કુદરતે સૃષ્ટિનું સર્જન કરીને કરામત કરી છે તેમ અનેક વખતે લાગ્યા કરે છે. ભાતીગળ પ્રકૃતિ તથા એટલું જ ભાતીગળ લોકજીવન એ આ ધરતીની નિરંતર શોભા રહેલી છે. કાશ્મીરને લીલાછમ લચકતા તેમજ સૌંદર્યવાન લોકજીવનની લહાણ મળી છે. બંગાળની સુજલામ સુફલામ ધરતીની અનેરી શોભા છે. આકાશપંખી જેવા બાઉલોની વાણી બંગાળના લોકજીવનની અનોખી સુગંધ છે. મારવાડ તથા મેવાડની સંસ્કૃતિ તેના મીઠા લોકગાનના શબ્દોમાં વહેતી રહી છે. ગુજરાતને પ્રકૃતિએ નવરંગ ચૂંદડી હેત કરીને ઓઢાડી છે. મેર-આહીરોના ગોપબાળોના અનોખા નૃત્યથી યોગેશ્વર કૃષ્ણ પણ મોહિત થયા છે. મેઘાણી અને કવિ કાગ જેવા સમર્થ સર્જકોની વાણી થકી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના ધોધ છૂટ્યા છે. આ લોકસાહિત્ય લોકો માટે પારકું કે અજાણ્યું નથી. લોકજીવનના વિવિધ રંગો જ લોકસાહિત્યમાં પ્રગટ થયા છે. લોકસાહિત્ય એ જીવનની હાડમારીઓમાંથી પણ નિર્ભેળ આનંદનો અનુભવ કરાવે છે. બાંધકામ ચાલતું હોય ત્યાં ટિપ્પણ કરતા કરતા પણ મજૂરી કરીને ગુજરાન ચલાવતી બહેનોએ ગાયું છે. શ્રમને પણ ઉલ્લાસમાં પરિવર્તિત કર્યો છે. ધોબીએ નદીની ભેખડોમાં કપડાં ધોતા પણ પડઘાના સુરે પોતાનો તાલ મેળવ્યો છે. સવારના પહોરમાં ઘંટીએ દળતાં કે દહીં વલોવતા માતા, ભગિની કે પુત્રવધૂએ કામણગારા કાનને પ્રસન્ન કરવા ગાયું છે. સીમંતના પ્રસંગે ગવાતા મધુર ગીતોથી ગર્ભમાં બેઠેલા બાળકને પણ રસપાન કરાવ્યું છે. આ ગીતોના રચનારા કોણ હશે? એમણે કદી કાગળ અને કલમ લઈને લખ્યું હોય તેમ લાગતું નથી. અનંત કાળથી આ ગીતો લોકજીવનમાંથી સર્જાતા રહ્યા છે. વહેતા અને ઝીલતા રહ્યા છે. મેઘાણીએ લખ્યું કે પ્રેમાનંદ અને નરસિંહ પૂર્વે કેટ-કેટલો કાળ વીંધીને આ સ્વરો ચાલ્યા આવે છે. મોટાભાગની આ કંઠસ્થ કૃતિઓના સર્જક કોણ હશે તેની જાણ કદી થતી નથી. લોકજીવન સાથે જ લોકસાહિત્ય વિકસ્યું છે અને સચવાયું છે. લોક શાશ્વત છે તેથી આ લોકસાહિત્યનું પણ શાશ્વત અસ્તિત્વ છે. આ સાહિત્ય એ લોકોની સંપદા છે. લોકોના ઉલ્લાસ અને લોકવેદના પણ તેમાંથી જ પ્રગટે છે. લોક એ શાશ્વત અને પોતપોતાના કાલખંડના સંદર્ભમાં પ્રસ્તુત છે તેમજ લોકસાહિત્ય પણ દરેક સમયે પ્રસ્તુત છે. લોકસાહિત્ય એ અગણિત લોકની મૂલ્યવાન સંપત્તિ છે. આ સાહિત્યના સર્જન અને સંવર્ધનનો સ્ત્રોત લોક છે.
લોકજીવન સાથે લોકોને જ પ્રબળ રીતે અસરકર્તા હોય તેવા ગીતો તેમજ ભાતીગળ લોકકથાઓ લોક-જીવનમાંથી પ્રગટ્યા છે. જળ અને જીવનનો અભિન્ન સંબંધ રહ્યો છે. ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં પાણીનું મૂલ્ય તેમજ પાણીની અછત વિશે વાતો થયા કરે છે. માત્ર આપણાં દેશમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક ભાગોમાં પીવાનું શુદ્ધ પાણી મેળવવાનો પ્રશ્ન એ પડકારરૂપ બન્યો છે. લોકસાહિત્યના સંદર્ભમાં જોઈએ તો પીવાનું પાણી મેળવવા માટે અનેક તકલીફો સહન કરતી સાસરે આવેલી દીકરી દાદાને સંદેશ આપે છે. પિતાને કહેવામાં આમન્યા જાળવવી પડે. માતાને સંદેશ દઈએ તો તેનું હૈયું દીકરીનું દુઃખ સાંભળીને ભાંગી પડે. આથી દાદાને સંદેશો આપે છે. દાદા મિત્ર છે. તેમનું વાત્સલ્ય સદાયે સાંત્વના અને હૈયાધારણ આપનારું છે. આથી આ સંદેશો છે:
દાદા હો દીકરી
વાગડમાં નવ દેશો રે સઈ,
વાગડની વઢિયારી સાસુ દોયલી રે.
ઓશીકે ઈંઢોણી વહુના
પાંગતે સીંચણિયું રે સઈ,
સામા તે ઓરડીયે
વહુ તમારું બેડલું રે…દાદા હો !
પાણી મેળવવા માટે વલખા મારતી આપણી આ દીકરી કે વહુના મનોભાવ લોકસાહિત્યે આબેહૂબ ઝીલ્યા છે. અહીં પાણી માટે સ્વૈચ્છિક બલિદાનની પણ અમર ગાથાઓ છે. જુદા જુદા કાળમાં તેની જુદી જુદી કથાઓ સાંભળવા મળે છે. વઢવાણની વાવમાં પાણી આવે તે ઉમદા હેતુથી ક્ષત્રિય યુવાન તથા તેની યુવાન જીવનસાથી નાના બાળકનો પણ મોહ છોડીને બલિદાન આપે છે. અનેક જળાશયો એ આપણાં ખરા અર્થમાં જળ-મંદિરો છે. બહેનોએ ઘર માટેના પાણીનું વ્યવસ્થાપન કરવામાં મુખ્ય ભાગ ભજવવાનો હોય છે. તેથી લોકસાહિત્યની આ કથા-ગીતકથાઓ બહેનોના ઉલ્લાસ કે જીવનની વિષમતાઓના વિષાદને વ્યક્ત કરતી રહે છે. પાણીની આ સ્થિતિમાં આજે પણ સ્થિતિ જુદી નથી. મુંબઈમાં અમે(અદાણી ફાઉન્ડેશન) મહિલાઓને સ્વનિર્ભર કરવા એક ‘સ્વાભિમાન’ નામથી પ્રોજેક્ટ ચલાવીએ છીએ. રાજ્ય સરકારની પણ તેમાં ભાગીદારી છે. મુંબઈમાં બેસીને આ પ્રોજેક્ટની વિગત સમજતો હતો ત્યારે અમારા ફિલ્ડ સ્ટાફના બહેનોએ સરસ વાત કરી. તેમણેકહ્યું કે ‘સ્વાભિમાન’ પ્રોજેક્ટમાં જોડાઈને સ્વનિર્ભર થવા અમે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં બહેનોની સભા કરીએ છીએ. તેમને પ્રોજેક્ટના ફાયદાઓની સમજ આપીએ છીએ. પરંતુ એક મહત્વની વાત કરતા તેમણે કહ્યું કે બહેનોની જૂથસભાઓનો સમય જયારે પણ નક્કી કરીએ ત્યારે એ વિસ્તારમાં મહાનગરપાલિકાના નળનું પાણી ક્યારે આવે છે તેની ખરાઈ કરીને તથા એ સમયગાળાને બાદ કરીને મીટીંગનો સમય નક્કી કરીએ છીએ. બહેનોની પહેલી ચિંતા કે જવાબદારી કુટુંબના સભ્યો માટે પૂરતું પાણી મેળવવાની છે. તે સમયે બીજી કોઈ અગ્રતા ન હોય. આ રીતે જુઓ તો બહેનો અને પાણીનો આ અભિન્ન નાતો જે લોકગીતોમાં ગવાયો છે તે આજે પણ એટલો જ જીવંત તથા પ્રસ્તુત છે. રાજ્ય સરકારે પણ ગામડાઓની પાણી સમિતિઓમાં મહિલાઓનું વર્ચસ્વ જળવાય તેવી તેની માળખાકીય રચના કરી છે. લોકગીતોમાં જે ગવાયું છે તેનું જ પ્રતિબિંબ આ બાબતમાં ઝીલાયા કરે છે.
સમગ્ર લોકસાહિત્યમાં ગોપસંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ તથા ક્ષાત્ર સંસ્કૃતિની મુખ્ય ધારાઓ સાથે અનેક પ્રવાહ ભળ્યા છે. આ પ્રવાહો સાથે વહેતી આ સાહિત્યની અખંડ ધારા છે. સંતવાણી એ પણ આ સાહિત્યની જ એક અદકેરી શોભા છે. અહીં જ ગંગાસતીએ પાનબાઈના માધ્યમથી આપણને એક લોકભાષાના મંગળ અને સૌ કોઈ માટે કલ્યાણકારી વાણી પ્રવાહને વહેતો કર્યો છે. ગંગાસતીની આ વાણીને લોક ઉપનિષદ કહીએ તો પણ એ યથાર્થ ગણાશે.
વચન વિવેકી જે
નર ને નારી પાનબાઈ !
બ્રહ્માદિક લાગે તેણે પાયરે.
વચન વિવેકી અને વચનના મૂલ્યને સમજનારા લોકોને જ સમાજે માન-મરતબો અને મહત્તા આપ્યા છે. વચનની કટુતા કે અવિચારી વેણ મહાભારતનું સર્જન કરી શકે છે તેનો પુરાવો શાસ્ત્રો આપે છે. વચન-વિવેક કે વાણીના મૂલ્યનું મહત્વ આજના વ્યાપક સોસીયલ મીડિયાના યુગમાં અનેક ગણું વધી જાય છે. આથી આ સંતવાણીની શીખ વર્ષોના વહાણાં વાઈ ગયા હોવા છતાં એટલી જ પ્રસ્તુત છે. ધ્યાનમાં લેવા યોગ્ય છે. અનુભવ અને અનુભૂતિની આ વાણી દીર્ઘ કાળ માટે પ્રસ્તુત છે. લોકજીવનને સંબંધિત હોય તેવી જ લોકકથાઓનો રૂપાળો થાળ એ આ સાહિત્યનો જ એક ભાગ છે. ઝવેરચંદ મેઘાણી ઉપરાંત દુલેરાય કારાણી, પુષ્કર ચંદરવાકર, જયમલ્લ પરમાર તથા કાનજી ભૂટા બારોટ જેવા સમર્થ વાહકોના માધ્યમથી આ કથાઓ જગતના ચોકમાં રજુ કરવામાં આવે છે. સંત સાહિત્યમાં શિરમોર એવા ચલાળાના દાના ભગતનો કેવો મહિમા છે?
જીરાણેથી જાગવે, સાજા કરે શરીર,
જાડીયલ હોય જંજીર, ભાંગે લઇ દાનો ભગત.
જેમના સ્મરણથી જીવનની જંજીરો તથા આસક્તિ અને કાયરતા છૂટી જાય તેવા સંતોના જીવનના ઊંચા મૂલ્યોની આ વાતો છે. આવા સંતોની ભૂમિ એ જ પ્રત્યક્ષ રૂપમાં પ્રયાગરાજ છે.
ગંગા જમના ગોમતી
કાશી પંથ કેદાર
અડસઠ તીરથ એકઠા
દાન તણે દરબાર
સાધુ સંતોની ધૂણીમાંથી અન્નદાનની ઉદારતા પ્રગટી છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ એ જ તેમના જીવનનો કર્મ મંત્ર છે. સમાજના શ્રમજીવી વર્ગમાંથી આવતા કર્મનિષ્ઠ લોકોએ અન્નદાનના મહિમાને અધિક ઉજ્વળ કર્યો છે. આ સાધુ-સંતોની ભક્તિમાં જાહોજલાલી નથી પરંતુ શ્રમનું ગૌરવ અને અન્નદાનની ઉદારતા છે. વણકર કબીરે પોતાના તાણાંવાણાંમાં સમગ્ર સૃષ્ટિના ડહાપણને વણી લીધું છે.
લોકકથાઓમાં શૂરવીરતા અને સ્વાપર્ણની વાતો સંઘરાઇને પડી છે. આક્રમણકારીઓની મોટી સેના સામે પ્રચંડ સંઘર્ષ કરી જાનફેસાની કરનાર હમીરજી ગોહિલ અને વેગડા ભીલની કથાઓ લોકસાહિત્યમાં ગૂંથાઇને પડી છે. જોગીદાસ ખુમાણ જેવા નેક અને ટેક વાળા બહારવટિયાઓ એ ખરેખર તો શોર્ય અને ઉદારતાની ઉજ્વળ મશાલ જેવા છે. પોતાને થયેલા અન્યાય સામે તેમણે જરૂર સંઘર્ષ કર્યો છે. હાડમારી વેઠી છે. પરંતુ તેમના જીવનમાં લોક માટે કે જેમની સામે સંઘર્ષ છે તે રાજવી માટે કડવાશ કે કુભાવ નથી. આ પ્રકારના સદગુણો એ દરેક કાળમાં માનવજીવનને ગૌરવ અપાવનારા છે. આથી તે કોઈ પણ કાળમાં પ્રસ્તુત છે. આવકારવા જેવા છે.
સામાન્ય લોકોની અસામાન્ય વાતો આપણાં લોકસાહિત્યમાં સચવાઈને પડી છે. આ વસ્તુઓ-સદગુણો ભિન્ન છે. તેની પરખ કદાચ બધાને ન પણ હોય. છતાં તેનું મૂલ્ય ઓછું થતું નથી. મેઘાણીની ઉજળી પ્રતિભા આ સંદર્ભમાં અચૂક યાદ આવે.
તારી રે જણશું વીરા જુદીયું
એ….જી એના જુદા જાણણ હાર,
જુઠા રે નામ એના પાડીશ નહિ
ભલે ન મળે કોઈ લેનાર…
જી..જી..જી..જી.. શબ્દનો વેપાર.
શબ્દની જ્યાં શિરમોર પ્રતિષ્ઠા છે તેમજ જેનો ધરાતલ સાથે સંબંધ છે. તે સાહિત્ય સદાકાળ જીવંત અને પ્રસ્તુત રહેશે તેવું હંમેશા અનુભવી શકાય છે.
વસંત ગઢવી
તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૨
Leave a comment