સંસ્કૃતિ:રાજકોટ: સરધારનુંતળાવઅને૧૦૦વર્ષપહેલાનીવીરતાનીઘટના:

  ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ પાછા જાય તેવા માર્ગે ચાલવાનું વીરત્વ સરધાર તથા રાજકોટના જાગૃત લોકોએ દાખવ્યું ત્યારે સત્તાધીશોને ગુસ્સા સાથે જ હેરત પણ થઇ. ‘કોઈક કરે’ તેવી મનોવૃત્તિનું સચોટ વર્ણન કવિ ઉશનસે તેમની કેટલીક સુંદર કાવ્યપંક્તિઓમાં લખી છે તે પ્રજાના આવા ‘કોઈક કરશે’ના વલણ તરફ સચોટ રીતે ધ્યાન દોરે છે.

કોક જણે તો કરવું

પડશે ને ભાઈ?

એક જણે તો કરવું

પડશે ને ભાઈ?

કશું યે ના કરવાની

કેવી આ તામસ હરીફાઈ !

                        એક મહત્વના પ્રશ્ન ઉપર બળવાન મહાસત્તા સામે સંઘર્ષનું વલણ રાજકોટ અને સરધારવાસીઓએ લીધું. તેથી જ તેના ગૌરવનો ઇતિહાસ લખાયો.સો વર્ષ પહેલા ૧૯૨૨માં આપણો દેશ પરાધીન હતો. બ્રિટિશ મહાસત્તાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ દેશ ચાલતો હતો. આ બાબતમાં સૌરાષ્ટ્રની સ્થિતિ વિશેષ ખરાબ હતી. અહીં અનેક દેશી રજવાડાઓ(બસ્સોથી પણ વધારે) પોતાને મન ફાવે તે રીતે પોતાના રજવાડાનો એકહથ્થુ વહીવટ કરતા હતા. અલબત્ત, રજવાડાઓની આ વહીવટી પ્રથામાં પ્રજાના વ્યાપક હિતને લક્ષમાં રાખીને જ વહીવટ કરનારા કેટલાક રાજવીઓ પણ હતા. ભાવનગર રાજવી તેમજ ગોંડલના રાજવી તેના જ્વલંત ઉદાહરણો છે. આ પ્રકારના સુખદ અપવાદો સિવાયના નાના-મોટા રાજવીઓ બ્રિટિશ સત્તાધીશો સાથેના સંબંધોમાં વિક્ષેપ ઉભો કરવા માંગતા ન હતા. આથી કહેવાતા સ્વતંત્ર ગાદીપતિઓ પણ બ્રિટિશ સરકારને અનુકૂળ રહે તે રીતે રાજ્ય વહીવટ ચલાવતા હતા. ૧૯૨૨માં બનેલી આ ઐતિહાસિક ઘટનામાં મુંબઈના ગવર્નર સર લોઇડ જ્યોર્જ કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)ની મુલાકાત માટે આવવાના હતા. ગવર્નર સાહેબની મુલાકાત હોય ત્યારે તેમના માનમાં રજવાડાઓ મિજબાની, મેળાવડા અને શિકારના કાર્યક્રમોનું પણ આયોજન કરતા હતા. બ્રિટિશ ગવર્નરને રાજી રાખવા માટે રાજવીઓ મને કે કમને પણ આવા ઉપક્રમો ગોઠવાતા હતા. લોકો સામાન્ય રીતે આવા ખર્ચાળ ભપકાઓ પસંદ કરતા ન હતા. લાચારીનો ભાવ અનુભવતા હતા. પરંતુ આ વખતે ગવર્નરની રાજકોટની મુલાકાતના કાર્યક્રમોમાં નક્કી થયું કે શિકારના કાર્યક્રમ માટે ગવર્નરનો કાફલો રાજકોટથી નજીકના સરધાર ગામે જશે અને ત્યાંના તળાવમાં બતકનો શિકાર કરશે. બતકના શિકારની વાત સાંભળીને લોક લાગણી વિશેષ દુભાઈ. રાજકોટ રાજ્યે શિકારબંધી કરેલી હતી છતાં આ બાબત થાય છે તેનો એક આક્રોશ લોકોના મનમાં હતો. જૈન સમાજ તેમજ અન્ય પણ અનેક લોકો આ ઘટનાને રોકવા માટે મક્કમ હતા. કાઠિયાવાડ રાજકીય પરિષદ એ આ પ્રકારના લોકલાગણી દુભાયાના પ્રશ્નોમાં રસ લેતી હતી. જાગૃત રહીને પરિષદ લોકના સહયોગ માટે સક્રિય હતી.

                કાઠિયાવાડ રાજકીય પરિષદે લોકોનો મિઝાઝ પારખીને પરિષદના આગેવાન મનસુખલાલ મહેતાએ ગવર્નરશ્રીને તાર કર્યો. તારમાં સ્પષ્ટ જણાવ્યું કે પ્રજા ગવર્નરના સ્વાગત માટે થતાં ગંજાવર ખર્ચાથી નારાજ છે. ઉપરાંત શિકારના કાર્યક્રમથી લોકલાગણી વિશેષ ઘવાઈ છે. મક્કમતાથી ગવર્નરની આ મુલાકાત સામે વાંધો લેવામાં આવ્યો. આ ઘટના એ સામાન્ય ન હતી. ઘણાં બધા કિસ્સાઓમાં બને છે તેમ તારનો જવાબ ન મળ્યો. રાજ્યમાં શિકારબંધી હોવા છતાં નિર્દોષ બતકોના શિકાર માટે કેમ પરવાનગી આપવામાં આવે છે તેની પણ કોઈ સ્પષ્ટતા બ્રિટિશ અમલદારોએ ન કરી. આ વાતના સંદર્ભમાં અહીં સ્મૃતિમાં આવે છે કે મહાત્મા ગાંધીએ પણ દાંડીકૂચ શરુ કરતા પહેલા સરકારના મીઠા પરના અન્યાયી વેરા સામે વિગતવાર પત્ર લખ્યો હતો. ગાંધીજીને મોડા મોડા પણ બ્રિટિશ સરકારનો જવાબ મળ્યો હતો. પરંતુ આ ટૂંકા જવાબમાં મહાત્માએ ઉભા કરેલા કોઈ પ્રશ્નનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. સામાન્ય રીતે સત્તાધીશોનું આવું વલણ હોય છે. અહીં પણ એમજ થયું. સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા લોકલાગણી ઉશ્કેરાઈને કોઈ ઉતાવળિયું પગલું ન ભરે તે માટે પરિષદના આગેવાનો જાગૃત હતા. મહાત્મા ગાંધીની વિરોધ કરવાની પધ્ધતિ તે સમયના કાર્યકરોના લોહીમાં ઉતરી ગઈ હતી. આટલો વિવેક લોક તરફથી જાળવવામાં આવ્યો તો પણ પોલિટિકલ એજન્ટ શ્રીમાન વુડ તો ક્રોધે ભરાયા જ હતા. લોકલાગણીનો કોઈ ઝીણો વિરોધી અવાજ સાંભળવા તેઓ ટેવાયેલા ન હતા. પરિષદના તે સમયના મહત્વના આગેવાનો મનસુખભાઇ તેમજ મણીભાઈ કોઠારીને પોલિટિકલ એજન્ટે પોતાની ઓફિસમાં બોલાવ્યા. આ બંને નેતાઓને બોલાવીને પોલિટિકલ એજન્ટે તેમને બેસાડી રાખ્યા. મળવા માટે ન બોલાવ્યા. બંને પ્રજાના પ્રતિનિધિઓ હતા. આમંત્રણ મળવાથી જ મળવા ગયા હતા. સૌજન્યપૂર્ણ રીતભાતમાં માનનારી બ્રિટનની સરકારના આ પ્રતિનિધિઓ એક શાસિત તેમજ શોષિત પ્રજા સામે જુદા માપદંડો અપનાવતી હતી. બંને આગેવાનો નીકળી ગયા પછી તેમને ફરી પાછા બોલાવ્યા અને અપમાનિત કરવામાં આવ્યા. બંને આગેવાનોની શાંત તથા દ્રઢ મક્કમતાથી અકળાઈને કોઈપણ કારણ આપ્યા સિવાય બંનેની ધરપકડ કરીને બ્રિટિશ એજન્સીની હદ છોડી જવાનો અવિચારી તથા તુંડમિજાજી હુકમ કર્યો. દેશના વર્તમાનપત્રોમાં આ ન્યાયની લડત માટે લખાણો થયા. પરંતુ મહાત્મા ગાંધીએ જયારે રાજકોટ-સરધારની આ લડતના સંદર્ભમાં ‘YOUNG INDIA’માં લખ્યું ત્યારે ચહલપહલ મચી ગઈ. સરકાર પણ દબાણમાં આવી. લડતને બળ મળતું ગયું. એકાએક ગવર્નરની મુલાકાત બંધ રાખવામાં આવી છે તેની જાહેરાત સરકારી અધિકારીએ કરી. રાજકોટ અને આસપાસના અનેક સામાન્ય લોકોને વિજય મેળવ્યાનો આનંદ થયો. મૂલ્યો માટે મરી ફીટવાની સામાન્ય લોકોની આ વીરતા અસાધારણ હતી. પુણ્યશ્લોક જયાબેન શાહના લખાણો થકી આ બાબત આપણાં સુધી પહોંચી શકી છે. જયાબહેનનું પણ આ જન્મશતાબ્દીનું વર્ષ છે.  

વસંત ગઢવી 

તા. ૬ જાન્યુઆરી ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑