ક્ષણના ચણીબોર:સંસ્કૃતિ, ચિંતનઅનેસાંદીપનીવિદ્યાનિકેતન:

  માર્ચ-૨૦૨૩ના વર્ષની ૫ તથા ૬ તારીખે પોરબંદરમાં એક યાદગાર કાર્યક્રમ થયો. સાંદીપની સંકુલ એ પોરબંદરની એક વિશિષ્ટ ઓળખ સમાન સંસ્થા છે. આ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનું વાતાવરણ કોઈને પણ પ્રભાવિત કરે તેવું છે. સાંદીપની સંકુલ એ માત્ર પોરબંદરનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના શણગાર સમાન સંસ્થા છે. દેશ-વિદેશના અનેક ભક્તો નિયમિત રીતે અહીં આવીને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે ચાલવા માટેનું ભાથું મેળવે છે. પૂજ્ય ભાઇશ્રીની નિશ્રામાં તથા તેમના વિશાળ દ્રષ્ટિકોણને કારણે સાંદીપની સંકુલનો સતત વિકાસ થયો છે. આ સંકુલના વિદ્યા નિકેતનમાં બે દિવસનો ‘સંસ્કૃતિ-ચિંતન’નો કાર્યક્રમ થયો. સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રવાહોને આવરી લઈને આ કાર્યક્રમનું સુરેખ આયોજન કરવામાં આવ્યું હતું. અમારા સાથી ભાઈ ભાગ્યેશ ઝાની સૂઝ તથા મહેનતથી બંને દિવસના જ્ઞાનસત્રો અર્થપૂર્ણ તથા આકર્ષક હતા. પૂજ્ય ભાઇશ્રીની આ કાર્યક્રમોમાં સળંગ ઉપસ્થિતિના કારણે દરેક સત્રની વિશેષ ગરિમા જળવાઈ હતી. બંને દિવસના ઉપક્રમમાં એક આવકારદાયક ઉપક્રમ આચાર્ય શ્રી નરોત્તમ પલાણ સાહેબના સારસ્વત સન્માન તથા ભાવપૂજનનો હતો. પૂ. ભાઇશ્રીના આ વિચારને અનેક સાહિત્યકારો-અધ્યાપકોએ અંતરના આનંદ તથા ઉમળકાથી વધાવી લીધો હશે તેમાં બે મત નથી. નરોત્તમદાદા આપણું ઘરેણું છે. તેમની સ્વસ્થતા તેમજ વિચારશક્તિ કેટલાયે લોકો માટે પ્રેરણાના ભાથા સમાન છે. 

                     સંસ્કૃતિ-ચિંતનનો આ ઉપક્રમ કોઈપણ યુનિવર્સીટીને છાજે તેવો અસરકારક હતો. આવા ઉપક્રમને ઉમાશંકર જોશી કે ડોકાકા(ડોલરરાય માંકડ) જેવા પુણ્યાત્મા સાક્ષરોએ જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ વરસાવ્યા હશે. આપણે એ બાબતનો સતત અનુભવ કરીએ છીએ કે આપણું ઉત્તમ સાહિત્ય તથા તેના સમર્થ સર્જકો યુવાપેઢી સુધી પહોંચતા નથી. થોડા સુખદ અપવાદોને બાદ કરતા મોટાભાગના યુવાનો આ ભવ્ય વિરાસત જેવા સાહિત્યથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિ વાસ્તવિક જગતમાં છે તો તેનો માત્ર અફસોસ કે ફરિયાદ કરીને રહી જવું તે પૂરતું નથી. સાચો માર્ગ પણ તે નથી. આ સ્થિતિને દૂર કરવા જે થઇ શકે તેવા પ્રયાસો કરવા જરૂરી છે. કબીરસાહેબે કહ્યું છે તેમ અંધારાને કોશવાથી અંધકાર દૂર થતો નથી. આ માટે તો નાના એવા દીપકને પણ પ્રગટાવીએ તો અંધારું આપોઆપ દૂર થાય છે. કબીર કહે છે:

બાતેં તિમિર ન ભાજહી,

દિયા બાતી તેલ.

             દીપ પ્રાગટ્યનો પ્રયાસ એ જ અંધકાર સામે લડવાનો ખરો તથા નક્કર પ્રયાસ છે. કબીર સાહેબે કહ્યું છે તેવું કામ સાંદીપનીમાં થાય છે તે મનમાં પ્રસન્નતા પ્રગટાવે છે. ગુજરાતના બે સમર્થ, વિદ્વાન તથા પૂજનીય કથાકારો મોરારીબાપુ તથા ભાઈશ્રી આવા પ્રયાસો સર્વના મંગળ માટે કરે છે તેના સાક્ષી બનવાનું આપણું સદ્ભાગ્ય છે. આવા સંતો એ જ આપણાં માટે જંગમ તીર્થરાજ જેવા છે. મહાત્મા તુલસીએ ગાયું છે:

મુદ મંગલમય સંત સમાજુ

જો જગ જંગમ તીરથ રાજુ.

રામ ભક્તિ જહાં સુરસરી ધારા

સરસઇ બ્રહ્મ વિચાર પ્રસારા.

                   સંસ્કૃતિ ચિંતનના ભાતીગળ પ્રવાહમાં નરસિંહ મહેતા, ક. મા. મુનશી તેમજ દર્શકદાદા જેવા અનેક ધન્યનામ સર્જકો વિષે વિગતવાર વાતો થઇ. આપણાં અધ્યાપકો પણ કેટલી મહેનત તથા ખંતથી પોતાનું સ્વાધ્યાય કાર્ય પૂ. ભાઈશ્રી તથા શ્રોતાગણ સમક્ષ રજૂ કરે છે તે આશ્ચર્ય તેમજ અહોભાવ ઉપજાવે તેવું છે. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો લોકસાહિત્યના ઉલ્લેખ સિવાય સાહિત્યના પ્રવાહોની વાત અધૂરી રહેવા પામે છે. જયારે લોક સાહિત્યની વાત કરીએ ત્યારે સર્વ પ્રથમ સ્વાભાવિક રીતે જ ઝવેરચંદ મેઘાણીની પાવન સ્મૃતિ થાય છે. વિસ્મૃતિના આરે ઉભેલી અનેક વાતો તેમજ પાત્રો મેઘાણીના કારણે ઓળખમાં આવ્યા છે તથા જીવંત રહ્યા છે. કવિ કાગે મેઘાણીના આ અમૂલ્ય યોગદાન માટે ઉચિત તથા સુંદર શબ્દો લખ્યા છે:

સૂતાં જઈ સ્મશાનમાં

એની સોડયું તે તાણી,

વધુ જીવાડ્યા વાણીયા

કંઈક મડદા મેઘાણી.

                       સાધારણ લોકના અસાધારણ ગુણોનું દર્શન મેઘાણીએ સૌને કરાવ્યું. દર્શકદાદા કહે છે તેમ મેઘાણીએ લોકની ઓળખ આપણને સૌને કરાવી. લોકને સ્વઓળખથી પણ મેઘાણીએ અવગત કરાવ્યા. સામાન્ય લોકમાં અસામાન્ય ગુણોનું વાસ્તવિક તથા સચોટ દર્શન કરાવ્યું. શાસ્ત્રો-પુરાણોમાં ભરપૂર પડેલી સંસ્કારવાતો લોકભાષામાં લોકગીતો તથા લોક્વાર્તાઓના માધ્યમથી રજૂ કરી. કવિગુરુ ટાગોરની ઉત્તમ રચનાઓને આપણી માતૃભાષામાં ઉતારી. મહાત્મા ગાંધી તથા સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામને ગતિ આપવા ‘રક્ત ટપકતી સો સો ઝોળી’ જેવી પ્રભાવી રચનાઓથી લોકજાગૃતિનો વ્યાપક ફેલાવો કર્યો. લોકની જે શક્તિને પોતાની અસલી મૂડી સમજીને મહાત્મા ગાંધીએ બળવાન સત્તા સામે સંઘર્ષ શરુ કર્યો હતો તે લોક તથા તેમની ભાતીગળ સંસ્કૃતિનો ઊંડો આસ્વાદ મેઘાણી થકી આપણાં સુધી પહોંચી શક્યો. કલકત્તાથી વેપાર-વાણિજ્યની પ્રવૃતિ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા યુવાન ઝવેરચંદ પાસે કારકિર્દીના અનેક વિકલ્પો હતા. પરંતુ રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ અખબાર ચલાવતા અમૃતલાલ શેઠ ઝવેરચંદનું ઝવેર પારખી શક્યા. આગ્રહપૂર્વક તેમને ‘સૌરાષ્ટ્ર’ના તંત્રી મંડળમાં જોડ્યા. આ રીતે મૂળભૂત પત્રકારત્વના ક્ષેત્રમાં પડેલા ઝવેરચંદ મેઘાણી પત્રકારત્વ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં ઝળકી ઉઠ્યા. મેઘાણીનું ઘડતર કરવામાં દરબાર વાજસુરવાળા તેમજ અમૃતલાલ શેઠનું મહત્વનું યોગદાન હતું. જો કે લોકગીતોની તેમની ખરી દીક્ષા ઢેલીબેન મેરાણી થકી પામ્યા હતા. મીઠા સત્યાગ્રહમાં રાણપુર તેમજ ધોલેરાનો મહત્વનો ફાળો રહ્યો. મેઘાણીએ મીઠા પરના કરવેરા સામેના આ ઐતિહાસિક સંઘર્ષમાં મહત્વની ભૂમિકા બજાવી. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં લડાયેલા મીઠા સત્યાગ્રહમાં મેઘાણીની દેશદાઝની રચનાઓ ‘સિંધુડો’ રૂપે પ્રગટ થઇ. હજારો ઘરો સુધી ‘સિંધુડો’ની પ્રત પહોંચી. સરકારે ‘સિંધુડો’ની અસર જોઈ અને તરત જ તેના પર પ્રતિબંધ જેવા આકરા પગલાં ભર્યા. જો કે રતુભાઇ અદાણીના સુંદર અક્ષરોમાં લખાયેલી મૂળ નકલ પરથી અનેક કોપી કરીને પ્રતિબંધ છતાં ‘સિંધુડો’ની પ્રતો ગામેગામ પહોંચી. મેઘાણી જીવનના પાંચ દાયકા પણ પુરા ન કરી શક્યા. ટૂંકાગાળામાં પણ રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના પ્રગટાવનાર મેઘાણી આપણી સ્મૃતિમાં હંમેશા જીવંત રહેશે. ‘સંસ્કૃતિ ચિંતન’ના આ ભાતીગળ ઉપક્રમનું ખુબ મોટું મૂલ્ય છે.

વસંત ગઢવી

તા. ૯ માર્ચ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑