:ઝાલાવાડનીશાન: પથાબાપાનીડેલી:

   સમગ્ર ગુજરાતની ધરોહરમાં ઝાલાવાડના ઇતિહાસનું એક વિશેષ મૂલ્ય છે. ‘આવળ-બાવળ-કેર-બોરડી’ના પ્રદેશ તરીકે કવિ પ્રજારામ રાવળે જે પ્રદેશની ઓળખ કરાવી છે તે પ્રદેશમાં અનેક મોંઘેરાં રત્નો થયા છે. રાજકીય-આર્થિક તથા સામાજિક ક્ષેત્રોમાં અનેક ઝળહળતા સિતારાઓ ઝાલાવાડમાં થયા છે. તેમની અસર પણ આવા ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે રહી છે. સ્વામી આનંદ કે રાજ્યકવિ શંકરદાનજી જેવા અનેક દિગ્ગજોનું તત્કાલીન કાળમાં યોગદાન સ્મૃતિમાં કાયમ રહે તેવું છે. ઝાલાવાડના ઇતિહાસના એક ભાગ તરીકે મૂળીનું આગવું મૂલ્ય છે. મુળી એટલે આમ તો પ્રસાદીનું ગામ ગણાય. ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આગ્રહથી અનેક મંદિરોનું નિર્માણ કરનાર સદગુરુ બ્રહ્માનન્દ સ્વામીનો એક વિશેષ નાતો તથા સંપર્ક મુળી સાથે રહ્યો છે. આવું ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મુળીમાં છેક ૧૯૩૬માં એટલે કે નવેક દાયકા પહેલા એક સંમેલન થયેલું જેની અનેક વાતો પ્રવિણદાનજી બૉક્ષા તેમજ અન્ય પણ કેટલાક જાણકાર લોકો પાસે સાંભળવા મળી છે. બૉક્ષા સાહેબ તરફથી એક પત્ર આ સંદર્ભમાં જોવા મળ્યો તેનું પણ એક ઐતિહાસિક મૂલ્ય છે. આ પત્ર લીંબડી કવિરાજ અને મોટા ગજાના વિદ્વાન શંકરદાનજી દેથાએ મોઢેરાના જ્ઞાનસમૃઘ્ધ આગેવાન ખેતસિંહજી મીસણને લખેલો છે. પત્રમાં મુળીમાં થયેલા આ સંમેલન વિષે વાત કરવામાં આવી છે. સંમેલનની સફળતા તેમજ તેમાં થયેલી સરભરની વિગતો વાંચીને આશ્ચર્ય તેમજ અહોભાવ થાય છે. કવિરાજ શંકરદાનજીએ લખ્યું છે:

              “મુળી સંમેલન ખુબ જ સારી રીતે થયું. મૂળીના આગેવાન ચારણોએ કરેલી વ્યવસ્થા છક કરી નાખે તેવી હતી. ત્રણેય દિવસ મિષ્ટાન તેમજ અથાણાં પાપડ સુધીની સગવડ આ લોકોએ કરી હતી. ૪૦૦ માણસોની સગવડ તો તેમણે અગાઉથી કરી રાખી હતી. પરંતુ સંમેલનમાં આવનારા માણસો થોડા ઓછા થયાં તેથી તેમને(મુળી સમાજને) મનની મનમાં રહી તેવી લાગણી થઇ હશે.” પત્ર તા.૧૧-૦૬-૧૯૩૬ના દિવસે લીંબડીથી લખાયો છે. ચારણ હિતવર્ધક સભાના પત્રવ્યવહારનો એક ભાગ હોય તેમ પત્ર જોતા જણાય છે. મૂળીના ચારણોની સુવાસના કારણે મુળી ઉપરાંત બીજા ગામોના આગેવાનો પણ આ સંમેલનમાં ઉત્સાહભેર હાજર રહેલા હતા. મૂળીના ઠાકોર સાહેબ, મુળી સ્વામી નારાયણ મંદિરના સંતો તેમજ ભગતના ગામના(સાયલા) મહારાજનો પણ તેમાં પૂરો સહયોગ રહ્યો. મૂળીના આપણાં સમાજની સુવાસની અહીં પ્રતીતિ થાય છે. મૂળીના સમાજની સુવાસ તથા શક્તિ સિવાય નેવું વર્ષ પહેલાં આવું આયોજન થઇ શક્યું ન હોત. આ સમગ્ર સંમેલનની વ્યવસ્થામાં કેન્દ્રસ્થાને પ્રભુદાનજી બૉક્ષા રહ્યા છે. ચારણપાની ડેલીનો જે ભાતીગળ ઇતિહાસ આપણે જાણી શક્યા છીએ તેનું અનુસંધાન અહીંયા દેખાય છે. ડેલીની આ ઉજળી પરંપરામાં પ્રભુદાન બાપુ એક મજબૂત તથા મહત્વના મણકા સમાન છે. સંમેલનમાં કવિ કાગ-ભગતબાપુ-તેમજ ઠારણભાઇ મહેડુ જેવા સમર્થ લોકો હાજર રહ્યા હતા. આટલા બધા વર્ષો પહેલા નાના એવા ગામમાં આટલી મોટી વ્યવસ્થા કરવામાં આવી તેમાં પ્રભુદાનબાપુની કુનેહ તથા ઔદાર્ય તેમજ મુળી સમાજની ઊંડી સમજના દર્શન થાય છે. મુળી મુકામે મળેલા આ અધિવેશનનું નિમંત્રણ કાર્ડ પણ ઐતિહાસિક છે. તા. ૧૧-૦૫-૧૯૩૬ના દિવસે આ નિમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. તેમાં નિમંત્રકો તરીકે પિંગળશી પાતાભાઈ નરેલા, કવિ કાગ, કવિરાજ શંકરદાનજી દેથા તેમજ પ્રભુદાનજી બૉક્ષા જેવા દિગ્ગજ લોકોના નામ નિમઁત્રકો તરીકેના છે. નિમંત્રણ ચારણ હિતવર્ધક સભા, ભાવનગર તરફથી આપવામાં આવેલું છે. 

           પ્રભુદાનજીના બે પુત્રો પથાભાઈ બૉક્ષા તેમજ શિવદાનજી બૉક્ષાનો પરિચય સમાજને આપવો પડે તેમ નથી. બંને સ્વયં પ્રકાશિત મહાનુભાવો છે. પથાભાઈ સાહેબ સમગ્ર કુટુંબના વટવૃક્ષ સમાન હતા. તેમની છાયા અને હુંફમાં અનેક વડવાઈઓ પાંગરી હતી. એક નખશીખ સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા બાપા શિક્ષકો માટે રોલમોડેલ ગણી શકાય તેવા શિક્ષક હતા.બાપા માટે સુપ્રસિદ્ધ માસિક ‘અખંડ આનંદ’માં ઓગસ્ટ-૨૦૧૯માં પ્રવીણભાઈ વૈષ્ણવ નામના સજ્જને લેખ લખ્યો છે તેમાંની કેટલીક વિગતો ઉડીને આંખે વળગે તેવી છે. વૈષ્ણવ લખે છે કે અમારા આ હેડમાસ્તર પથાભાઈ સાહેબની છબી મનમાં ઊંડે સુધી અંકિત થયેલી છે. ૧૯૪૩માં તેઓ પથાભાઈ પાસે ભણ્યાં હતા. પથાભાઈ સાહેબને સમાજ ‘બાપા’ તરીકે ઓળખે છે. વૈષ્ણવ લખે છે કે બટનવાળો સફેદ કોટ, ધોતિયું અને માથે સફેદ પાઘડી એ સાહેબનો હંમેશનો પહેરવેશ હતો. બાપા ભોજનમાં માત્ર બાજરીનો રોટલો અને દૂધ લેતા તેવું એક વિદ્યાર્થીનું અડધી સદી પહેલાની વાતનું અવલોકન કેટલું યથાર્થ અને પ્રભાવી લાગે છે ! સાહેબના અંગ્રેજી વિષય પરના પ્રભુત્વથી પ્રવીણભાઈ વૈષ્ણવ ખાસ્સા પ્રભાવિત થયેલા છે. અંગ્રેજી ઉપરાંત સાહેબ સંસ્કૃત પણ શીખવતા હતા. સાહેબ એકલા રહેતા પણ પોતાના અંગત કામ માટે શાળાના કર્મચારીની કે વિદ્યાર્થીની કદી સેવા લેતા ન હતા તેવી વાત વૈષ્ણવે લખી છે. ‘બાપા’નું સાદું જીવન તથા ઉચ્ચવિચારની એક મજબૂત પ્રણાલીનો અહીં ખ્યાલ આવે છે. વર્ગમાં ખુબ ખંત તેમજ એકાગ્રતાથી વિદ્યાર્થીઓને ભણાવવાની બાપાની પધ્ધતિ હતી. વિદ્યાર્થોને ડિક્ટેશન આપી જયારે વિદ્યાર્થીઓ લખતા હોય ત્યારે પથાભાઈ સાહેબ વર્ગમાં સતત ફરતા રહેતા હતા. આ રીતે ફરતા ફરતા પણ તેઓ ‘ચંડીપાઠ’ના સંસ્કૃત શ્લોક નીચા પણ મધુર અવાજથી ગણગણતા હતા. વિદ્યાર્થીઓને પણ આવા ઉત્તમ શ્લોક અનાયાસે જ સાંભળીને યાદ રહી જતા હતા. બાપા વિશેની આવી જ વાતો મારી એક દિલ્હીથી અમદાવાદની ટ્રેઈનની સફરમાં સાંભળવા મળી હતી. બાપાના એક જુના વિદ્યાર્થી અનાયાસે ટ્રેઈનમાં મળી ગયા. બાપા સાથેના અમારા સંબંધો છે તેની વાતવાતમાં જાણ થતાં તેઓ ભૂતકાળની સ્મૃતિઓમાં ખોવાઈ ગયા હતા. જીવનનો મોટો ભાગ તેમણે જર્મનીમાં ગાળ્યો હતો પરંતુ તેઓ બાપા અને ચોટીલાની શાળાને ભૂલ્યા ન હતા. બાપા શાળામાંથી નિવૃત્ત થયા ત્યારે તેમનું સન્માન કરીને તેમને નાણાંકીય ભેટ આપવામાં આવી હતી. જે સ્વાભાવિક ક્રમ હતો. બાપાની ઉદારતા એવી કે એ ભેટમાં મળેલી રકમમાં નોંધપાત્ર રકમ ઉમેરીને તેમણે નાણાં શાળાને આદરસહ પાછા આપ્યા હતા. આ નાણાંનો ઉપયોગ તેમણે શાળાના હોંશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે કરવો તેવી સૂચના પણ આપી હતી. બાળકો તરફના બાપાના અગાધ સ્નેહની અનેક વાતો બહેન શ્રી રતનબા બહેન(મોડ) પાસેથી સાંભળવા મળી છે, સાહેબની નિયમિતતા વિષે પણ ઊંચો અભિપ્રાય પ્રવીણભાઈ વૈષ્ણવે લખ્યો છે. પરંતુ બાપાની દરેક કામમાં નિયમિતતાનો અનુભવ તો મૂળીના ચારણપાના તમામ લોકોને થયો હતો. પથાભાઈ તથા શિવદાનભાઈની વિશાળ ખેતીવાડીને સંભાળવા માટે ખેતર કે વાડીએ જવાના કામમાં પણ બાપાની આટલી જ નિયમિતતા હતી. સગાવહાલા કે સ્નેહીઓ સાથેના વ્યવહારમાં બાપા તેમજ શિવદાનબાપુ ઉજળા ઉદાહરણો સમાન હતા. પૂજ્ય બાપાના આવા સ્નેહાળ વ્યવહારનો અનુભવ તો મને કોલેજના પ્રથમ વર્ષમાં ભણતો હતો ત્યારે જ થયો છે. આ અનુભવની સ્મૃતિ આજે પણ જળવાઈ રહી છે. શિવદાનજીના વિવેક તેમજ ઉદારતાની અનેક વાતો મારા પિતાશ્રી પાસેથી સાંભળી છે. શિવદાનજી એક ઉત્તમ તથા સદા હિતકારી સજ્જન છે તેમ અનેક પ્રસંગો ટાંકીને મારા પિતાશ્રી સમજાવતા હતા. જો કે શિવદાનબાપુની કવિતા શક્તિ વિષે એક અલગ લેખ લખી શકાય તેમ છે. શિવદાનજી નાનભા તરીકે ઓળખાતા હતા. તેમનું અવસાન દુર્ભાગ્યે વહેલું થયું. નાનભા ગયા તેનો ઊંડો વસવસો અનેક લોકોને થયો. આવા લોકોની લાગણીને કવિરાજ શંકરદાનજીએ સુંદર શબ્દોમાં વાચા આપી છે. સ્મૃતિના આધારે અહીં આ શબ્દોને ફરી લખ્યા છે.  

ડાહ્યો, ઠાયો ને ડાંખરો

વળી શાણોને શીલવાન.

મૂળીમાંથી મર્દ ગયો

શિવલોકે શિવદાન.

ભેળા થાશે ભલભલા

ગઢવી જયાં ગુણવાન,

ત્યાં સૌ સ્નેહી સ્વજનને

સાંભરશે શિવદાન.

             બાપા, નાનભા તેમજ મૂળીની આ ડેલીની વાત શુકદેવભાઈ મહીકરણભાઈએ માણવી ગમે તેવા સુંદર શબ્દોમાં આલેખી છે. 

સંસ્કારોની ધરોહર સમી,

આ ઇમારત અલબેલી,

ચારણ કુળની શાન સમી

આ પથાબાપુની ડેલી

સોનલમાએ અહીં પધારી

કેવી કૃપા કરેલી

ચારણકુળની પ્રતિભા સમી

હજુ ઉભી છે ડેલી.

લુપ્ત થતી આ સંસ્કૃતિનો

કોણ થશે ભાઈ બેલી

વર્ષો જશે પણ અમર

રહેશે,  લોક હ્ર્દયમાં ડેલી.

              મુરબ્બી શુકદેવભાઈના સુંદર કાવ્યની કેટલીક પંક્તિઓ વાંચતા પણ અંતરમાં અહોભાવ અનુભવી શકાય છે. આ ડેલીના સંસ્કારનો પ્રતિસાદ હોય તેવી હરિરસની ગ્રંથયાત્રા મુરબ્બી અચલદાનજી બૉક્ષાએ આયોજિત કરી તેના આપણે સાક્ષી છીએ. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ એક અનોખી ગ્રંથયાત્રા હતી જેને દરેક સમાજના લોકોએ ઉલ્લાસભેર વધાવી હતી. બાપા અને નાનભાના આત્માને પ્રસન્નતા આપે તેવું આ કાર્ય હતું. અચલદાનજી તથા તેમની ટીમે આ કાર્ય પાર પાડ્યું હતું. આજે પણ હરિરસની સ્વાધ્યાય સભા એટલા જ જુસ્સા અને પ્રતિબદ્ધતાથી ચાલી રહી છે. હરિરસ ગ્રંથનું મહત્વ તો હતું જ પરંતુ તેનો પ્રવાહ ગામેગામ પહોંચી શક્યો તે આ યાત્રાનું મહત્વ હતું. 

            આજના સંદર્ભમાં જોઈએ તો સુખ સગવડના અનેક સાધનો આપણને ઉપલબ્ધ થયા છે. સમાજની આર્થિક સ્થિતિ તેમજ શિક્ષણના સ્તરમાં પણ વ્યાપક સુધારો નરી આંખે જોઈ શકાય તેવો છે પરંતુ આ સ્થિતિમાં કોઈક વાર જાણે અજાણ્યે સંસ્કારિતા, સહીષણુતા તેમજ સહનશીલતાની ઉણપ દેખાય છે. આવી અનિચ્છનીય બાબતોનું પ્રમાણ ઓછું હોય તો પણ તેને ઉગતું ડામવાનો પ્રયાસ કરવાની આપણી ફરજ બને છે. સૌનો સહયોગ અહીં અનિવાર્ય છે. પ્રભુદાનબાપુ કે પથાબાપા જેવા ઉજળા વ્યક્તિત્વોનું સ્મરણ કરવાનો આજ ઉદ્દેશ છે. જે સંસ્કારો જાળવીને તેઓ જીવ્યા તેની કડી નબળી ન થાય તે વાત સમજવાની આપણી ફરજ છે. આપણાં પ્રયાસો ખરાં દિલથી હશે તો મઢડાવાળી માતના આશીર્વાદ આપણને બળ અને દિશા આપતા રહેશે.

વસંત ગઢવી 

તા. ૬ ઓક્ટોબર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑