“દસાડા દફતર બહાર” એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. દસાડાની ગણતરી ગમે તે હોય પરંતુ આ વિસ્તારના જ બજાણામાં જન્મેલા હસમુખ શાહ એક પ્રતિભાસંપન્ન વ્યક્તિવિશેષ હતા. હસમુખ શાહ ડિસેમ્બર ૨૦૨૧ મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ ચેરમેન હતા. તદ્દન વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતા પ્રધાનમંત્રીઓ-મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી તથા ચૌધરી ચરણસિંહના સચિવ તરીકેનું કામ તેમણે કર્યું હતું. ભારતીય રાજકારણના સતત બદલાતા સમયગાળાને તેમણે નજીકથી જોયો હતો. આ સિવાય પણ અનેક કંપનીઓની સ્થાપના તેમજ વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું. દર્શક ઇતિહાસનિધિનો વિકાસ હસમુખભાઈને આભારી છે. આ બધું હોવા છતાં તેઓ એક સંપૂર્ણ વિવેકી તથા સોંજન્યશીલ વ્યક્તિ હતા. તેમના કર્મથી તેઓ એક બ્યુરોક્રેટ હોવાના કારણે તેમની જાહેરમાં દેખાવાની બાબત પ્રમાણમાં ઓછી હોય છે. આથી તેમની ભાતીગળ જીવનયાત્રા બાબતમાં સામાન્યતઃ લોકોની જાણકારી ઓછી હોય તે સમજી શકાય તેવી બાબત છે. અનેક લોકો તેમના કાર્યથી પુરા પરિચિત ન હોય તે સ્વાભાવિક પણ છે. પરંતુ હસમુખભાઈનું જીવન તથા યોગદાન એવા હતા કે તેની નોંધ લેવાય તથા તેમના વિશેની જાણકારી વિસ્તરે તેમાં આપણી પણ શોભા છે. એક બ્યુરોક્રેટ પાસેથી સમાજ તથા સરકારની અપેક્ષાઓ તો ઘણી હોય છે. પરંતુ અપેક્ષાઓ સામે ખરા ઉતારે તેવા વિરલા ઓછા હોય છે. આવા લોકો સમાજની સ્મૃતિમાં લાંબા કાળ સુધી રહે છે. આવી વ્યક્તિઓ પૈકીના એક એટલે લલિતચંદ્ર દલાલ પણ એક કર્મઠ અધિકારી હતા. જેમણે ગુજરાત રાજ્યના નિર્માણ તથા વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. હજુ ગઈકાલ સુધી આપણી વચ્ચે હતા તેવા અનિલભાઈ શાહની સ્મૃતિ પણ આ સંદર્ભમાં થાય છે. અનિલભાઈ શાહની સૂઝ તેમજ દ્રષ્ટિને કારણે સરકારની યોજનાઓમાં વ્યાપક જનભાગીદારીના વિચારને સ્થાન મળ્યું. તેની સફળતા પણ સૌને જોવા મળી. આવા ઉજળા નામોની યાદીમાં હસમુખ શાહનું નામ નિઃસંકોચ ઉમેરી શકાય તેવું છે. અનેક પ્રકારનું યોગદાન અને તે પણ અનેક ક્ષેત્રોમાં કરીને હસમુખભાઈ પોતાનું જીવતર દીપાવી ગયા. સત્તાના વિવિધ સ્થાનોમાં રહીને દિલમાં નિર્ભેળ માનવતાની જ્યોત સદાકાળ જીવંત તેમજ જ્વલંત રાખવી એ નાની સુની વાત નથી.
હસમુખભાઈએ જોયેલું ગામડાનું ચિત્ર એ આપણી ગંગા-જમના સંસ્કૃતિના એક ઉજળા ઉદાહરણ જેવું છે. ગામડામાં કોમ-કોમ વચ્ચેનો હુંફાળો ભાઈચારો એ આપણી સહજ સમજ તથા જીવન જીવવાની રીત હતી. ગામમાં જુદી જુદી જ્ઞાતિઓ ખરી પરંતુ બધા સુમેળથી રહે. રાજવી જે ધર્મ કે કોમના હોય તે જ કોમના રાજ્યના અધિકારીઓને રાખવા તેવી સહેજ પણ વૃત્તિ નહિ. તાજીયા કે મહાવીર સ્વામીના જન્મ-દિવસનો ઓચ્છવ સૌ સાથે મળીને જ ઉજવે તેવી પ્રથા હતી. ઓચ્છવ તો સૌ કોમને જોડે તેમ ઉજવાય. સૌને તેનો પ્રસાદ તથા પ્રસન્નતા સરખા ભાગે મળે. લેખક કહે છે તેમ બજાણાની રોનક જે ૧૯૪૭ સુધી હતી તે પણ પછીથી ક્રમશઃ ઓછી થઇ. હસમુખભાઈ કહે છે : “ગુજરાતના ઇતિહાસની ફૂટનોટમાં પણ અમારા આ બજાણાને સ્થાન નથી”.
મોરારજીભાઈની એક જુદી જ છાપ હસમુખભાઈના પુસ્તકમાંથી મળે છે. મોરારજીભાઈએ પોતાની બચતનું ટ્રસ્ટ કરેલું. બાપદાદાના સમયથી એક ઘર હતું તે ભાઈઓની સંમતિ લઈને ગામની શાળા ચલાવવા માટે ભેટ આપી દીધું હતું. ટ્રસ્ટની નાની એવી વ્યાજની રકમમાંથી પણ જરૂરિયાતમંદોને સહાય આપી દેવાની ઉતાવળમાં મોરારજીભાઈ રહેતા હતા. કોઈ એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીએ મોરારજીભાઇના ફેમિલી ટ્રસ્ટમાંથી અભ્યાસ આગળ વધારવા માટે સ્કોલરશીપની માંગણી કરી હતી. એક બ્યુરોક્રેટની પધ્ધતિ પ્રમાણે હસમુખભાઈએ પુરાવા તરીકે માંગણી કરનાર વિદ્યાર્થીની માર્કશીટ મંગાવવા સૂચન કર્યું. મોરારજીભાઈએ ‘વિશ્વાસથી વહાણ ચાલે’ તેવી કહેવત ટાંકીને આવી નાની રકમ સત્વરે ચૂકવી આપવાનો મત વ્યક્ત કર્યો. અંતે તેમજ કરવામાં આવ્યું. મોરારજીભાઈ કુદરતી ઉપચારોમાં શ્રદ્ધા ધરાવતા હતા તે બાબત જાણીતી છે. તેઓ પ્રધાનમંત્રી હતા ત્યારે એક ભાઈનો પત્ર તેમને મળ્યો. પાકિસ્તાનના સિંધ પ્રદેશના હૈદરાબાદ શહેરથી એ પત્ર આવ્યો હતો. પત્ર લખનારે લખ્યું હતું કે તેની બહેનને કેન્સર થયું છે. દવાઓ આપીને ઘણી સારવાર કરી પરંતુ ફાયદો થયો નથી. આથી તેમણે આ બાબતમાં કોઈ સલાહ આપવા કે ઉપાય સૂચવવા મોરારજીભાઈને વિનંતી કરી. મોરારજીભાઈએ પત્ર વાંચીને પત્ર લખનાર ભાઈ સાથે ટેલિફોન પર વાત કરાવવા પોતાના કાર્યાલયમાં સૂચના આપી. પત્રની વિગતો પરથી સંપર્ક થયો પણ ખરો. મોરારજીભાઈએ શાંતિથી દર્દીની તકલીફો તથા હાલની તેની સ્થિતિની વિગતો જાણી. સલાહ પણ આપી કે દર્દીને માત્ર ખાટી ન હોય તેવી દ્રાક્ષ ખોરાકમાં આપવી. જેટલી દ્રાક્ષ ખાઈ શકે તેટલી આપવી. એ જ ભાઈનો થોડા દિવસ પછી પત્ર આવ્યો કે મોરારજીભાઈએ સૂચવેલી દવા શરુ કરે તે પહેલા જ દર્દી બહેનનું અવસાન થયું હતું. પત્ર લખનાર ભાઈ આભારવશ હતા કે પ્રધાનમંત્રી તરીકેની વ્યસ્તતામાંથી પણ સમય કાઢીને મોરારજીભાઈએ એક અજાણ્યા દર્દીની સારવાર માટે આટલો સમય કાઢ્યો. જો કે આવા કોઈ કામની પ્રસિદ્ધિ ન આપવી તેવી પ્રધાનમંત્રીશ્રીની સ્થાયી સૂચના હતી તેમ પણ હસમુખભાઈએ નોંધ કરી છે. પોતાની સારી બાબતોની પણ પ્રસિદ્ધિ માટે કોઈ ખાસ ખેવના રાખવી તે મોરારજીના વ્યક્તિત્વમાં ન હતું. હસમુખભાઈનો જે માનવતાવાદી તથા સંવેદનશીલ અભિગમ હતો તેનું વાસ્તવિક પગલાંઓમાં પરિવર્તન તેઓ કરી શક્યા. હસમુખભાઈની નિષ્ઠા ઉપરાંત મોરારજીભાઈનો ઉદાર અભિગમ તેના મહત્ત્વના કારણ તરીકે જોવા મળે છે. હસમુખભાઈની સ્મૃતિ વિસ્મૃત થાય તેવી નથી.
વસંત ગઢવી
તા. ૨૫ નવેમ્બર ૨૦૨૨
Leave a comment