વાટે…ઘાટે:મહર્ષિઅરવિંદ: અનોખાયુગદ્રષ્ટા:

 શ્રી અરવિંદને કનૈયાલાલ મુનશીએ એકવાર આતુરતાથી પ્રશ્ન કર્યો.

               “રાષ્ટ્રીયતા કેવી રીતે વિકસાવી શકાય?” શ્રી અરવિંદે ઉત્તર આપ્યો. ઉત્તર આપતી વખતે તેમણે દીવાલ પર લટકાવેલા ભારતના નકશા તરફ મુનશીનું ધ્યાન દોર્યું. મહર્ષિ અરવિંદે કહ્યું: “નકશા પરથી ભારતમાતાની પ્રતિમુર્તિને શોધતા શીખો. શહેરો, પર્વતો, નદીઓ તથા જંગલોની ભેગી મળતી સામગ્રી તેના શરીરનું નિર્માણ કરે છે… સંસ્કૃતિનું ચૈતન્ય એ તેનો આત્મા છે. બાળકોની સુખાકારી તથા સ્વતંત્રતા એ તેની મુક્તિ છે. દેશમાં નિવાસ કરતા અગણિત લોકો એ ભારતમાતાની મૂર્તિના જીવંત કોષો છે. આથી તેને માતા તરીકે જુઓ તથા ભજો. ભારતમાતા એક શક્તિ છે.”

                        ભારતના સ્તુતિગાન ‘વંદે માતરમ’નું જાણે ગદ્ય સ્વરૂપે થોડા છતાં સચોટ શબ્દોમાં થયું હોય તેવું આ નિરૂપણ છે. ‘મા’ની મહત્તા તથા મહિમાનું આ હૂબહૂ દર્શન છે. શ્રી અરવિંદ તથા બંકિમચંદ્ર ચેટર્જીના ભાતીગળ વિચારસ્વરૂપનું આ સુંદર દર્શન છે. શ્રી અરવિંદનું દેશની ધરતી સાથેનું તાદાત્મ્ય કેટલું સચોટ તથા ગહન હશે તેની અહીં પ્રતિતિ થાય છે. “માતા ભૂમિ: પુત્રો અહં પૃથિવ્યા” વાળા અથર્વવેદના ઋષિગાનનો પણ અહીં પ્રતિધ્વનિ સંભળાય છે. 

              મહર્ષિ અરવિંદનું આવું સચોટ દર્શન તથા સામી બાજુ તેમના પિતા કૃષ્ણધન ઘોષનો બાળક તથા કિશોર અરવિંદના વિકાસ માટેનો એક અલગ જ પ્રયાસ એ સામસામેના બે છેડા જેવી વાત છે. પરંતુ કૃષ્ણધનના આ વલણના કારણોના મૂળમાં જઈએ તો ફરી આપણી સાંપ્રદાયિક વિચારધારા તથા તેની કેટલીક અતાર્કિક માન્યતાઓ તરફ ધ્યાન જાય છે. આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા શ્રી અરવિંદના પિતા ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાં જઈ તબીબી વિદ્યામાં ઊંચી પદવી મેળવે છે. સ્વાભાવિક રીતે જ લાંબા સમયના બ્રિટનના વસવાટને કારણે તેઓની રહેણીકરણી યુરોપિયનને છાજે તેવી પણ થઇ જાય છે. છતાં “મેરા જૂત્તા હૈ જાપાની… યે પતલુન ઈંગ્લીશતાની” જેવી સુપ્રસિદ્ધ ફિલ્મ ગીતની પંકિત જેમ “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” વાળી વાત કૃષ્ણધન ઘોષને લાગુ પડતી હતી. સૂટેડ-બૂટેડ ઘોષબાબુ બીજાનું દુઃખ જોઈને તત્કાળ દ્રવી જતા હતા. કોઈના દુઃખને હળવું કરવા બને તેટલી સહાય તરત જ કરી દેતા હતા. આવા સુકોમળ હ્ર્દયના ઉચ્ચકક્ષાની કેળવણી પામેલા પોતાના જ ભાઈને આવકારવાને બદલે આપણો તત્કાલીન સમાજ પ્રાયશ્ચિત કરવાનું જણાવે છે. કૃષ્ણધનનો ગુનો શું? વિલાયત જઈને ભણી આવ્યા એ જ મોટો ગુનો ! માત્ર બંગાળમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારની માન્યતાને સમર્થન મળતું હતું તેમ સ્પષ્ટ થાય છે. મહાત્મા ગાંધીને પણ આવું જ કારણ આપીને વિદેશ ભણવા જશે તો જ્ઞાતિની બહાર મુકવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. યુવાન મોહનદાસે તેમના કુટુંબીજનોના સમર્થનથી જ્ઞાતિના આગેવાનોની આ ધમકીની અવગણના કરી હતી તે જાણીતી વાત છે. ઘોષબાબુને કહેવામાં આવ્યું કે તમે વિલાયત ગયા છો તેના પ્રાયશ્ચિત તરીકે સર્વ પ્રથમ તો મસ્તક મૂંડાવવું પડશે. ગોમૂત્ર તેમજ છાણથી સ્નાન કરવું પડશે. ઉપરાંત એક મહત્વની વાત: આ પ્રાયશ્ચિતની વિધિ કરાવનાર પંડિતોને સારી એવી દક્ષિણા આપવાની રહેશે. આવી અવ્યવહારુ તેમજ અતાર્કિક માંગણીને કારણે ડો. કૃષ્ણધનનો રોષ સાતમા આસમાને પહોંચ્યો. પોતે કોઈ ખોટું કામ કર્યું નથી એટલે પ્રાયશ્ચિત કરવાની વાત તેમણે મક્કમતાથી ઠુકરાવી દીધી. સગાસંબંધીઓ સાથેનો વ્યવહાર પણ નહિવત કરી દીધો. આવી એક અનુચિત પ્રણાલીને કારણે તેમની ધર્મ પરત્વેની શ્રદ્ધા હટી ગઈ. આમ જુઓ તો અનેક સાંપ્રદાયિક કે સામાજિક રૂઢિઓને ધર્મગ્રંથો કે દ્રષ્ટિસંપન્ન તથા પ્રજ્ઞાવાન ધર્માચાર્યોનું કોઈ સમર્થન હોતું નથી. છતાં પણ આવી સામાજિક તથા ફિરકા પરસ્ત રૂઢિઓએ સમાજનું ઠીક ઠીક વિભાજન-વિઘટન કર્યું છે. કડવાશ પણ ફેલાવી છે. કવિ મકરંદ દવેની જાણીતી પંક્તિ યાદ આવે છે:

દોસ્તો, સફરના સાથીઓ,

એ દેશની ખાજો દયા,

જ્યાં ધર્મનો છાંટો નહિ,

ફિરકા છતાં ફાલી રહ્યા.

             ડો. કૃષ્ણધનના મનમાં પણ ધર્મ તરફની ઊંડી કડવાશ આ કહેવાતા ધાર્મિક લોકોને કારણે ઉભી થઇ. નાની દેખાતી આ બાબતનું મોટું પરિણામ આવ્યું. તેમણે પોતાના પ્રિય પુત્ર અરવિંદનો ઉછેર અંગ્રેજી ઢબે જ થાય તેવો તીવ્ર આગ્રહ રાખ્યો. માતૃભાષા બંગાળી પણ પુત્ર ભણે નહિ તેની કાળજી રાખી. આ બાબતોની ખાતરી રાખવા માટે અંગ્રેજી મહિલાને ગવર્નેસ તરીકે રોકી. થોડા સમય બાદ તેમણે અરવિંદ સહિતના ત્રણેય બાળકોને દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા માટે મોકલ્યા. મુખ્યત્વે અંગ્રેજોના બાળકો માટે જ બનાવવામાં આવેલી દાર્જિલિંગની આ સ્કૂલ ત્રણ આઈરીશ સાધ્વીઓ ચલાવતી હતી. ફક્ત પાંચ વર્ષનો નાનો બાળક અરવિંદ માતા પિતાથી ખુબ દૂર સ્કૂલના અંગ્રેજી વાતાવરણમાં ભણવા ગયો. આટલી કુમળી વયના બાળકની મનોસ્થિતિ આ સંજોગોમાં કેવી રહેતી હશે તે અલગ રીતે વિચારવાનો વિષય છે. અંગ્રેજી માધ્યમની કેળવણી તરફનો વાલીઓનો મોહ આજે પણ ઓછો થયો નથી. એક મહત્વના વિષય તરીકે અંગ્રેજીનું શિક્ષણ એ હંમેશા ઇચ્છનીય તથા આવકારદાયક છે. પરંતુ માધ્યમ તરીકે માતૃભાષાના આગ્રહમાં વજૂદ છે. સતત ચર્ચામાં રહેલો આ વિષય છે. અહીં આ કિસ્સામાં જે નાનો બાળક ભવિષ્યમાં એક સમર્થ માર્ગદર્શક બનીને સમસ્ત વિશ્વને સાચા ધર્મની દિશા બતાવનારો હતો તેનો જ સંપર્ક માતૃભાષા તેમજ ધર્મ સાથે સાથે મૂળમાંથી જ કાપવાનો આ પ્રયાસ ઇતિહાસની એક વિરલ ઘટના છે. શ્રી અરવિંદ પોતાની માતૃભાષા લંડનમાં રહીને શીખ્યા. આઈ. સી. એસ. બનવાની સામે આવેલી તક તેમણે સ્વેચ્છાએ જતી કરી. રાજકારણમાં તેઓ ૧૯૧૦ સુધી સક્રિય રહ્યા.

                  આપણું રાજ્ય સદ્ભાગી છે કે શ્રી અરવિંદ ગુજરાતની ભૂમિ પર તેર વર્ષથી વધારે સમય રહ્યા. વડોદરામાં શ્રી અરવિંદ રહ્યા ત્યારે તેમની સાદી રહેણી કરણી છતાં તેમના તેજથી સંપર્કમાં આવનાર તમામ લોકો પ્રભાવિત થતા હતા. હીરાપારખું મહારાજ સયાજીરાવની દ્રષ્ટિને કારણે જ મહર્ષિ અરવિંદની સેવાનો લાભ ગુજરાતને મળી શક્યો હતો. શ્રી અરવિંદ ૧૯૫૦માં ગયા પરંતુ માતાજીએ તેમના અધૂરા કાર્યો નિષ્ઠાથી પુરા કર્યા. 

વસંત ગઢવી

તા. ૨૮ માર્ચ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑