ચારણી સાહિત્ય તથા તેના સર્જકોથી ગુજરાત અને રાજસ્થાન અજાણ્યા નથી. આ સાહિત્યનો પ્રભાવ તથા દબદબો છેક કચ્છના રા’લાખા ફુલાણીના કવિ માવલ વરસડાથી શરુ થયો હોવાનો સંશોધકોનો મત છે. (વી. સ. ૯૧૧ થી ૧૦૩૫) માવલ વરસડાના દુહાઓ પણ મળે છે. ચારણી સાહિત્યના ખેડાણ તથા ઝીણવટભર્યા સંશોધનનું કાર્ય રતુદાન રોહડિયાએ કરેલું છે. કે. કે. શાસ્ત્રી જેવા વિદ્વાનોનું પણ તેમાં મહત્વનું યોગદાન છે. રતુભાઇએ ચારણી સાહિત્ય વિશેની શોધયાત્રા સળંગ લેખોના સ્વરૂપે “ઉર્મિનવરચના” માસિકમાં પ્રસિદ્ધ થઇ હતી. ચારણી સાહિત્યમાં સમાવેશ થાય તેવી શૈલીમાં ચારણો ઉપરાંત અન્ય સમાજના કવિઓનું પણ યોગદાન છે. સમગ્ર સંશોધનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના તત્કાલીન કુલપતિ ડોલરરાય માંકડનું મહત્વનું યોગદાન છે. જયમલ્લભાઇ પરમાર તથા ‘ઉર્મિનવરચના’ એ આ વિષયના સંશોધન-સંપાદનને બળ પુરા પાડ્યા છે. દિશા નિર્દેશ આપેલો છે. ભુજના રાજ્યકવિ શંભુદાનજી રત્નુના હસ્તપ્રત ભંડારમાંથી પણ રતુભાઈને મહત્વના દસ્તાવેજો મળ્યા છે. નજીકના ભૂતકાળમાં પ્રો. જશવંત શેખડીવાળા, ડો. પ્રભાશંકર તેરૈયા, પ્રો. બળવંત જાની તથા ડો. અંબાદાન રોહડિયાએ ચારણી સાહિત્ય સંદર્ભમાં મહત્વનું યોગદાન આપેલું છે.
રતુભાઈના સંશોધન અભ્યાસના આધારે કહી શકાય કે ચારણી સાહિત્ય એ એક વિશિષ્ટ સ્વરૂપનું સાહિત્ય છે. તે લોક્સાહિત્યથી ભિન્ન છે. તેનું અલગ છંદશાસ્ત્ર છે. તેના ખાસ અલંકારો છે. આ સાહિત્યમાં દુહાઓની એક વિશેષ લોકપ્રિયતા રહી છે. આ સાહિત્ય મુખ્યત્વે વીરરસ તથા ભાવપ્રધાન હોવાનું તારણ છે. “રતન ગયું રોળ”નો એક માર્મિક દુહો આજે પણ લોકજીભે રમે છે.
કાયા કંકુની લોળ,
અમે સાચવતાં સોના જી
પડયા રાંકને રોળ
પાદર તારે પોરસા.
નાદવૈભવ એ આ સાહિત્યની વિશેષતા છે. આવા ઉજળા ચારણી સાહિત્યના અનેક કવિઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. આ કવિઓના કીર્તનો આજે પણ ગવાતા રહે છે. ઉમંગભેર ઝીલતા રહે છે. સંપ્રદાયની શોભામાં આ ચારણ કવિઓએ અભિવૃદ્ધિ કરી છે.
હાલના દિવસોમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે. કેટલાક પ્રસંગો એવા હોય છે કે જેનો જે તે યુગ પર પ્રભાવ પથરાય છે. આવા પ્રસંગો યુગને પ્રભાવિત કરનારા અને અસંખ્ય લોકોની દીર્ઘ સ્મૃતિમાં રહે તેવા સબળ હોય છે. આ બાબતનું એક ઉચિત ઉદાહરણ લઈએ તો આ (અમદાવાદ) શહેરમાં જ લગભગ સાડા નવ દસકા પહેલા એક પોતડી પહેરીને નીકળેલા મહાત્મા એ દાંડીકૂચ આદરી હતી. દાયકાઓ બાદ આજે પણ દાંડીકૂચની સ્મૃતિ ઝાંખી થતી નથી. કારણ સ્પષ્ટ છે. દાંડીકૂચની ઘટના એ યુગને પ્રભાવિત કરનારી હતી. એવો જ એક બીજો લાંબા સમય સુધી અસંખ્ય લોકોના મનમાં રહે તેવો પ્રસંગ આ વર્ષના ડિસેમ્બર તથા જાન્યુઆરી માસમાં (૨૦૨૨-૨૩) ઉજવવામાં આવી રહેલો છે. શતાબ્દી મહોત્સવ અનેક લોકો માટે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો અજોડ પ્રસંગ છે. વિશ્વ વંદનીય સંત વિભૂતિ શ્રી પ્રમુખસ્વામી મહારાજના આ મહોત્સવના સંદર્ભમાં એક સ્નેહ મિલનનું આયોજન થયું. આ પ્રસંગને અનુલક્ષીને BAPS સંસ્થા દ્વારા ચારણ ગઢવી સમાજનું સ્નેહ સંમેલન અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં બોલાવવાનું એક ઉચિત કાર્ય થયું. ભાઈ દિલીપભાઈ શિલગા, ડો. કિરીટભાઈ મોડ, સમર્થદાનજી ઝૂલા તથા બળવંતભાઈ બાટીનું નિમંત્રણ અનેક લોકોને મળ્યું. ભાઈ કૌસ્તુભ મોડ તથા તેમની ટીમ તરફથી સમગ્ર પ્રસંગનું સુંદર સંકલન થયું. આદરણીય સંતગણ ઉપરાંત આપણી શોભા વધારે તેવા પદ્મશ્રી ભુખુદાનભાઈના પ્રભાવી અને અર્થસભર વાણી પ્રભાવથી પ્રસંગની ગરિમા વધી. યોગાનુયોગ ચારણ ગઢવી સમાજ સાથે સાથે રઘુવંશી સમાજ તેમજ સોની સમાજના અગ્રણિઓ પણ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત હતા. પૂ. આઈ શ્રી સોનલમાને કારણે સોની સમાજ સાથેનો આપણો એક વિશિષ્ટ નાતો રહેલો છે. પરમ આદરણીય અક્ષરવત્સલ સ્વામીએ સુંદર રીતે સમગ્ર આયોજન તથા પૂજ્ય પ્રમુખસ્વામીના જીવન પર વિશેષ પ્રકાશ પાડ્યો. શતાબ્દી સમારોહના આયોજન બાબતમાં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી.
અમદાવાદનો આ મહોત્સવ તેની વ્યવસ્થા અને વિશાળતા માટે એક અલગ છાપ ઉભી કરી શકે તેવો સુઆયોજિત છે. આ બાબત મહત્વની છે. પરંતુ થોડું વિશેષ પામવાનો પ્રયાસ કરીએ તો આ સમગ્ર આયોજનના બહુવિધ તથા બહુમૂલ્ય સ્વરૂપો છે. જે સંતની સ્મૃતિમાં આ મહોત્સવ યોજવાનો છે તેમના દર્શનના અને વ્યક્તિગત મુલાકાતના અનેક પ્રસંગો મારા સેવાકાળ દરમિયાન થયા છે. આથી એમ લાગે છે કે પ્રમુખસ્વામી મહારાજના જીવનના સંસ્કાર, સાદગી, સૌજન્ય તથા શીલનો સંદેશ સમગ્ર જગતને આ મહોત્સવના માધ્યમથી મળી શક્યો તેમ કહી શકાય. અનેક વિટંબણાઓથી ઘેરાયેલા વિશ્વને કદાચ શાંતિ અને સ્નેહનો આ સંદેશ એક માનસિક શાંતિ અને સ્વસ્થતા આપનારો બની રહેશે. સર્વજનોના હીત માટે સહજાનંદ સ્વામીએ જીવનના પ્રારંભકાળે જ એક દિવ્ય તથા દ્રઢ સંકલ્પ કર્યો હતો. આજના સંદર્ભમાં તે વિશેષ પ્રસ્તુત છે.
સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ચારણ સમાજને તથા સમાજના કવિઓને એક વિશિષ્ટ નાતો લાંબા સમયથી રહેલો છે. આજે પણ તે સબંધ તથા સંપર્કની કડી મજબૂત છે. મૂળભૂત રીતે ચારણ સમાજ એક શ્રદ્ધાવાન લોકોનો સમૂહ છે. અહીં અંધશ્રદ્ધા નહિવત છે. પરંતુ તર્કબદ્ધતા તથા સમજદારીથી વિકસેલી શ્રદ્ધા છે. આ સમાજની શ્રદ્ધામાં શંકા કે ભય નથી. તેમાં પુરા વિશ્વાસનો ભાવ રહેલો છે. મહદ્દઅંશે ચારણ સમાજની શ્રદ્ધા જગદંબામાં કેન્દ્રિત થઇ છે. સમગ્ર જીવન તથા અંતકાળે પણ ભગવતીની જ મહેરબાનીમાં સમાજનું ચિત્ત પરોવાયેલું છે. જગદંબાએ પણ વખતો-વખત આ શ્રદ્ધાને બળ મળે તેવી કૃપા કરી છે. જેના કારણે જગદંબા તરફની આ શ્રદ્ધાનો ભાવ વિશેષ મજબૂત થયો છે. વ્યક્તિગત અને સામુહિક રીતે ચારણ સમાજની પ્રાર્થના છે.
જે કર માડી ઝીલીયા,
જે કર પોષ્યા જોય
તેડી લેજે તોય
એ કરથી છેવટ કાગડા.
જેણે જગતમાં ઝીલ્યા છે તે જ અંતવેળાને સાચવી લેશે તેવી શ્રદ્ધા માતૃભક્તિની અખંડ ઉપાસનામાંથી પ્રગટી છે. ઈશ્વર તરફની આ શ્રદ્ધાના ભાવનું જ રટણ મહાત્મા ઇસરદાસજીની દિવ્યવાણીમાં પણ પ્રગટ થયું છે.
નારાયણ હું તુંજ નમું
ઇણ કારણ હરિ આજ
જીણ દિન આ જગ છંડણો
તીણ દિન તો સું કાજ.
ચારણની આ શ્રદ્ધામાં વિશેષ બળકટતા છે કારણકે આ શ્રદ્ધા તેના વ્યક્તિત્વના તથા જીવતરના સામર્થ્યમાંથી પ્રગટ થયેલી છે. સામર્થ્યની વાત જયારે આવે ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંતની સ્મૃતિ અચૂક થાય છે. સદગુરુ સંતનું સામર્થ્ય એ આપણાં સામર્થ્યના ગુરુ શિખર સમાન છે. શ્રદ્ધાના તેમજ સમર્પણના ભાવ ખુબ જ ઉચિત રીતે બ્રહ્માનંદ સ્વામીના સુંદર શબ્દોમાં ઉતાર્યા છે.
રે…શિરે સાટે નટવરને વરીએ
પાછા તે પગલાં નવ ભરીએ.
રે…રંગસાહિત હરિને રટીએ
હાક વાગ્યે પાછા નવ હટીએ
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ…
રે શિર સાટે…
હરિ સાથેના જોડાણમાં નબળો કે શંકાયુક્ત ભાવ ન હોઈ શકે. ત્યાં તો ‘ડગલું ભર્યું કે ના હટવું’ જેવો સમર્પણનો જ ભાવ હોય તેમ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે. ચારણ સમાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો આ સ્નેહ-શ્રદ્ધાનો સંબંધ વર્તમાનમાં રહ્યો છે તેમજ વિકાસ પામ્યો છે. વિસ્તૃત થયો છે. બ્રહ્માનંદ સ્વામીથી સ્થાપિત થયેલી ધર્મપરાયણતાનો આ તાંતણો કવિ માવદાનજી રત્નુ સુધી વિસ્તરેલો છે. સંબંધ-સંપર્ક તથા શ્રદ્ધાનો આ તંતુ આજે તો વિશેષ મજબૂત થયો છે. ચારણ સમાજના અનેક યુવાનો સંપ્રદાયના કામ સાથે ઉમંગભેર જોડાયા છે.
ચારણ કવિઓમાંથી અનેક સમર્થ કવિઓએ રાજવીઓની પ્રશંસા કરી તેમ ઇતિહાસ બતાવે છે. આ પ્રશંસા પણ ગુણ આધારિત હતી. રાજવીઓમાં પણ જ્યાં નબળાઈઓનું દર્શન થયું ત્યાં ચારણ કવિઓએ મોઢામોઢ આ સત્ય વચનો પોતાની કાવ્યવાણીમાં ભય રહિત રહીને વહેતા કર્યા છે. કેશરીસિંહજી બારહઠ જેવા સમર્થ ક્રાંતિવીરોએ પ્રચંડ સત્તાબળ ધરાવતા બ્રિટિશ શાસન સામે બગાવતના ભાવમાં કાવ્યો રચ્યા છે અને ગાયા છે. તેમ કરતા જે આફતો આવી તે હસતા મુખે સ્વીકારી છે. આ રીતે જ પરમ કૃપાળુ-પરમાત્મા તથા જગદંબા તરફ પણ શ્રદ્ધા-સમર્પણના ભાવથી ચારણ કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. ચારણ ગઢવી સમાજમાં અનેક નામધારી સંતો-ભક્તો-કવિઓ થયા છે. પોતાની કવિત્વશક્તિથી તેમણે સાહિત્ય તથા સમાજની શોભા વધારી છે. મહાત્મા ઇસરદાસજી કે સાંયાજી ઝૂલાની જેમ બ્રહ્માનંદ સ્વામી પણ આ પરંપરાનું એક દિગજ્જ નામ છે. સહજાનંદ સ્વામીના પ્રતાપી શિષ્ય શ્રીરંગ કવિ બ્રહ્માનંદ સ્વામીના નામથી વ્યાપક કીર્તિને વર્યા. તેમનો જન્મ ગુજરાતની સરહદે રાજસ્થાનમાં આવેલા ખાણ ગામમાં થયો હતો. બ્રહ્માનંદ સ્વામીનું વિસ્તૃત જીવનવૃતાંત મહેનત તથા ઉત્તમ સંશોધકને છાજે તેવી કાળજીથી જામનગરના રાજ્યકવિ માવદાનજી રત્નુએ લખ્યું. આ દળદાર પુસ્તક “શ્રી બ્રહ્મસંહિતા’ના નામથી સુપ્રસિદ્ધ છે. વડતાલ ધામના મહંત તેમજ મુળી તેમજ જૂનાગઢમાં શિખરબંધ મંદિર બાંધનાર બ્રહ્માનંદ સ્વામીનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અજોડ સ્થાન છે. તેમની કવિત્વ શક્તિનો સ્વીકાર તથા આદર સંપ્રદાય બહાર સમગ્ર સાહિત્ય જગતમાં પણ તેટલો જ છે. ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ કહેવત મુજબ બાળપણથી જ સ્વામીની કાવ્યો તથા છંદોની છટાદાર અભિવ્યક્તિને કારણે રાજસ્થાનના શિરોહીના મહારાજા પ્રસન્ન થયા હતા. રાજવીના દરબારમાં બેઠેલા સૌનું ધ્યાન આ કિશોરે આકર્ષિત કર્યું હતું. મહારાજ રત્ન પારખું હતા. મહારાજને થયું કે આ કુમળા વયના કિશોરને જો યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તે એક સમર્થ કવિ બની શકે તેમ છે. પુરા દેશમાં તે વખતે કવિઓને શિક્ષિત કરવાની સંસ્થા એક માત્ર ભુજ(ગુજરાત)માં હતી. શિરોહીના રાજવીએ રાજ્યના ખર્ચે કિશોર લાડુદાનને ભુજ ભણવા મોકલવા માટે આગ્રહ કર્યો. એક દીર્ઘદ્રષ્ટિવાળા શાસકની તીક્ષ્ણ નજરને કારણે એક મહાન કવિના નિર્માણની પ્રક્રિયા શરુ થઇ. લાડુદાનમાં જન્મજાત કવિત્વ શક્તિ તો હતી. ભુજમાં તાલીમ તથા શાસ્ત્રોના અધ્યયનથી આ શક્તિમાં અનેકગણી વૃદ્ધિ થવા પામી. પિંગળશાસ્ત્ર તથા ચારણી સાહિત્યમાં લાડુદાનજી સખત અધ્યયન કરીને નિપુર્ણ થયા. કાવ્યશક્તિ, તર્કશક્તિ, યાદશક્તિ તેમજ શીઘર્શક્તિમાં લાડુદાનજી માહિર હતા. ગાંધર્વ સમાન ગાવાની શક્તિ એ તેમને ઈશ્વરદત્ત મળેલી ભેટ સમાન હતી. કચ્છ રાજવીનો ભુજમાં સ્થાયી થવાનો આગ્રહ હોવા છતાં તેઓએ ત્યાંથી વિચરણ કરવાનું પસંદ કર્યું. કદાચ કુદરતને આ શક્તિપૂંજનું કોઈ એક જગાએ બંધિયાર થવું મંજુર ન હતું. જે જે રાજ્યોની તેમણે મુલાકાત કરી ત્યાં તેમને અનોખા આદરમાન મળ્યા. જૂનાગઢના નવાબે પણ કવિનો ભાવથી આદરસત્કાર કર્યો. અમૂલ્ય જીવન પ્રાપ્ત થયું છે તો નેકી કરીને જવું તે મતલબનું એક સુંદર કવિત તેમણે જૂનાગઢના નવાબ તથા સમગ્ર દરબારીઓને સંભળાવ્યું. જૂનાગઢના નવાબના વિદ્વાન કાજીને આ કવિત સમગ્ર કુરાનેશરીફના સાર જેવું લાગ્યું.
દિયા હૈ ખુદાને ખુબ ખુશી કર
ગ્વાલ કવિ, ખાના પીના લેના દેના
ઓહી રહ જાના હૈ.
હિલો મીલોં પ્યારે જાન બંદગીકી
રાહ ચલો, જિંદગી જરાસી તામે
દિલ બહલાના હૈ.
આવ પરવાના બને એક હુંન
બના, યાતે નેકી કરજાના
ફિર આના હૈ ન જાના હૈ.
ભાવનગરના મહારાજા વજેસિંહજીના દરબારમાં પણ કવિશ્રીનો અનેરો આદરસત્કાર થયો. અહીં જ ગઢડામાં બિરાજતા કોઈ ભિન્ન પ્રતિભા ધરાવતા સહજાનંદ સ્વામી વિશે વાત થઇ. ઉત્સુકતાથી સ્વામીને મળવા તથા પરખવા ગઢડા ગયેલા કવિ નદી સાગરને મળે તેમ ભગવાનના સ્વરૂપ અને કાર્યમાં તન-મન-ધનથી વિલીન થયા. વિધિનું આ નિર્માણ હતું.
આજની ઘડી રે ધન્ય
આજની ઘડી, નેણે નીરખ્યા
સહજાનંદ, ધન્ય આજની ઘડી.
જ્ઞાનકુચી, ગરુ ગમ સેં ગયા
તાળા ઉઘડી, લાડુ સહજાનંદ
નીરખતા ઠરી આંખડી રે.
શ્રીજી મહારાજ સાથેની બ્રહ્માનંદ સ્વામીની એકનિષ્ઠ ભક્તિ એ સંપ્રદાય કે સંતો-ભક્તોના ઇતિહાસમાં અદ્વિતીય ગણી શકાય તેવી છે. અન્યોઅન્ય માટેનો સ્નેહ પણ જવલ્લે જ જોવા મળે તેવો છે. મહારાજને જયારે સ્વધામમાં જવાનું થયું ત્યારે તેમણે યુક્તિ કરીને બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મોકલી આપ્યા. બ્રહ્માનંદ સ્વામી હશે તો પોતાને ધામમાં જવું અઘરું થશે તેવી મહારાજની પ્રતીતિ હતી. સ્વામી અને શિષ્યનો આ નિર્મળ સ્નેહ દ્રષ્ટાંતરૂપ ગણાય છે. સવંત ૧૮૬૧માં સ્વામી શ્રીજી મહારાજને મળ્યા ત્યારથી આરંભ કરીને સવંત ૧૮૮૮ સુધી બ્રહ્માનંદ સ્વામીએ સાહિત્યસેવાના સબળ માધ્યમથી શ્રીજી મહારાજને રાજી કાર્ય હતા.
બ્રહ્માનંદ સ્વામીનું કાવ્યવિશ્વ એ આપણાં સાહિત્યનો અમૂલ્ય ખજાનો છે. આજે પણ સ્વામીના કીર્તનો અનેક મંદિરોમાં નિયમિત રીતે સાંભળવા મળે છે. આ ઉપરાંત સ્વામીએ સાહિત્યની દીક્ષા આપી તેમાં સદગુરુ દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, વૈષ્ણવાનંદજી, જામનગર રાજ્યના વજાભાઇ મહેડુ વગેરે અનેક સુપ્રસિદ્ધ કવિઓનો સમાવેશ થાય છે. સ્વામીના શિષ્ય દેવનંદસ્વામી પાસે કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈ પિંગળ કાવ્યશાસ્ત્ર ભણ્યા હતા. સદગુરુ અવિનાશાનંદસ્વામીએ બ્રહ્માનંદ સ્વામીની મહત્તા વર્ણવતો સુંદર દોહો લખ્યો છે.
બ્રહ્મમુનિ ભાનુસમ, મુક્ત પ્રેમ દો ચંદ,
ઔર કવિ ઉડુગન સમા, કહે અવિનાશાનંદ.
વીરરસ, ભક્તિરસ અને તમામ રસસિધ્ધ કાવ્યોની બ્રહ્માનંદસ્વામીની વિપુલ કાવ્યરાશિ છે. સ્વામીના કાવ્યોમાં તળ ભાષાનો ઉપયોગ તેમજ વીરરસની છાંટને કારણે વિશેષ આકર્ષણને પાત્ર થયા છે. ચારણી છંદોની ઝાકઝમાળ પણ તેમના કાવ્યો-છંદોની રચનાઓમાં જોવા મળે છે. ‘રંગભર સુંદર શામ રમે’ અને ‘નટવર નાચે’ એવા બે સુંદર છંદો છેલ્લા બસ્સો વર્ષથી સતત ગવાતા રહ્યા છે. વિશાળ લોકસમૂહે તેને આકંઠ માણ્યાં છે. બ્રહ્મમુનિના સાહિત્યમાં મૌલિકતા ઉડીને આંખે વળગે તેવી છે. ભાષાના ભિન્ન ભિન્ન શબ્દ પ્રયોગોનો ઉપયોગ ભાષા વિશારદોને પણ મુગ્ધ કરે તેવો છે. તેમના માર્મિક કાવ્યો તથા કાવ્ય ભાષાની ગૂઢતા આ કૃતિઓને રમણીય બનાવે છે. સવૈયા-રેણકી કે ચર્ચરી છંદોમાં પ્રતિબદ્ધ થયેલી તેમની રચનાઓ કાળજયી છે. આ કાવ્યોનું પઠન કરવામાં આવે કે ગાવામાં આવે તો શ્રોતાઓને ડોલાવી જાય છે. તેમનું કેટલુંક સાહિત્ય ‘છંદરત્નાવલી’ના નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયું હતું. સંસ્કૃતનું પણ વિધિવત શિક્ષણ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજની ઈચ્છાથી લીધું હતું. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોથી શ્રીજીમહારાજ હંમેશા પ્રસન્ન રહેતા હતા. સ્વામી સંતુર, સિતાર આદિ વાજીંત્રોના વાદનમાં પણ કુશળ હતા. બ્રહ્મમુનીએ તેમના અનેક કીર્તનોમાં શ્રીજી મહારાજની મૂર્તિ અખંડ રીતે આંખોમાં રહે તેવી લાગણી સાથે લખી છે અને ગાઈ સંભળાવી છે. બ્રહ્માનંદ સ્વામીના સાહિત્યનું મૂલ્ય તથા તેની શોભા માત્ર સંપ્રદાયના સંદર્ભમાં જ છે તેમ કહી શકાશે નહિ. સમગ્ર ગુજરાતી સાહિત્યમાં સ્વામીનું સાહિત્ય મહત્વનું સ્થાન ધરાવે છે.
સદગુરુ મહાકવિ બ્રહ્માનંદ સ્વામી સાથે જ ચારણ સમાજમાં જન્મેલા સદગુરુ દેવાનંદ-સ્વામીનું સ્મરણ અચૂક થાય છે. સદગુરુ મહાકવિ દેવાનંદ સ્વામીનું નામ સંપ્રદાયમાં તથા સમાજમાં એક પ્રખર વિદ્વાન તેમજ અનોખી કાવ્યશક્તિ ધરાવતા સંતકવિ તરીકે ખુબ જ જાણીતું છે. અઢારમી સદીમાં સહજાનંદ સ્વામીના પ્રાદુભાર્વ પછી જે કેટલાક તેજસ્વી સંતગણનો ઉદય થયો તેમાં સદગુરુ દેવાનંદ સ્વામીનું નામ જાણીતું છે. ભાલ પ્રદેશમાં તેમજ હાલના સુરેન્દ્રનગર જિલ્લાના બળોલ ગામે શ્રી જીજીભાઈને ત્યાં તેમનો જન્મ થયો હતો. દેવાનંદસ્વામીનું પૂર્વાશ્રમનું નામ દેવીદાન હતું. પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત મુજબ બાળપણથી જ દેવીદાનનું વ્યક્તિત્વ અલગ તરી આવતું હતું. દેવાનંદસ્વામી તેમના કીર્તનોથી જાણીતા છે. સદ્ભાગ્યે તેમના કીર્તનોની હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં મળી આવી હતી. રેવન્યુ વિભાગના અમારા માર્ગદર્શક અને વિદ્વતજન તેમજ હોદ્દાની રૂએ નાયબ કલેક્ટર સાગરદાનભાઈ ઝીબાએ ભાવિ પેઢીઓ માટે ઉપકારક બની રહે તેવું પાયાનું કાર્ય કર્યું. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે નિષ્ઠાથી જોડાયેલા હતા.તેમણે આ કીર્તનોની હસ્તપ્રત પરથી મહેનત કરીને મૂળ લખાણમાંથી કીર્તનો તેમજ અન્ય સામગ્રી તારવી હતી. આ ઉપરાંત દેવાનંદસ્વામીનું જીવનવૃતાંત તૈયાર કરવામાં સુપ્રસિદ્ધ કવિરાજ માવદાનજી રત્નુએ ઘણું સંશોધન કાર્ય કરેલું છે. આથી સ્વામીના જીવન વિશે પ્રમાણભૂત માહિતી મળી શકે છે.
સદગુરુ દેવાનંદ સ્વામી પર શ્રીજી મહારાજને ઘણું હેત હતું. મહારાજ એક પ્રસંગે જેતલપુર ગયા હતા. ત્યાંથી સીધા જ બળોલ ગયા. શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં આ દેવીદાન નામ પાછળ છુપાયેલા અમૂલ્ય રત્નની પરખ હોય તે ખુબ સ્વાભાવિક છે. મહારાજ સ્નેહથી બળોલ ગામની મહેમાનગતિ માણે છે. તાંસળી ભરીને થુલી તથા દૂધનું ભોજન સ્વીકારે છે. દેવીદાનની દ્રષ્ટિ મહારાજ પર સ્થિર થાય છે. નજર ત્યાંથી હટતી નથી. સ્વામીના કીર્તનમાં આ ભાવ શબ્દદેહે પામે છે.
હાં રે વાલા ઊંચી ઉપડતી છાતી ઉપરે,
હાં રે હેતે પેર્યા ગુલાબી રૂડા હાર રે….
હાં રે વાલા દેવાનંદ કહે છબી શામળા રે,
હાં રે તમે મુજને દેખાડી કરી મેર રે….
નવલ સ્નેહી મારા નાથજી રે.
સહજાનંદ સ્વામીના દર્શનથી દેવીદાનનું હ્ર્દય દ્રવિત થયું. આંખમાંથી અશ્રુધારા ચાલી. ભક્ત અને ભગવાનનું અપૂર્વ અનુસંધાન થયું. મહારાજ દેવીદાનને કહે છે: અમે તમને તેડવા આવ્યા છીએ. સ્નેહ તથા કૃપાનો મહાસાગર છલકાતો હોય તેવો ભાવ દેવીદાનને થયો. દેવજાતિમાં જન્મ અને ઘેર બેઠા ગંગાના પ્રવાહમાં પવિત્ર થવાનું આ અવર્ણનીય સદ્ભાગ્ય હતું. દેવીદાન હવે દેવાનંદ બન્યા. મહારાજની ઈચ્છાથી સદગુરુ બ્રહમાનંદ સ્વામીનું શિષ્યત્વ પ્રાપ્ત થયું. કાવ્ય-અભ્યાસ કર્યો. સરસ્વતીદેવીના વિશેષ આશીર્વાદ મેળવ્યા. જયારે દેવાનંદસ્વામી ગાન શરુ કરે ત્યારે રાગ-રાગિણીઓ સ્વયં હાજર થતી હોય તેમ સાંભળનાર સૌને લાગતું હતું. બ્રહમાનંદ સ્વામી જેના પાસા પાડે તે હીરાનું મૂલ્ય શી રીતે આંકી શકાય? બ્રહમાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી તથા ભૂમાનંદ સ્વામીની હરોળમાં બેસી શકે તેવા સંતનો ઉદય થયો. બ્રહમાનંદ સ્વામીના અક્ષરવાસ પછી મુળીમાં મંદિરની મહંતાઈ દેવાનંદસ્વામીએ પૂર્ણ નિષ્ઠાથી જીવનપર્યંત કરી. ભગવાનના વિચરણ દરમિયાન દેવાનંદસ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ગાન કરતા હતા. સાંભળનારાને કોઈ અદભુત ગીત-સંગીતના પ્રવાહમાં તાણી જતા હતા. દેવાનંદ સ્વામી એક અચ્છા સંગીતજ્ઞ પણ હતા. સ્વામીની સિતાર બજાવવાની રીત પણ અનોખી હતી. પૂર્ણ સમર્પણ શ્રીજી મહારાજના ચરણોમાં હતું. જીવનમાં શ્રીજી ચરણ સિવાય કોઈ સ્પૃહા ન હતી. મુળી મંદિરનું મહંતપદ તેમણે બાવીસ વર્ષ સુધી જાળવ્યું અને સંપ્રદાયની શાનમાં અભિવૃદ્ધિ કરી. આજ મણકાના એક બીજા સંત પૂર્ણાનંદસ્વામી હેબતપુર ગામના હતા. ટાપરીયા શાખામાં જન્મેલા પૂર્ણાનંદસ્વામીનું પુર્વાશ્રમનું નામ ગજો ગઢવી હતું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ તેમને પિંગળ તેમજ સંગીતશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું. તેઓની ગાવાની છટા અદભુત હતી. સંપ્રદાય સાથેના કેટલાક મતભેદો છતાં પૂર્ણાનંદ સ્વામીની શ્રીજી તરફની નિષ્ઠા અખંડ રહી હતી. ધામમાં ગયા ત્યારે ફરી તેમની સમગ્ર વૃત્તિઓ શ્રીજીના ચરણોમાં વિરામ પામી હતી.
ચારણ કવિઓ-સંતોની આ ઉજળી પરંપરામાં નજીકના ભૂતકાળમાં આપણી વચ્ચે હયાત હતા તેવા કવિ પદમશ્રી દુલા ભાયા કાગ(ભગતબાપુ)નો પણ સમાવેશ થાય છે. ગઢડાના એક મહોત્સવમાં કવિ કાગે યોગીબાપાના દર્શન કર્યા અને તેમની આંખો તથા હૈયું યોગીસ્વામીમાં સ્થિર થયું. કવિ કલમના શબ્દો પ્રગટ્યા.
વામન વિરાટ જેવો લાગતો
કાગ દર્શન કીધે ભ્રમ ભાંગતો.
યોગીસ્વામીને પણ કવિ કાગ પ્રત્યે ઘણું હેત રહ્યું. કવિએ સ્વામીને પોતાના વતનના ગામ મજાદરમાં પધરામણી કરવા અંતરના ભાવથી નિમંત્રણ આપ્યું. યોગીજી મહારાજ કૃપા કરીને મજાદર આવ્યા. કવિશ્રીના સ્નેહનો આદર કર્યો. ભગતબાપુએ લખ્યું:
એક દી આ ગંગા મજાદર નીકળી,
ડૂબકી મારીને મૂંગો થયો કાગ.
યોગીસ્વામી તરફના સ્નેહ તથા શ્રદ્ધાના કારણે એકદમ ટૂંકા સમયમાં ‘યોગીમાળા’નું સર્જન થયું. આ પુસ્તક કવિ કાગના મહત્વના સર્જનો પૈકીનું એક છે.
આ રીતે જોઈએ તો કાળના દરેક મુકામે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુણાનુરાગ કરવામાં ચારણ કવિઓનું મહત્વનું પ્રદાન રહેલું છે. કોઈ પદ-પ્રતિષ્ઠાની સ્પૃહા સિવાય સંપૂર્ણ સમર્પણના ભાવથી આ સાહિત્યનું સર્જન થયું છે.
વસંત ગઢવી
તા. ૮ ડિસેમ્બર ૨૦૨૨
Leave a comment