વાટે…ઘાટે:પરિચયપુસ્તિકાશ્રેણીનાસર્જક: વાડીલાલડગલી:

  “મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે… ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે… ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો ‘મોસાળમાં માં પીરસે’ તેવો બેવડો લાભ મળે છે.” વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે પોતાના સુવિખ્યાત પુસ્તક ‘શિયાળાની સવારનો તડકો’માં લખ્યા છે. આ થોડા શબ્દોમાં ભલે વાડીલાલ ડગલીનું સમગ્ર વ્યક્તિત્વ બહાર ન આવે પરંતુ તેમના વ્યક્તિત્વનો એક અંદાજ જરૂર મેળવી શકાય. ચાલતા રહેવાનો શોખ ધરાવનાર વાડીલાલ ડગલી પોતાના જીવનમાં પણ સતત ગતિશીલ રહ્યા છે. ગતિશીલ રહ્યા છે તેથી વિકસતા પણ રહ્યા છે. તેમના ઘણાં લખાણોમાંથી એ બાબત સ્પષ્ટ થાય છે કે અકર્મણ્યતા સામે તેમનો ઊંડો અણગમો છે. વાડીલાલ ડગલી આપણાં એક અગ્રણી અર્થશાસ્ત્રી, સુવિખ્યાત પત્રકાર, સર્જનાત્મક સાહિત્યકાર, એક જાગૃત વિચારક, સામાજિક-રાજકીય ક્ષેત્રનાં વિશ્લેષક તથા એક કવિ હ્ર્દયના માણસ હતા. આવા બહુમુખી વ્યક્તિત્વ ઓછા જોવા મળે છે. તેમણે કરવાની થતી કામગીરીનું સ્વરૂપ જોતાં તે મહદંશે અંગ્રેજી ભાષામાં કરવાની હતી પરંતુ ગુજરાતી પ્રત્યેનો તેમનો સ્નેહ ઊંડો રહ્યો છે. વાડીલાલ ડગલીનું યોગદાન તો અનેક ક્ષેત્રોમાં છે. આવું યોગદાન મહત્વનું પણ છે. આમ છતાં માત્ર એક ‘પરિચય પુસ્તિકા’ની હરોળ સર્જવાનું એક માત્ર કાર્ય તેમણે કર્યું હોત તો પણ તેઓ આપણી સ્મૃતિમાં લાંબા કાળ સુધી આદરથી સચવાઈને રહ્યા હોત. લગભગ ૩૨ પાનામાં કોઈ પણ એક સાંપ્રત અથવા મહત્વના વિષયને કેન્દ્રમાં રાખીને જે તે વિષયના નિષ્ણાત વ્યક્તિ પાસે લખાણ કરાવીને તેને પરિચય પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરવાનો આ ક્રમ લાંબા વર્ષો સુધી જળવાઈ રહ્યો. મહિનામાં બે અને બાર મહિનામાં ચોવીસ પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાનો આ વિચાર ‘પરિચય ટ્રસ્ટ’ના માધ્યમથી વાડીલાલભાઈએ શરુ કરાવ્યો અને આ જ્ઞાનયજ્ઞ નિયમિત રીતે ચાલતો રહ્યો. જ્ઞાનવર્ધન તથા જ્ઞાનપ્રસારના આ ઉપરાંત બીજા કેટલાક નોંધપાત્ર પ્રયાસ ગુજરાતમાં થયા છે તેની અહીં સ્મૃતિ થાય છે. થોડા અલગ દ્રષ્ટિકોણથી પણ સરવાળે લોકો સુધી સારા પુસ્તકો પહોંચાડવાનો એક મહત્વનો પ્રયાસ ભિક્ષુ અખંડાનંદે કર્યો હતો જેનો પ્રસાદ આજે પણ આપણને મળતો રહે છે. વાંચન માટેની પરબ શરુ કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીએ પણ અરધી સદીની વાચનયાત્રાના ચાર ભાગ બહાર પાડીને વાચનયજ્ઞને ખરા અર્થમાં પ્રજવલિત રાખવાની સફળ કોશિષ કરી. મહેન્દ્રભાઈ શતાયુ થઈને હમણાં જ આપણી વચ્ચેથી ગયા પરંતુ વાચનમાળાઓના પ્રસારથી તેઓ આપણી સ્મૃતિમાં જીવંત રહેવાના છે. આ રીતે જ એક ઇન્સ્ટિટ્યુશનલ વ્યવસ્થા ઉભી કરીને વિશ્વકોશની ભેટ ગુજરાતને આપનાર ધીરુભાઈ ઠાકર પણ આ જ્ઞાનવર્ધનના કાર્યમાં મજબૂત માધ્યમ બન્યા. આવા બધા ઉજળા દ્રષ્ટાંતો સાથે જ પરિચય પુસ્તિકાના વાડીલાલ ડગલીના યોગદાનને યાદ કરવાનું રહે. અનેક અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ માટે પરિચય પુસ્તિકાઓ જ્ઞાનપ્રાપ્તિનું એક મહત્વનું સાધન બની રહી છે. વાડીલાલ ડગલી જેવા વિચારક તથા કાંતદ્રષ્ટાને જ આ પ્રવૃત્તિ ભવિષ્યની પેઢીઓ માટે જરૂરી લાગે. યોગ્ય વાંચન થકી સમાજ સ્વસ્થ બને છે. સમાજ સ્વસ્થ હોય તો જ લોકશાહી શાસન વ્યવસ્થા વધારે અસરકારક અને જવાબદેહી બની શકે છે. વાડીભાઈનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નાના એવા રોજિદ ગામમાં થયો હતો. વાડીલાલના ઘડતરમાં સી. એન. વિદ્યાલયે મહત્વનો ભાગ ભજવ્યો છે. અમદાવાદની આ શાળાનું ઐતિહાસિક મહત્વ છે. અનેક યુવાનોનું ઘડતર આ સંસ્થામાં થયું છે. “વિદ્યાવિહારે મને વિદ્યામાં વિહરતો કર્યો ” તેવું વાડીભાઈનું તારણ યથાર્થ છે. સી.એન. વિદ્યાલયમાં ઘડતર થયું એ વાતના સંદર્ભમાં એક બીજી બાબત પણ સાથે સાથે યાદ આવે છે. ભાલ પ્રદેશના રોજિદ જેવા ખોબા જેવા ગામડામાંથી અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં સેટલ થવાની પ્રક્રિયા સરળ ન હતી. પહેરવેશ તેમજ ગામઠી ભાષાના કારણે શાળામાં આ નવો આગંતુક જરા જુદો તરી આવે. આવા ગામઠી પહેરવેશ વાળાની મજાક પણ થાય. આ જોતા એમ લાગે છે કે ‘રેગિંગ’ની આજે ચર્ચાઓ થાય છે તેના મૂળ ઘણાં ઊંડા હોવા જોઈએ. પરંતુ આ ગામઠી છોકરો ગભરાય કે પાછો પડે તેવો ન હતો. એક તો અભ્યાસમાં ખુબ તેજસ્વી અને સાલસ સ્વભાવ એટલે એ સૌનો માનીતો થઇ ગયો ! વાડીભાઈના કુટુંબની બિલકુલ સામાન્ય સ્થિતિ હતી. આથી સી. એન. વિદ્યાલયની નજીવી ફી ભરવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ બધી તકલીફો વચ્ચે વાડીભાઈ જયારે માત્ર ૧૪ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી. વેદના, વ્યથા અને અનેક પ્રકારની વીટમ્બણાઓનીવચ્ચે પણ મહોરી ઉઠેલું આ વ્યક્તિત્વ મજબૂત તથા મક્કમ હતું. 

            સતત કામમાં રહેનારા અને કામને જ માનનારા આ કર્મવીર પત્રકારને કામના લીધે ઉભી થતી તાણનું સંગીત માણવું ગમતું હતું. કામનો ઉકેલ આવે અને આવું અલૌકિક સંગીત આપોઆપ તેમની ચેતનામાં પ્રગટ થતું રહેતું હતું. તાણવાળા જીવનમાં જ ચેતના મહોરી ઉઠે છે તેવું તેમનું દ્રઢ મંતવ્ય હતું. ઉત્સાહથી ગમે તે કામ કરવાની અમેરિકાની શૈલી તેમણે જોઈ હતી તેથી તેના પ્રશંસક હતા. તેઓના ગદ્યમાંથી આ બધી બાબતો સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે ઘણુંખરું અંગ્રેજીમાં લખતો પરંતુ એક દિવસ કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું કે “તમે અંગ્રેજીમાં લખો તે પત્રકારત્વ છે પરંતુ ગુજરાતીમાં લખશો તો તે સાહિત્ય થશે” ગુજરાતીમાં ‘સમર્પણ’ સામાયિક માટે લખવાની હરીન્દ્ર દવેની માંગણી તેમણે સ્વીકારી અને આપણી ભાષાને એક પછી એક એવા સુંદર નિબંધો મળતા ગયા. બ્રેકીંગ ન્યૂઝના આ યુગમાં નિરક્ષિર તારવીને હકીકતોના સ્વરૂપમાં રજુ કરનાર પત્રકારોની આજે વિશેષ જરૂરિયાત જણાય છે.

વસંત ગઢવી

તા. ૨૫ નવેમ્બર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑