ક્ષણના ચણીબોર:વ્યવહારલક્ષીમહાજનપરંપરાનુંઉજળુંઉદાહરણ: કસ્તુરભાઈલાલભાઈ:

     ગુજરાત પોતાના દીર્ઘદ્રષ્ટિવાળા તથા ઉદારતાના ગુણો ધરાવતા ઉદ્યોગપતિઓને કારણે ઉજળું થયું છે. સાહસ સાથે જ સામાન્ય લોકો તરફની સંવેદનશીલતાને કારણે આપણાં આ ઉદ્યોગ સાહસિકો આપણી સ્મૃતિમાં લાંબાકાળથી સચવાઈને રહ્યા છે. ગુજરાતે જગડુ શાહ, રણછોડલાલ છોટાલાલ તથા નાનજી કાલિદાસ મહેતા જેવા અનેક નામાંકિત ઉદ્યોગપતિઓને પોતાની ધરતી પર વિસ્તરતા જોયા છે. નજીકના ભૂતકાળમાં ધીરુભાઈ અંબાણી તથા સાંપ્રત કાળમાં ગૌતમભાઈ અદાણી જેવા ઉદ્યોગવિકાસના મજબૂત વાહકો જોયા છે. આ ઉજળી કડીના એક મજબૂત મણકા સમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હતા. કસ્તુરભાઈનો જન્મ ડિસેમ્બર-૧૮૯૪ના દિવસે અમદાવાદમાં થયો હતો. આથી ડિસેમ્બર માસની આ ઠંડીમાં પણ તેમની સ્મૃતિ ઉષ્માનો અનુભવ કરાવી જાય છે. 

             એક ભવ્ય અને ભાતીગળ ઐતિહાસિક સંદર્ભ કસ્તુરભાઈના જીવન સાથે જોડાયેલો છે. કસ્તુરભાઈ એ કિંવદંતી સમાન ધનિક વેપારી શાંતિદાસ ઝવેરીના દસમી પેઢીના વંશજ હતા. શાંતિદાસ મુગલ શહેનશાહ અકબરના દરબારમાં પ્રથમ કક્ષાના અમીર હતા. દરબારી હતા. ઉપરાંત તેઓ અમદાવાદના નગરશેઠ હતા. એક ઐતિહાસિક ઘટના આપણાં મુરબ્બી ઇતિહાસકાર જયકુમાર શુક્લએ કસ્તુરભાઈના સંદર્ભમાં નોંધી છે. આ કથા પ્રમાણે શહેનશાહ અકબરથી રિસાઈને અમદાવાદ આવેલા બેગમ જોધાબાઈને શાંતિદાસે પુરા આદર સત્કાર સાથે પોતાના મહેલમાં રાખ્યા હતા. તેમની મહેમાનગતિ કરી હતી. તેમને પોતાના બહેન બનાવ્યા હતા. આથી અકબરના પુત્ર શહેનશાહ જહાંગીર શાંતિદાસ શેઠને ‘ઝવેરી મામા’ કહીને બોલાવતા હતા. સંબંધો બાંધવાની તથા તેને નિભાવવાની આ શક્તિ ગુજરાતના ઘણા ઉદ્યોગપતિઓની આગવી શક્તિ રહી છે. તે બાબતનું આ ઉદાહરણ છે. કસ્તુરભાઈનો જન્મ જૈન પરિવારમાં થયો હોવાથી તેમના માતા મોહિનીબા તરફથી જૈન પરંપરાઓના ઉજળા સંસ્કાર કસ્તુરભાઈને બાળપણથી જ મળ્યા હતા. અમદાવાદ શહેરની વ્યવસાયમાં ઉજળી તથા વ્યવહારુ મહાજન પરંપરાઓ હતી તે કસ્તુરભાઈના સ્વભાવમાં ઉતરી હતી. ઉપરાંત સોનામાં સુગંધ ભળે તેમ ગાંધીજી, સરદાર પટેલ તેમજ દાદા સાહેબ માળવંકરના સંપર્કને કારણે દેશભક્તિના દ્રઢ દ્રષ્ટિકોણનું તેમનામાં સિંચન થયું હતું.

               કસ્તુરભાઈના પિતા લાલભાઈ દલપતભાઈને બાપદાદાનો જામેલો વ્યવસાય વારસામાં મળ્યો હતો. સરસપુર તથા રાયપુરની ટેક્સ્ટાઇલ મિલની સ્થાપના કસ્તુરભાઈના પિતા લાલભાઈએ કરી હતી. શરાફીનો ધીકતો વ્યવસાય એ પણ કસ્તુરભાઈનો વારસો હતો. કસ્તુરભાઈએ મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં પોતાના અભ્યાસમાં ખાસ રસ ન લેનાર કસ્તુરભાઈ પિતાના આગ્રહથી અભ્યાસમાં આગળ વધ્યા. દેવદર્શન તથા પૂજનકિર્તનનો વારસો તેમને માતાએ આપ્યો. કોઈ આધુનિક વાહન વ્યવહારના અભાવે ગાડામાં બેસીને તેઓએ વડીલો સાથે યાત્રાઓ કરી. આ પ્રકારની શ્રમ પડે તેવી મુસાફરીઓ તથા યાત્રાઓએ તેમના જીવનનું ઘડતર કર્યું હતું. એક વાત બહુ મહત્વની તેમજ નોંધપાત્ર છે કે એક શ્રીમંત પરિવારના નબીરા હોવા છતાં તેમને વિવેકપૂર્વક નાણાં ખર્ચવાના સંસ્કાર આપવામાં આવ્યા હતા. પિતા લાલભાઈના અકાળે તથા ઓચિંતા જ થયેલા અવસાનને કારણે કસ્તુરભાઈના જીવનમાં કપરા ચઢાણનો પ્રારંભ થયો. મોટો વ્યવસાય તેમજ સમગ્ર કારોવારને આગળ વધારનાર મોવડીના અવસાનથી કસ્તુરભાઈને નાની ઉંમરમાં જ વ્યવસાયની આંટીઘૂંટીઓ ઉકેલવામાં જોડાવું પડ્યું. માતાએ યુવાન પુત્ર કસ્તુરભાઈને કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ છોડી વ્યવસાયમાં જોડાઈ જવા આદેશ કર્યો. અનિચ્છાએ પણ કસ્તુરભાઈએ માતાની ઈચ્છા પ્રમાણે જીવનનો પ્રવાહ બદલ્યો. જો કે ભવિષ્યની ધંધો વિકસાવવાની જરૂરિયાતને લક્ષમાં રાખી એક શિક્ષકની મદદથી ઈંગ્લીશનું શિક્ષણ તેમણે મેળવ્યું. કારકિર્દીના પ્રારંભે તેમણે મિલમાં ટાઈમકીપર તેમજ સ્ટોર્સને સંભાળવાની જવાબદારી સ્વીકારી. પરંતુ આવી સામાન્ય કામગીરીનો જાત અનુભવ લઈને તેઓ વ્યવસાયની નાની મોટી બાબતોને બરાબર સમજતા થયા. વહીવટની નાની મોટી બાબતોને જાતે સમજીને ઉકેલવાનો તેમનો હંમેશાં પ્રયાસ રહેતો હતો. ટેક્સ્ટાઇલ મિલના આ સમગ્ર કારોબારમાં કોટનની પસંદગી એ મહત્વની તથા પાયાની વાત હતી. કોટનની આ પસંદગીનું કાર્ય કસ્તુરભાઈ જાતે કરતા. રૂ ની પરખ કરવાની આ શક્તિ આ કારણોસર તેમનામાં વિકસી હતી. આ માટે તેઓ ગુજરાતના જુદા જુદા કપાસનું ઉત્પાદન કરતા જિલ્લાઓના ગામડાઓની જાતે મુલાકાત કરતા હતા. આટલા ઊંડાણથી રો-મટિરિઅલની ખરીદી કોઈ મિલ માલિક જાતે રસ લઈને કરે તે નવી બાબત હતી. પરંતુ આ કામગીરીથી કસ્તુરભાઈનો આત્મવિશ્વાસ ઘણો મજબૂત થયો હતો. નસીબે પણ સાથ આપ્યો. પહેલા વિશ્વયુદ્ધ(૧૯૧૪)ને કારણે લેંકેશાયર-ઈંગ્લેન્ડથી આવતું કાપડ ઘટ્યું. ભારતના કાપડની માંગ વધી. ખોટ કરતી કાપડની મિલો પણ નફો કરવા લાગી.

             કસ્તુરભાઈની વ્યવસાયિક સફળતા તેમના નીચે જણાવેલ મક્કમ અભિગમથી સફળ થઇ હતી તેમ કહી શકાય. 

૧. ગમે તે ભોગે પોતાની મિલના ઉત્પાદિત માલની ગુણવત્તા જાળવી રાખવી.

૨. લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરી વ્યવસાય ચલાવવો. ટૂંકાગાળાના લાભ માટેની સંકુચિત દ્રષ્ટિ રાખવી નહિ.

૩. વ્યવસાયના દરેક વિભાગનું સંચાલન આ કાર્યના નિષ્ણાતને સોંપવું તેમજ તેમને કામ કરવાની સ્વતંત્રતા આપવી.

૪. મજૂરો સાથેના સમજાવટપૂર્વકના સંબંધોથી વ્યવસાયનો વિકાસ કરવો. મજૂરોની હડતાળને ટાળવાનો આ તેમનો વ્યવહારુ અભિગમ હતો. મહાજન પરંપરાના આ અમૂલ્ય સંસ્કાર હતા. ગુજરાતમાં છેલ્લા અનેક દાયકાઓથી જે ઔદ્યોગિક શાંતિનો અનુભવ થાય છે તેના પાયામાં આવી ઉદાર તેમજ વિશાળ દ્રષ્ટિ હતી. ઘરના વાતાવરણમાં પણ કસ્તુરભાઈના પોતાના ભાઈ-બહેનો સાથેના વ્યવહારોમાં આ સ્નેહસભર તથા સ્વસ્થ દ્રષ્ટિના દર્શન થાય છે. કેમિકલ ઉદ્યોગોના વિકાસમાં પણ તેમણે પાયાનો ભાગ ભજવ્યો હતો.

           દેશ આઝાદ થયા બાદ કંડલા(કચ્છ) બંદરના વિકાસ માટે તેમણે ભારત સરકારને સલાહ આપી હતી. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેઓ ‘ઇન્સ્ટિટ્યૂશન બિલ્ડર’ હતા. અમદાવાદમાં એન્જીનીયરીંગ કોલેજની શરૂઆત તથા પ્રેમાભાઈ હોલને અદ્યતન બનાવવાનું કાર્ય તેમણે કર્યું. જૈન મંદિરોના જીર્ણોદ્ધાર માટે તેમનું મહત્વનું યોગદાન રહ્યું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા. તેમના થકી જ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઇ તથા એચ. એલ. કોમર્સ તથા એલ. ડી. આર્ટસ જેવી શેક્ષણિક સંસ્થાઓનો પ્રારંભ થયો. કસ્તુરભાઈના સ્મરણથી આપણાં માનવતાવાદી ઉદ્યોગપતિઓનું યોગદાન સ્મરણમાં આવે છે.

વસંત ગઢવી

તા. ૧૫ નવેમ્બર ૨૦૨૨    

Leave a comment

Blog at WordPress.com.

Up ↑