વાટે…ઘાટે:ગાંધીજીઅનેઆલ્બર્ટઆઈન્સ્ટાઈન:

   ઉપરના બંને યુગ પ્રભાવી મહામાનવોને એક સાથે યાદ કરતા જ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટે છે. મહાત્માજી અને આઈન્સ્ટાઈન પોતપોતાના ક્ષેત્રમાં જગતને અમૂલ્ય વિચાર તથા આચારનો વારસો આપીને ગયા. જર્મનીમાં જન્મેલા આલ્બર્ટ અને કાઠિયાવાડમાં જન્મેલા ગાંધીએ સર્વ જાણકારી કે જ્ઞાનનું આખરી ધ્યેય સમગ્ર માનવજાતના કલ્યાણ માટે જ હોઈ શકે તેનું પ્રતિપાદન કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાં ‘વિજ્ઞાન અને અહિંસા’ પરની વ્યાખ્યાનમાળા કમલનયન બજાજની સ્મૃતિમાં ૧૯૭૧થી શરુ કરવામાં આવી. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે પ્રોફેસર પી.સી. વૈદ્ય સાહેબે ૧૯૯૨માં ગાંધીજી અને આઈન્સ્ટાઈનના વિજ્ઞાન તથા અહિંસાના વિચારોની સમાનતા-સામ્યતાના સંદર્ભમાં મનનીય પ્રવચન આપ્યું. વૈદ્ય સાહેબના વિચારોની કે વિષયની ગહનતા તેમની પ્રાસાદિક ભાષાશેલીને કારણે વિષયને સમજવો સરળ બને છે. 

                 શાંતિવાદીઓના લંડન ખાતેના મુખ્યમથકમાં ત્રણ વ્યક્તિઓની તસવીરો ગોઠવવામાં આવી છે. આ તસવીરોમાં મોહનદાસ ગાંધી, આલ્બર્ટ સ્વાઈત્ઝર તથા  આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો સમાવેશ થાય છે. મહાત્મા અને આઈન્સ્ટાઈનના વિચારોનો સંબંધ સમજવા માટે વિજ્ઞાન અને અહિંસાની વાત સમજવી પડે છે. દુનિયાના કેટલાક વિકસિત ગણાતા દેશોમાં વિજ્ઞાન વિષે વધારે સામાજિક જાગૃતિ જોઈ શકાય છે પરંતુ આવી સામાજિક જાગૃતિ અહિંસા પરત્વે એ દેશોમાં સમાન માત્રામાં નથી. આપણે ત્યાં બુદ્ધ-મહાવીર તથા અર્વાચીન યુગમાં ગાંધીજીને કારણે અહિંસા વિશે સામાજિક જાગૃતિ છે તેટલી વિજ્ઞાન તથા વિજ્ઞાનના વિષયો સંબંધે નથી. ગાંધીજીએ અહિંસાને સામાજિક સંદર્ભ આપ્યો અને તેનાથી તેની એક ઊંડી અસર સમાજ પર પડી. ગાંધી એક પગલું આગળ ચાલ્યા. અહિંસાના આ સામાજિક સંદર્ભને તેમણે વાસ્તવમાં અમલીકરણમાં મુક્યો. ગાંધીજી પહેલા આવા મૂળભૂત મૂલ્યોને દૈનિક આચાર વિચારમાં વિશાળ ફલક પર મુકવાનો કોઈ પ્રયાસ થયો નથી એમ કહી શકાય. અહિંસા એટલે હિંસાનો અભાવ તેવી નકારાત્મક વાત તેમણે ન કરી. અહિંસાનો તેમણે વ્યાપક સંદર્ભ આપીને પોતાની વાત સ્પષ્ટ કરી. અહિંસા એટલે પ્રાણીમાત્ર તરફની અનુકંપા એ ગાંધીવિચારનું મહત્વનું પાસું હતું. અહિંસા એ વ્યક્તિગત વિષય ન રહેતા દેશની નીતિ સાથે તેને અભિન્ન ભાગે જોડવાની વાત ગાંધીજીએ કરી. 

        વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિથી માનવજાત હંમેશા લાભાન્વિત થઇ છે. આજના સંદર્ભમાં તો તેના અનેક ઉદાહરણો જોઈ શકાય છે. આ પ્રગતિએ આપણાં જીવનને સરળ તથા સલામત બનાવ્યું છે. મોબાઈલના વ્યાપક ઉપયોગથી જેની કલ્પના પણ ન હતી તેવી સુવિધાઓ વ્યાપક રીતે મળતી થઇ છે. આજના સંદર્ભમાં જોઈએ તો આ સુવિધાઓ પરવડે તેવી (affordable) છે તેથી લગભગ સાર્વત્રિક છે. આ સુવિધાઓની કોઈ નકારાત્મક આડઅસરો દેખાતી હોય તો તે દોષ ટેક્નોલોજીનો નથી. સમાજને આ સાધનોના ઉપયોગમાં વિવેક જાળવતા શીખવું જરૂરી છે. 

          આલ્બર્ટનો જન્મ ૧૮૭૯માં થયો. ગાંધીજીનો જન્મ ૧૮૬૯માં થયો. આથી આ બંને મહાનુભાવો લગભગ સમકાલીન રહ્યા. બાળપણમાં આ બંને મહાનુભાવોમાં તીવ્ર બુદ્ધિ પ્રતિભા ન હતી. આલ્બર્ટ બોલતાં પણ ઘણું મોડું શીખ્યા હતા. તેઓ કડકડાટ બોલી શકતા ન હતા. થોડા સમય પછી અલબત્ત તેઓ સરળતાથી બોલતા થયા પરંતુ વિચારીને બોલતા હોય તેમ ધીમે ધીમે શબ્દો છુટા પાડીને બોલતા હતા. તેમની મા વાત્સલ્યભાવથી બાળક માટે કહેતા: “કોઈક દિવસ આ છોકરો મોટો પ્રોફેસર થશે” યાદ કરીએ તો ગાંધીજી પણ પહેલી વખત બોલાવા ઉભા થયા ત્યારે લખેલી સ્ક્રિપ્ટ પણ વાંચી શક્યા ન હતા. સામાન્ય રીતે  આઈન્સ્ટાઈનને ભણવાના વિષયો કંટાળાજનક લાગતા હતા. તેમનું ગણિત તરફ દુર્લક્ષ પણ હતું. પરંતુ જયારે તેમને ભૂમિતિ શીખવવાનું શરુ થયું ત્યારે તેઓને તેમાં ઊંડો રસ જાગૃત થયો. આકૃતિ અને તર્ક વચ્ચેની સંવાદિતાથી તેઓ પ્રભાવિત થયા. વિષય તરફનો તેમનો રસ અને રુચિ જાગૃત થયા. આજ રીતે ભૂમિતિ સમજવામાં ગાંધીજીને મુશ્કેલી હતી. પરંતુ જયારે યુકિલડનો પ્રમેય તેમના ભણવામાં આવ્યો ત્યારે ભૂમિતિમાં તેમનો રસ જાગૃત થયો. ભૂમિતિ તેમને બુદ્ધિના સીધા તથા સરળ ઉપયોગ જેવી લાગી. જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થયા પછી જર્મનીમાં રહેવું મુશ્કેલ થયું. કોઈપણ સરમુખત્યાર કે તાનાશાહને સ્વતંત્ર વિચારક મોટા દુશ્મન જેવો લાગે છે. ૧૯૩૩માં આલ્બર્ટ તથા તેમનું કુટુંબ જર્મની છોડીને અમેરિકા ગયું. તેઓની વિદાય પછી નાઝી પોલીસે આ ‘ચળવળીયા’ વ્યક્તિના ઘરની જડતી લીધી. આઇન્સ્ટાઇને લખેલા કેટલાક કાગળો મળ્યા તેની હોળી કરવામાં આવી. થોડા સમય બાદ જેની ધારણા હતી તે માનવજાત માટે સંહારક તેવું વિશ્વયુદ્ધ શરુ થયું. જર્મનીનો પ્રભાવ અને હિટલરની મહત્વાકાંક્ષાઓએ વિશ્વને વિક્ષુબ્ધ પરિસ્થિતિમાં મૂકી દીધું. એક સમાચાર એવા પણ વહેતા થયા કે પરમાણુનો વિસ્ફોટ કરવામાં જર્મનો સફળ થયા છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન તથા તત્કાલીન અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટના જાણીતા પત્રવ્યવ્હારના માધ્યમથી સ્પષ્ટ થયું કે અમેરિકન વૈજ્ઞાનિકોએ પરમાણુ બૉમ્બ બનાવ્યો. આઈન્સ્ટાઈનના જ્ઞાનથી એક ઘાતક હથિયાર તેના ઉપયોગની મર્યાદા ન જાળવી શકે તેવા લોકોના હાથમાં આવ્યું. હિરોશિમા હત્યાકાંડ અને પરમાણુ શસ્ત્રના ઉપયોગે જગતમાં એક અસાધારણ ભયજનક ચિત્ર ઉભું થયું. એક મૂળભૂત રીતે માનવતાવાદી આલ્બર્ટ હિરોશિમા (જાપાન) પરના હુમલાને વિસરી શક્યા નહિ. તે માટેની પોતાની નૈતિક જવાબદારીનો બોજ દિલમાં રાખીને તેઓ ૧૯૫૫માં ચિરશાંતિમાં પોઢી ગયા. વિજ્ઞાનના દુરુપયોગ સામે તેઓએ જીવનના છેલ્લા વર્ષોમાં જનજાગૃતિનું કાર્ય કર્યું. લગભગ આજ સમયગાળામાં અહિંસાનો સામાજિક સંદર્ભ મજબૂત કરવા માટે તેમજ બે કોમના ઈન્સાનો વચ્ચે ભાઈચારો કેળવવા ગાંધી આફ્રિકા અને ભારતમાં થાક્યા કે હાર્યા વિના કાર્ય કરતા રહ્યા. વિજ્ઞાન અને અહિંસાના સમન્વયની મહત્તા જગતને સમજાવવા ગાંધીજી જીવ્યા ત્યાં સુધી ઝઝૂમતા રહ્યા. આઈન્સ્ટાઈનને ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બનવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું. તેમણે સિફતથી તે આમંત્રણને પાછું ઠેલ્યું. સત્તા પરત્વેની અનાસક્તિએ મોહનદાસ તથા આલ્બર્ટ બંનેના જીવનમાં જોઈ શકાય છે. જગત જેમને કદી વીસરશે નહિ તેવા આ બંને દિગ્ગજ વ્યક્તિત્વ છે. 

વસંત ગઢવી 

તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑