:નારીશક્તિનીચેતનાનેવંદન:

ડો. પૂર્વી ગોસ્વામીનું પુસ્તક હોય અને તેમાં કચ્છની વીરાંગનાઓની વાતો હોય તો એ સોનામાં સુગંધ ભળે તેવી ઘટના છે. બહેન પૂર્વી નિયમિત રીતે લખે છે. તેમના લખાણોનું એક ખાસ મૂલ્ય છે. ખાસ કરીને કચ્છની ધરતીનું ધાવણ ધાવીને સમાજને કંઈને કંઈ વિશિષ્ટ યોગદાન આપનાર દ્રષ્ટિવંત મહિલાઓની આ કથાઓ છે તેમ કહેવામાં આવ્યું છે. આ બાબત ખુબ જ મહત્વની છે. અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા આ ઉમદા પ્રયાસનું સમર્થન કરે છે. ફાઉન્ડેશનની ટીમ તે માટે ધન્યવાદને પાત્ર છે.

                    કચ્છમાં થયેલા ભૂકંપના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. મિલકતોને પણ પારાવાર નુકસાની થઇ. આમ છતાં કચ્છ આળસ મરડીને ઉભું થયું અને આજે ગુજરાતના તથા દેશના વિકાસમાં તેનું નોંધપાત્ર યોગદાન છે. ભૂકંપ પહેલા કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરવાની તક મળી હતી. આ સમયની સ્મૃતિ થાય છે. પાણી તથા ઘાસચારાના વિકટ પ્રશ્નો હતા. સરકાર તથા મહાજન બંને તરફથી સમાજના જરૂરિયાતવાળા મોટા વર્ગને સહાય ચૂકવવાના પ્રયાસો સારી રીતે થતા હતા. આફતના આ કપરા સમયમાં અનેક બહેનોને રાહતકામો પર આકરી મજૂરી કરતી જોઈ છે. ઘરની તથા બાળકોની સંભાળ તો લેવાની જ. ઉપરાંત ચોપા(પશુ)ની પણ પૂરતી કાળજી લઈને પોતાના અસ્તિત્વને શોભાવતી અનેક મહિલાઓ સાથે વાત કરવાની તક મળી છે. સામાન્ય રીતે એવું વલણ જોવા મળતું હતું કે વિકટ પરિસ્થિતિ વિષે ફરિયાદ ઓછી પરંતુ સ્થિતિનો જેમ છે તેમ સ્વીકાર કરવાની વૃત્તિ વિશેષ મજબૂત દેખાતી હતી. મહિલાઓની આ ખુમારીનું ચિત્ર કદી વિસરી શકાય તેવું નથી. દુષ્કાળને મહાત કરી કુટુંબની લીલીવાડી રાખનાર આ માતાઓ તથા બહેનો દરેક પ્રકારે વિશિષ્ટ છે જ. બહેન પૂર્વીએ કેટલાક ખાસ કિસ્સાઓ સાથે આવી બહેનોને વધાવી છે. આવી બહેનોના વધામણાં એ સરવાળે તો કચ્છની એ તમામ શ્રમજીવી મહિલાઓનું સન્માન છે કે જેમણે UNSUNG HEROESની જેમ પોતાના કર્તવ્યને નિભાવ્યું છે અને ખરા અર્થમાં ઉજાળ્યું છે. કચ્છમાં અનેક વખતે કચ્છ મહિલા વિકાસ સંગઠનના કાર્યક્રમોમાં જવાનું થાય ત્યારે પણ આ મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે થતી અનેક પ્રવૃતિઓના સાક્ષી થવાનું બન્યું હતું. ઉત્તરોઉત્તર પોતાના બળે અને પોતાની સૂઝથી પ્રગતિ કરનાર અનેક બહેનોની કથાઓ આજે પણ જોવા મળે છે. કચ્છની મહિલાઓ દરેક પડકારને અવસર ગણી તેમાંથી પણ માર્ગ શોધી કાઢે છે. ડો. પૂર્વી ગોસ્વામીની આ સુંદર કથાઓનું સંપાદન અનેક રીતે ઉપયોગી થશે. સમાજના અનેક લોકો સુધી મહિલાઓની આગવી ખુમારીની વાતો પહોંચશે. અનેક યુવતીઓ માટે આ કથાઓ પ્રેરણારૂપ બની રહેશે. બહેન પૂર્વીને તેના આ સંપાદન માટે અભિનંદન પાઠવું છું. “મીઠે મુલકજયું બાઇયું”નું સ્વાગત તથા અભિવાદન છે.  

વસંત ગઢવી

એક્ઝીક્યુટીવ ડિરેક્ટર

અદાણી ફાઉન્ડેશન

Leave a comment

Blog at WordPress.com.

Up ↑