વાટે…ઘાટે:ચારણીસાહિત્ય: મણિમાલા: એકભાતીગળઅધ્યયન:

     ગ્રંથસ્થ તથા કંઠસ્થ એ બંને સાહિત્યની મહત્વની ધારાઓ છે. ઝવેરચંદ મેઘાણી તેમજ રતુભાઇ રોહડિયાએ આ વિષય પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. લોકસાહિત્ય એ મુખ્યત્વે કંઠ પરંપરાની ધારાનું એક મહત્વનું ઉદાહરણ છે. પેઢી દર પેઢી આ સાહિત્યનો સંચાર થયો છે. લોકસાહિત્ય તથા ચારણી સાહિત્ય એ બંને વચ્ચે પણ મહત્વનો તફાવત છે. ચારણી સાહિત્યના ચોક્કસ લેખકો છે. તેમના સર્જનો પુસ્તકો કે હસ્તપ્રતના રૂપમાં ઉપલબ્ધ છે. ચારણી શૈલીમાં લખાયેલું સાહિત્ય ચારણો તથા કેટલાક ચારણોત્તર સાહિત્યકારો થકી સર્જાયું છે. આ સાહિત્યની હસ્તપ્રતોનો વિશાળ તથા સમૃદ્ધ ભંડાર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે છે. આપણું એ સદ્ભાગ્ય છે કે વર્ષો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડોલરરાય માંકડે તેમની સૂઝ તથા દીર્ઘદ્રષ્ટિને કારણે આ હસ્તપ્રતો એકત્રિત કરવાનો પ્રયાસ શરુ કર્યો અને તેને બળ આપ્યું. રતુભાઇ રોહડિયા જેવા સાહિત્યને સમર્પિત લોકોએ માંકડ સાહેબના આ વિઝનને ભૂમિગત કરવા લાંબી તેમજ અગવડભરી મુસાફરી કરી. હસ્તપ્રતો મેળવી અને યુનિવર્સીટીએ તેને સુરક્ષિત કરી. ગુજરાત સરકારે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરીને આ સમગ્ર બાબતને દિશાદર્શન અને સમર્થન પુરા પાડ્યા. આ તમામ પ્રયાસો ત્યારે જ સફળ થાય કે જયારે લોકસાહિત્ય કે ચારણી સાહિત્યના પુસ્તકો લોકભાગ્ય રીતે પ્રસિદ્ધ થાય અને તે અનેક લોકો સુધી સરળતાથી પહોંચે. આ દિશાનો એક સુંદર તથા હેતુપૂર્ણ પ્રયાસ ડો. અંબાદાન રોહડિયાએ તાજેતરમાં કર્યો છે. તેમનું પુસ્તક ચારણી સાહિત્ય: ‘મણિમાલા’ એ હિન્દીમાં પ્રકાશિત થયું છે. (પ્રકાશક: રાજસ્થાની ગ્રંથાગાર, જોધપુર) ચારણી સાહિત્યમાં જેમનું શ્રેષ્ઠ પ્રદાન છે તેવા દસ મહાનુભાવોના સાહિત્યનું અહીં આચમન લઇ શકાય છે. એમ કહી શકાય કે જે સમર્થ સર્જકોની અમર રચનાઓનો અહીં ઉલ્લેખ છે તે ખુબ જ સુયોગ્ય પસંદગી છે. જેમને આવા આચમનમાં રસ પડે તેવા લોકો આ સર્જકોના વિશાળ સાહિત્ય સર્જનમાં ઊંડા પણ ઉતરી શકે. ઠાકુર નારસિંહજી જસોલનું વિષય તથા ભાષા એમ બંને બાબતો પર પ્રભુત્વ છે. આથી હિન્દીમાં નિતાંત ઉત્તમ ગદ્યનું સર્જન થયું છે. કાવ્યો તેમજ તેની આસપાસ વણાયેલી ઘટનાઓના રુચિકર વર્ણનથી દરેક બાબત સમજવા તથા માણવા માટે સરળ બની છે. ડો. અંબાદાનભાઈ તેમજ રાજસ્થાની ગ્રંથાગાર જોધપુરના આ પ્રયાસનું સ્વાગત છે. 

          પુસ્તકના પ્રારંભે જ લોકપ્રિય સર્જકો આણંદ-કરમાણંદના સાહિત્યની વાત સુંદર રીતે મુકવામાં આવી છે. આણંદ-કરમાણંદના દુહાઓ ખુબ જ લોકપ્રિય થયા છે. આણંદ-કરમાણંદના જીવનકાળ સબંધે ચોક્કસ વિગતો પ્રાપ્ત થતી નથી અથવા તે બાબતમાં જુદા જુદા મત છે. પરંતુ અલગ અલગ મત તેમજ પ્રમાણો પરથી તેમનો જીવનકાળ વિ.સ. ૧૧૫૦ થી વિ.સ. ૧૨૫૦ સુધીનો માનવામાં આવે છે. આણંદ-કરમાણંદ એ સગપણમાં એક બીજાને શું થતા હતા તે બાબતમાં પણ વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત છે. તેઓ બંને સગપણમાં મામા-ભાણેજ હોવાનો અમુક સંશોધકોનો મત છે. કેટલાક તેમને ગુરુ-શિષ્ય કે કાકા-ભત્રીજા હોવાનું માને છે. આ બધા મત મતાંતરોને ધ્યાનમાં લીધા પછી તેઓ પિતા-પુત્ર હતા તે મંતવ્ય વધારે માન્ય કે પ્રસ્થાપિત થાય છે. ઇતિહાસમાં ખુબ જ જાણીતા રાજવી પાટણપતિ સિદ્ધરાજ જયસિંહના રાજ્યકવિનાં પુત્રીનું લગ્ન કરમાણંદ સાથે થયાં હોવાનો મત મજબૂત છે.

                      દોહાઓ આમ તો આપણાં સાહિત્યનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. તેની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. આથી આણંદ-કરમાણંદના દુહાઓ આજે પણ લોકજીભે જીવંત છે. લોકસાહિત્યના કાર્યક્રમોમાં દુહાઓ પ્રસ્તુત થતા રહે છે. આણંદ-કરમાણંદના દુહાઓની એક ખાસ વિશિષ્ટતા છે. આ દુહાઓ વ્યવહારુ ડહાપણના સ્તોત્ર સમાન છે.

આણંદ કહે કરમાણંદ

માણસે માણસે ફેર,

એક ગામ ઉજ્જડ કરે

ને એક વસાવે સેર

                     સામાન્ય વાતચીતમાં પણ આપણે કહેતા રહીએ છીએ કે બે વ્યક્તિઓ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. કસ્બા કે શેરીમાં કેટલાક લોકો ઉત્સાહી હોય છે. જાતે પહેલ કરીને કોઈ સાર્વજનિક હિતનું કાર્ય શરુ કરે છે અને લોકોને તેમાં જોડતા રહે છે. મોટા નગરોમાં તો  હવે શહેરની વિશાળતા અને વ્યક્તિગત વ્યસ્તતાને કારણે બે વ્યક્તિ વચ્ચેનો અવિધિસરનો સંબંધ ઓછો કે નામશેષ થયો છે. પરંતુ ગામડાઓમાં કે નાના નગરોમાં હજુ આ પ્રથા વધતા ઓછા અંશે ચાલે છે. કેટલાક લોકો આવું કામ કરીને લોકોને ઉપયોગી પણ થાય છે અને ઘણાં લોકો અન્ય માટે પ્રશ્નો પણ ઉભા કરે છે. આણંદ-કરમાણંદે આ વાત થોડા શબ્દોમાં પણ અસરકારક રીતે વ્યક્ત કરી છે. દોહા, શેર કે મુક્તકની ખૂબી એ જ છે કે થોડા શબ્દોમાં તે મોટો સંદેશ આપી જાય છે. આણંદ કરમાણંદના બીજા કેટલાક દોહાઓ પણ માણવા ગમે તેવા છે.

આણંદ કહે કરમાણંદા

જોઈને પગલું ભરવું

નહિ તો ગુંજી(મૂડી) ખોઈ ગાંઠની

મોત વિના મરવું.

આણંદ કહે  કરમાણંદા

મોટામાં જાવું થોડું

કામ કરાવે ઠુંઠ કઢાવે

કાં તો કહેશે ઓડુ.

                 આપણે ત્યાં પાલરવભા પાલીયાના દુહાઓ પણ આવા માર્મીક છે. એક સુંદર તથા અર્થપૂર્ણ દુહો છે:

માગ્યા જેવું માગીએ

તો નાથ ન પાડે ના

હલકી વાતની હા,

હરિના પાડે પાલરવ.

                 ડો. અંબાદાન રોહડિયા તરફથી લોકસાહિત્ય-ચારણી સાહિત્યના ૫૦થી વધારે પુસ્તકો મળ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૨૫થી વધારે વિદ્યાર્થીઓએ થીસીસ તૈયાર કરીને ડોક્ટરેટ મેળવ્યું છે. ડો. રોહડિયાએ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રમાં પાયાના પથ્થર તરીકે મહત્વનું યોગદાન આપેલું છે. ચારણી સાહિત્યની મણિમાલાના દરેક સર્જકનું સાહિત્યનિર્માણમાં એક મહત્વનું સ્થાન છે. આવા સર્જકો થકી જ આપણું આ પ્રાચીન સાહિત્ય રળિયાત થયું છે. આ સાહિત્યના મહત્વના તત્વો આજના સંદર્ભમાં પણ સંદર્ભયુક્ત લાગે તેવા છે. એક નીવડેલા તથા અભ્યાસુ અધ્યાપકને છાજે તેવા આ પ્રયાસને બિરદાવવા જેવો છે.

વસંત ગઢવી

તા. ૧૪ માર્ચ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑