિરાણી કન્યા વિદ્યાલય તથા ‘શારદાગ્રામ’ જેવી ઉત્તમ સંસ્થાઓ દરબાર સાહેબના પ્રયાસોથી ઉભી થઇ અને વિકાસ પામી. આ સંસ્થાઓ એ જ તેમના ખરા સ્મારકો છે. ડિસેમ્બર-૧૯૫૧ સુધી તેઓ જીવ્યા અને કાર્યરત રહ્યા. 

             દરબાર સાહેબના જીવનસાથી ભક્તિબા લીંબડી રાજ્યના દિવાનની પુત્રી હતા. તેમનો ઉછેર સાધન સંપન્ન કુટુંબમાં થાય તેવો હતો. સાધન સગવડોની કમી ન હતી. પરંતુ લગ્ન બાદ દરબાર સાહેબને અનુકૂળ થઇ સ્વરાજ્યની લડતના એક સૈનિક તેઓ બની ગયા. બોરસદની લડત તથા નાગપુર ઝંડા સત્યાગ્રહમાં પણ જોડાયા. હસતા મુખે કઠિન કહી શકાય તેવો જેલવાસ ભોગવ્યો. બ્રિટિશ સરકારે અન્યાયી રીતે દરબાર સાહેબનો વિશાળ બંગલો સીલ કરીને જપ્તીમાં લીધો. ભક્તિબા એક વીરાંગનાને છાજે તે રીતે હથિયાર સાથે એ ગેરકાયદેસર સીલ તોડવામાં અગ્રજ હતા. મણિબહેનની જેમ સાદગીભર્યા જીવનની તેમની પસંદગી હતી. માર્ચ-૧૯૯૪ સુધી તેઓ જીવ્યા અને અનેક સંસ્થાઓ માટેનો આધાર બની રહ્યા. ભક્તિબાનું જીવન પણ નારી જીવનની એક વિશેષ ચેતનાને છાજે તેવું ભવ્ય છે. 

        ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારકો ઝળહળે છે. દરબાર સાહેબ અને ભક્તિબા આ સમૂહના જ મહત્વના ભાગ છે. રાજવી હોવા છતાં તમામ સંપત્તિ તરફનો આવો અનાસક્તિભાવ એ દરબાર સાહેબની સહજ પ્રકૃતિમાં હતો. દરબાર સાહેબની સ્મૃતિ વિસરી શકાય તેવી નથી.

વસંત ગઢવી 

તા. ૧૦ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑