રસિકભાઈ પરીખ:માનવતાપ્રેમીલોકનેતાનીપાવનસ્મૃતિ:

  રસિકભાઈ પરીખના વસિયતનામાના દરેક શબ્દમાં એક ગરવાઇ તથા વિવેકની છાંટ અનુભવી શકાય છે. તેઓ લખે છે:

     “ભારત જયારે પરદેશી હકુમત-બ્રિટનના રાજકીય આધિપત્યમાં હતું અને દેશી રાજ્યોમાં વસનારા અમે સૌ બદતર સ્થિતિમાં હતા ત્યારે જન્મવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું… આ મારો વારસો છે. તે મારા સંતાનોને સોંપવા માંગુ છું…આ પરિવર્તિત સ્થિતિમાં આપણાં કરતા ઓછા ભાગ્યશાળી લોકોને સહાય કરવાનું આપણું વલણ હોવું જોઈએ. સુશીલ પત્ની સાથેનું મારુ જીવન ભર્યું ભાદર્યું રહ્યું છે… હું ઈચ્છું કે મારા સંતાનો પોતાના અને બીજાના ગૌરવને પ્રાધાન્ય આપતા જીવનને અનુસરે…”

                  માનવમાત્રના ગૌરવની ચિંતા સેવનાર આ રાજકીય પુરુષને તથા તેના યોગદાનને વિસરવા જેવું નથી. સત્તા મેળવવા માટે કંઈ પણ કરી છૂટવામાં છોછ ન રાખવાના આજના યુગમાં રસિકભાઈના વલણની વાત જાણવા જેવી છે. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું તે સમયની આ વાત છે. સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈ હતા. ઢેબરભાઈની વરણી રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના પ્રમુખ તરીકે થતાં સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન નક્કી કરવાનો સમય આવ્યો. રસિકભાઈનું નામ આ હોદ્દા માટે સૂચવવામાં આવ્યું. કોઈ વિરોધ કે ભિન્ન સુર ન હોવાથી રસિકભાઈનું મુખ્યમંત્રી થવાનું નક્કી હતું. પરંતુ રસિકભાઇએ પોતાના વરિષ્ઠ સાથી બળવંતભાઈ મહેતાને ફોન કરી તેમને મુખ્યપ્રધાન તરીકે આવવા વિનંતી કરી. કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઢેબરભાઈની હાજરીમાં જ આ ફોન રસિકભાઇએ કર્યો. બળવંતભાઈ મહેતા દિલ્હીમાં હતા. ત્યાંથી તેમણે જવાબ આપ્યો કે તેમણે લોકસભાના સભ્ય તરીકે સંસદના કામમાં રસ છે અને તેથી મુખ્યપ્રધાન થવામાં રસ નથી. જે સહજતાથી આ સંવાદ થયો તેમાં રાજકિય જીવનના ઊંચા મૂલ્યોનું દર્શન થાય છે. રસિકભાઈ તથા બળવંતભાઈ એ બંને પક્ષે હાથવગી સત્તા છોડવા માટેની તૈયારી એ તેમની વિચારશૈલી તથા વિવેકનું દર્શન કરાવે છે. ગાંધીના વિચારોની છાપ પણ તેમાં જોઈ શકાય છે. લંડન સ્થિત સુપ્રસિદ્ધ હેરોલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં સ્નાતક થઈને બેરિસ્ટરની તૈયારી કરતા રસિકભાઈ ગર્ભશ્રીમંત કુટુંબના નબીરા હતા. આઝાદીની લડતમાં જોડાવા અભ્યાસ છોડી દેશમાં પાછા આવ્યા હતા. આમ છતાં મોહનલાલ મહેતા(સોપાન) એ લખ્યું છે તેમ આવી પૂર્વભૂમિકા હોવા છતાં રસિકભાઈ ગાંધીજીના આદર્શોથી પુરેપુરા રંગાયેલા હતા. રસિકભાઈના જીવન તથા તેમના કાર્યો વિષે રસપ્રદ માહિતી ‘અભિજાત રાજપુરુષ: રસિકલાલ પરીખ’માંથી મળે છે. પુસ્તકનું પ્રકાશન સુરેન્દ્રનગર વિકાસ સંસ્થાને કરેલું છે.(૨૦૦૨)

              આ પુસ્તકના એક સંપાદક અરવિંદભાઈ આચાર્ય ગુજરાત વિધાનસભાના સભ્ય હતા તેમજ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખ પણ હતા. ખુબ જ સ્નેહાળ તથા સંવેદનશીલ સ્વભાવના અરવિંદભાઈ રાજકીય જીવનમાં ભૂલા પડેલા કોઈ ઓલિયા પુરુષ હતા. મીઠું પકવતા અગરિયાઓ તથા વિચરતી જાતિઓના કલ્યાણના કામો કરવા તે અરવિંદભાઈ માટે અગ્રતા હતી. રસિકભાઈ સાથેના તેમના સંસ્મરણોને વાગોળતા અરવિંદભાઈએ એક પ્રસંગ લખ્યો છે જે રસિકલાલ પરીખ જેવા મોટા ગજાના નેતાની સામાન્ય માણસ માટેની નિસબતનો ખ્યાલ આપે છે. આ પ્રસંગ અરવિંદભાઈ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખ હતા તે સમયનો છે. અરવિંદ આચાર્યએ તેમના પર આવેલા પત્રોમાં વરિષ્ટ અને સન્માનપાત્ર સાથી રસિકભાઈનો પત્ર જોયો. પત્રમાં રસિકભાઈનો આક્રોશ ખુલ્લી રીતે પ્રગટ થયો હતો. આમ ગુસ્સો વ્યક્ત કરવાનું કારણ એ હતું કે જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષકો તરીકે કામ કરતા દિલીપ રાણપુરા તથા તેમના પત્ની સવિતા રાણપુરાની બાબતમાં તંત્રે બેદરકારી દાખવી હતી. સવિતા બહેનને કેન્સરની ગંભીર બીમારી હોવા છતાં તેમની રજા માટેની માંગણી મંજુર થઇ ન હતી. આ પ્રકારના કિસ્સાઓમાં તંત્રની લાપરવાહી એ આપણી વ્યવસ્થાની મોટી ઉણપ છે. પરંતુ રસિકભાઈના ગળે આ વાત શી રીતે ઉતરે ! તંત્રમાં બેઠેલાં તમે સૌ રાક્ષસ છો.” એવું કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. નિયમ અનુસાર રજા મંજુર કરવાની કાર્યવાહી તુમારશાહીમાં અટકી હતી. અરવિંદભાઈ પણ સંવેદનશીલ એટલે જાતે રસ લઈને રજા મંજુર કરાવી. પરંતુ તંત્ર જો પ્રજાલક્ષી ન હોય તો તેની સાથે દ્રઢતાથી કામ લેવાની શક્તિ રસિકભાઈમાં હતી. આથી તેમની આવી જ અપેક્ષા આપણાં વહીવટીતંત્ર પાસેથી હંમેશા રહેતી હતી. તેમ ન થયું તેથી તેમણે અરવિંદભાઈને પત્ર લખી પોતાનો ઉભરો ઠાલવ્યો. સરદાર પટેલ જેવી તેમની દ્રઢતાથી વહીવટ ચલાવવાની રીત હતી. ૧૯૪૮થી ૧૯૬૩ સુધી સત્તાના એક અથવા બીજા પદ સાથે જોડાયેલા રહ્યા. મુલાયમતા સાથે જ મક્કમતા એ રસિકભાઈના જન્મજાત  ગુણ હતા.

                સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેની સામે મહત્વના પડકાર હતા. રસિકભાઈ રાજ્યના ગૃહમંત્રી હતા. આખા દેશમાં ૫૨૬ રજવાડાઓ તેમાં સૌરાષ્ટ્ર એકલામાં જ ૨૨૨ નાના-મોટા દેશી રજવાડાઓ હતા. સૌરાષ્ટ્રના મહેનતકશ ખેડૂતો જમીનના માલિક ન હતા. ગિરાસદારોનું પ્રભુત્વ હતું. ઢેબરભાઈ મુખ્યમંત્રી તથા રસિકભાઈના રાત-દિવસના પ્રયાસ પછી ગિરાસદારીની નાબુદીના કાયદાઓ થયા. ઘણાં બધા ગિરાસદારોનો પણ પ્રજાના હિતમાં હોય તેવો પ્રતિસાદ મળ્યો. ઢેબરભાઈની સમજાવટ અને રસિક્ભાઇની કુનેહ તેમજ મક્કમતાને કારણે ખેડૂતો-શ્રમિકોને ખેતીની જમીનના માલિકી હક્કો મળ્યા. આ એક મોટી અહિંસક ક્રાંતિ હતી. આમ થયું ન હોત તો ભવિષ્યમાં બંગાળમાં થયું તેવું નક્સલવાદનું હિંસક આંદોલન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ થયું હોત. કેટલાક ટૂંકી દ્રષ્ટિવાળા રાજવીઓએ ભુપત જેવા ડાકુઓને પ્રોત્સાહન પણ આપ્યું. પરંતુ ગૃહમંત્રી રસિક્ભાઇની મક્કમતાથી કામ લેવાની શક્તિને કારણે જમીન સુધારણાના આ કાયદાઓનો સફળ અમલ થઇ શક્યો. કોઈ જગાએ ધાડ પડે તો જાતને પણ જોખમમાં મૂકીને ઘટના સ્થળે જવાનું રસિકભાઈનું મનોબળ અસાધારણ હતું. સૌરાષ્ટ્રમાં જમીન સુધારણાના કાયદાઓનું જે રીતે અમલીકરણ થયું તે આજે પણ અભ્યાસ કરવા જેવો વિષય છે. જનમતને જાગૃત કરવાના પ્રયાસો આ સંપૂર્ણ કાર્યની એક પાયાની બાબત છે. ઢેબરભાઈ તથા રસિક્ભાઇની કુનેહથી દેશી રજવાડાના રાજવીઓ પણ ઘણાં કિસ્સાઓમાં સંમતિથી પોતાનો બાપદાદાનો ગરાસ છોડવા માટે તૈયાર થયા. સમજાવટથી બાપદાદાની કિંમતી જમીનો છોડવી તે સાધારણ બાબત નથી. પેઢીઓનું પ્રભુત્વ તથા આસક્તિ એ બંને છોડવા રાજવીઓ લાંબી સમજાવટથી સંમત થયા. રસિકભાઈ તથા ઢેબરભાઈના પક્ષે બતાવવામાં આવેલી સૂઝ તથા ઉમદા હેતુ માટે કામ કઢાવવાની શક્તિનું તેમાં દર્શન થાય છે. સામા પક્ષે રાજવીઓ પણ આવનારા કાળનું દર્શન કરી શક્ય અને ઉદારતા તેમજ ગરિમાનું દર્શન કરાવી શક્યા તે તેમની મોટપ દર્શાવે છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થયા બાદના ડો. જીવરાજ મહેતાના પ્રધાનમંડળમાં પણ રસિકભાઇએ ગૃહમંત્રી તરીકેની મહત્વની કામગીરી કરી. 

                          સૌરાષ્ટ્ર રાજ્યની સરકારે પ્રજાહિતના સારા કાર્યો કર્યા તેમ સાર્વત્રિક રીતે સ્વીકારાયું છે. તેના કારણમાં ઢેબરભાઈ તથા રસિકભાઈ જેવા નેતાઓનો ઉમદા વહીવટ છે. લોકસંસ્કૃતિના જતન તેમજ સંવર્ધનનું કાર્ય આ સરકારમાં રહીને જ રતુભાઇ અદાણીએ કર્યું. ૧૯૫૫માં રાજકોટને રેડિયો સ્ટેશન મળ્યું તેમાં માહિતી વિભાગના મંત્રી તરીકે રસિકભાઈનું મોટું પ્રદાન હતું. બૃહદ મુંબઈ રાજ્યના યશવંતરાવ ચૌહાણના મંત્રીમંડળમાં પણ રસિકભાઇએ તેમના અનુભવો ‘જન્મભૂમિ’ તથા ‘ફૂલછાબ’માં લખ્યા હતા. ૧૯૭૧માં તેઓ લોકસભામાં ચૂંટાઈને ગયા હતા. મે-૧૯૧૦થી ૧ ફેબ્રુઆરી-૧૯૮૦ સુધી તેમનો જીવનકાળ રહ્યો. સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ થયેલી લીંબડીની લડતમાં પણ રસિકભાઈનો સિંહફાળો હતો. જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે લોકશક્તિ જાગૃત કરવાના આ પ્રયાસ હતા. તેમાં હિંસા સામે ગાંધીજી પ્રેરિત વીરતાની અહિંસાના દર્શન થતાં હતા.

           સૌરાષ્ટ્રનું બૃહદ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સંબંધમાં રસિકભાઇએ લખેલા એક લેખમાં લાલબહાદુર શાસ્ત્રીનું અવલોકન ટાંકવામાં આવ્યું છે જે મહત્વનું છે. શાસ્ત્રીજી અમરગઢ ટી.બી. હોસ્પિટલના એક વિભાગનું ઉદઘાટન કરવા આવ્યા હતા. ભાવનગરથી અમરગઢ જતાં તેમણે રસિક્ભાઈને પૂછ્યું કે મુંબઈ રાજ્યમાં જોડાવા તમે શા માટે સંમતિ આપી? સૌરાષ્ટ્ર રાજ્યનો વહીવટ વધારે સારો હતો તેવું શાસ્ત્રીજીનું મંતવ્ય હતું. આવી ઉમદા છાપ એ પણ ઢેબરભાઈ, રસિકભાઈ તથા રતુભાઇ અદાણીની કાર્ય કરવાની તેમજ પ્રશ્નો ઉકેલવાની શૈલીને કારણે નિર્માણ થઇ હતી.

              ગુજરાતના સનદી અધિકારીઓમાં હરિહરભાઈ જોશી તેમજ સી.સી. ડોક્ટર મહત્વના અધિકારીઓ છે. તેમની એક વિશિષ્ટ છાપ છે. આ બંને અધિકારીઓએ રસિક્ભાઇની કામ કરવાની તેમજ કામ લેવાની કુનેહને આદરપૂર્વક યાદ કરી છે. સી. સી. ડોક્ટરે સ્મૃતિ વાગોળતા લખ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પર રસિક્ભાઈને સત્કારવા આવેલા એક પોલીસ અધિકારીએ રસિકભાઈના હાથમાંથી તેમની હેન્ડબેગ લેવા કોશિષ કરી. બેગ ઉચકવા તે અધિકારીએ આગ્રહ પણ રાખ્યો. રસિકભાઈનો સ્પષ્ટ ઉત્તર હતો કે વર્દી પહેરેલા અધિકારી આ રીતે સમાન ઊંચકે તે યોગ્ય નથી. દરેક પ્રશ્નને તટસ્થતાપૂર્વક મુલવવાની રસિક્ભાઇની શક્તિ અધિકારીઓ માટે આકર્ષક તથા પ્રેરણાદાયી હતી. સૌરાષ્ટ્ર સરકારની કામગીરી કરવાની પધ્ધતિ અંગે કુલીનચંદ્ર યાજ્ઞિકે લખેલા સંભારણા જોતાં પણ આવી જ છાપ ઉભી થાય છે. ચૂંટાયેલા આગેવાનો તથા નિષ્ઠાવાન અને સ્પષ્ટવક્તા અધિકારીઓની એક આખી પેઢીનું અહીં રમણીય દર્શન થાય છે. 

               સરકારના મીડિયા જગત સાથેના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. સ્વતંત્ર મીડિયા સાથેના સંબંધોમાં તટસ્થતા જાળવવાની બાબત વિશ્વના જુદા જુદા દેશોમાં જુદી જુદી સ્થિતિ જોવા મળે છે. આ સંબંધમાં રસિકભાઈ તથા તે સમયના પ્રજાકીય આગેવાનો તથા સામી બાજુ પત્રકાર જગતના મોભીઓના સંબંધ બાબતમાં સુપ્રસિદ્ધ પત્રકાર-તંત્રી ભુપતભાઇ વડોદરિયાએ સુંદર સંભારણા લખ્યા છે. ૧૯૫૦માં બીજી ઓક્ટોબરે રાજકોટથી ‘ફૂલછાબ’ દૈનિકનું પ્રકાશન શરુ થયું. ભુપતભાઈ ઉપરાંત મોહંમદ માંકડ, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા તેમાં મુખ્યત્વે હતા. સૌરાષ્ટ્રની પ્રજા સમક્ષ સ્વરાજ્ય ધર્મની તેમજ કોંગ્રેસની દીર્ઘદ્રષ્ટિ પહોંચાડવા માટે ‘ફૂલછાબ’ એક અસરકારક માધ્યમ બન્યું હતું. તેનો ફેલાવો તથા વિશ્વસનીયતા પણ સારા હતા. ‘ફૂલછાબ’ તરફથી એક ઐતિહાસિક નવલકથા હપ્તાવાર પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી. તંત્રી ભુપત વડોદરિયાનો આ નિર્ણય હતો. રસિકભાઈ પરીખ તથા રતુભાઇ અદાણીને આ નવલકથાના લેખકની રાજકીય વિચારધારા સંબંધે નારાજગી હતી. બંને નેતાઓએ પોતાની નારાજગી ભુપતભાઇ સમક્ષ તથા મુંબઈ સ્થિત ‘ફૂલછાબ’ના મેનેજમેન્ટ સમક્ષ કરી. મુંબઈ મેનેજમેન્ટમાંથી શાંતિલાલ શાહનો એક પત્ર રસિકભાઈ પર લખવામાં  આવ્યો. ભૂપતભાઈને સૂચના આપવામાં આવી કે આ પત્ર લઇ તેમણે રસિક્ભાઈને મળવા જવું. બંધ કવરમાં પત્ર લઈને ભુપતભાઇ જઈને રસિક્ભાઈને મળે છે. પત્રમાં મેનેજમેન્ટનું દ્રષ્ટિબિંદુ તથા તંત્રીની સ્વતંત્રતા બાબત આદરપૂર્વક છતાં સ્પષ્ટતાથી વાત લખવામાં આવી હતી. રસિકભાઇએ સંપૂર્ણ ખેલદિલી સાથે ઉભા થઈને ભુપતભાઇ ખભા પર સ્નેહથી હાથ મુક્યો. આ બાબતને એક ગેરસમજ ગણવા જણાવ્યું. ભૂપતભાઈને પોતાના નિર્ણય મુજબ આગળ વધવા કહ્યું. રતુભાઈએ પણ સરખું જ વલણ લીધું. મમતને તથા સત્તાને બાજુએ રાખી હેતુલક્ષી નિર્ણયો ગરીમાપૂર્વક કરવાના વલણનું અહીં દર્શન થાય છે. ભુપતભાઇ પર રસિકભાઈના વ્યક્તિત્વની છાપ પડી તેને શબ્દોમાં ઉતારતા તેઓ લખે છે. “એક સદ્ગ્રહસ્થનું મોહક રૂપ હતું. એક પણ કરચલી વગરના ખાદીના પોશાકમાં એમની ટટ્ટાર મૂર્તિને કોઈ જુએ તો કોઈ ગ્રીક ઇતિહાસનું પ્રભાવશાળી પાત્ર લાગે.”

     સૌરાષ્ટ્રના ગૃહપ્રધાન તેમજ પછીથી મુખ્યપ્રધાન તથા બૃહદ મુંબઈ રાજ્યના અગ્રણી મંત્રી રસિકભાઈ પ્રજાલક્ષી ઉમદા વહીવટના આઝાદીના પ્રારંભ કાળે જ એક પ્રેરણાદાયક ઉદાહરણ સમાન હતા. વહીવટ-GOVERNANCE – એ કોઈ પણ રાજ્ય વ્યવસ્થામાં કોઈ પણ સમયે પ્રસ્તુત તેમજ મહત્વની બાબત છે. રસિકભાઈનું ચરિત્ર તેથી આજે પણ સાંપ્રત છે. પ્રેરણાદાયક છે. 

વસંત ગઢવી

તા. ૬ ઓક્ટોબર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑