વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન કાર્યકરો સાથે તેઓ જીવંત સંપર્કમાં હતા, તેમજ સક્રિય હતા. તેમના પત્ની સવિતાબેન રાણપુરા એ પ્રાથમિક શિક્ષિકા હતા. મારા વતનના ગામમાં પણ તેઓ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોને નિષ્ઠાથી શિક્ષણ આપવાનું કાર્ય કરતા હતા. મારા ગામમાં મેં અનેક વયસ્કો પાસેથી આ દંપતીના જીવનની સુવાસની વાતો સાંભળી છે. રસિકભાઈ પરીખનો મથાળે જણાવેલ આકરા શબ્દોનું કારણ સમજીએ તો તેનો ખરો સંદર્ભ સમજાય તેમ છે. સવિતા રાણપુરાની ગંભીર માંદગીના કારણે તેમણે જિલ્લા પંચાયતમાં રજાની માંગણી કરી. તંત્રમાં સામાન્ય રીતે બને છે તેમ રજા મેળવવાની પાત્રતા હોવા છતાં રજા મંજુર થતી ન હતી. કોઈક કારણોસર વિલંબ થતો જતો હતો. થાકીને દિલીપ રાણપુરાએ આ વાત સુરેન્દ્રનગર જિલ્લાના જ આગેવાન અને સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારના તેના મુખ્યમંત્રીને પોતાની આપવીતી સંભળાવી. સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં જ બહેનની નોકરી હતી. રસિકભાઈ શાંતિથી આખા કેસની વિગત ઝીણવટથી સમજ્યા. વિચારમાં પડી ગયા. હેરોલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા તેમ છતાં લોકહૈયાની વાત સમજી શકનારા આ નેતાને લાગ્યું કે સવિતાબેનની રજા મંજુર કરવા અંગેના નિર્ણયમાં બિન જરૂરી વિલંબ થયો છે. આપણું પોતાનું તંત્ર જવાબદેહી તેમજ સંવેદનશીલ ન હોય તે વાત પચાવવી રસિકભાઈ માટે મુશ્કેલ હતી. આટલું સમજ્યા પછી દુર્વાસા સ્વરૂપ ધારણ કરતા આ લોકનેતાને વાર ન લાગી. તેમણે વિગતો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના તે સમયના પ્રમુખ અરવિંદભાઈ આચાર્યને પત્ર લખ્યો. તંત્રમાં બેઠેલા સૌને અકળાવે એવા રસિકભાઈના શબ્દો હતા. જો તંત્રમાં બેઠેલા લોકો સંવેદનશીલતા ગુમાવે તો તેમને માનવી કેમ કહેવા? આથી આકરા શબ્દોમાં અન્યથા સાલસ સ્વભાવના આ લોક આગેવાને તંત્રને ટીકાના શબ્દોમાં લખ્યું. પત્ર જેને લખ્યો તે અરવિંદ આચાર્યને અનેક લોકો જાણતા હશે. રાજકીય જીવનમાં પડેલા કોઈ સંત-ઓલિયા જેવા એ વ્યક્તિ હતા. તેમના સંસ્કાર ઊંચા હતા. સામાન્ય લોકો તરફની તેમની સંવેદનશીલતા દાખલારૂપ હતી. રસિકભાઈ જેવા મોટા ગજાના નેતાનો પોતાના પરનો પત્ર જોઈને ઉત્સુકતાથી પત્ર વાંચ્યો. રસિકભાઈના આકરા શબ્દો વાંચીને આ સાત્વિક નેતા અંદરથી હલી ગયા. તરત જ સવિતાબેનના રજાની માંગણી સંબંધેના કેસની વિગતો મંગાવી. રજા તો નિયમ અનુસાર મંજુર કરવાને પાત્ર હતી જ. કોઈક કારણે વિલંબ થયો હતો. એ બાબત પણ સ્પષ્ટ હતી. તરત જ રજાની માંગણી અંગેના આ કેસ પર નિર્ણય થયો. રજાઓ મંજુર કરવામાં આવી છે તેની જાણ સવિતાબેન તથા દિલીપભાઈને કરવામાં આવી. અરવિંદભાઈ આચાર્ય આ નિર્ણય ન થયો ત્યાં સુધી પાણીનું એક બુંદ પણ લઇ શક્યા નહિ. જવાબદેહી રાજ્યતંત્રની મહાત્મા ગાંધીની કલ્પના હતી. વહીવટમાં જો નિર્ણયો કરવામાં વિલંબ થાય તો તેના અનેક ગેરફાયદાઓ છે. ત્વરિત ન્યાય એ સામાન્ય લોકોની અપેક્ષા છે. આવો ગુણવત્તા આધારિત ન્યાય મેળવવાનો નાગરિકોનો હક્ક પણ છે. રાઈટ ટુ ઇન્ફોરમેશન(RTI) જેવા કાયદાઓ પણ તંત્ર નાગરિકો તરફ જવાબદારીપૂર્વક વર્તન કરે તે સુનિશ્ચિત કરવા માટે છે. આથી તંત્રમાં સંવેદનશીલતા જાગે તે માટે રસિકભાઈ પરીખે પ્રગટ કરેલો આક્રોશ હૈયામાં ધારણ કરવા જેવો છે. આવા ઉમદા વહીવટકર્તાઓના આપણે ત્યાં ઉદાહરણો પણ છે. આ સંદર્ભમાં ઉદાહરણ તરીકે ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી કે ગોંડલના રાજવી ભગવતસિંહજીનું ત્વરિત સ્મરણ થાય છે. સામાન્ય લોકોના દુઃખમાં ભાગીદાર થવાની સર પટ્ટણીની ભાવના તેમની કલમથી પ્રગટી છે. દરેક શાસકો-વહીવટકર્તાઓ હૈયામાં મઢીને રાખવા જેવા આ શબ્દો છે.
જન મન અંદર પેસીને
દુઃખમાં ભાગિયો થાઉં,
બની શકે તો શાંતિ કરું
નહીંતર અશ્રુએ એના ન્હાઉ,
બતાવો ઉપાય કો એવો
દુઃખે બનું ભાગિયો એવો.
શાસ્ત્રોએ પણ જીવનમાં સંવેદનશીલતાના આવા પાઠ આપણને શીખવ્યા છે. મહાભારતના પ્રચંડ વિનાશકારી યુદ્ધમાં ટીટોડીના નાના બાળની રક્ષા યોગેશ્વર કૃષ્ણ ભીષણ સંગ્રામની વચ્ચે પણ કરે છે. ગાંધીજી તો ખુદ સંવેદનશીલતાની હરતી ફરતી મૂર્તિ સમાન હતા. દાંડીકૂચનાં પ્રારંભે જ સાબરમતીના આ સંતે કૂચમાં જોડાતા પહેલા માનવ માત્ર પ્રત્યેની અંતરની અનુકંપાના દર્શન કરાવ્યા હતા. સાબરમતી આશ્રમના કોઈ બીમાર વ્યક્તિના સમાચાર પૂછી તેમજ તેને દવા-પરેજી વગેરે બાબતોની પૂરતી સમજ શાંતિથી આપ્યા પછી જ વિશ્વની એક વિરાટ કૂચમાં તેઓ જોડાયા હતા. ગાંધીનો સંદેશ સ્પષ્ટ હતો. બીમાર માણસની સેવા કરવી તે જીવનની અગ્રતાનો વિષય હોવો જોઈએ. પ્રેમ તથા કરુણાની આ પરંપરા અવિરત ચાલી રહી છે. આવી વિચારધારા તેમજ તેણે અનુરૂપ વર્તન આપણને એક સ્વસ્થ સમાજ બનાવે છે. પ્રેમ અને કરુણાની આ સરવાણી લુપ્ત થઇ નથી તે આપણું સદ્ભાગ્ય છે. મોરબી પુલની દુર્ઘટનામાં ઘવાયેલા લોકોની હોસ્પિટલમાં ખબર અંતર પૂછતાં દેશના પ્રધાનમંત્રીની ઊંડી વ્યથાના ભાવ તેમના ચહેરા પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. આ હકીકત પણ આ સંવેદનશીલતાનો જ એક પુરાવો છે. મહાત્મા ગાંધીની હાજરીમાં ઘડાયેલા નેતાઓના વાણી અને વર્તનમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. રસિકભાઈ પણ ગાંધીયુગના પ્રભાવમાં તૈયાર થયેલા એક મોટા ગજાના નેતા હતા. ઢેબરભાઈ તેમજ રસિકભાઈના નેતૃત્વ હેઠળ ચાલેલી સૌરાષ્ટ્ર સરકારે એક સક્ષમ તેમજ સંવેદનશીલ વહીવટીતંત્રનું ઉજળું ઉદાહરણ પૂરું પડ્યું હતું.
વસંત ગઢવી
તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૨
Leave a comment