હરિજન હોય તેણે
હેત ઘણું રાખવું,
નિજ નામ ગ્રહીને
નિર્માન રહેવું.
ત્રિવિધનાં તાપને
જાપ જરણા કરી
પરહરી પાપ રામનામ લેવું.
ભક્ત કવિ નરસિંહના પદની સ્મૃતિ તાજી કરાવે તેવી આ પંક્તિઓ ભોજા ભગતની ભક્તિભાવપૂર્ણ કલમેથી ટપકેલી છે. પ્રિન્સિપાલ મનસુખલાલ સાવલિયા લિખિત ‘ભોજા ભગતની વાણી’ પુસ્તક (પ્રવીણ પ્રકાશન-રાજકોટ)નો આસ્વાદ કરવાથી એક અનોખા ભક્તકવિનો માણવા યોગ્ય પરિચય થાય છે. સંતો અને ભક્ત કવિઓએ આપણાં દેશની સંસ્કૃતિ તથા સંસ્કારિતા ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાથ સંપ્રદાયના ઉદય સાથે દેશના જુદા જુદા ભાગોમાં અધ્યાત્મમાર્ગના અનેક ઉપાસકો જોવામાં આવે છે. આ સંતોનું મહત્વનું પ્રદાન એ તેમની સામાન્યજન સુધીની પહોંચ હતી. શાસ્ત્રોની વાણી સામાન્ય લોકને સમજવી મુશ્કેલ હતી. આથી આ સંત-કવિઓની સરળ ભાષા સામાન્ય જન સમુદાયને સમજવી સહેલી હતી. તેઓનું નિરંતર ભ્રમણ પણ તેમને સામાન્ય જનની નિકટ રાખતું હતું. શ્લોક તથા લોક વચ્ચેનું અનુસંધાન સંતકવિઓની વાણીના માધ્યમથી થયું છે. સમાજના શ્રમજીવી વર્ગોમાંથી મોટાભાગના ભક્તકવિઓ થયા. આ કારણસર તેમની વાણી વિશેષ પ્રતીતિજનક તેમજ સામાન્ય જનને આકર્ષણ થાય તેવી હતી, વાસ્તવિક હતી. દંભ કે ભ્રષ્ટાચાર સામેનો સ્પષ્ટ અણગમો આ સંતકવિઓના કાવ્યોમાં છે. બાહ્ય આડંબર કે વિધિવિધાનમાં માનનારા આ સંતો નથી. ભજન કરવું અને ભોજન કરાવવું તે વાતમાં તેમની અતૂટ શ્રદ્ધા છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ એ તેમની સીધી-સાદી સમજ છે.
ભોજા ભગત સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુર પાસેના દેવકી ગાલોલ ગામના હતા તેમ નોંધાયું છે. તેમની કર્મભૂમિ એ અમરેલી જિલ્લાનું ફત્તેપુર ગામ હતું. એક નિરક્ષર ખેડૂતની અનુભુતીમાંથી અમૃતતુલ્ય વાણીનું સર્જન થયું છે. મોટા ભાગના સુપ્રસિદ્ધ થયેલા સંતકવિઓના જીવન સાથે ચમત્કારની કેટલીક ઘટનાઓ જોડવામાં આવે છે. પરંતુ તેના ખરા-ખોટાની ચકાસણીમાં પડ્યા સિવાય પણ આ સંતોની બળુકી તથા સત્વપૂર્ણ વાણીને જ એક ચમત્કાર ગણવો જોઈએ.
ભોજા ભગતની અનેક રચનાઓ પરંપરાગત ઢાળમાં રચાયેલી જોવા મળે છે. તેમની વાણીમાં પણ અખાની વાણીનું જ તેજ જોવા મળે છે. સંતો-ભક્તોની આ સમગ્ર પરંપરામાં ગુરુ મહિમાનો પ્રતાપ ઘણો મોટો છે. પોતાની વાણીનો આ પ્રવાહ સતગુરુની કૃપાના પરિણામે જ વહેતો હોય તેવી તેમની દ્રઢ શ્રદ્ધા છે. ભોજા ભગત લખે છે:
આજ મારે હૈયે હરખ ન માય,
મારે ઘેર આવ્યા ગોકુળીયાના રામ.
ગોકુળના નાથ આવ્યા તેનો અતિ આનંદ છે સાથે સાથે એ વાતનો પણ નમ્રતાપૂર્વક સ્વીકાર છે કે ગુરુ પ્રતાપે જ ગોવિંદ દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
સખી ! ગુરુએ સામા બતાવ્યા છે શામ,
એમ કાંઈ બોલ્યા છે ભોજલરામ.
ભોજા ભગત ઉપર સરસ્વતીની અસીમ કૃપા હતી તે તેમની કાવ્ય ગંગોત્રીનું દર્શન કરતા સમજાય છે. તેમની વાણીમાં અનેક સ્થળોએ પારંપરિક રૂઢ પ્રયોગો જોવા મળે છે. ભક્ત કવિઓ એક અર્થમાં સમાજ સુધારકો હતા. તેમની વાણીમાં કે વર્તનમાં કોઈ જાતિ કે જ્ઞાતિ આધારિત પૂર્વગ્રહ ન હતા. તેઓ અનેક અન્યાયી સામાજિક વ્યવસ્થાઓ સામે બગાવત કરનારા પણ હતા. નરસિંહ મહેતાના જીવનના અનેક પ્રસંગોમાં આ બાબત જોવા મળે છે. નરસિંહ તો પોતાનો બગાવતી ભાવ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત પણ કરે છે.
એવા રે અમે એવા
તમે કહો તો વળી તેવા.
ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા.
ભોજા ભગતનો દેહવિલય ૧૮૫૦માં થયો. ગુજરાતના લોકસમુદાયમાં ભોજા ભગત પ્રસિદ્ધિ તથા પ્રીતિને પામ્યા હતા. અખાના છપ્પાની જેમ ભોજા ભગતના ચાબખા સુપ્રસિદ્ધ છે. આ બાબતમાં એક દોહો કહેવાયો છે.
પ્રીતમપદ, ગરબી દયા, કાફી ધારા મુખ,
પ્રભાતિયાં નરસી તણાં તિમી ભોજલ ચાબૂખ.
હૈયા સોંસરવા ઉતરી જાય તેવા ભોજા ભગતના ચાબખા છે. પોતાને જેવું લાગે તેવું જ સીધેસીધું કહેવાની આ બિન આડંબરી પ્રથા છે.
મૂરખ ! મતિ ફરી તારી રે !
મેલ્યા વિઠ્ઠલ વિસારી રે.
દોલત ભાળી જીવ થયો દીવાનો
બોલે અવળું અહંકારી રે,
પુણ્ય કર્યા વિના પછી તો થઈશ
ભવોભવનો ભિખારી રે.
ભોજા ભગતની મર્મી વાણીની મહાત્મા ગાંધી ઉપરની અસર વિશે મહત્વની ઘટના પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ’ પુસ્તકમાં લખી છે. ગાંધીજીના ભાઈ કરશનદાસના અવસાનના સમાચાર બાપુને આફ્રિકામાં મળ્યા. જે દિવસે આ માઠા સમાચાર આવ્યા તે દિવસની સાંજની પ્રાર્થનામાં સૌએ જોયું કે બાપુના મુખ પર તે દિવસે રોજ જોવા મળતી હતી તેવી પ્રસન્નતા ન હતી. થોડા સમય પછી તેમની ગમગીની વધતા આંખમાંથી આંસુ પણ ખરવા લાગ્યા. પ્રાર્થના પુરી થયા પછી આજે બાપુએ ભોજા ભગતના બે ભજનો સૌને ગવરાવ્યા. પહેલા ભજનના શબ્દો હતા:
પ્રાણિયા ! ભજી લે ને કિરતાર,
આ તો સપનું છે સંસાર.
ભોજા ભગતના બીજા ભજનમાં એક જુદો પણ પ્રાસંગિક ભાવ જોવા મળે છે.
જીવને શ્વાસ તણી સગાઇ,
ઘરમાં ઘડી ન રાખે ભાઈ.
ભજનનો પાઠ પૂરો થયા પછી બાપુએ ભોજા ભગતના શબ્દોનું વિવેચન કરતાં કહ્યું કે શરીરની સગાઇ શ્વાસ રહે ત્યાં સુધીની જ છે. શ્વાસ છૂટ્યા પછી શરીરની સગાઇ પણ ફોક થાય છે. બાપુએ કહ્યું કે ભોજા ભગતના આ શબ્દો સમજીને તેને જીવનમાં ભૂલવા ન જોઈએ. ઈશ્વર જે કરે તેનું માઠું કેમ લાગે ! બાપુને આ શબ્દો બોલ્યા પછી મનનો ઉભરો ઠાલવીને રાહત મળી હોય તેમ લાગતું હતું. જેની નોંધ પ્રભુદાસ ગાંધીએ કરી છે. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગના ઉદયકાળે (૧૭૮૫માં તેમનો જન્મ) ભોજલરામનો શબ્દ પ્રગટ થયો છે અને શાશ્વતીને વર્યો છે. મોટા મોટા બંધોના પાણી નહેરો વાટે ખેતર-વાડી સુધી પહોંચે છે. આ રીતે જ આ સંતોની વાણીમાંથી શાસ્ત્રોનો પ્રવાહ લોકજીવન સુધી પહોંચી શક્યો છે. સંતોની વાણી થકી સમાજ જીવન ઉન્નત થયું છે.
વસંત ગઢવી
તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૨
Leave a comment