સંસ્કૃતિ:”શિવસમીપે…કૈલાશમાનસરોવરયાત્રા:”

સફર દૂર કા તય કરલીયા

હમને, તલાશ અબ

મંઝિલ કી નહિ, ખુદ કી હે.

         જીવનમાં ઉપર જણાવેલી સીધી તથા સરળ વાત સમજવામાં પણ ઘણો લાંબો સમય જાય છે. સ્વની શોધ અને પછી સ્વની ઓળખ એ આજના સંદર્ભમાં કે કોઈપણ કાળે એક મહત્વની બાબત છે. સચિવાલયના એક નિવૃત્ત છતાં સતત પ્રવૃત્ત રહેતા અમારા સાથી અધિકારીના પુસ્તકના વિમોચન વખતે સ્વની ઓળખ બાબત વિચાર કરવાનો અવસર મળ્યો. અલબત્ત, મુખ્ય બાબતો સ્વાભાવિક રીતે જ પુસ્તકની વિગતોની આસપાસ ગુંથાયેલી રહી.           

                    જે પુસ્તકના વિમોચનની વાત થઇ રહી છે તે કૈલાશ માનસરોવરની યાત્રાને સંબંધિત છે. પુસ્તકના લેખક અશ્વિનભાઈ દવે છે. સચિવાલયમાંથી નિવૃતિ પામેલા એક વરિષ્ઠ અધિકારી એ નિવૃતીમાં પણ સતત પ્રવૃતિશીલ રહીને સમાજને યથાશક્તિ ઉપયોગી થવાનો પ્રયાસ કરે છે. આપણી પ્રમાણમાં મજબૂત ગણાતી કુટુંબ વ્યવસ્થા વ્યક્તિને આ પ્રકારે સામાજિક કાર્યો કરવામાં પૂરક તથા સમર્થક બની રહે છે તે બાબત અહીં ધ્યાનમાં આવે છે. પ્રમાણમાં કપરી ગણાતી આ યાત્રા સંબંધી મહત્વની તથા ઉપયોગી માહિતી મુકવાનો અહીં લેખકનો પ્રયાસ છે. યાત્રા સંબંધી પુસ્તકો ગુજરાતીમાં લખાતા રહે છે. જો કે તેની સંખ્યા મર્યાદિત છે. ઇંગ્લીશમાં યાત્રાને સંબંધિત અનેક પુસ્તકો જોવા મળે છે. આવા પુસ્તકનો હેતુ સામાન્ય રીતે ગમતાનો ગુલાલ કરવાનો હોય છે. પોતાને જે અનુભવો થયા તેનો અણસાર અન્ય લોકોને પણ આવે તેવો પ્રશંસનીય હેતુ અહીં જોવા મળે છે. આ હેતુ ઉપરાંત સમાન પ્રકારની યાત્રા માટે તૈયારી કરતા અનેક લોકોને યાત્રાની તૈયારી કરવા અંગેનું વાસ્તવિક માર્ગદર્શન પણ મળી રહે તેવો ઉદ્દેશ પણ પુસ્તક લખવા પાછળ રહેલો હોય છે. અહીં પણ આ પુસ્તકના લેખકનો હેતુ ભવિષ્યમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરનારને વાસ્તવિક તથા ઠોસ માર્ગદર્શન પૂરું પાડવાનો છે. 

                યાત્રાના અનુભવો કે સંસ્મરણોમાં ઘણું કરીને બે ત્રણ મહત્વની બાબતોનો સમાવેશ થવો જરૂરી છે. અહીં આ પુસ્તકમાં પણ તેનો સમાવેશ થતો જોવા મળે છે. પ્રથમ તો પ્રવાસમાં થયેલો આનંદ તથા જોયેલી અને માણેલી વિગતોનો વિગતવાર ઉલ્લેખ હોય તો ભવિષ્યમાં તેના આધારે અન્ય લોકો પણ યાત્રાનું આયોજન ગોઠવી શકે. આવી વિગતોથી અનેક લોકોને યાત્રાએ જવાની પ્રેરણા મળે છે. પ્રવાસ માટેનો ઉત્સાહ પ્રગટે છે. 

             દેશમાં જે યાત્રાઓ વિશેષ જાણીતી તથા લોકપ્રિય છે તેમાં કૈલાશ માનસરોવરની યાત્રાનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તક(શિવ સમીપે…કૈલાશ માનસરોવરની યાત્રા)નું આલેખન કોઈ વ્યવસાયી લેખકને બદલે ભાઈ અશ્વિન દવે તરફથી કરવામાં આવ્યું છે તેથી તે થોડું અલગ પડે છે. અહીં આ બાબતનું લખાણ કરનારનો હેતુ માત્ર એટલો જ છે કે તેમના જેવા અનેક લોકોને આ પુસ્તક થકી કેટલાક પાયાની બાબતોની જાણકારી મળી શકે. યાત્રા દરમિયાનના તેમના અનુભવોમાં ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં મહત્વનું અવલોકન છે. વળાંક સાથેના પર્વતીય વિસ્તારમાં જયારે શરૂઆતમાં જ મુસાફરી કરવાની થઇ ત્યારે સમજાયું કે ચીનના કેરુંગ નગર તરફ જતો રસ્તો ઘણો સારો હતો. આવા વિસ્તારોમાં સારા રસ્તાઓ હવે આપણાં દેશમાં પણ જોવા મળે છે. વાહન તેમજ ડ્રાઇવર એ બંને સફરની સલામતી માટે મહત્વની બાબતો છે. અહીંયા આ બંને બાબત સંતોષકારક હોવાનું અવલોકન એ કૈલાસની યાત્રાએ જનારા લોકો માટે મહત્વનું છે. ઉત્સાહપ્રેરક છે. 

              અશ્વિનભાઈ દવે છેલ્લા ૨૨ વર્ષથી ગાંધીનગરમાં યોગના અભ્યાસક્રમ માટેના વર્ગો ચલાવે છે. મૂળભૂત રીતે દિવ્ય જીવન સંઘ સાથે તેઓ સંકળાયેલા છે. દિવ્ય જીવન સંઘનું નામ સાંભળતા જ સ્વામી શિવાનંદજીની સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે. ભારત સરકારે યોગને મહત્વ આપ્યું અને તેનો વૈશ્વિક સ્તરે પણ સ્વીકાર થાય તેવો પ્રયાસ કર્યો તે ખુબ જ આવકારદાયક બાબત છે. પરંતુ પુણ્યશ્લોક સ્વામી શિવાનંદજીએ વર્ષો પહેલા દિવ્ય જીવન સંઘની સ્થાપના દ્વારા યોગ શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારના આર્થિક ઉપાર્જનનો વિચાર પણ કર્યા સિવાય યોગના વર્ગો દેશભરમાં ચાલે છે. અશ્વિન દવે જેવા સમર્પિત લોકો તેમાં સંપૂર્ણ નિષ્ઠાથી પોતાનું યોગદાન આપે છે. પોતાની તમામ કૌટુંબિક તથા સામાજિક જવાબદારી નિભાવવા ઉપરાંત બાવીસ વર્ષ સુધી આવી નિઃસ્વાર્થ સેવા આપનાર અશ્વિન દવેની આ પણ એક ઓળખ છે. કૈલાશ માનસરોવરની આ યાત્રા દરમિયાન પણ અશ્વિનભાઈની હેલ્થ ટિપ્સનો લાભ સહપ્રવાસીઓને સતત મળતો રહ્યો છે. પ્રાણાયામ તથા યોગ નિદ્રા જેવી બાબતોના અભ્યાસથી વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્વસ્થ રહેવાની શક્તિ મેળવી શકે છે. થોડી શારીરિક સજ્જતા હોય તો પ્રમાણમાં કપરી જણાતી હોય તેવી યાત્રાઓ પણ થઇ શકે છે તે વાતની અહીં પ્રતિતિ થાય છે. કૈલાશ પર્વતનું વિશિષ્ટ દર્શન એ આ સમગ્ર યાત્રાનું મહત્વનું પરિમાણ છે.

                                 ગુજરાતીઓ ‘વિશ્વપ્રવાસી’ છે. ન્યુયોર્ક કે સિડનીના એરપોર્ટ પર કોઈક ખૂણે તમને ગુજરાતી ભાષામાં સંવાદ સાંભળવા મળે તો તેનું આશ્ચર્ય થવું જોઈએ નહિ. યાત્રા સાથે જ ચોક્કસ ફૂડના મેનુ તરફ પણ ગુજરાતીઓનું ધ્યાન રહે છે. એક રીતે ગણીએ તો આવી યાત્રાના કારણે ગુજરાતીઓની બહારનું અપનાવી લેવાની શક્તિ વધી છે. જેને એક સારી બાબત ગણાવી શકાય. આજકાલ યાત્રાઓના સ્થળોને લઈને પેકેજ ટુરના અવનવા આકર્ષણોનો સતત પ્રચાર થતો રહે છે. આવી પેકેજ ટુરના ઘણાં માઠા અનુભવો પણ અનેક લોકોને થતા હોય છે. આથી આવા આયોજકોની વાત પણ જેમને અનુભવ થયો છે તેમણે તે અનુભવ શેર કરવાનું વલણ રાખવું જોઈએ. આ બાબત પણ એક ઉપયોગી માર્ગદર્શન સમાન છે. અશ્વિનભાઈના આ પ્રથમ પ્રયાસનું સ્વાગત છે. 

વસંત ગઢવી

તા. ૯ માર્ચ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑