:આપણાંલાલાકાકા:

 કેટલાક લોકો સમૂહમાં હોય તો પણ અલગ તરી આવે તેવા હોય છે. સ્વની ઓળખ ઉભી કરવાની મથામણ પણ આવા સમજુ લોકોને નથી. પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કદી ઉત્સુક ન હોય તેવા પ્રકાશ માટે જ પ્રકાશપર્વના આયોજન થતા હોય છે. પ્રકાશ લાલા ગાંધીનગર માટે સહેજ પણ અજાણ્યા નથી. તેમના જીવનના ૭૫માં પડાવે થતું પ્રકાશપર્વનું આયોજન ગમી જાય તેવું છે. પ્રસંગ માટેની આમંત્રણ પત્રિકાનો ‘હિરેન ટચ’ ડિઝાઇન ઉડીને આંખે વળગે તેવી છે. લોકાર્પણ થતા પુસ્તકોને લોક આદર જરૂર મળશે.

             પ્રકાશ લાલા મારી સરકારી સેવાના થોડા સમય માટેના સહયાત્રી છે. લેખન ઉપરાંત અનેક કળામાં તેમનો રસ છે તેમજ જાણકારી છે. માહિતી ખાતામાં તેમના અર્થપૂર્ણ યોગદાનનો પણ મને જાત અનુભવ છે. માહિતી ખાતાએ કેટલા સર્જકો સમાજને આપ્યા તેનો વિચાર કરતા આશ્ચર્ય તથા અહોભાવ થાય છે. દિગ્ગજ સર્જક જેવાકે ભુપત વડોદરિયા તેમજ ભાગ્યેશ ઝા માહિતી ખાતા માટે પ્રવાસી પક્ષીઓ જેવા હતા પરંતુ તેમનો ટૂંકો સહવાસ પણ માહિતી ખાતામાં મૂલ્યવર્ધન કરે તેવો રહ્યો છે. દલપત પઢીયાર જેવા સમર્થ સર્જક માહિતી ખાતાની ભૂમિમાં જ પાંગર્યા છે. આ ઉપરાંત ભુપેન્દ્ર દવે, મનસુખ વાઘેલા, નટુભાઈ પરમાર, પુલક ત્રિવેદી, હર્ષદ ઠાકર, ઉત્તમ મેવાડા, પ્રજ્ઞાબેન પટેલ જેવા અનેક સર્જકો અહીં ઉછર્યા તથા મ્હોર્યા છે. માહિતી ખાતાની આ ભૂમિમાં કદાચ સામાજિક નિસબત તેમજ સંવેદનશીલતા વિશેષ હશે તેમ મને લાગે છે. ઉદાહરણ તરીકે આવી સંવેદનશીલતાને કારણે જ ભુપેન્દ્રભાઈ દવે (નિવૃત અધિક માહિતી નિયામક) જેવા લોકો એ નિવૃત્તિમાં સમાજને ઉપયોગી બને તેવી અનેક પ્રવૃતિઓ કરી. ગાંધીનગરમાં આવું જ કાર્ય પ્રજ્ઞાબેન પટેલ કરી રહ્યા છે. નટુભાઈ પરમાર તેમની કલમના માધ્યમથી સામાજિક વ્યવસ્થામાં છુપાયેલી વ્યક્ત તથા અવ્યક્ત વ્યથાની વાતો સમાજ સમક્ષ રજુ કરી રહ્યા છે. માહિતી ખાતાનું સમાજને આ યોગદાન છે.

                  પ્રકાશભાઈએ નિવૃત્તિ પછી ‘અખંડ આનંદ’ જેવા લબ્ધ-પ્રતિષ્ઠિત સામયિકનું અઘરું ગણાય તેવું સંપાદન કાર્ય સ્વીકાર્યું છે. નિયમિત કોલમો-સમીક્ષાઓ એ તેમની કલમથી રસપ્રદ બની રહી છે. તેમના સમીક્ષા લેખો રસપ્રદ તથા હેતુલક્ષી રહ્યા છે. ઘણી સંસ્થાઓના ટી.આર.પી. વધારવામાં આ સમીક્ષા લેખોનો ફાળો રહેતો હશે. પ્રકાશભાઈ હસે છે અને હસાવી પણ શકે છે  તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. સમર્થ કવિ મકરંદ દવેના સુંદર શબ્દો પ્રકાશ લાલાને ધન્યવાદ આપવા માટે ઉચિત લાગે છે:

તારા આનંદના દીવાથી

ચેતવે તું કોઈના આનંદનો દીવો

ઓરે ઓ બંધવા

ઝાઝી ખમાયું તને, ઝાઝી વધાયું તને,

જીવો ભાઈ ! જીવો.

                પ્રકાશભાઈને બિરદાવીને આપણે કોઈક ઉચિત કાર્ય કર્યાનો આત્મસંતોષ મેળવી શકીએ છીએ. પ્રકાશભાઈને બિરદાવવાની ઉત્તમ તક એ તેમના નૂતન સર્જનોના લોકાર્પણ મારફત પ્રાપ્ત થઇ શકી છે. આથી સોનામાં સુગંધ ભળી છે તેમ ગણાય. એમ પણ લાગે છે કે માહિતી ખાતાએ રાજ્ય સરકારના કામમાં ખડે પગે કામ કર્યું છે. નિષ્ઠાથી દરેક ફરજ બજાવી છે.  ઉપરાંત સામાજિક તથા સાહિત્યના ક્ષેત્રમાં પણ વિભાગના કર્મયોગીઓનું નોંધપાત્ર યોગદાન છે. સરકારી અધિકારીઓની ઓળખ કે સ્વીકૃતિ અનેક વખતે અપૂરતી થતી હોય છે. તે માટેના કારણો અનેક છે. પરંતુ પ્રકાશ લાલાના સંદર્ભમાં યોજવામાં આવેલો આ પ્રસંગ આ ખામીને ઠીક ઠીક દુરસ્ત કરે છે. નાતાલના આ પવિત્ર તહેવારના દિવસોમાં પ્રકાશભાઈનું અંતરથી અભિવાદન કરીએ. પ્રકાશ લાલાના માધ્યમથી માહિતી ખાતાના તમામ કર્મશીલોને તેમજ વિશેષ રીતે સર્જકોને આપણી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ. ‘લાલકાકા’ના લાડકા નામથી જાણીતા પ્રકાશભાઈની જીવનયાત્રા સ્વસ્થ તથા સર્જકતાથી ભરપૂર રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. કૃષ્ણકાંતભાઈ ઝા તેમજ આયોજકોની ટીમ ૨૫મી ડિસેમ્બરના કાર્યક્રમ માટે આપણી પ્રશંસાને પાત્ર છે.

વસંત ગઢવી

તા. ૨૦  ડિસેમ્બર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑