સંસ્કૃતિ:૧૮મીએપ્રિલ-ભૂદાનયાત્રાઅનેવિનોબાજી:

 ૧૯૫૧ની અઢારમી એપ્રિલને આપણાં ઇતિહાસની એક મહત્વની તારીખ ગણવી જોઈએ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે ૧૯૬૦ની ગુજરાત રાજ્યની સ્થાપના એ બંને મહત્વના દિવસો છે. પરંતુ એક મોટા લોક સમુદાયને ખેતી માટે જમીન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય શરુ કરવું તેમા અપાર દીર્ઘદ્રષ્ટિનું દર્શન થાય છે. રાજકીય સ્વાતંત્ર્ય મળે પરંતુ લોકોને આર્થિક સ્વાતંત્ર્યનો અનુભવ ન થાય તો આવું રાજકીય સ્વાતંત્ર્ય ચલાવવું કે ટકાવવું મુશ્કેલ બને છે. થોડા સમય પહેલા જ આપણાં પાડોશી દેશ શ્રીલંકામાં જાગૃત થયેલી લોક અશાંતિ એ મુખ્યત્વે આર્થિક કારણોસર જ શરુ થયેલો નિર્ણયાત્મક સંઘર્ષ હતો. શાસક વિદેશી હોય કે પોતાના દેશ બાંધવો હોય તો પણ લોકોને પોતાની આર્થિક સ્થિતિ એક હદથી બહાર કથળતી લાગે તો આ લોકો જે કોઈ સત્તા સ્થાને હોય તેમની સામે સંઘર્ષનું બ્યુગલ વગાડે છે. સત્તામાં બેઠેલા લોકોએ જયારે આ સંઘર્ષને સત્તાના બળથી દબાવવાની કોશિષ કરી છે ત્યારે તેમને મોટા ભાગે સફળતા મળી નથી. લોકો જયારે સંઘર્ષ શરુ કરે છે ત્યારે સત્તાનું પ્રતિનિધિત્વ કરતો વર્ગ કે સત્તા સાથે જોડાયેલા સાધનો પર લોકોનો પ્રકોપ વરસે છે. “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે”  એ વાત દ્રષ્ટા કવિ ઉમાશંકર જોશીએ કરી હતી. તે વાસ્તવમાં વિશ્વના અનેક ભાગોમાં વખતોવખત પ્રગટ થતી જોવા મળી છે. આવો સંઘર્ષ પેદા ન થાય તેનો ગાંધી વિચારને અનુરુપ કીમિયો વિનોબાજીના મનમાં આવ્યો. એક ઐતિહાસિક કાર્યની આ રીતે શરૂઆત થઇ. 

               દેશ આઝાદ થાય તે સાથે જ લોકો પણ રાજકીય સ્વાતંત્ર્ય સાથે જ આર્થિક સ્વાતંત્ર્ય પણ મેળવે તે મહાત્મા ગાંધીની દ્રષ્ટિ હતી. દેશ આઝાદ થયો પરંતુ સૌથી છેવાડાના-haves not- માટેનું કોઈ ચોક્કસ આયોજન ગાંધી વિચારોના આજીવન સક્રિય વાહક વિનોબાજીને દેખાયું નહિ. દેશના આયોજન મંડળે પહેલી પંચવર્ષીય યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો. તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની સૂચનાથી પ્લાનિંગ કમિશન તરફથી આ પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ વિનોબાજીને બતાવવામાં આવ્યો. તેમના સૂચનો આપવા વિનંતી કરવામાં આવી. વિનોબાજી પોતાના અભિપ્રાયમાં ખુબ સ્પષ્ટ હતા. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજનાનો આ ઢાંચો તેમને યોગ્ય લાગતો નથી. કારણોની સ્પષ્ટતા કરતા કહ્યું કે આ યોજનાથી દરેકને પેટ પૂરતું અનાજ તથા દરેક નાગરિકને કામ મળે તેમ બાબાને જણાયું નહિ. આજે આઝાદી મળ્યા પછી ૭૫ વર્ષે પણ રોજગારીનો પ્રશ્ન આપણી સામે વિકરાળ બનીને ઉભો છે. અનેક શિક્ષિત કે અર્ધશિક્ષિત લોકો નોકરીની રાહમાં જીવનના કિંમતી વર્ષો ગુમાવે છે. એક જગા ખાલી હોય ત્યાં દસ લોકો નોકરી મેળવવા તમામ પ્રયાસો કરે છે. નોકરી મેળવવા માટે યોજવામાં આવતી પરીક્ષાઓમાં ગરબડ થવાના દાખલા વખતોવખત સામે આવે છે. યુવાનોમાં બેરોજગારીની સ્થિતિ સામે રોષ હોવાથી એક અથવા બીજા નાના કે મોટા કારણસર આ રોષ અથવા નારાજગી સપાટી પર આવી જાય છે. સરકાર તથા સમાજના અમુક વર્ગના લોકો સંઘર્ષમાં આવે છે. સમાજ જીવનમાં આક્ષેપો તથા પ્રતિ આક્ષેપોથી કડવાશ ઉભી થાય છે. બાબા(વિનોબાજી) એ કહેલી વાત ૭૫ વર્ષ પછી પણ એટલી જ સાચી તથા સંદર્ભયુક્ત છે. આ તમામ સ્થિતિનું સર્જન થતું જ રોકવા માટે બાબાએ ૧૮મી એપિલ-૧૯૫૧ના રોજ જગતમાં અજોડ ગણાય તેવું ભૂદાન આંદોલન શરુ કર્યું. આ એક શુદ્ધ ભારતીય વિચાર હતો. તદ્દન મૌલિક પ્રયાસ હતો. જેમની પાસે ખેતીની જમીન છે તે પોતાની જમીનનો એક નાનો ભાગ પોતા ગામના જ ભૂમિ વિહોણાને આપે તેવો ઉમદા વિચાર આ મનિષીને આવ્યો. યાદગાર ભૂદાનયાત્રા શરુ થઇ. ભૂદાન માટે સતત ૧૪ વર્ષ સુધી ચાલેલી આ યાત્રામાં બાબાને ૫૦ લાખ એકર જમીન દાનમાં મળી. જમીનના એક ભાગ માટેની મમતમાંથી મહાભારતનું નિર્માણ થયું. બંગાળમાં નક્સલબારી વિસ્તારમાં નક્સલવાદ શરુ થયો. એ જ દેશમાં તથા એ જ લોકોમાં બાબાએ સદ્ભાવનાની મજબૂત તથા વ્યાપક લહેર ઉભી કરી. કાયદાની અસરથી જે કામ ન થાય તે કામ વિનોબાજીના વાવાઝોડાથી થયું. દુનિયાના કોઈ રેડી-મેઇડ મોડેલને અપનાવ્યા સિવાય બાબાએ દેશને અનુરૂપ મોડેલ તૈયાર કર્યું. માણસ માત્રના દિલમાં રહેલી સારપને બાબાએ જગાડી અને તેને વાસ્તવિક કાર્યમાં પ્રગટ કરી. પોતે શુદ્ધ વિચાર કરવો અને સામા માણસમાં તે સમજાવટ તથા સ્નેહથી પ્રગટ કરવો તે વિનોબાજીની પધ્ધતિ હતી. ગ્રામોદ્યોગ મારફત ગામમાં જ ઉત્પાદન અને ગામમાં જ વપરાશ તે બાબાનું આર્થિક વ્યવસ્થાનું મોડેલ હતું. ખેતીમાં આજે પણ રહેલી આંશિક બેરોજગારી સામેનો બાબાનો આ મૌલિક ઉપાય હતો. દરેક ગ્રામવાસીને તેના જ ગામમાં જમીન સાથે જોડવાનો આ એક ક્રાંતિકારી પ્રયાસ હતો. ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે બાબા જેવા તથા જેટલા પ્રયાસો કોઈએ કર્યા નથી. આ તમામ પ્રયાસોમાં તેમણે સહાય માટે કે સહયોગ માટે રાજયશક્તિ તરફ નજર કરી નથી. બાબાની નજર લોકશક્તિ તરફ રહી છે. લોકશક્તિને જાગૃત કરીને મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય મેળવ્યું હતું. એ જ લોકશક્તિના માધ્યમથી વિનોબાજીને સુરાજ્ય લાવવું હતું. અધ્યયન, ચિંતન તથા શ્રમના ત્રિવેણી સંગમનું બાબાએ મહત્વ સમજાવ્યું. આજે આપણે કોમ્યુનિકેશનનો આટલો વિકાસ તથા વિસ્તાર થયા છતાં અધ્યયન તથા જીવનમાંથી ભૂંસાતા જતા શારીરિક શ્રમની બાબતમાં ચિન્તા કરીએ છીએ. સ્વસ્થ સમાજ માટે અધ્યયન તથા દરેકની સ્થિતિ મુજબ શારીરિક શ્રમનો કોઈ વિકલ્પ નથી. ગાંધીજી કહેતા કે વિનોબાજી એ આશ્રમનું દુર્લભ રત્ન છે. તેમણે જેટલું આશ્રમ પાસેથી મેળવ્યું તેથી અનેકગણું તેમણે આશ્રમને આપ્યું.

               ગુજરાતમાં વિનોબાજીની ભૂદાન પ્રવૃત્તિને વેગ આપવામાં સૌના મહારાજ એવા રવિશંકર મહારાજે પોતાનું લોહી રેડીને પ્રયાસ કર્યો. જેનો પ્રતિસાદ પણ મળ્યો. વિનોબાજીનો સંદેશ થોડા પણ અર્થપૂર્ણ શબ્દોમાં કવિ દુલા ભાયા કાગે આપ્યો.

“થંભી જાઓ હો તલવારીયા !

કાં તલવારો સજાવો?

તોપ-તેગને ખાંડો ખાંડણિયે,

દાતરડાં નીપજાવો…

અલેકીઓ માંગવા આપ્યો રે

આ તો દેશ દખ્ખણનો બાવો.”

વસંત ગઢવી 

તા. ૩ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑