સંસ્કૃતિ:શતાબ્દીવંદના: વલ્લભભાઈપોલાભાઈપટેલ

 વર્ષો પહેલા ૧૯૮૫થી ૧૯૯૦ના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના સહકાર વિભાગમાં ફરજ બજાવવાની તક મળી હતી. આ સમયગાળામાં જ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એક ડાયરેક્ટર તરીકે હાજરી આપવાના પ્રસંગો બનતા રહેતા હતા. આ બેઠકો આણંદમાં થતી હતી અને જીસીએએમએફના તત્કાલીન ચેરમેન ડો. કુરિયનની હાજરીથી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકો વિશેષ જીવંત તેમજ અર્થસભર બની રહેતી હતી. મોતીભાઈ ચૌધરી જેવા અનેક સહકારી નેતાઓને મળવાની પણ તક મળતી હતી. આણંદમાં ‘અમુલ’ના ગેસ્ટહાઉસમાં રોકાઈને એકવાર ચાલતા ચાલતા એક વિરલ દ્રશ્ય જોવા મળ્યું. અમુલ જેવી માતબર સંસ્થાના સ્થાપક પોસ્ટનું એક કવર(પરબીડિયું) પેક કરતા હતા. આશ્ચર્યની વાત એ હતી કે તેઓ અમુલની સુંદર ઓફિસ ઇમારતની બહાર સીક્યુરીટી સ્ટાફના ઉપયોગ માટે રાખવામાં આવેલા ટેબલનો સહારો લઇ આ કામ કરતા હતા. તેઓ જૈફ ઉંમરના હતા. વિવેક સાથે તેમને મળ્યો અને અહીં ઓફિસના દરવાજા બહાર બેસીને આ કામ તેઓ કેમ કરે છે તે જાણવા ઇંતેજારી દાખવી. ઓફિસમાં તેઓ જઈ શક્યા હોત અને અનેક લોકો તેમને મદદ કરવા આગળ આવ્યા હોત. પરંતુ આ બાબતમાં મુરબ્બી ત્રિભુવનભાઈએ જે સ્પષ્ટતા કરી તે કદી સ્મૃતિમાંથી ઝાંખી થાય તેવી નથી. તેમણે કહ્યું કે ઓફિસમાં જવાથી ત્યાં બેસતા અનેક લોકો આદરભાવને કારણે તેમને મળી અને કામકાજમાં મદદરૂપ થવા આગળ આવે. તેમણે ઉમેર્યું કે આમ થવાથી ઓફિસની કામગીરીમાં થોડી વાર માટે પણ વિક્ષેપ ઉભો થાય. પોતાની જાત સાથે વાત કરતા હોય તેમ ધીમા સ્વરે તેમણે કહ્યું કે ખેડૂતો-દૂધ ઉત્પાદકોની સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો સમય ખરાબ થાય તે કેમ પાલવે? લગભગ સાડા ત્રણ દાયકા પહેલાની આ વાત સ્મરણમાં આવતાં જ મનમાં ઊંડી પ્રસન્નતા તથા આદરનો ભાવ થાય છે. આવા લોક આગેવાનો પણ હતા તે બાબત વિચાર કરતા ગુર્જર ભૂમિની ફળદ્રુપતાને વંદન કરવાનું મન થાય છે. આપણે એવું વિધાન કરીએ કે સાંભળીએ છીએ કે ગુજરાતમાં સહકારી તથા પંચાયતી રાજ્ય પદ્ધતિનું પારણું બંધાયું છે ત્યારે તેના પાયામાં ત્રિભુવનદાસ પટેલ જેવા કેટલાંયે લોકોની નિષ્ઠાનો લોહી-પરસેવો પડ્યા હશે ! પંચાયતી રાજ્યના પણ આપણાં સુદ્રઢ માળખામાં વલ્લભભાઈ પોલાભાઈ પટેલ, ગોરધનદાસ પટેલ(ખેડા), ઈશ્વરભાઈ ચાવડા તેમજ રીખવદાસ શાહ જેવા અનેક સમર્થ સામાજિક-રાજકીય નેતાઓએ પોતાના ઉત્તમ આચરણ તથા શ્રેષ્ઠ વહીવટ દ્વારા પંચાયતોના માળખાને અનેરા ગૌરવ તથા પ્રતિષ્ઠા અપાવ્યા છે. લોક હિતાર્થે પંચાયત એ વાતને તેમણે ભૂમિગત કરી હતી. ૨૩ માર્ચ ૨૦૨૩ એ વલ્લભભાઈ પોલાભાઈ પટેલની ૧૦૦મી જન્મજયંતિ હતી તે સુખદ બાબતની સ્મૃતિ ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નજીકના ભૂતકાળમાં જ રહેલા સાથી ભાઈ શ્રી બ્રિજેશ મેરઝાએ કરાવી તેથી ખુબ આનંદ થયો. વલ્લભભાઈ રાજકોટ જિલ્લાનાં જ નેતા ન હતા. તેમનું વિશિષ્ટ યોગદાન સમગ્ર ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વનું અને યાદ રહે તેવું છે. 

                     વલ્લભભાઈ એક ગાંધીયન લીડર તરીકે ન ગણાતા હોય તો પણ ગાંધીમાર્ગને અનુસરીને ચાલનારા આ નેતા હતા. ગાંધીજીની સાદગી તેમના જીવનમાં વણાયેલી જોવા મળે છે. રાજકોટ જેવા સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાનાં તેઓ જિલ્લા પ્રમુખ થયા. ૧૯૬૪થી ૧૯૭૪ સુધી સતત દસ વર્ષ તેમણે આ સ્થાન ખરા અર્થમાં શોભાવ્યું. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમને રેસકોર્સ રોડ પર હોદ્દાની રૂએ વિશાળ બંગલો મળી શકતો હતો. પરંતુ રાજકોટના મિલપરા વિસ્તારના નાનકડા ઘરમાં રહેતા વલ્લભભાઈએ એ બંગલામાં રહેવા જવાના બદલે સરકારી કર્મચારીને મળી શકે તેવા નાના સરકારી આવાસમાં રહેવાનું પસંદ કર્યું. આજના સંદર્ભમાં આ બાબતનો વિચાર કરીએ તો આઝાદી મળ્યા બાદ નેતૃત્વની એક આખી પેઢીએ સાધન સવલતોના મોહમાં પડ્યા સિવાય એક કાર્યક્ષમ વહીવટ આપવાનો પ્રયાસ કર્યો છે. વીઆઈપી કલ્ચરથી જાણી જોઈને દૂર રહેનારા આ મહાનુભાવો હતા. વલ્લભભાઈ આ રત્નમાળાના જ એક મૂલ્યવાન રત્ન સમાન હતા. પંચાયતોના ત્રણે સ્તરોની સ્વાયત્તતા તેમજ કાર્યક્ષમતાનો તેમણે વિકાસ કર્યો. પંચાયત રાજ્યના પાયા ઊંડા નાખવામાં વલ્લભભાઈ નિમિત્ત બન્યા હતા. જે રીતે પંચાયત એ રીતે જ સહકારી પ્રવૃત્તિને તેમણે વિકસાવી. રાજકોટ જિલ્લાની મધ્યસ્થ સહકારી બેન્ક એ વલ્લભભાઈની પાવન સ્મૃતિનું સ્થાયી સ્મારક છે. સહકારી ક્ષેત્રના વિકાસમાં વલ્લભભાઈનું વ્યક્તિગત યોગદાન અવિસ્મરણીય છે. સામાજિક ક્ષેત્રમાં પણ જ્ઞાતિના કેટલાક રૂઢિગત બંધનો તોડીને તેમણે સુયોગ્ય જીવનસાથીની પસંદગી કરી. રાજ્યના એક મંત્રી તરીકે વલ્લભભાઈ સાથે કામ કરવું તે લ્હાવો હતો. વિભાગને ખરા અર્થમાં દિશા તથા ગતિ બંને આપનારા તેઓ સક્ષમ મંત્રી હતા. ગુજરાતમાં વલ્લભભાઈ, મકરંદ દેસાઈ કે સનત મહેતા જેવા દ્રષ્ટિસંપન્ન મંત્રીઓ હતા તે એક સુખદ સ્મૃતિ છે.

              વલ્લભભાઈના વ્યક્તિત્વમાં ગાંધીજીની ચીવટ હતી. તેમના સરકારી ફાઈલ પરના લખાણો સરળ છતાં વેધક હતા. સ્પષ્ટવક્તા હોવાથી ઘણાંને તેઓ ‘પચતા’ ન હતા. તેમની અકાળે વિદાય એ એક દુઃખદ સ્મૃતિ છે. 

વસંત ગઢવી

તા. ૨૭  માર્ચ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑