ક્ષણના ચણીબોર:ગાંધીજીપ્રેરિતઆંદોલનો: સફળતાનહિસાર્થકતાનાપ્રયોગો:

 માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ પણ પ્રવૃત્તિના શ્રીગણેશ કરતા હતા. જીવનને સમગ્રતયા જોવાની આ ગાંધીજીની દ્રષ્ટિ હતી. આથી જ આલબર્ટ આઇન્સ્ટાઇને ગાંધીજીને ‘દીવાદાંડીરૂપ માનવના રૂપમાં વિધાતા’ કહ્યા હતા.

       મહાત્માજી આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા તે ગાળો વીસમી સદીનો પૂર્વાર્ધ હતો. બ્રિટિશ સત્તાની નાગચૂડે દેશને સંપૂર્ણ નિયંત્રણમાં લીધો હતો. દેશમાં કેટલાક સ્થળો દેશી રજવાડાઓના નિયંત્રણમાં હતા. સમય જતા બ્રિટિશ સરકારે રજવાડાઓની સ્વતંત્રતા પણ મુત્સદીગીરી તેમજ સત્તાના બળે પોતાના અંકુશમાં લીધી હતી. લોકમાન્ય તિલક જેવા નેતાઓની પ્રતિભા સમગ્ર દેશમાં પ્રસરેલી હતી. તિલક પોતાની સૂઝ તેમજ શક્તિના બળે દેશના લોકોને સ્વાધીનતાના માર્ગે જવા પ્રેરણા આપતા હતા. સરદારસિંહ રાણા, ભીખાઈજી કામા તથા સાવરકર જેવા સમર્પિત લોકો જરૂર પ્રમાણે દેશ તથા વિદેશની ધરતી પર રહીને માતૃભૂમિને આઝાદ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરતા હતા. મહાત્મા ગાંધી આવા એક ગોધુલીના ટાણે દેશના જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તત્કાલીન નેતાગીરી હજુ ‘પૂર્ણ સ્વરાજ્ય’ની વિભાવના સુધી પહોંચી ન હતી. દેશનો સામાન્ય જન પોતાને રાષ્ટ્રીય ચળવળ સાથે CONNECT કરી શકતો ન હતો. દેશના અનેક શિક્ષિત નેતાઓનો પહેરવેશ, ભાષા તથા એટીકેટ સામાન્ય ભારતીયને મુક્તિ સંગ્રામમાં જોડવા માટે પ્રેરણા આપી શકતો ન હતો. જ્યાં સુધી સામાન્ય જન આ મુક્તિ સંગ્રામનો ભાગ ન બને ત્યાં સુધી દેશની મુક્તિના દ્વાર ખુલે નહિ તે બાબત ગાંધીજીના મનમાં સ્પષ્ટ હતી. આફ્રિકાની લડતનો અનુભવ મેળવીને તેઓ આ વાતમાં નિશ્ચિત થયા હતા.

           મહાત્માજી આ ધૂંધળા વાતાવરણમાં દેશમાં પ્રવેશ કરીને લાંબા પ્રવાસો દ્વારા દેશની વાસ્તવિક સ્થિતિને જાણવાનો-સમજવાનો તથા મૂલવવાનો પ્રયાસ કરે છે. કુંભના મેળામાં જઈને પણ મહાત્મા સામાન્ય માનવીની લાગણીઓ તથા વ્યવહાર સાથે એકરૂપ થવા પ્રયાસ કરે છે. ગળી પકવતા ખેડૂતોના શોષણની વાત પૂર્ણતઃ સમજે છે. સમજ્યા પછી જ સંઘર્ષની શરૂઆત કરે છે. તેમાંથી ક્રમશઃ લોક-ભાગીદારીની શરૂઆત થાય છે. દેશને જાગૃત કરવા માટેના વિકલ્પો જુદા જુદા હતા. અલગ અલગ જૂથો પોતાની માન્યતા પ્રમાણે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરતા હતા. ગાંધીજી પાસે આફ્રિકાની લડતનો વિશાળ અનુભવ હતો. લોકજાગૃતિ ઉભી કરવાના તથા તેને લડતમાં જોડાવાનો મહાત્માની શક્તિને કામે લગાડવાનો આ ઉચિત સમય હતો. આ પડકારરૂપ કાર્ય ગાંધીજીએ કરી બતાવ્યું. બાપુના કાર્યની સાર્થકતા તેમના ઉદ્દેશ તથા સાધનશુદ્ધિ બંનેમાં હતી. 

                  દેશમાં પાછા ફરીને તથા દેશની સ્થિતિનું ઊંડાણથી મૂલ્યાંકન કરીને મહાત્માએ અહિંસક માર્ગે તથા સાધનશુદ્ધિના આગ્રહ સાથે લડતનું મંડાણ કર્યું. દેશના અનેક લોકોના મનમાં એ વાતની ગડમથલ હતી કે બાપુ અહિંસક માર્ગે લડત ચલાવીને એક મહા બળવાન સત્તાને કેવી રીતે મહાત કરી શકશે? યુવાન પ્રાધ્યાપક જે. બી. કૃપલાણી તો મહાત્મા સાથે આ વિષયમાં સંવાદ પણ કરે છે. પ્રાધ્યાપક કૃપલાણી ગાંધીજીને ઇતિહાસનો સંદર્ભ આપીને કહે છે કે અહિંસક માર્ગે લડતને ચલાવીને આઝાદી મેળવી હોય તેવા કિસ્સા તેમણે જોયા કે જાણ્યા નથી. આત્મવિશ્વાસથી છલોછલ ભરેલા મહાત્મા કહે છે કે એમ નહિ થયું હોય તો પણ તેઓ અહિંસક માર્ગે જનમતને દોરીને આઝાદી મેળવીને જ જંપશે. ગાંધીજી પોતાની વાત દ્રઢતાથી આગળ ચલાવતા કૃપલાણીને જણાવે છે કે અહિંસક માર્ગે હિન્દુસ્તાન આઝાદી મેળવશે અને તેનો ઇતિહાસ લખાશે. ભવિષ્યમાં આ ભવ્ય ઇતિહાસની વાતોનો અભ્યાસ સમગ્ર જગતમાં થશે. બાપુનો એવો આત્મવિશ્વાસ જોઈને જ કૃપલાણી, સરદાર પટેલ તથા મહાદેવ દેસાઈ જેવા યુવાનોએ બાપુના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. અહિંસક માર્ગે એક મહાન લડતનું સર્જન થયું. તેનો ભાતીગળ ઇતિહાસ લખાયો. નેલસન મંડેલા તથા માર્ટિન લ્યુથર કિંગ જેવા અનેક લોકોએ ગાંધીમાર્ગે ચાલવાનું પસંદ કર્યું. અહિંસક માર્ગે સફળતા કેવી રીતે મળે? શઠ સાથે શઠ જેવો વ્યવહાર કરીને જ કાર્ય સિદ્ધ થાય તેવી વ્યાપક માન્યતા સામે ગાંધીએ એક શાશ્વત વિચાર આપ્યો. તેના વાસ્તવિક અમલીકરણમાં કદાચ વિલંબ થાય. આ માર્ગે સફળતા મેળવવાનું અઘરું પણ જણાય. પરંતુ વ્યવહારુ જગત જેને સફળતાનું મૂલ્ય વિશેષ લાગે છે તેવી વાતોમાં મહાત્માને સફળતા મેળવવા કરતા જીવનના પ્રયોગોમાં સાર્થકતાનું મહત્વ લાગ્યું. મહાત્માની આ વિચારસરણીને કારણે ઓછી હિંસાત્મક ઘટનાઓ સાથે દેશનો મુક્તિ સંગ્રામ ચાલ્યો. સફળતા પણ મળી. આમ છતાં લડતના દરેક તબક્કે ગાંધીજીએ પોતાના પગલાંને ક્ષણજીવી સફળતાનાં લક્ષના બદલે દરેક કાર્યની સાર્થકતા તેમજ શાશ્વતીના ધોરણે જ મુલવણી કરી. શત્રુઓ સામે પણ દુર્ભાવ લાવ્યા સિવાય તેમના વિચારોનું પરિવર્તન કરી શકાય છે તે વાતની પ્રતીતિ કરાવી. સાર્થકતાના આ અસામાન્ય પ્રયાસોને કારણે એક જુવાળ ઉભો થયો. કાળ જાગ્યો અને દુનિયાએ અગાઉ ન જોયા હોય તેવા પરિણામ મળ્યા. મહાત્માએ વેરભાવ વધાર્યા સિવાય કાળને જગાડવાનું જે કાર્ય કર્યું તે વિશે કવિ દુલા ભાયા કાગે સુંદર પંક્તિઓ લખી છે. દુશ્મનની સામે પણ અહીં દુર્ભાવ કે દ્વેષ ન હતા. આમ છતાં હસતા મુખે સમરાંગણમાં ઘાવ ઝીલવાની તેમાં શક્તિ હતી.

ઘાવ ઝીલે ઘમસાણનાં

પણ એની આંખમાં નાવ્યા ઝેર,

દુનિયા આખી ડોલવા લાગી

વાણિયો ખેડે વેર…

માતાજીની નોબતું વાગે

સુતાં સૌ માનવી જાગે.

મહાત્મા ગાંધી સાત દાયકા પહેલા આપણી વચ્ચેથી ગયા. આમ છતાં સમગ્ર દુનિયામાં માનવજાતના કલ્યાણ માટેની જયારે પણ ચર્ચા થાય છે ત્યારે ગાંધીજીને યાદ કરવામાં આવે છે. સદેહે બાપુ આપણી વચ્ચે નથી પરંતુ તેમની વિચારધારા એ શાશ્વત છે. કટોકટીના કાળમાં માનવજાતને માર્ગદર્શન આપનારી છે. મેઘાણીભાઇએ લખ્યું હતું.

વાવાઝોડા કાળના વાશે

બાપુ ! તારી વાટ જોવાશે.

વસંત ગઢવી

તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૩  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑